દીકરાને ભણાવવાની બહુ હોંશ છે,અંગ્રેજી ફાવતું ન હોવાથી નબળો રહી ગયો છે..

11 September, 2019 10:21 AM IST  |  | સેજલને સવાલ - સેજલ પટેલ

દીકરાને ભણાવવાની બહુ હોંશ છે,અંગ્રેજી ફાવતું ન હોવાથી નબળો રહી ગયો છે..

પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારો દીકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે. હું અને તેના પપ્પા માત્ર બારમી ચોપડી ભણેલા છીએ, પણ દીકરાને બહુ ભણાવવાની હોંશ છે. અમને હતું કે તેને ગુજરાતી માધ્યમમાં ભણાવીશું તો તે બહુ આગળ નહીં વધી શકે એટલે તેને અંગ્રેજીમાં બેસાડ્યો. બીજા-ત્રીજા ધોરણ સુધી તો હું પણ તેની સાથે ભણતી અને તેને ભણાવતી. જોકે એ પછીથી અંગ્રેજીમાં મુશ્કેલી પડતી હોવાથી ટ્યુશન રખાવ્યું. સમસ્યા એ છે કે અમને તેને ભણાવવાની જેટલી હોંશ છે એટલી તેને પોતાને જરાય નથી. તેના પપ્પાથી બહુ ડરે છે, પણ મને તો જરાય ગાંઠતો જ નથી. દર અઠવાડિયે લેવાતી પરીક્ષાઓમાં તો ભોપાળું જ મારી આવે છે. આ વાત તેના પપ્પાને કહું તો ધિબેડી જ નાખે. મારા માટે ધર્મસંકટ છે. દીકરાને જાતે સુધારી નહીં શકું તો તેના પપ્પા મને પણ ખિજાશે. અત્યારે તો તે છઠ્ઠામાં પાસ થઈ જાય એની ચિંતામાં છું. તે રોજ હોમવર્ક કરવા બેસે ત્યારે તેની બાજુમાં જ હું બેસું છું. ટ્યુશનમાં બીજે મોકલવાને બદલે તેને માટે ખાસ ટીચરને ઘરે બોલાવું છું અને તે વાંચી લે એ પછી સવાલ-જવાબ પૂછીને તેની તૈયારી પણ ચકાસું છું. અંગ્રેજીને કારણે બધું જ રિવિઝન હું તેને નથી કરાવી શકતી એટલે મને તેના ભવિષ્યની બહુ ચિંતા થાય છે. ટ્યુશન-ટીચર કહે છે કે તેનો પાયો જ કાચો હોવાથી હવે તેને છઠ્ઠા ધોરણનું ગણિત અને વિજ્ઞાન અઘરાં પડે છે. 

જવાબ: બહેન, દીકરો પહેલેથી જ ભણવામાં નબળો છે એવું તમે પોતે કહો છો તો છેક છઠ્ઠા ધોરણ સુધી આમ જ રગશિયું ગાડું કેમ ચલાવી લીધું? આપણે છોકરાઓને ખોટેખોટું વઢીએ નહીં, પણ ભણતર પ્રત્યેની સાચી શિસ્ત અને સમજણ તો બાળપણથી જ આપવાં જરૂરી છે. તમે હજીયે છઠ્ઠા ધોરણમાં પાસ થઈ જાય એની ચિંતા કરો છો. માત્ર પરીક્ષાની જ ચિંતા કરશો તો કદાચ ગોખણપટ્ટી કરાવીને પરીક્ષા પાસ કરાવી લેવાશે, પણ પછી શું થશે? ગોખણપટ્ટીને બદલે બાળક સાચી વાત સમજે એ જરૂરી છે. પાયો નબળો હોય તો એના પર ઊભી થયેલી ઇમારત પણ નબળી જ થવાની. એટલે આ ધોરણમાંથી આગળ વધી જશે એ પછી શું?

આ પણ વાંચો: જીવનમાં જીવવા જેવું નહોતું લાગતું ત્યારે કૉલગર્લના પ્રેમમાં પડ્યો પણ...

એક વાત યાદ રાખવી કે પાકા ઘડે કાંઠો ન ચડે, એટલે હજીયે કંઈ મોડું નથી થયું. બાળકની સમજશક્તિ વિકસે એ માટે ભણતરનો પાયો મજબૂત હોવો જરૂરી છે. ને એ માટે તે જે ભાષામાં ભણે છે એમાં કમ્ફર્ટેબલ હોવો જાઈએ. તે અંગ્રેજીમાં ભણે કે ગુજરાતીમાં, તે જે ભણે છે એ તેને સમજાય તો જ કામનું છે. તમને પોતાને અંગ્રેજી ન આવડતું હોય તો જે વ્યક્તિ અંગત રસ લઈને ભાષા શીખવી શકે એ માટે તપાસ કરો. તેનો અભ્યાસક્રમ સમજીને તેને શું આવડે છે અને શું નથી આવડતું એ જાણો. તેને વાંચવાની અને સમજવાની કઈ રીત વધુ ફાવે છે એ શોધો. આ બધી બાબતો વિશે તમને સમજાતું ન હોય તો તેની સ્કૂલના સાઇકોલૉજિકલ કાઉન્સેલરની મદદ લો. અને હા, જો તમે સાચે જ તમારા બાળક માટે ભણતરને સહેલું બનાવવા ઇચ્છતાં હો તો તેને માતૃભાષામાં ભણાવો. ગુજરાતી માધ્યમમાં ભણાવવું એ કંઈ ઊતરતી વાત નથી. પણ જો અધકચરું અંગ્રેજી ભણીને તે કશું જ ન ભણ્યા બરાબર રહેશે તો એ ચોક્કસપણે મુશ્કેલી ખડી કરશે.

columnists gujarati mid-day