કૉલમ : આ રોગ યુવાનીમાં જ પંગુતા લાવી દે છે

Published: May 30, 2019, 10:39 IST | સેજલ પટેલ

યુરોપ અને બ્રિટનની સરખામણીએ ભારતમાં આ રોગનો વ્યાપ ઓછો છે, પરંતુ છેલ્લા દાયકામાં એનું પ્રમાણ વધ્યું હોવાથી વહેલાસર જાગી જવું જરૂરી છે

મલ્ટિપલ સ્ક્લેરોસિસ
મલ્ટિપલ સ્ક્લેરોસિસ

આજે વર્લ્ડ મલ્ટિપલ સ્ક્લેરોસિસ ડે છે ત્યારે બ્રેઇન અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં વિક્ષેપ પેદા થવાને કારણે થતા આ રોગ વિશે જાણી લેવું જરૂરી છે. યુરોપ અને બ્રિટનની સરખામણીએ ભારતમાં આ રોગનો વ્યાપ ઓછો છે, પરંતુ છેલ્લા દાયકામાં એનું પ્રમાણ વધ્યું હોવાથી વહેલાસર જાગી જવું જરૂરી છે

 

વૃદ્ધો ચાલતી વખતે લથડિયું ખાઈ જાય તો એ ઉંમરને કારણે થતું હશે એ સમજી શકાય, પણ ૨૦-૩૦ વર્ષની યુવતી વારંવાર ચાલતી વખતે ગડથોલું ખાઈ જતી હોય તો?

તમને આંખે ચશ્માંના નંબર પણ નથી એમ છતાં અચાનક આંખે ધૂંધળું દેખાવા લાગ્યું અથવા તો અંધારપટ છવાઈ ગયો તો?

શરીરમાં જુવાનીનો થનગનાટ હોવો જોઈએ એ ઉંમરે તમે કંઈ જ કામ કર્યા વિના એટલા થાકી જાઓ કે તમને લાગે કે તમારામાં હવે હાથ-પગ ઊંચકવાની પણ તાકાત નથી રહી તો?

અત્યાર સુધી તમે બહુ સ્પષ્ટ અને અસ્ખલિત એકધારું બોલી શકતા હતા, પણ અચાનક જ શબ્દોના ઉચ્ચારણ માટે તમે મોં હલાવ્યા કરો પણ સ્પષ્ટ બોલી ન શકો તો?

મનભાવતી ચીજ સામે મૂકી હોય અને ખાવાનું બહુ મન થાય એમ છતાં એને ગળા નીચે ઉતારવામાં વચ્ચે કશુંક નડતું હોય એવું લાગવા લાગે તો?

કંઈ જ ન કરવા છતાં શરીરે હજારો કીડીઓ ચાલવા લાગી છે એવું ટિંગ્લિંગ થાય કે સાવ ખાલી ચડી જાય તો?

મસલ્સ એટલા સ્ટિફ અને વીક થઈ જાય કે યોગાસન કરવાની વાત તો દૂર, તમે હાથમાં એક કિલો સાકર ઊંચકીને ચાલવામાં મુશ્કેલી પડવા લાગે તો?

આખા શરીરમાં અત્યંત વિચિત્ર લાગે એવા મસ્ક્યુલર અને જૉઇન્ટ્સ પેઇન થવા લાગે તો?

આ બધાં ડરામણાં લક્ષણો છે મલ્ટિપલ સ્ક્લેરોસિસનાં. એ વધુ ડરામણાં એટલા માટે છે કેમ કે એ ૨૦-૩૫ વર્ષની વયે દેખા દેવા લાગે છે. બીજું, એ શરીરના લગભગ તમામ અવયવોમાં જોવા મળે છે. અલબત્ત, મલ્ટિપલ સ્ક્લેરોસિસના દરદીઓમાં દરેક વખતે આ બધાં જ લક્ષણો હોય એવું જરૂરી નથી. બની શકે કે શરૂઆતમાં ઉપર જણાવ્યાં એમાંથી માત્ર બે કે ત્રણ જ લક્ષણો હોય, પણ એ લક્ષણો એટલાં ગંભીર હોય કે ભરજુવાનીમાં શારીરિક રીતે સાવ અક્ષમ થઈ ગયાની ફીલ આપે છે. એને કારણે મોટા ભાગના દરદીઓમાં શારીરિક લક્ષણોની સાથે ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવાં લક્ષણો પણ દેખા દે છે.

