ઘટતા વ્યાજદરના સમયમાં વરિષ્ઠ નાગરિકોએ ક્યાં રોકાણ કરવું એના વિકલ્પો આ રહ્યા

27 April, 2025 04:16 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

વ્યાજદરમાં ઘટાડો શરૂ થયો છે તેથી અત્યારે ૨૦થી ૨૫ બેઝિસ પૉઇન્ટ ઓછા દરે ત્રણથી પાંચ વર્ષ માટે રોકાણ કરી લેવાય તો ભવિષ્યમાં આવનારા બીજા ઘટાડાથી બચી જવાશે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રિઝર્વ બૅન્ક આગામી થોડા સમય માટે વ્યાજદરને યથાવત્ રાખે અથવા તો એમાં થોડો વધુ ઘટાડો કરે એવી સંભાવના છે. આવા સમયમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજની આવક પર નિર્ભર વરિષ્ઠ નાગરિકોએ અન્ય સાધનો તરફ નજર કરવી જોઈએ.

રિઝર્વ બૅન્કે નીતિવિષયક વ્યાજદર ઘટાડ્યા એને પગલે અનેક બૅન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. અન્યો પણ એનું અનુકરણ કરે એવી શક્યતા છે. વર્તમાન સંજોગોમાં વરિષ્ઠ નાગરિકોએ આ મુદ્દા ધ્યાનમાં રાખવાઃ

ભારતમાં વ્યાજદરમાં એકતરફી ફેરફાર કરવાનું ચક્ર સામાન્ય રીતે બેથી ત્રણ વર્ષનું હોય છે. હાલમાં જ વ્યાજદરમાં ઘટાડો શરૂ થયો છે તેથી અત્યારે ૨૦થી ૨૫ બેઝિસ પૉઇન્ટ ઓછા દરે ત્રણથી પાંચ વર્ષ માટે રોકાણ કરી લેવાય તો ભવિષ્યમાં આવનારા બીજા ઘટાડાથી બચી જવાશે. 

નાની બચતનાં સાધનો અનેક બૅન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધારે વળતર આપનારાં હોય છે. દાખલા તરીકે સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં પાંચ વર્ષની મુદત માટે કરાયેલા રોકાણ પર ૮.૨ ટકાના દરે વ્યાજ મળે છે, જેની ચુકવણી રોકાણકારને દર ત્રણ મહિને કરવામાં આવે છે. આ સાધનમાં એક વરિષ્ઠ નાગરિક મહત્તમ ૩૦ લાખ અને દંપતી મળીને કુલ ૬૦ લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.

નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યોજનામાં વાર્ષિક ૭.૭ ટકા વ્યાજદર છે. એનું વ્યાજ વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ પામે છે અને પાકતી મુદતે એકસામટું ચૂકવવામાં આવે છે.

પોસ્ટ ઑફિસ મન્થ્લી ઇન્કમ સ્કીમમાં પાંચ વર્ષની મુદત માટેનો વ્યાજદર ૭.૪ ટકા છે અને એનું વ્યાજ દર મહિને ચૂકવવામાં આવે છે.

જેઓ ફક્ત ફિક્સ્ડ ડિપોઝિટમાં જ સલામત રોકાણ કરવા માગે છે તેમના માટે અમુક બૅન્કોમાં પાંચથી દસ વર્ષની મુદત માટેનો વ્યાજદર ૭.૫ ટકા છે.

ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવામાં આવે તો પ્રોફેશનલ ફન્ડ મૅનેજમેન્ટનો લાભ મળે છે. એકથી ત્રણ વર્ષની મુદતનાં ફન્ડ્સમાં પ્રવાહિતા પણ સારી હોય છે અને એમાં પાંચથી ૬ ટકાનું વળતર છૂટે છે.

‘ટ્રિપલ એ’ રેટિંગ ધરાવતાં કૉર્પોરેટ બૉન્ડ ફન્ડ્સમાં પણ રોકાણ કરી શકાય છે, જેમાં સાધારણપણે ૬થી ૭ ટકાનું વળતર મળી રહે છે.

ડાયનૅમિક બૉન્ડ ફન્ડ્સ વ્યાજદરના ફેરફાર માટેના અંદાજ મુજબ રોકાણની મુદત બદલાવતાં રહે છે. એનાથી વૉલેટિલિટીના સમયમાં મૂડીનું ધોવાણ થતું અટકે છે. 

રોકાણ માટે ઉપલબ્ધ રકમમાંથી ૧૦થી ૨૦ ટકા જેટલી રકમ બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ જેવાં ઇક્વિટી લિન્ક્ડ સાધનમાં રોકી શકાય. આ પ્રકારના ફન્ડમાં ફન્ડ-મૅનેજર ઇક્વિટી અને ડેટ રોકાણ વચ્ચે સંતુલન સાધવાનું કામ કરતા હોય છે.

લાર્જ કૅપ અથવા ઇન્ડેક્સ ફન્ડ્સમાં પણ પ્રત્યક્ષપણે ઇક્વિટીમાં રોકાણ કરવાનો વિકલ્પ હોય છે, જેમાં પ્રમાણમાં સ્થિર અને સારું વળતર મળવાની શક્યતા હોય છે.

કોઈ પણ રોકાણકારે ઓછું રેટિંગ ધરાવતાં સાધનોમાં રોકાણ કરવું જ નહીં, કેમ કે એમાં ઊંચું વળતર મળવાની શક્યતા હોવા છતાં મૂડી ગુમાવવાનું જોખમ હોય છે.

mutual fund investment foreign direct investment finance news reserve bank of india national stock exchange columnists gujarati mid-day mumbai