140થી વધુ બાળકોને ભરખી જનાર આ ચમકી તાવ છે શું?

Published: Jun 25, 2019, 11:31 IST | સેજલ પટેલ | મુંબઈ

બિહારના મુઝફ્ફરપુર સહિત કુલ ૧૪ જિલ્લાઓમાં અચાનક જ સમજી ન શકાય એવી બીમારીથી બાળકો ટપોટપ મરી રહ્યાં છે. ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમની સમસ્યાથી થયેલાં મોત માટે અતિશય ગરમી, ઝેરી લીચી અને તાત્કાલિક પૂરતી સારવારનો અભાવ જવાબદાર મનાય છે.

દર્દીઓ
દર્દીઓ

બિહારના મુઝફ્ફરપુર સહિત કુલ ૧૪ જિલ્લાઓમાં અચાનક જ સમજી ન શકાય એવી બીમારીથી બાળકો ટપોટપ મરી રહ્યાં છે. ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમની સમસ્યાથી થયેલાં મોત માટે અતિશય ગરમી, ઝેરી લીચી અને તાત્કાલિક પૂરતી સારવારનો અભાવ જવાબદાર મનાય છે. ત્યારે સમજીએ કે મેડિકલ વિજ્ઞાન માટે પણ આ સમસ્યા કેટલી જટિલ છે.

મે-જૂન મહિનાનો સમય એટલે ઝાડ પરથી લીચી ઉતારવાની સીઝન. વૃક્ષો પરથી લચીલાં ફળોને ઉતારવા માટે કામગારો પરિવાર સહિત વાડીઓમાં જ રહી જતા હોય છે. મોડી સાંજ સુધીમાં બધા સૂઈ જાય અને વહેલી સવારે ચાર વાગ્યામાં લીચી ઉતારવાનું કામ શરૂ થઈ જાય. તડકો માથે ચડે એ પહેલાં મોટા ભાગનું કામ કામગારો પતાવી લેવાના મૂડમાં હોય. બાળકો સાંજે વહેલાં સૂઈ ગયાં હોય તો તેને ઉઠાડીને જમાડવાની દરકાર ન કરવામાં આવી હોય અને સવારે પણ પેરન્ટ્સ કામમાં લાગેલા હોય એટલે ખાવા માટે હાથવગું કંઈ ન હોય. લીચી તોડતી વખતે નીચે પડી જતી લીચીની બાળકો ઉજાણી કરી લે. થોડા સમયમાં જ બાળકને જબરી અશક્તિ અને નબળાઈ આવી ગઈ હોય એમ પડી રહે, અચાનક ઊલટી થાય, આંચકી આવે અથવા તો બાળક બેહોશ થઈ જાય અને મોટા ભાગના કેસમાં એ જ દિવસે બાળકનો જીવ જતો રહે. મુઝફ્ફરપુરની આસપાસના વિસ્તારમાં ફેલાયેલા ચમકી તાવ તરીકે જાણીતી બીમારીના વાવરની આ લગભગ કૉમન ગાથા છે. રોગનું નામ ચમકી તાવ છે, પણ મોટા ભાગના કેસમાં નગણ્ય કહેવાય એવો તાવ જોવા મળ્યો છે. વિશેષજ્ઞો એને ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમ કહે છે, પરંતુ આ સમસ્યા પણ બાકી એન્સેફેલાઇટિસના રોગ કરતાં ઘણી જુદી છે.

એન્સેફેલાઇટિસ શું છે?

મેડિકલ ભાષામાં મગજના કોઈ પણ મેમ્બ્રેનમાં સોજો કે ઇન્ફ્લમેશન થાય એને એન્સેફેલાઇટિસ કહેવાય છે. જોકે કોઈ એક જ કારણથી મગજમાં સોજો આવે એવું નથી હોતું એમ જણાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘બ્રેઇનમાં સોજો અને ઇન્ફેક્શન થવાનાં અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. હર્પીસ સિમ્પ્લેક્સ કે રેબીઝ જેવા વાઇરસ અથવા તો બૅક્ટેરિયા, ફંગી કે પૅરેસાઇટ્સ ઇન્ફેક્શનને કારણે પણ મગજના મેમ્બ્રેન્સમાં સોજો આવી શકે છે.’