રોગની શોધ

આમ તો આ રોગનાં લક્ષણો પરથી એનું ક્લાસિફિકેશન ૧૮૬૮માં ફ્રેન્ચ ન્યુરોલૉજિસ્ટ જીન-માર્ટિન ચાર્કોટે કર્યું હતું. જોકે ભારતમાં પહેલી વાર પશ્ચિમના દેશોમાં તાલીમ લઈને આવેલા ન્યુરોલૉજિસ્ટો દ્વારા આ રોગનું નિદાન થવાનું ૧૯૬૦થી શરૂ થયેલું. બ્રિટન અને અમેરિકામાં દર ૧ લાખ વ્યક્તિએ ૯૦થી ૧૫૦ લોકોને મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય છે. જ્યારે ભારતમાં દર ૧ લાખ વ્યક્તિએ ૧૦ જણને આ રોગનું નિદાન થયું છે. પહેલી નજરે ખુશ થવા જેવા સમાચાર લાગે કે ભારતમાં એનું પ્રમાણ ઓછું છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે કદાચ અહીં આ રોગ વિશેની જાગૃતિ ઓછી છે. છેલ્લા એક દાયકામાં મલ્ટિપલ સ્ક્લેરોસિસના રોગીઓની સંખ્યામાં ૧.૫૮ ટકાથી ૨.૫૪ ટકા જેટલો વધારો નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે હજીયે આ આંકડો વધુ હોઈ શકે છે કેમ કે રોગનાં લક્ષણો બાબતે ભારતનાં કેટલાંય ક્ષેત્રોમાં ખાસ અવેરનેસ નથી.

Multiple Sclerosis

કેમ થાય?

મલ્ટિપલ સ્ક્લેરોસિસ એ ઑટોઇમ્યુન ડિસીઝ છે એટલું જ નહીં, કેટલાક કેસમાં એ પ્રોગ્રેસિવ પણ હોય છે. મતલબ કે એક વાર રોગ પેદા થાય એ પછીથી એ ધીમે-ધીમે વધે અને વકરે. રીજનરેટિવ મેડિસિનના નિષ્ણાત ડૉ. પ્રદીપ મહાજન રોગ વિશે સમજાવતાં કહે છે, ‘ઑટોઇમ્યુન ડિસીઝ હોવાથી શરીરની જ રોગપ્રતિકારક શક્તિમાં લોચો થવાથી પેદા થતો આ રોગ છે. આ રોગમાં આપણી નર્વ્સને ડૅમેજ કરે એવાં ઍન્ટિબૉડીઝ પેદા થાય છે. નર્વને પ્રોટેક્ટ કરવા માટે એની ફરતે માયેલિન નામનું આવરણ આવેલું છે. નર્વ એટલે કે ન્યુરોન્સની ચેઇન એકબીજા સાથે જોડાઈને સંવેદનાવહનનું કામ કરે છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસમાં નર્વ પ્રોટેક્ટ કરવા માટેના માયેલિન નામના આવરણમાં તકલીફ થાય છે. નર્વ્સની વચ્ચેનું કમ્યુનિકેશન વિદ્યુતપ્રવાહ દ્વારા થતું હોય છે. એને કારણે તમારે પગ હલાવવો હોય તો મગજને એ ખબર પડે છે અને મગજ પગ હલાવવા માટે કયા મસલ્સને કામે લગાડવાના છે એ સંદેશા જે-તે ચોક્કસ જગ્યાઓ સુધી પાસ ઑન કરે છે. આ ઍન્ટિબૉડીઝને કારણે માયેલિન શીટમાં ગરબડ થવાથી નર્વ્સમાં સંવેદનાવહન ખોરવાય છે. કદાચ એક-બે ન્યુરોન્સમાં આવી સ્થિતિ હોય તો કદાચ ચાલી જાય, પણ જ્યારે વધુ ન્યુરોન્સ ડૅમેજ થવા લાગે ત્યારે એને કારણે સંદેશો જ્યાં પહોંચવો જોઈએ કે મળવો જોઈએ એ જગ્યાએ નથી પહોંચતો અને શરીર-બ્રેઇન વચ્ચેનું કો-ઑર્ડિનેશન ખોરવવાને કારણે સમસ્યા પેદા થાય છે. ખતરનાક ચીજ એ છે કે ઍન્ટિબૉડીઝ શરીરની કોઈ પણ નર્વમાં આ ડૅમેજ કરી શકે છે એને કારણે જે-તે નર્વ સાથે સંકળાયેલી સંવેદનામાં ગરબડ થાય છે. મતલબ કે વિઝનની નર્વમાં તકલીફ થાય તો દૃષ્ટિમાં તકલીફ થાય, બોલવા-ગળવાની નર્વમાં તકલીફ હોય તો એમાં તકલીફ થાય, મસલ કન્ટ્રોલ ધરાવતી નર્વમાં તકલીફ હોય તો ક્રૅમ્પ્સ, પેઇન, અસંતુલન જેવી સમસ્યા થાય.’

