ડિજિટલ કરન્સીમાં રોકાણ કરાય?

22 November, 2021 03:56 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પ્રવાહ સાથે જોડાઈને નફો રળી લેવો કે પછી રેગ્યુલેશન્સ નક્કી થાય ત્યાં સુધી થોભી જવું? જાણીએ ક્રિપ્ટો બજાર વિશે પુરુષો શું વિચારે છે એ

ડિજિટલ કરન્સીમાં રોકાણ કરાય?

દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ આપણા દેશની સરકારે આ બજારમાં કામકાજ કરવા માટે હજી સુધી કોઈ રેગ્યુલેટર બૉડીની રચના કરી ન હોવાથી જોખમ લેવું કે નહીં એ બાબત ભારતીય ઇન્વેસ્ટરો મૂંઝવણ અનુભવે છે. પ્રવાહ સાથે જોડાઈને નફો રળી લેવો કે પછી રેગ્યુલેશન્સ નક્કી થાય ત્યાં સુધી થોભી જવું? જાણીએ ક્રિપ્ટો બજાર વિશે પુરુષો શું વિચારે છે એ

રાજકારણ, શૅરબજાર અને બિઝનેસ આ ત્રણ એવા હૉટ ટૉપિક છે જેમાં દરેક પુરુષને રસ પડે છે. હવે એમાં વધુ એક વિષયનો ઉમેરો થયો છે. આજકાલ ક્રિપ્ટોકરન્સી બજાર પાછળ લોકો પાગલ બન્યા છે. કેટલાકે શૉર્ટ ટર્મમાં મોટો નફો બુક કર્યો છે તો અનેક લોકોએ પોતાની સૅલરી કરતાં વધુ પૈસા ગુમાવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ક્રિપ્ટોમાં ફાસ્ટ મની બનવાની લોભામણી જાહેરાતોથી ઇન્વેસ્ટરોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. ક્રિપ્ટો બજાર મની લૉન્ડરિંગ અને ટેરર ફન્ડિંગને પ્રોત્સાહન આપતું હોવાની આશંકા છે તો બીજી બાજુ ઇન્ડિયા પોતાની ડિજિટલ કરન્સી લાવશે એવી અટકળોના લીધે આ કરન્ટ ટૉપિકે વેગ પકડ્યો છે. જોકે ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારે હજી સુધી કોઈ સ્પષ્ટ પૉલિસી બનાવી નથી. હાલમાં તો વડા પ્રધાન અને આરબીઆઇએ ક્રિપ્ટો માટે ચિંતા વ્યક્ત કરી છે અને એનાથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સરકાર જે પણ પૉલિસી બનાવશે એ પ્રોગ્રેસિવ અને ઇન્વેસ્ટરોના હિતમાં હશે એવા વિશ્વાસ સાથે આજે આપણે ક્રિપ્ટો બજારને લઈને પુરુષોના અભિપ્રાયો જાણીએ. 
બિલ પાસ થવા દો
ક્રિપ્ટોકરન્સીની જે હવા ચાલી છે એ સંદર્ભે વાત કરતાં વિદ્યાવિહારમાં રહેતા ફાઇનૅન્સ ડિસ્ટ્રિબ્યુટર કંપનીના ડિરેક્ટર મિતુલ વોરા કહે છે, ‘ક્રિપ્ટોકરન્સી બજારને લઈને દેશભરમાં જે જુવાળ ઊભો થયો છે એ બતાવે છે કે હવે કોઈ ઇન્વેસ્ટર એને અવૉઇડ કરી શકશે નહીં. જોખમ લેવા તૈયાર છીએ, પરંતુ આ પ્લૅટફૉર્મ પર રોકાણ કરવા માટેની પૉલિસી ન આવે ત્યાં સુધી ભય રહેવાનો. અત્યારે આ બજારમાં જે રીતે કામકાજ થાય છે એ આપણા દેશના અર્થતંત્ર અને બૅન્કિંગ સિસ્ટમ માટે જોખમી કહેવાય. ઇન્વેસ્ટરોના હિત માટે અને હવાલાકાંડને અટકાવવા સરકારે પૉલિસી લાવવી જ પડશે. આપણે એમાં ટ્રેડ કરીશું કે પછી શૅર્સ, મ્યુચ્યુલ ફન્ડ, ગોલ્ડ બૉન્ડ વગેરેની જેમ ઍસેટ ક્લાસની જેમ સાચવીશું એ બાબત સ્પષ્ટતા મળે પછી મારા જેવા રોકાણકારો એન્ટર થશે. હાલમાં નાની રકમ રોકવાવાળા ટ્રાયલ બેઝ પર અથવા જેમનું રિસ્ક પ્રોફાઇલ હાઈ છે એવા લોકો જ કૉઇન્સ ખરીદી રહ્યા છે. સાચા રોકાણકારોની નજર ઇન્ડિયન ગવર્નમેન્ટ શું બિલ લાવે છે એના પર છે. હાલમાં સરકાર અને આરબીઆઇ વચ્ચે જે રીતે વાતચીત ચાલી રહી છે એ જોતાં એકાદ મહિનામાં બિલ આવી જશે એવું પ્રતીત થાય છે. એક વાર બિલ પાસ થઈ જાય પછી રેગ્યુલેટરી બૉડી બનતાં વાર નહીં લાગે. મેં આ બજારમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ નથી કર્યું પણ લાંબા સમયથી એને સ્ટડી કરું છું. 