આ વાતમાં સૂર પુરાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમ ડેન્ગી, ગાલપચોળિયા, ઓરી, નિપાહ કે ઝિકા વાઇરસના ઇન્ફેક્શનને કારણે પણ થઈ શકે છે. જોકે બીજાં ઘણાં કારણો છે જેમાં ઍક્યુટ એન્સેફેલાઇટિસ થવાનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું. લેપ્ટોસ્પાયરોસિસ અને ટોક્સોપ્લાઝોમિસસને કારણે પણ મગજ પર સોજો આવી શકે છે. જોકે આ સિન્ડ્રૉમ થવાનું કારણ વિવિધ સીઝન, ભૌગોલિક લોકેશન પર આધારિત રહે છે અને મોટા ભાગે પંદર વર્ષથી નાની વયના લોકોને સહેલાઈથી ચપેટમાં લઈ લે છે.’

બિહારની સમસ્યાનું મૂળ

મુઝફ્ફરપુરમાં ૫૦૦થી વધુ બાળકો આ રોગની ચપેટમાં આવ્યાં અને લગભગ ૧૪૦થી વધુ બાળકો મોતને ભેટ્યાં છે. આ બાળકોને ઍક્યુટ ઍન્સેફેલાઇટિસ થવાનું મૂળ કારણ લીચી છે કે બીજું કંઈ? ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘માત્ર લીચી આ રોગ માટે જવાબદાર નથી. જરા સમજીએ તો ભૂખ્યા પેટે સૂઈ ગયા પછી સવારે ઊઠીને ખાલી પેટે લીચી ખાવામાં આવે અને સાથે ડીહાઇડ્રેટ કરી નાખે એવી ગરમી હોય. તમને ખબર છે કે આમેય રાતે કંઈ ન ખાધું હોવાને કારણે સવારે બ્લડશુગર નીચું જતું હોય છે. મગજને સતેજ રાખવા માટે લોહીમાં પૂરતો ગ્લુકોઝ જરૂરી છે. બાળકોનું બ્લડ ગ્લુકોઝ લેવલ ઓછું હતું અને કુપોષણને કારણે લિવરમાં ગ્લુકોઝનો સંગ્રહ જરાય ન હોવાથી ફૅટી ઍસિડ્સનું ઑક્સિડેશન શરૂ થવાથી મિથાઇલ કાર્બોક્સી ફેનાઇલ ગ્લાયસિન કેમિકલને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની.’

બિહારમાં જે થયું એમાં ઘણાંબધાં ફૅક્ટર્સ કામ કરી ગયાં. સૌથી મોટું પરિબળ બાળકોનું કુપોષણ હતું એમ જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘હાલમાં આ રોગચાળા પર અભ્યાસ કરી રહેલા નિષ્ણાતોનું કહેવું છે કે આ એક પ્રકારનો રીફીડિંગ સિન્ડ્રૉમ છે; જેમાં બાળકો હાઇપોફૉસ્ફેટેમિયા, હાઇપોકૅલેમિયા કૉન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યર, સીઝર્સ, ફીવર, હીમોલિસિસ જેવાં અનેક લક્ષણો ધરાવતાં હતાં. સૌથી મહત્ત્વનું ફીચર હતું હાઇપોફૉસ્ફે‌ટેમિયા. ઑલરેડી જ્યારે બ્લડશુગર લેવલ નીચું હોય ત્યારે સાથે ફૉસ્ફેટ લેવલ પણ બહુ ઘટી જાય અને જો એવા સમયે લીચી આપવામાં આવે તો એ હાર્મફુલ છે. ભૂખ્યા રહેવામાં આવે ત્યારે નૅચરલી જ શરીરમાંથી ફૉસ્ફેટ ઘટવા માંડે છે. જેવું દરદીને તમે કાર્બોહાઇડ્રેટ આપો એટલે સાથે ઇન્સ્યુલિન રિલીઝ થાય. જોકે એ માટે ફૉસ્ફેટ, પોટૅશિયમ અને મૅગ્નેશિયમની જરૂર પડે. પૂરતા ફૉસ્ફેટના અભાવે ઇન્સ્યુલિન એવા મૉલેક્યુલ્સ પેદા કરે છે જેને કારણે બૉડીમાંથી વધુ ફૉસ્ફેટ ઘટે છે. જેને કારણે ટિશ્યુઝમાં હાઇપોક્સિયા, હૃદયની કામગીરીમાં ગરબડ પેદા કરતું માયોકાર્ડિયલ ડિસફંક્શન અને શ્વસનતંત્ર ખોરવાઈ જવા જેવી તકલીફો થાય છે.’

