05 September, 2023 09:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મોટા પાયે થતી દીર્ઘ અને ઉગ્ર તપશ્ચર્યાઓ, સામૂહિક 99 યાત્રા, ઉપધાન, ચોવિહાર, છઠ સાથે સાતયાત્રા વગેરે અનુષ્ઠાનોમાં આપણને જોડાવાનું મન થતું હોય તો એનું મુખ્ય કારણ સંઘ છે અને આવાં ઉત્કૃષ્ટ અનુષ્ઠાનો નિર્વિઘ્ને પાર થતાં હોય તો સંઘના આલંબને જ એ પૂર્ણ થાય છે
સંઘ પૂજાઃ જૈન ધર્મમાં શ્રી સંઘનો અદ્ભુત મહિમા છે. વ્યવહાર સૂત્ર નામના આગમમાં શ્રી સંઘને પચીસમા તીર્થંકરની ઉપમા આપી છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ સંઘના ચાર પ્રકાર છે. આ ચારેય પ્રકારના સંઘની વર્ષમાં એક વાર અવશ્ય પૂજા-ભક્તિ કરવી જોઈએ.
શ્રી સંઘની ભક્તિ માટે શક્તિ હોય તો સકળ સંઘના ઘરે પગલાં કરાવવાં જોઈએ. ગુરુભગવંતોને યોગ્ય ઉપકરણ વહોરાવવાં જોઈએ તથા શ્રાવક-શ્રાવિકાનું રૂપા, નાણાં, વસ્ત્રાદિથી બહુમાન કરવું જોઈએ. શક્તિ ન હોય તો સાધુ-સાધ્વીજીને એક મુહપત્તી અને શ્રાવક-શ્રાવિકાને તિલક કરી સોપારી આપીને પણ આ કર્તવ્ય સાચવવું જોઈએ.
સંઘની ભક્તથી શ્રી સંઘે કરેલી આરાધનાની અનુમોદનાનો લાભ મળે છે. અરે, શ્રી સંઘમાં કોઈ આત્મા ભવિષ્યના તીર્થંકર, ગણધર કે કેવલી પણ હોઈ શકે. આવા મહાન આત્માઓના લાભ સંઘની ભક્તિથી પ્રાપ્ત થાય છે એટલું જ નહીં, આપણી પોતાની આરાધનામાં પણ શ્રી સંઘ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્તમાનમાં મોટા પાયે થતી દીર્ઘ અને ઉગ્ર તપશ્ચર્યાઓ, સામૂહિક 99 યાત્રા, ઉપધાન, ચોવિહાર, છઠ સાથે સાતયાત્રા વગેરે અનુષ્ઠાનોમાં આપણને જોડાવાનું મન થતું હોય તો એનું મુખ્ય કારણ સંઘ છે અને આવાં ઉત્કૃષ્ટ અનુષ્ઠાનો નિર્વિઘ્ને પાર થતાં હોય તો સંઘના આલંબને જ એ પૂર્ણ થાય છે.
પણ દુઃખની વાત એ છે કે વર્તનમાનમાં મુંબઈ, સુરત જેવાં મહાનગરોમાં જૈનોને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં, ટાવરોમાં જવાનો જે ગાંડો શોખ થયો છે એથી શ્રાવકો લગભગ સંઘથી, સામૂહિક અનુષ્ઠાનો અને જિનવાણી જેવા જીવનપરિવર્તક આચારોથી દૂર થવા લાગ્યા છે. ટાવરોમાં ઉપાશ્રયના અભાવે સામૂહિક આરાધના કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત નથી થતો. બિલ્ડરે બાંધી આપેલા જિનમંદિરમાં દર્શન-પૂજા કરીને તેઓ સંઘથી દૂર થઈ રહ્યા છે. ક્યારેક તો મોટા ટાવરમાં એવું બને છે કે જ્યાં એક શ્રાવકને બીજા શ્રાવકનો પરિચય પણ નથી હોતો. જૈન સંઘ માટે આ ખતરાની ઘંટી છે. આજે મોટા-મોટા સંઘો સંખ્યાથી, સંપત્તિથી તૂટી રહ્યા છે. સાવધાન. નવું ઘર લેતાં પૂર્વે જિનાલયની જેમ શ્રાવકોએ ઉપાશ્રય, સંઘ વગેરેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
સાધર્મિક ભક્તિઃ જેનો ધર્મ સમાન હોય એને સાધર્મિક કહેવાય. એક કુટુંબ, એક જ્ઞાતિની વ્યક્તિ આપણને મળે તો આનંદ થાય છે. તો એક જ ધર્મની વ્યક્તિ મળે તો આનંદ કેમ ન થાય? જો ન થાય તો આપણા સમ્યકતત્ત્વમાં શંકા છે.
વર્ષમાં એક વાર સાધર્મિકની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. શ્રી સંઘમાં જ્યારે પણ મોટા પ્રસંગે સાધર્મિક વાત્સલ્ય ગોઠવાય ત્યારે સંપૂર્ણ અથવા શક્તિ અનુસાર લાભ લઈ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ.
એક ખુલાસો કરી દઉં. અહીં સાધર્મિક એટલે જેનો ધર્મ સમાન હોય એ બે શ્રાવક પરસ્પર સાધર્મિક કહેવાય. પણ અફસોસ, આજે સાધર્મિકની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. એની વાત આવતી કાલના લેખમાં કરીશું.