એકસરખાં લક્ષણો નહીં

આ રોગ નર્વ્સ અને ન્યુરોન્સને ડૅમેજ કરે છે અને કેટલાક દરદીઓમાં એ પ્રોગ્રેસિવ પણ હોઈ શકે છે એવા સંજોગોમાં એની સારવાર વહેલી ચાલુ કરી દેવામાં આવે તો દરેક દરદી શારીરિક રીતે અક્ષમ થઈને પથારીવશ જ થઈ જાય એવું નથી હોતું. આવું ન થાય એ માટે લક્ષણો પરથી વહેલું નિદાન થાય એ વધુ મહત્ત્વનું છે એમ જણાવતાં ડૉ. પ્રદીપ મહાજન કહે છે, ‘થાક લાગવો, વિઝનમાં અચાનક તકલીફ, ચાલતી વખતે કે ઊભા રહેતી વખતે શરીરનું સંતુલન રાખવામાં મુશ્કેલી જેવાં લક્ષણો બહુ જનરલાઇઝ્ડ લાગે એવાં છે. દરેક પેશન્ટમાં લક્ષણો જુદાં હોવાને કારણે એનું નિદાન કરવાનું બહુ અઘરું છે. જો એનું નિદાન કરવામાં અને તરત જ સારવાર કરવામાં ત્વરિતતા દાખવવામાં આવે તો જે-તે સમયે ઊભાં થયેલાં લક્ષણોને સુધારી શકાય અને ફરીથી આવાં લક્ષણોનો ઊથલો ન મારે એ માટેની સારવાર પણ કરી શકાય. બીજું, કેટલાક લોકોમાં રોગ બહુ ઝડપથી પ્રોગ્રેસ કરે છે તો કેટલાકમાં ધીમે-ધીમે. સ્લો પ્રોગ્રેસ ધરાવતા દરદીઓ સારવાર ચાલુ રાખીને લાંબો સમય નૉર્મલ જિંદગી જીવી શકે છે. ફાસ્ટ પ્રોગ્રેસ ધરાવનારાઓ જલદી પથારીવશ થઈ જાય છે.’

ટ્રીટમેન્ટમાં શું?

રોગ બહુ જટિલ છે અને એટલે એની સારવારમાં પણ ઘણી જટિલતા છે. એનો કોઈ સચોટ ક્યૉર નથી એટલે કઈ સારવાર લેવી અને ક્યારે એ નક્કી કરવામાં પણ નિષ્ણાતની મદદની જરૂર પડે છે. પ્રાઇમરી, સેકન્ડરી અને રિકરન્ટ એમ ત્રણ પ્રકારનાં મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય છે એટલે એની સમજ પણ હોવી જરૂરી છે. સારવારના ક્ષેત્રમાં આવેલી નવી આશા વિશે ડૉ. પ્રદીપ મહાજન કહે છે, ‘રોગનું નિદાન થાય એ પછી દરદીએ એક વાત સમજી લેવી જોઈએ કે કોઈ પણ એક પ્રકારની સારવારથી નહીં ચાલે. અલગ-અલગ રીતે શરીરની ઑટોઇમ્યુન સિસ્ટમને ઠેકાણે પાડવાના પ્રયત્નો કરવા પડશે. ઍક્યુટ લક્ષણોને સ્ટેરૉઇડ્સ દ્વારા કાબૂમાં લેવામાં આવે છે. જોકે આજકાલ મૅગ્નેટ થેરપી દ્વારા ડૅમેજ થયેલી નર્વને સ્ટિમ્યુલેટ કરીને એની કાર્યક્ષમતા ઇમ્પ્રૂવ કરવામાં આવે છે એ પણ ઘણું અસરકારક છે. કેટલાક દરદીઓને ટ્રાન્સક્રૅનિયલ સ્ટિમ્યુલેશનથી ફાયદો થાય છે તો ક્યારેક ખૂબ ઇન્ટેન્સ પલ્સ પ્રેશર આપવામાં આવ છે જેથી ડૅમેજ થયેલી નર્વ્સ ફરી કાર્યરત થાય. શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારીને ઍન્ટિબૉડીઝ પેદા થવાનું બંધ થાય એ માટે સ્ટેમ સેલ થેરપી પણ આપી શકાય છે. લેટેસ્ટ ટ્રીટમેન્ટમાં સ્ટોટૅસ્ટિક રેઝોનન્સ થેરપી અપાય છે.’

આ પણ વાંચો : બહુ એક્સરસાઇઝ કર્યા છતાં વજન ઊતરતું જ નથી?

રિહેબિલિટેશન અને સપોર્ટ ગ્રુપ

રોગથી ડર્યા વિના સતત એને નાથવા માટે પ્રયત્નશીલ રહેવું તેમ જ રિહેબિલિટેશન માટે લાઇફસ્ટાઇલમાં કેટલાંક પરિવર્તનો લાવવા એ બહુ જ મહત્ત્વનું છે. વિદેશોમાં મલ્ટિપલ સ્ક્લેરોસિસના દરદીઓ માટે સપોર્ટગ્રુપ ચાલે છે જેમાં દરદીઓ તેમના અનુભવ શૅર કરીને આ રોગ સામે લડવાની હિંમત જુટાવી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK