દૂધ પીવાનો ઉત્તમ સમય કયો?

04 June, 2019 12:23 PM IST  |  મુંબઈ | સેજલ પટેલ

દૂધ પીવાનો ઉત્તમ સમય કયો?

એક તરફ દૂધના ભાવમાં આએદિન વધારો થયા કરે છે અને બીજી તરફ એની શુદ્ધતાનો સવાલ પણ ઊભો છે છતાં ભારત એવો દેશ છે જ્યાં દૂધનું ઉત્પાદન અને દૂધની ખપત બન્ને ક્યારેય અટકવાનાં નથી. એનું કારણ એ છે કે ભારતીયોના ખોરાકમાં દૂધ અભિન્ન અંગ છે. આમ તો પૃથ્વી પર જનમતું કોઈ પણ બાળક સૌથી પહેલાં દૂધ જ પીએ છે. માનું દૂધ છોડ્યા પછી બીજો કોઈ પણ આહાર લેતાં પહેલાં બાળકને ગાયનું દૂધ જ આપવામાં આવે છે. એટલું જ નહીં, વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીર અશક્ત થઈ જાય અને પાચનક્રિયા નબળી પડી જાય ત્યારે પણ દૂધ એક એવી ચીજ છે જે શરીરને પોષણ આપી શકે છે. મૉડર્ન સાયન્સનાં કેટલાંક સંશોધનો એવું સાબિત કરવા મથી રહ્યાં છે કે દૂધ ખરેખર માનવજાત માટે જરાય જરૂરી નથી. જોકે આયુર્વેદના સમયથી માનવજાત માટે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યું છે. હા, દૂધમાં વધતીજતી ભેળસેળને કારણે એની શુદ્ધતાની ચકાસણી અઘરી થઈ ગઈ છે, પણ જો શુદ્ધ દૂધ હોય તો એના ગુણ જરાય કમ નથી એવું માનતા આયુર્વેદ-નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘પૌરાણિક કાળથી દૂધનો આપણા ખોરાકમાં બહુ સમજીવિચારીને ઉપયોગ થતો આવ્યો છે. એ સંપૂર્ણ પોષક કહેવાય છે. આયુર્વેદ મુજબ શરીર રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર એમ ૭ ધાતુઓનું બનેલું છે. દૂધ આ સાતેય ધાતુઓને પોષણ આપીને ઓજસ વધારે છે. અલબત્ત, તમારા શરીરની મૂળભૂત પ્રકૃતિ, રોગની અવસ્થા, શરીરબળ, ઋતુ, કાળ એ તમામનું ધ્યાન રાખીને દૂધનું સેવન કરવું જોઈએ.’

સવારે પીવું કે રાતે?

ભેંસનું દૂધ વધુપડતો કફ અને મેદ વધારે છે તેમ જ બુદ્ધિને મંદ કરે છે એટલે ગાયનું દૂધ જ શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ એ સંપૂર્ણ આહાર છે, પરંતુ એ કયા સમયે પીવામાં આવે છે એને આધારે એનો ફાયદો કે નુકસાન થાય એમ જણાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આમ જોવા જાઓ તો બન્ને સમયે દૂધ પી શકાય. સવારે દૂધ પીવાનું કહેવાય છે, કેમ કે સવારે પેટ ખાલી હોય છે. જો દિવસ દરમ્યાન શરીરમાં ૧૦ મિલીલીટર જેટલો ઍસિડ પેદા થતો હોય તો રાતે લગભગ ૧૬ ગણો વધુ ઍસિડ પેદા થાય છે. એને કારણે ખાલી પેટે સવારે દૂધ પીવાથી એ ઝડપથી સુપાચ્ય બને છે. બીજું, એની સાથે બીજો કોઈ જ આહાર રસ જતો નથી. દૂધ એ લિક્વિડ ફૉર્મમાં અને સરળ સુપાચ્ય હોવાથી તરત જ એમાંનાં પોષક તત્ત્વો શરીરમાં શોષાઈ શકે છે. સવારે દૂધ પીતા હો તો બને ત્યાં સુધી એની સાથે કંઈ ન લેવું. દૂધ પીધાના અડધોએક કલાક પછી નાસ્તો કરવો. એમ કરવાથી દૂધ વધુ ગુણ કરે. બીજી તરફ જો રાતે દૂધ પીવું હોય તો જમ્યાના એક-બે કલાક પછી જ દૂધ પીવું. આપણે ત્યાં વડીલોને વાળુમાં દૂધની આદત હતી. એ આદત હેલ્ધી એટલા માટે હતી, કેમ કે તેમનું વાળુ સાત્ત્વ‌િક અને શુદ્ધ હતું. ભાખરી-દૂધ, ખીચડી-દૂધ જેવું હલકુંફૂલકું ભોજન હતું. બાકી, આજકાલ જે પ્રકારનું કૉકટેલ ડિનર લેવાય છે એમાં દૂધનો સમાવેશ કરવો એ વિરુદ્ધ આહાર કહેવાશે. ઇન ફૅક્ટ, જમવાનું જઠરમાંથી આગળ વધીને પાચનના બીજા તબક્કામાં જતું રહે એ પછી જ દૂધ પીવું જોઈએ અને એ માટે ડિનર પછી દોઢથી બે કલાકનો ગૅપ રાખવો જરૂરી છે. જેમનો બાંધો કફ પ્રકૃતિનો છે તેઓ દૂધ કોઈ પણ સમયે લેશે તેમને કફ થવાની સંભાવના વધશે જ. એટલે કફવાળા

