આ વિટામિન પણ ભૂલશો નહીં હાડકાંની હેલ્થ માટે

26 June, 2019 12:09 PM IST  |  મુંબઈ | સેજલ પટેલ

આ વિટામિન પણ ભૂલશો નહીં હાડકાંની હેલ્થ માટે

વિટામિન K

તાજેતરમાં ટફ્ટ્સ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સંશોધનમાં તારવ્યું છે કે વડીલોમાં જો આ પ્રજીવકની કમી હોય તો તેમને પાછલી વયે પડવાઆખડવાનું વધુ થઈ શકે છે. બોન્સ મજબૂત થાય એ માટે વિટામિન-ડી અને કૅલ્શિયમની જરૂર પડે એવું આપણે જાણીએ છીએ, પણ બહુ ઓછા જાણીતા એવા વિટામિન-Kને આપણે વીસરી ન જવું જોઈએ.

એક સમય હતો જ્યારે હાડકાંની મજબૂતાઈ માટે કૅલ્શિયમની કમી મનાતી હતી, પણ એ પછી થયેલાં સંશોધનોમાં વિટામિન-ડીની અનિવાર્યતા વિશે જાણવા મળ્યું. એ પછી થયેલાં વધુ સઘન સંશોધનોમાં ખબર પડી કે હાડકાંની મજબૂતાઈ માટે કૅલ્શિયમ, વિટામિન-ડી, મૅગ્નેશિયમ અને સિલિકોન એમ ઘણાં તત્ત્વો મહત્ત્વનાં છે. બીજા નંબરનાં અસેન્શિયલ તત્ત્વોમાં છે ઝિન્ક અને વિટામિન-સી. જોકે તાજેતરમાં અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓએ ઑસ્ટિઓપોરોસિસના દરદીઓમાં વિટામિન-Kની કમી હોવાનું પણ નોંધ્યું હતું અને એવી સંભાવનાઓ જતાવી હતી કે પાછલી વયે જો આ વિટામિનમાં ઊણપ આવે તો એનાથી પણ હાડકાંની હેલ્થ નબળી પડી શકે છે. બાકી અત્યાર સુધી વિટામિન-Kને લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે જરૂરી તત્ત્વ જ માનવામાં આવતું હતું. અભ્યાસમાં ૬૩૫ પુરુષો અને ૬૮૮ મહિલાઓનો ૬થી ૧૦ વર્ષ માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં જોવા મળ્યું હતું કે હાડકાં નબળાં પડ્યાં હોય એવા દરદીઓમાં અન્ય વિટામિન્સ સાથે વિટામિન-Kની પણ ઊણપ થવા લાગી હતી.

આ વિટામિન છે શું?

વિટામિન-K ઘણું ઓછું ચર્ચિત પ્રજીવક રહ્યું છે. એની શોધ પણ છેક ૧૯૨૯માં થઈ હતી. હેનરિક ડૅમ નામના ડેનિશ સાયન્ટિસ્ટે કૉલેસ્ટરોલ પરના સંશોધન દરમ્યાન મરઘીઓ પર પ્રયોગ કરતી વખતે આ પોષક તત્ત્વની જરૂરિયાતને આઇડેન્ટિફાય કરી હતી. પહેલી વાર જર્મન સાયન્ટિફિક જર્નલમાં એનો ઉલ્લેખ કોએગ્યુલેશન વિટામિન તરીકે થયેલો. કોએગ્યુલેશન પરથી વિટામિન-K નામ પડ્યું. કોએગ્યુલેશન એટલે કે જોડાણ. જ્યારે પણ લોહી રક્તવાહિનીમાંથી બહાર જાય ત્યારે એ ખાસ પ્રોટીન સાથે જોડાઈને ગંઠાઈ જાય છે. શરીર પર કોઈ કાપો કે ઘા થાય છે ત્યારે એમાંથી લોહી વહેવા લાગે છે, પરંતુ એ અવિરત વહ્યા નથી કરતું એ આ વિટામિનને આભારી છે. આઇડિયલી કોઈ લોહીની બુંદ રક્તવાહિનીમાંથી બહાર આવે એટલે ૧૩.૫ સેકન્ડમાં એનું વહેવું બંધ થઈ જવું જોઈએ. આ ગંઠાવાની ક્રિયામાં કેટલાંક પ્રોટીન્સ સાથે વિટામિન-K મહત્ત્વનો ફાળો ભજવે છે. એના બે પ્રકાર હોય છે, એક K1 અને બીજું K2. K1 વિટામિન મોટા ભાગે ખોરાકમાંથી મળી રહે છે, જ્યારે K2 વિટામિન આપણા શરીરમાં આંતરડાંની આંતઃત્વચા દ્વારા પેદા થાય છે.

અનેક સમસ્યાઓ થઈ શકે

૨૦૧૮ના એક સર્વે મુજબ ૩૦ ટકા વૃદ્ધોમાં મોબિલિટીની તકલીફ રહે છે. એ પાછળ અઢળક પરિબળો જવાબદાર હોઈ શકે છે, પરંતુ લેટેસ્ટ અભ્યાસમાં વડીલો અને સિનિયર સિટિઝન્સમાં આ પ્રજીવકની કમીથી હલનચલનની સમસ્યા આવી શકે છે એવું કહેવાયું છે. લાઇફસ્ટાઇલ કોચ લ્યુક કુટિન્હો તાજેતરમાં ફેસબુક લાઇવ સેશનમાં આ વિટામિન હાડકાં માટે કેટલું મહત્ત્વનું છે એ વિશે ઘણી વાતો શૅર કરી હતી. લ્યુકના કહેવા મુજબ ‘ઑસ્ટિઓપોરોસિસ એટલે કે હાડકાં ગળાવાની તકલીફ માટે ઘણાંબધાં પરિબળો મહત્ત્વનાં છે. વિટામિન-ડી, વિટામિન-સી, ફિઝિકલ ઍક્ટિવિટીની કમી ઉપરાંત વિટામિન-Kની ઊણપ પણ જવાબદાર હોઈ શકે છે. એ ઉપરાંત પુઅર ડાયટ, ખૂબબધી ઍસિડિટી, એક્સેસિવ સ્ટ્રેસ પણ જવાબદાર છે. આપણે વિટામિન-Kની જરૂરિયાતને અન્ડરએસ્ટિમેટ કરી છે. ઓસ્ટિઓપોરોસિસ પ્રિવેન્ટ કરવા તમે જ ઓવરઑલ હેલ્થ માટે એ ઘણું મહત્ત્વનું જીવનસત્ત્વ છે. K2 આંતરડાંની આંતઃત્વચામાં પેદા થાય છે. જો ગટ હેલ્થ સારી ન હોય તો એનાથી ઍસિડિટી, બ્લોટિંગ, કબજિયાત જેવી તકલીફો રહે છે અને આ પ્રજીવક પેદા થવાની ક્રિયામાં પણ ગરબડ પેદા થાય છે. બીજું, લિવરના ડિસીઝ થાય છે એ તમામ વિટામિન-Kની ઊણપને કારણે થાય છે. એની ગેરહાજરીમાં ફૅટના કોષોનું બ્રેકડાઉન અઘરું થઈ જાય છે અને લિવરમાં એ સંઘરાઈ રહે છે.’

હાડકાં અને વિટામિન-K

અન્ય પ્રજીવકો ઉપરાંત આ વિટામિન કઈ રીતે હાડકાંની હેલ્થ માટે ઉપયોગી છે એ વિશે સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘આમ જોવા જઈએ તો વિટામિન-K લોહીના ગંઠાવાની ક્રિયા સાથે જ સંકળાયેલું છે. એવું જોવા મળ્યું છે કે જ્યારે એની ખામી હોય ત્યારે હાડકાં બનવાની પ્રક્રિયામાં અવરોધ પેદા થાય છે. એનું ખરું કારણ હજી સુધી જાણી નથી શકાયું. માત્ર એની કમીને કારણે હાડકાં મજબૂત થતાં અટકી જાય છે એવું નથી, પણ જે ચીજોમાંથી આ વિટામિન ભરપૂર માત્રામાં મળે છે એ ઓવરઑલ શરીર માટે હેલ્ધી છે. એમાં મૅગ્નેશિયમ પણ સારું એવું હોય છે અને હાડકાં બનવાની ક્રિયામાં મૅગ્નેશિયમ બહુ જરૂરી હોય છે. આમ અવળો કાન પકડીએ તો વિટામિન-K અને મૅગ્નેશિયમની કમીને કારણે હાડકાંનો ઘસારો ભરપાઈ થતો અટકતો હોવાથી ઑસ્ટિઓપોરોસિસ થવાની સંભાવના વધી શકે છે.’

આ પણ વાંચો : 140થી વધુ બાળકોને ભરખી જનાર આ ચમકી તાવ છે શું?

એની કમી નથી થતી

વિટામિન-K શરીરમાં અતિમહત્ત્વની ક્રિયાઓ સંભાળતું હોવા છતાં એની ચર્ચા બહુ ઓછી થઈ છે એનું કારણ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘એનું કારણ એ છે કે મોટા ભાગે પુખ્તોમાં એની કમી જોવા નથી મળતી. હા, નવજાત બાળકોમાં એની કમી થાય છે. એનું કારણ છે બ્રેસ્ટ-મિલ્કમાં વિટામિન-K નથી હોતું. ૬ મહિના સુધી બાળક બહારનું ફૂડ ખાતું નથી અને નવજાત અવસ્થામાં આંતરડાંની અંતઃત્વચા પણ આ વિટામિનનો સ્રાવ કરી શકતી નથી. એને કારણે જો બાળકોમાં આ પ્રજીવકની કમી હોય તો એ જોખમી નીવડી શકે છે, પરંતુ પુખ્ત થયા પછી એની ચિંતા નથી રહેતી. જો વ્યક્તિ નૉર્મલ અને બૅલૅન્સ્ડ ડાયટ ખાતી હોય તો શરીર માટે જરૂરી વિટામિન-K આપમેળે મળી રહે છે. મોટા ભાગે અસંતુલિત ખોરાક હોય તો બીજાં પોષક તત્ત્વોની કમી એટલી ઑબ્વિયસ થઈ જાય છે કે તરત જ વ્યક્તિએ પોતાના ભોજન બાબતે જાગ્રત થવું પડે છે.’

columnists