આ વિડિયો આલબમમાં ઍક્ટર પણ તમે અને સિંગર પણ તમે જ

08 June, 2019 11:56 AM IST  |  | અર્પણા શિરીષ - શાદી મેં ઝરૂર આના

આ વિડિયો આલબમમાં ઍક્ટર પણ તમે અને સિંગર પણ તમે જ

પ્રતીકાત્મક તસવીર

શાદી મેં ઝરૂર આના

બધી મોજ બૉલીવુડના સ્ટાર્સ કેમ લે? બરાબરને! આમેય લગ્નના આલબમમાં ભોજન કરતા અને એકબીજા સાથે વાતો કરતા સંબંધીઓના રૅન્ડમ ફોટો જોવા કોને પસંદ છે? આવામાં દરેક સીઝનમાં કંઈક નવો ટ્રેન્ડ નીકળે એ રીતે અત્યારનો ફોટો અને વિડિયોગ્રાફીમાં હૉટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે લિપ-ડબ વેડિંગ વિડિયો બનાવવાનો. આ વિડિયો દ્વારા દુલ્હા-દુલ્હન જ નહીં પણ આખી ફૅમિલીને બૉલીવુડના કોઈ સૉન્ગનું શૂટિંગ કર્યું હોય એવી ફીલિંગ આવશે. જાણીએ શું છે આ લિપ-ડબ.

બૉલીવુડ લિપ-ડબ

આજકાલ લોકોને લગ્નના વિડિયોમાં સતત કંઈ ને કંઈ નવું અને એન્ટરટેઇનિંગ જોઈતું હોય છે.  એવું જણાવતાં દહિસરનાં છેલ્લાં કેટલાંય વર્ષોથી વેડિંગ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સાથે સંકળાયેલા ધવલ છેડા કહે છે, ‘આ પ્રકારના વેડિંગ વિડિયો બનાવવા એટલે એક મૂવી શૂટ કરવા બરાબર છે. કોઈ એક ગીત પસંદ કરી પછી એના પર ડાન્સ કરવાનો અને સાથે લિરિક્સ પર  હોઠ પણ હલાવવાના. આમાં તમારા મહેમાન હીરો અને હિરોઇન છે. આ એક સ્પેશ્યલ વેડિંગ શૂટ હોય છે જે ઇનડોર અથવા આઉટડોર શૂટ કરવામાં આવે છે. અહીં વિડિયોમાં મહેમાનો એન્જૉય કરતા હોય એનાથી લઈને લગ્નની બધી વિધિ સુધી બધું જ કવર થઈ જાય છે.’ 

કાસ્ટિંગ, ડિરેક્શન અને સિનેમૅટોગ્રાફી

આ પ્રકારના વિડિયો બનાવવા માટે અગાઉથી જ પ્લાનિંગ કરી લેવું પડે. કયા રિલેટિવને આવું કરવામાં રસ છે અને કરી શકશે એ નક્કી કર્યા બાદ વિડિયોમાં કોણ દેખાશે તેમને પસંદ કરવામાં આવે છે અને પછી ગીતના કયા બોલ પર કોણ ડાન્સ કરશે એ નક્કી થાય છે. આ વિશે વધુ જણાવતાં ધવલ કહે છે, ‘જે રીતે ફિલ્મોમાં ડિરેક્ટર આખું શૂટિંગ પૂરું કરાવે એ જ રીતે આ વેડિંગ વિડિયો પણ શૂટ થાય. સામાન્ય રીતે સાડાત્રણથી ચાર મિનિટના ગીત પર આ શૂટ કરવા માટે ફિલ્મના શૂટિંગની જેમ જ સ્લાઇડર, સ્ટૅન્ડ, મોટા કૅમેરા, ડ્રોન વગેરેનો ઉપયોગ કરવો પડે છે. લગ્ન વખતે જો આ વિડિયોનું શૂટિંગ કરવું હોય તો કયા પ્રસંગે કોણે કઈ રીતે હાવભાવ આપવાના છે અને શું કરવાનું છે એ પણ પહેલેથી જ કહી દેવામાં આવે છે. અને વિડિયો શૂટિંગ થયા પછી સૌથી મહત્વની એટલે કે સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને એડિટિંગ કરી ફાઇનલ વિડિયો તૈયાર થાય છે.’

