એક હતી શ્રદ્ધાઃ તમને પાડવામાં આવતી ના હંમેશાં ખરાબ હોય એવું જ શું કામ ધારી લેવાનું?

24 November, 2022 03:40 PM IST  |  Mumbai | Manoj Joshi

તમે સાચા નથી હોતા ત્યારે જ તમને કહેવામાં આવે છે અને જીવનસાથીની પસંદગીની બાબતમાં તમારા કરતાં તમારાં માબાપ વધારે યોગ્ય અને જવાબદાર છે,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મેરા વાલા અલગ હૈ...

આવું માનતી દીકરીઓને એક વાત ખાસ કહેવાની કે તમારા મનમાં આ જે વિચાર છે એ વિચાર માટે જરા પણ આસમાનમાં ઊડવાની જરૂર નથી. દુનિયા આખી, આ તબક્કે એવું જ માનતી હોય છે કે તમારી પાસે જે છે એ આહલાદક છે, પણ વાસ્તવિકતા સાથે એને કંઈ લેવાદેવા ન હોય એવું પણ બની શકે છે અને એની સંભાવના પણ વધારે છે.

પ્રેમમાં હોઈએ ત્યારે બધું સારું જ આંખ સામે આવતું રહે એવું બની શકે છે અને એ જ્યારે પણ બને ત્યારે બીજા ખોટા એવું પણ બની શકે છે, પણ હકીકત જરા જુદી હોય છે અને એ હકીકત ત્યારે જ સમજાય જ્યારે તમે આંખ પરથી અંજાયેલી અવસ્થાના ચશ્મા ઊતારીને ફેંકી દો. તમે પ્રેમ કર્યો છે તો એ પ્રેમને એના સ્થાને અકબંધ રાખીને જરા એ પણ વિચારો કે તમારી જેમ જ, તમારા પરિવારે પણ તમને પ્રેમ કર્યો છે અને દશકાઓથી કરતા આવે છે. આજે એક બાબત માટે તમારા પર ખીજ નીકળે કે પછી ગુસ્સો કરવાની પ્રક્રિયા ઘટે તો એનો અર્થ બિલકુલ એવો નથી કે તેમને તમારા માટે પ્રેમ નથી.

પ્રેમ હોય ત્યાં જ ગુસ્સો હોય એ વાતને તમે તમારા બૉયફ્રેન્ડ પૂરતી સીમિત રાખી શકો છો અને તેના ગુસ્સાને પણ મનોમન વાજબી ગણી લો છો તો કેવી રીતે એવું બને કે તમારા પિતાનો ગુસ્સો વાજબી નહીં? કેવી રીતે એવું બની શકે કે તમારી માતાનો ગુસ્સો ગેરવાજબી? સાવ ખોટી વાત છે અને આવી ખોટી વાત તમારી આંખ સામે આવે ત્યારે તમારે તમારી જાતને પહેલું પૂછવાનું છે કે મનમાં જે અકળામણ જન્મી છે એનું સાચું કારણ શું છે અને કયું છે?

ગમતું કરવા ન મળે ત્યારે માણસ અકળાતો હોય છે અને તમે તો હજુ યંગબ્લડ છો. સ્વભાવિક રીતે તમારામાં તો એ અકળામણ વધારે જ રહેવાની એટલે નૅચરલી, જ્યારે તમને રોકવામાં આવે છે, ટોકવામાં આવે છે ત્યારે તમને એ નથી ગમતું, પણ નથી ગમતું એનો અર્થ એવો પણ નથી થતો કે તમે સાચા છો. તમે સાચા નથી હોતા ત્યારે જ તમને કહેવામાં આવે છે અને જીવનસાથીની પસંદગીની બાબતમાં તમારા કરતાં તમારાં માબાપ વધારે યોગ્ય અને જવાબદાર છે, તો પછી શું કામ તમે એ દિશામાં તેમને આગળ ન કરો? કરવાં જ જોઈએ અને કરવાની સાથોસાથ તમારે તેમના વિચારોને માન પણ આપવું જોઈએ. જો તમે એ કામ ન કરી શકો તો હેરાન થવાનો, દુઃખી થવાનો અને પરેશાની સહન કરવાનો વારો આવી શકે છે. 

બહેતર છે કે જે કામની જવાબદારી જેમને સોંપી છે તેમના હાથમાં જ રહેવા દઈએ અને જીવનમાં એવી ઘટનાઓ ન લખીએ જેના આલેખન માટે માત્ર અને માત્ર આપણે જ જવાબદાર બની જઈએ. જે પાત્ર તમારી માટે લાયક નથી તે પાત્રની લાયકાત જો તે ન સ્વીકારે તો એમાં કશું ખોટું પણ નથી. જ્યારે નિરાંતે બેઠા હો ત્યારે એક વાર વિચાર કરજો. તમારે તો પરણીને ચાલ્યા જવાનું છે અને એ પછી પણ તેમણે તમને મોટા કરવામાં, પગભર કરવામાં સાથ આપ્યો છે તો પછી એ શું કામ પોતાનો કોઈ સ્વાર્થ તમારા જીવન સાથે સાંકળીને જુએ?
વિચારજો, જવાબ ચોક્કસ મળશે.

columnists manoj joshi