વાઇરલ ડિસીઝ પર ખૂબ ઊંડું સંશોધન કરવા માટે જાણીતી તામિલનાડુના વેલુરમાં આવેલી ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના વિષાણુ વિજ્ઞાનના પ્રોફેસર ડૉ. જૅકબ જૉનનું કહેવું છે કે ‘આ એન્સેફેલાઇટિસ નહીં, પણ એન્સેફેલોપથી છે. એન્સેફેલાઇટિસ વાઇરલ અથવા તો અન્ય ઇન્ફેક્શનને કારણે થાય છે. એન્સેફૅલોપથી એ બાયોકેમિકલ ડિસીઝ છે. એન્સેફેલોપથીની સારવાર શક્ય છે. બિહારના બાળદરદીઓમાં હાઇપોગ્લાઇસેમિક એન્સેફેલોપથી છે. આ રોગ સિમ્પલ લો બ્લડશુગર એટલે કે હાઇપોગ્લાઇસેમિયા કરતાં ઘણી જુદી રીતે ટ્રીટ કરવો જોઈએ. જ્યારે કાચાં ફળો ભૂખ્યા પેટે ખાવામાં આવે ત્યારે આ સમસ્યા થઈ શકે છે. લીચીમાં ખાસ કેમિકલ રહેલું છે જેને કારણે ગ્લાયકોજિનેસસિસ નામની પ્રક્રિયા બ્લૉક થાય છે.’

ઇન્સ્ટન્ટ ગ્લુકોઝ ચડાવવો

અચાનક જ ખૂબ ઝડપથી લોહીમાંથી શુગર ઘટી જવાથી મગજના ચોક્કસ ભાગો પર અસર થાય છે અને દરદીને આંચકી આવે કે કોમામાં ચાલી જાય છે. આવા સમયે સૌપ્રથમ બહુ ઝડપથી ગ્લુકોઝ ચડાવવામાં આવે એ જરૂરી છે. પ્રોફેસર ડૉ. જૅકબ જૉનનું કહેવું છે કે ‘સાદા હાઇપોગ્લાયસેમિયામાં તમે પાંચ ટકા ગ્લુકોઝ ઇન્ટ્રાવિનસ આપો તો ચાલે, પણ હાઇપોગ્લાયસેમિક એન્સેપેલોપથીમાં ૧૦ ટકા ગ્લુકોઝ તરત જ ચડાવવો જરૂરી છે.’

બાકી ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમની સારવારમાં બહુ વૈવિધ્ય છે એમ જણાવતાં ડૉ સુશીલ શાહ કહે છે, ‘રોગનું મૂળ શું છે એ જાણીને એ મુજબની સારવાર કરવી પડે. બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો ઍન્ટિબાયોટિક્સ અપાય અને વાઇરલ ઇન્ફેક્શન હોય તો એ કયા વાઇરસને કારણે છે એ જાણીને એ મુજબની દવા અપાય. જોકે આ નિદાન બહુ વહેલી તકે થવું જરૂરી છે, કેમ કે લાંબો સમય સારવાર નક્કી કરવામાં જાય તો એ પ્રાણઘાતક નીવડી શકે છે.’

આ પણ વાંચો : સિગારેટ-બીડીના વ્યસનને છોડાવવા માટે લીંબુનું શરબત વધુ અકસીર : રીપોર્ટ

સારવાર પછી પણ મુશ્કેલી

સામાન્ય સંજોગોમાં એન્સેફેલાઇટિસની સારવાર પછી દરદી આરામથી નૉર્મલ થઈ શકે છે, પરંતુ ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમમાંથી ઊગર્યા પછી પણ રાહ સરળ નથી એમ જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ઇન્ફ્લમેશનને કારણે મગજ પર કેટલી અસર થઈ છે અને કયા ભાગ પર અસર થઈ છે એ બહુ જ મહત્ત્વનું છે. કેમ કે આ રોગમાંથી ઊગર્યા પછી પણ અસરગ્રસ્ત મગજના ભાગની કામગીરીમાં ગરબડ રહી જાય એવી સંભાવનાઓ ઘણી ઊંચી છે. લાંબો સમય આ રોગ સામે ઝઝૂમીને બચેલાં બાળકોમાં વિઝનની તકલીફ, સ્પીચની તકલીફ, હાલવા-ચાલવામાં તકલીફ, મેમરી અથવા તો સમજણશક્તિમાં તકલીફ એમ ઘણી સમસ્યાઓ રહી જઈ શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK