એક હતી શ્રદ્ધા : માબાપ ખોટાં નથી, પણ તેમને સમજવાની અસમર્થતા ખોટી અને ગેરવાજબી છે

27 November, 2022 11:33 AM IST  |  Mumbai | Manoj Joshi

તમે જેમ ટેક્નૉલૉજીને વધારે સારી રીતે જાણો છો, એમાં તમે એક્સપર્ટ છો એવી જ રીતે માણસને ઓળખવાની આવડત તમારા કરતાં તેમનામાં વધારે સારી છે, એ વાતમાં માહેર છે મા-બાપ

ફાઇલ તસવીર

બે દિવસથી આપણે જે ટૉપિક પર વાત કરીએ છીએ એ ટૉપિકને લઈને ઘણી દીકરીઓના મેસેજ અને ઈ-મેઇલ આવ્યાં છે. ઘણાની પાસે ફરિયાદ છે તો ઘણા પાસે આ વાતનો વિરોધ પણ છે, પણ એ બધા વચ્ચે અત્યારે આ ક્ષણે પણ એક વાત કહેવાની રહે છે કે જીવનમાં કેટલીક વાતોનો સ્વીકાર કરવો આવશ્યક છે. જો ભગવાન રામ મા સીતાની રક્ષા કરવા માટે લક્ષ્મણને મૂકીને જાય અને લક્ષ્મણજી પણ માને મૂકીને જતાં પહેલાં લક્ષ્મણરેખા બનાવતા હોય તો આપણે મા સીતાના યુગમાં નથી એ વાતને મનમાં વાજબી રીતે મૂકવી પડશે અને એ પણ સમજવું પડશે કે આજના યુગમાં રાવણને રાક્ષસી નહીં, પણ આફતાબ જેવો ચહેરો મળ્યો છે, જેને ઓળખવો-પારખવો અઘરો છે.

મા અને બાપે તડકામાં ધોળા વાળ નથી કર્યા એ ભૂલવું નહીં. તમે જેમ ટેક્નૉલૉજીને વધારે સારી રીતે જાણો છો, એમાં તમે એક્સપર્ટ છો એવી જ રીતે માણસને ઓળખવાની આવડત તમારા કરતાં તેમનામાં વધારે સારી છે, તેઓ એ વાતમાં માહેર છે. જો તમે તમારી એક્સપર્ટાઇઝના સ્વીકારની અપેક્ષા રાખતા હો તો સ્વાભાવિક છે એ પણ આ જ વાતની અપેક્ષા રાખતા હોય અને એમાં કશું ખોટું પણ નથી. ખોટું પણ નથી અને તમારું એમાં અહિત પણ નથી.

પાડવામાં આવતી દરેક ના ખરાબ નથી હોતી, એ વાત આજની દીકરીઓએ બહુ સારી રીતે સમજવાની જરૂર છે. ઘણી દીકરીઓ એવું કહે છે, એવી ફરિયાદ કરે છે કે અમને દરેક વાતમાં ના જ પાડવામાં આવે છે, પણ જરા શાંતચિત્તે વિચારશો તો ખબર પડશે કે તેમના આ નકારમાં તમારું હિત છુપાયેલું છે. ગેરવાજબી ઘટનાઓ દરરોજ ઘટતી નથી. જુઓને તમે જ, શ્રદ્ધા-આફતાબ જેવા કેસ ક્યાં રોજ બને છે, પણ એ ઘટના પરથી કેટલાક પદાર્થપાઠ લેવાના હોય અને એ લઈને જીવનમાં સુધારાઓ કરવાના હોય. જીવનમાં પણ અને સંબંધોમાં પણ. 

છૂટ અને છૂટછાટ વચ્ચેનો ભેદ સમજવાનો આ યોગ્ય સમય છે. આપવામાં આવે એ છૂટ અને છાકટા થઈને છૂટ લઈ લેવામાં આવે એ છૂટછાટ. તમે બાયોલૉજિકલ મોટા થઈ ગયા છો એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે તમારી સાથે જ તે પણ બાયોલૉજિકલી મોટા થયા છે અને મોટા થઈએ એટલે સમજણ આવે એવી તો તમારી જ દલીલ છે તો પછી માબાપના મોટાપણાનો

વિરોધ શું કામ?
બહેતર છે કે તમારા સંબંધોની બાબતમાં તેમણે કરેલાં સ્ટેટમેન્ટને ગેરવાજબી રીતે લેવાને બદલે જરા એના પર વિચાર કરો અને એ વિચારોનો સ્વીકાર કરો. જો શ્રદ્ધાની સાથે તેની ફૅમિલી વાજબી રીતે સંકળાયેલલી હોત તો સંભવ છે કે આજે તે આપણી વચ્ચે હયાત હોત. કહે છે કે તેની મમ્મી તેના સંપર્કમાં હતી, પણ શ્રદ્ધાના મોબાઇલ પરથી જ ખબર પડી છે કે તેને મન પડે ત્યારે તે ફોન ઊંચકતી અને એવું ભાગ્યે જ બનતું હતું. સીધો અર્થ એ છે કે મા પોતાની ફરજ નિભાવતી હતી, પણ દીકરી, ક્યાંક ને ક્યાંક ભૂતકાળની ઉપેક્ષાને મનમાંથી કાઢવાને બદલે એ જ ડ્રાઇવ પર હતી જે ડ્રાઇવ તેને અંધારી ખાઈ તરફ ખેંચી જવાની હતી. માબાપ ખોટાં નથી હોતાં, તેમને સમજવાની અસમર્થતા ખોટી હોય છે.q

columnists manoj joshi