લોકોએ દૂધ લેવામાં વિશેષ કાળજી રાખવી પડશે. કફ પ્રકૃતિવાળા લોકોએ ફક્ત દૂધ કદી ન લેવું. એમાં વન થર્ડ પાણી ઉમેરવું અને આદું, સૂંઠ કે ચાનો ગરમ મસાલો નાખીને જ લેવું.’

ઠંડું દૂધ ક્યારેય નહીં

દૂધનો શ્રેષ્ઠ ફાયદો જોઈતો હોય તો એ હંમેશાં સહેજ નવશેકું ગરમ હોય એ જરૂરી છે એમ જણાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આપણે ત્યાં દૂધ ન ભાવતું હોવાથી લોકો એનું કોલ્ડ-ડ્રિન્ક બનાવીને લે છે જે હાનિકારક છે. ફ્લેવર્ડ મિલ્ક કે મિલ્ક શેક એ વિરુદ્ધ આહાર છે. એમાં રહેલાં પ્રિઝર્વેટિવ્સ દૂધથી થતા ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે. દૂધ હંમેશાં સહેજ ગરમ કરીને ઠારેલું હોય એવું કોકરવરણું જ લેવું. એમાં ખાંડ નાખવાથી એ કફવર્ધક થઈ જાય છે એને બદલે હંમેશાં ખડી સાકર સાથે જ સેવન કરવાનું હિતાવહ છે.’

સાવ જ દૂધ ન પીવું ઠીક નથી

ખાસ કરીને વેજિટેરિયન્સ લોકો માટે દૂધ કેટલાંક એવાં પોષક તત્ત્વોનો ભંડાર છે જે બીજે ક્યાંયથી મળી શકતો નથી. દૂધમાં વિટામિન બી-૨, વિટામિન બી-૧૨ અને વિટામિન-ડી જેવાં પોષક તત્ત્વો છે જે અન્ય શાકભાજી, ફળ કે ધાન્યમાંથી નથી મળી શકતાં. શાકાહારી લોકોની પ્રોટીન અને કૅલ્શિયમની જરૂરિયાત માટે પણ દૂધ મહત્ત્વનું છે. કઠોળ અને દાળ પછી દૂધ જ વેજિટેરિયન પ્રોટીનનો વિકલ્પ છે.

કોને, કેવું દૂધ આપવું?

નાનાં બાળકો અને વૃદ્ધોની પાચનશક્તિ બહુ મંદ હોય છે એટલે પાણી અને દૂધ મિક્સ કરવું. પાચન બહુ સરસ હોય તો જ એકલું દૂધ આપવું. દૂધમાં ફ્લેવર્ડ ચીજો નાખવાને બદલે લીલી ચા, ફુદીનો, આદું કે સૂંઠ નાખવું બહેતર છે.

સૂંઠ, કાળાં મરી, લીંડીપીપર, તજ, જાવંત્રી, એલચી જેવા તેજાનાઓને મિક્સ કરીને બનાવેલો ચાનો મસાલો નાખેલું દૂધ પીવાથી કફ જમા થવાની સંભાવના ઘટે છે.

પિત્ત પ્રકૃતિવાળા લોકોએ દૂધમાં એલચી નાખીને લેવું.