લોકેશન

લિપ-ડબનું શૂટિંગ બે પ્રકારે કરવામાં આવે છે. એક તો લગ્ન પહેલાં આગોતરું કોઈ એક લોકેશન પર જઈને લગ્નની જેમ જ માહોલ ઊભો કરી શૂટિંગ પતાવી લેવામાં આવે અને બીજું, લગ્ન જ્યારે થતાં હોય ત્યારે જ શૂટ કરવામાં આવે. અહીં બજેટ ખૂબ મહત્વનો અને મુખ્ય ભાગ ભજવે છે. આ વિશે વાત કરતાં ધવલ કહે છે, ‘જો એક લાખનું બજેટ હોય તો કોઈ રિસૉર્ટ કે લોકેશન બુક કરી ત્યાં જેટલા મહેમાનોને વિડિયોમાં સમાવવા હોય તેમને બધાને લઈ જઈ શૂટ કરવામાં આવે છે. અહીં બજેટ વધી જાય, કારણ કે મેકઅપથી લઈને ડ્રેસિંગ સુધી બધું જ ફક્ત વિડિયો માટે કરવાનું છે અને પછીથી લગ્નમાં થશે એ જુદું. અને જો બજેટ ઓછું હોય તો બૅન્ક્વેટ હૉલ કે જ્યાં લગ્ન થતાં હોય એ ગ્રાઉન્ડ પર જ વિધિ દરમિયાન શૉટ લઈ લેવામાં આવે છે.  અને પછી એને એડિટિંગ દ્વારા વિડિયોમાં કન્વર્ટ કરવામાં આવે છે. જોકે આવું કરવામાં લગ્નની વિધિનો સમય પણ સાચવવાનો હોય એટલે એ ધ્યાનમાં રાખીને શૂટિંગ કરવું પડે.

કોરિયોગ્રાફી

લગ્નના સંગીતમાં કોરિયોગ્રાફર રાખીને ગીતો સેટ કરાવવાનો ટ્રેન્ડ જૂનો છે. વેડિંગ વિડિયોમાં પણ કોણે કઈ રીતે ઍક્ટિંગ કરવી અને કયાં સ્ટેપ્સ કરવાં એના માટે કોરિયોગ્રાફરનો રોલ મહત્વનો છે. પરિવારના બધા જ સદસ્યોને વિડિયોમાં સામેલ કરવાના હોય એટલે દાદા-દાદીથી લઈને નાનો બાળક હોય તો તેને પણ સિલેક્ટ કરેલા ગીત પર ક્યારે શું કરવાનું છે એ પહેલેથી નક્કી કરીને એની પ્રૅક્ટિસ કરાવવામાં આવે છે.

ગીતોની પસંદગી

લિપ-ડબ વિડિયો માટે ફાસ્ટ ડાન્સ નંબર પસંદ કરવામાં આવે છે. આ રહ્યું કેટલાંક પૉપ્યુલર ગીતોનું લિસ્ટ.

ગલ મીઠી મીઠી બોલ - ફિલ્મ ‘આઈશા’
તૈનુ લેકે મૈં જાવાંગા - ફિલ્મ ‘સલામ-એ-ઇશ્ક’
નચ દેને સારે - ફિલ્મ ‘બાર બાર દેખો’
પૂરા લંડન ઠુમકદા - ફિલ્મ ‘ક્વીન’

આ પણ વાંચો : બ્રાઇડલ વેઅરના નવા રંગો

લાઇફટાઇમ એક્સ્પીરિયન્સ

આ પ્રકારના વિડિયો જીવનભર માટે મેમરેબલ બની જાય છે  આવું જણાવતાં ગયા વર્ષે પોતાનાં લગ્નમાં આ પ્રકારના લિપ-ડબ વિડિયોનો પ્રયોગ કરનાર હાર્દિક અને મોનિકા ટાંક જણાવે છે,  ‘અમને અમારા એક ફ્રેન્ડ મારફત આ પ્રકારનો વિડિયો બનાવવાની પ્રેરણા મળી હતી. બધું પ્લાનિંગ પણ તેણે જ કર્યું અને છત્તીસગઢમાં જ્યાં અમારાં લગ્ન થયાં એ ગ્રાઉન્ડમાં ૧૦ કૅમેરામૅન તેમ જ ડ્રોન કૅમેરાની મદદથી વિડિયો શૂટ થયો. લગ્નના ફોટો અને બીજી વિડિયો સીડી તો રહેશે જ, પણ અમે જ નહીં અમારા ઘરના બધા સદસ્યોએ ખૂબ એન્જૉય કર્યો. કોઈએ પણ ડાન્સ કે ઍક્ટિંગ કરવામાં આનાકાની ન કરી અને આ એક લાઇફટાઇમ એક્સ્પીરિયન્સ બન્યો.

હાર્દિક અને મોનિકા

કોરિયોગ્રાફરે અમારા આખા પરિવાર પાસે પહેલેથી જ આ વિડિયો માટેની તૈયારી કરાવી લીધી હતી અને હાર પહેરાવવાથી લઈને ફેરા સુધી ક્યારે કેવા હાવભાવ આપવા અને ગીતના કયા લિરિક્સ પર લિપ-સિન્ક્રોનાઇઝેશન કરવાનું છે એ પણ કોરિયોગ્રાફરે જણાવી દીધું હતું. લગ્ન સિવાય અમારા પ્રી-વેડિંગ વિડિયોમાં પણ અમે ગીતના થોડાઘણા બોલ પર લિપ-ડબ કર્યું હતું. ઘણા રીટેક પણ થયા હતા. ટૂંકમાં એક ફિલ્મ માટે જ શૂટિંગ કર્યું હોય એવી ફીલિંગ આવી.’

columnists weekend guide