મારા મતે મૅ​ક્સિમમ રિટર્ન જોઈતું હોય તો બિલ ટેબલ પર મૂકવામાં આવે ત્યારથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દેવું જોઈએ.’
લાભથી વંચિત ન રહી જવાય
ક્રિપ્ટો બજારમાં લોકો પૈસા બનાવી રહ્યા છે, પરંતુ વર્ચ્યુઅલ કરન્સી હોવાથી એનું કોઈ ટેન્જિબલ મળવાનું નથી. એ રીતે એમાં રોકાણ કરવું જોખમી કહી શકાય એવો અભિપ્રાય આપતાં મલાડના ઇન્વેસ્ટર, ડેવલપર અને ટેક્નો લીગલ ઍડ્વાઇઝર ભાવેશ દોશી કહે છે, ‘ક્રિપ્ટો બજારમાં કામ કરવા માટે કોઈ ધારાધોરણ બનાવવામાં નથી આવ્યા ત્યારે આ વર્ચ્યુઅલ કરન્સીનો ધણી કોણ? આનો જવાબ કોઈની પાસે નથી તેમ છતાં પ્લૅટફૉર્મ પર સ્પેક્યુલેશન થાય છે એટલે લોકોને ઇન્ટરેસ્ટ પડે છે. ગ્લોબલ સિનારિયો સાથે કનેક્ટેડ રહેવા દરેક વ્યક્તિએ વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવું જોઈએ. પ્રવાહ જે તરફ હોય એમાં જોડાવામાં વાંધો નથી. આગામી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ ટ્રીટી ઑર્ગેનાઇઝેશન ક્રિપ્ટો બજારના કામકાજ પર લગામ તાણતી પૉલિસી લાવે એવી શક્યતા નકારી ન શકાય. વહેલામોડું યુરોપ, અમેરિકા અને ભારત સહિત વિશ્વના મોટા દેશો એક ટેબલ પર બેસીને રેગ્યુલેટર બૉડીની સ્થાપના કરે તો ભવિષ્યમાં મળનારા લાભથી વંચિત ન રહી જવાય એવા હેતુથી મારા ટોટલ રિસ્ક ફૅક્ટરના બે ટકા પૈસા ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કર્યા છે. મારી જાણકારી મુજબ દુનિયામાં દસથી બાર કરન્સી પ્રચલિત છે એમાંથી ટૉપની પાંચ વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણનું જોખમ લઈ શકાય. કરન્સીનો ફ્રૅક્શન પાર્ટ લેવાના ઑપ્શનના કારણે નાના રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે.’
રાઇટ પ્લૅટફૉર્મ જોઈએ
ઉપરોક્ત ચર્ચામાં ભાગ લેતાં બાંદરાના બિઝનેસમૅન કેતન કોઠારી કહે છે, ‘બિટકૉઇનનો ભાવ પંદરસો ડૉલર હતો ત્યારથી ટૉપની ડિજિટલ કરન્સીને ટ્રૅક કરું છું. રાત્રે સૂતી વખતે ભાવ જોઈએ તો પંદરસો ડૉલર હોય અને સવારે ઊઠીએ ત્યાં અઢી હજાર ડૉલર થઈ ગયો હોય. વીસ હજાર ડોલરથી પાછો ફરીને ત્રણ હજાર ડૉલર આવ્યો ને પછી ૬૭ હજાર ડૉલર સુધી પહોંચી ગયો. રોજનો આટલો જમ્પ અને ફ્લક્ચ્યુએશન જોઈને ઇન્ટરેસ્ટ પડ્યો. વધુ ખણખોદ કરતાં જાણવા મળ્યું કે જપાનની કોઈ વ્યક્તિએ આ કૉઇન્સ ઑનલાઇન પ્લૅટફૉર્મ માટે ડેવલપ કર્યા છે. એનું સૉફ્ટવેર એવું છે કે કોઈ મૅનિપ્યુલેટ ન કરી શકે. સ્ટડી ઘણી કરી છે પણ ઇન્વેસ્ટમેન્ટ માટે રાઇટ પ્લૅટફૉર્મ ન મળતાં રિસ્ક નથી લીધું. એટલાંબધાં પ્લૅટફૉર્મ અને કરન્સી છે કે ગાઇડન્સ અને ક્લૅરિટી વગર રોકાણ કરવામાં લૉજિક નથી. વચ્ચે સમાચાર હતા કે ભારતમાં આ બજાર ગેરકાયદેસર છે. જોકે આ ફ્યુચર કરન્સી પર પ્રતિબંધ તો નહીં આવે. દુનિયાના દરેક દેશે વહેલા-મોડા એનો સ્વીકાર કરવો પડશે. સાંભળ્યું છે કે મોદી સરકાર રિલાયન્સ સાથે મળીને ઇન્ડિયાની પોતાની ડિજિટલ કરન્સી લૉન્ચ કરવાની છે. સરકાર તરફથી ક્લૅરિટી આવે એટલી વાર છે, હું ક્રિપ્ટોકરન્સી બજારમાં ઝંપલાવવા આતુર છું.’