રાતે ગાયના દૂધમાં એક ચમચી ઘી, હળદર, ખડી સાકર નાખીને લેવાથી ઊંઘ સારી આવે છે, પેટ સાફ થવામાં મદદ થાય છે.

બાળકોનું વજન વધારવું હોય તો દૂધમાં અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, બલામૂળ, સૂંઠ અને અતિવિષનો ક્ષીરપાક બનાવીને આપી શકાય જેનાથી શરીરનું પોષણ અને પુષ્ટિ થાય છે.

પુરુષોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમ જ રસાયણ વા‌જીકરણ તરીકે લેવા માટે અશ્વગંધા, શતાવરી, ધોળી મૂસળી, કાળી મૂસળી અને ત્રિકટુ નાખીને પીવું.

બાળકને સ્તનપાન કરાવતી મમ્મીઓ વધુ સારું ધાવણ આવે એ માટે ગાયના દૂધમાં શતાવરી, કમળબીજ મજ્જા નાખીને લે તો એનાથી

દૂધની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્ને સુધરે છે.

- ડૉ. મહેશ સંઘવી, આયુર્વેદાચાર્ય

દૂધ કેવું હોવું જોઈએ?

આજકાલ જે ભેળસેળની દુનિયા છે એમાં પૅશ્ચરાઇઝ કરેલું દૂધ જ પીવાનું હિતાવહ છે. વધુ દૂધનું ઉત્પાદન મેળવવા માટે ગાયોને ખવડાવવામાં આવતા ચારા અને દવાઓની અસરને ઘટાડવા માટે દૂધનું પૅશ્ચરાઇઝેશન થયેલું હોવું જરૂરી છે.

કાચું દૂધ કદી ન પીવું. કાચું દૂધ સહેજ ગરમ કરીને પી લેવાનું પણ ઠીક નથી. ઘરમાં દૂધ લાવ્યા પછી એક વાર એનો ઊભરો આવે ત્યાં સુધી ઉકાળવું જરૂરી છે. એ પછી જ્યારે પીવું હોય ત્યારે સહેજ કોકરવરણું ગરમ કરવાનું ચાલે.

દૂધને ગાઢું બનાવવા માટે વારંવાર ઉકાળવામાં આવે તો એનાથી પોષક તત્ત્વો નાશ પામે છે.

આ પણ વાંચોઃ કૉલમ : આ રોગ યુવાનીમાં જ પંગુતા લાવી દે છે

કેવી રીતે ચેક કરશો કે તમારા ઘરે આવતું દૂધ પ્યૉર છે કે નહીં?

દેશની રાજધાનીમાં સૌથી વધુ ભેળસેળ કોઈ ખાદ્ય પદાર્થમાં થતી હોય તો એ છે દૂધ. દિલ્હી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં વેચાતાં દૂધ અને દૂધની બનાવટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાન્યુઆરી 2018થી એપ્રિલ 2019 વચ્ચે પૅકેજ્ડ અને ફ્રેશ એમ બન્ને ખાદ્ય પદાર્થના 2880 નમૂના એકત્ર કરી લૅબોરેટરીમાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવ્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નૅશનલ ફૂડ સેફ્ટી રેગ્યુલેટરના ગયા વર્ષના અહેવાલમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દેશનાં વિવિધ રાજ્યો અને શહેરોમાં જથ્થાબંધ ચકાસણી બાદ તૈયાર કરવામાં આવેલા નૅશનલ ફૂડ સેફ્ટી રેગ્યુલેટરના અહેવાલ મુજબ સમસ્ત ભારતમાં દૂધના વેચાણમાં સૌથી વધુ ભેળસેળ થાય છે. દૂધ અને દૂધની બનાવટના 90 ટકા ખાદ્ય પદાર્થ આરોગવા યોગ્ય હોતા નથી. આ પરિસ્થિતિ વચ્ચે આપણી ઘરે આવતું દૂધ કેટલું પ્યૉર છે એની ચકાસણી વિશેની કેટલીક જગજાહેર મેથડ પ્રસ્તુત છે.

સ્ટાર્ચ ટેસ્ટ

દૂધને લો ફૅટ કરવા માટે બટાટામાં આવતો સ્ટાર્ચ દૂધમાં ઉમેરવામાં આવતો હોય છે. તમારા દૂધમાં એ હિસ્સો છે કે નહીં એની ચકાસણી માટે એમાં પાંચ મિલિલીટર દૂધમાં બે ચમચી જેટલું મીઠુ ઉમેરો. જો મિશ્રણ બ્લુ થાય તો સમજી જજો કે તમારા દૂધમાં ભેળસેળ થઈ છે અને એમાં ઉપરથી સ્ટાર્ચ ઉમેરવામાં આવ્યું છે.

પાણી છે કે દૂધ?

દૂધમાં પાણી હોય તો એ તમારી તંદુરસ્તીને કોઈ રીતે જોખમમાં નહીં મૂકે પરંતુ જો એ પાણી જ અશુદ્ધ હશે તો કંઈ કહેવાય નહીં. તમારા ઘરે આવતા દૂધમાં પાણીનું પ્રમાણ વધારે છે કે એ જાણવા માટે એક સરળ મેથડ છે, જેના અંતર્ગત તમારા હાથ પર દૂધનું એક ટીપું પાડો અને એ ટીપાને નીચે રેલાઈ જવા દો. રેલાતી વખતે જો દૂધ હાથમાં જ રહે અને આગળ પાણીની ધાર જેવું દેખાય તો સમજવું કે એમાં પાણીની ભેળસેળ થઈ છે.

દૂધમાં સાબુ

સાબુ સાથે કેમિકલ ભેળવીને સિન્થેટિક મિલ્ક બનાવવામાં આવે છે. પછી એને થોડીક માત્રામાં ઓરિજિનલ દૂધ સાથે મિક્સ કરવામાં આવે છે જેથી એનો સ્વાદ જેમનો તેમ રહે. આ દૂધની શુદ્ધતા ચકાસવા માટે દૂધને હથેળીમાં લઈને હાથ રબ કરો. હથેળી ઘસવાથી જો એ સાબુ જેવી ચીકાશ અનુભવે તો દૂધમાં ગડબડ છે સમજવું. બીજું, નકલી દૂધને ગરમ કરતાં સહેજ પીળો રંગ પકડતું હોય છે.

દૂધને ઊકળવા દો

દૂધ શુદ્ધ છે કે નહીં એને ચકાસવાની આ પણ એક પ્રચલિત મેથડ છે, જેમાં નાની તપેલીમાં લગભગ સો મિલિલીટર દૂધ લઈને એને ઊકળવા દો. પૂરેપૂરું દૂધ ઊકળી જાય અને છેલ્લે તપેલીમાં ચોંટવા માંડે ત્યાં સુધી એને ગૅસ પર રાખો. ઊકળ્યા પછી દૂધની તપેલીમાં જો છેલ્લે સફેદ પાઉડર જેવો ભાગ ચોંટેલો દેખાય તો દૂધમાં ગડબડ છે. એને બદલે ચીકાશવાળું જાડું પડ હોય તો દૂધ શુદ્ધ છે.

આ પણ વાંચોઃ વર્કિંગ પ્રોફેશનલ્સ બની રહ્યા છે સાંધાના દુખાવાનો શિકાર

યુરિયા તો નથીને?

સામાન્ય રીતે દૂધની શેલ્ફ લાઇફ ઓછી હોય છે. જોકે દૂધ ઝડપથી બગડી ન જાય કે વાતાવરણની ગરમીમાં દૂધ ખરાબ ન થાય એ માટે એમાં યુરિયા ઉમેરવાનું ખૂબ સામાન્ય છે. મહત્ત્વની વાત એ છે કે યુરિયાથી દૂધના સ્વાદને કોઈ ફરક નથી પડતો તેમ જ એની હાજરીને પકડવી પણ અઘરી હોય છે. દૂધમાં યુરિયા છે કે નહીં એ ચકાસવાની એક પ્રચલિત પદ્ધતિ છે જેમાં એક ચમચી દૂધ લઈ એમાં સોયાબીન અથવા તુવેરની દાળનો પાઉડર નાખવો અને બરાબર હલાવી લેવું. પાંચ મિનિટ પછી આ દ્રાવણમાં લિટમસ પેપર ત્રીસ સેકન્ડ સુધી રાખવું. જો લિટમસ પેપર પોતાનો રંગ બદલે અને ભૂરો રંગ પકડે તો દૂધમાં યુરિયા હોવાની પૂરી સંભાવના છે.

columnists health tips life and style