ક્રિપ્ટોકરન્સી બજારને લઈને ઇન્ડિયન ગવર્નમેન્ટ શું બિલ લાવે છે એના પર રોકાણકારોની નજર છે. મારા મતે મૅ​ક્સિમમ રિટર્ન જોઈતું હોય તો બિલ ટેબલ પર મૂકવામાં આવે એ ઇન્વેસ્ટમેન્ટ માટેનો રાઇટ ટાઇમ હશે.
મિતુલ વોરા

ટૅક્સ વધી જશે

મિડલ એજના મોટા ભાગના ઇન્વેસ્ટરો રેગ્યુલેટરી બૉડી આવવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે યંગ જનરેશન માટે આ પ્લૅટફૉર્મ નવું નથી રહ્યું. સરકારી પૉલિસી આવે એ પહેલાં જ અનેક યુવાનો ક્રિપ્ટોકરન્સી બજારમાં ઝંપલાવી ચૂક્યા છે. દહિસરનો ૨૩ વર્ષનો યુવાન જયદીપ સુહાગિયા બે વર્ષથી ડિજિટલ કરન્સીમાં ટ્રેડ કરે છે. પોતાનો અનુભવ અને નૉલેજ શૅર કરતાં જયદીપ કહે છે, ‘મારો કઝિન ૨૦૦૭થી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડ કરે છે. એ વખતે અત્યારની સૌથી પ્રચલિત કરન્સી બિટકૉઇનનો ભાવ એક હજાર ડૉલર કરતાં પણ ઓછો હતો. એની સલાહથી મેં ટ્રેડ સ્ટાર્ટ કર્યું. અમારી જનરેશન ગ્લોબલ માર્કેટ સાથે ચાલે છે. ભારતમાં હજી પૉલિસી લાવવાની વાતો થઈ રહી છે જ્યારે વિદેશમાં ડિજિટલ કરન્સીનાં એટીએમ મશીનો ઇન્સ્ટૉલ થઈ ગયાં છે. આ પ્લૅટફૉર્મ પર કોઈ પણ વ્યક્તિ પોતાની કરન્સી ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે. એ માટે ઇન્ટરનેટ પર ફૉર્મ પણ અવેલેબલ છે. કૉઇન્સ ખરીદતી વખતે જે-તે પ્લૅટફૉર્મ તમને નવી કરન્સી હોવાનું નોટિફિકેશન મોકલે છે. ઘણાબધા ઑપ્શન હોય ત્યારે કંપનીની હિસ્ટરી તપાસી, સ્ટડી કરીને આગળ વધવું જોઈએ. આપણા દેશમાં ક્રિપ્ટોકરન્સીને સપોર્ટ કરવાવાળા અને એનો વિરોધ કરવાવાળા બન્ને પક્ષ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ ચાલે છે, પરંતુ સરકાર પાસે પૉલિસી લાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. મને લાગે છે કે ટૂંક સમયમાં ભારતની અંદર શૅરબજારની જેમ ક્રિપ્ટોકરન્સીમાં પણ લોકો ટ્રેડ કરતા થઈ જશે. હા, ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ બદલાતાં ટૅક્સ વધી જશે.’

columnists Varsha Chitaliya