જેમને માટે છે લેફ્ટ ઇઝ રાઇટ

13 August, 2019 02:19 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ

જેમને માટે છે લેફ્ટ ઇઝ રાઇટ

ઓબામા

રાજ નામનો છોકરો મંદિરે દર્શન કરવા ગયો. પ્રભુને શીશ નમાવીને તેણે પૂજારી પાસેથી પ્રસાદ લેવા હાથ આગળ ધર્યો. તરત જ તેની દાદીએ તેને ટોક્યો, ‘ડાબા હાથે લેવાય? ચલ, જમણો હાથ આગળ કર.’ પરાણે તેને ન ફાવે તોય જમણો હાથ આગળ કરવો પડે. એવું કેમ? તો કહે, જમણો હાથ ચોખ્ખો અને પવિત્ર કહેવાય.

આ રાજ અત્યારે ડૉ. રાજકુમાર શાહ બની ગયા છે, પણ હજીયે તેમને અમુક કામ જમણા હાથે જ કરાય એ માટે ખાધેલી વઢ યાદ છે. તેઓ પુણેમાં ૩૯ વર્ષથી મેડિકલ પ્રૅક્ટિસ કરે છે અને ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી અને અસોસિએશન ઑફ લેફ્ટ-હૅન્ડર્સ સાથે સંકળાઈને ડાબોડીઓને થતી તકલીફો માટે જાગૃતિ લાવવાનું કામ કરે છે.

પહેલાં એક સમય હતો જ્યારે બાળક ડાબા હાથે પેન પકડીને પાટી પર એકડો ઘૂંટતું હોય તો મમ્મી અને પેરન્ટ્સ તેને ધરાર જમણો હાથ વાપરવા માટે ઘોંચપરોણા કરતાં. હવે જોકે એટલો બદલાવ આવ્યો છે કે ડાબો હાથ વાપરવાને પણ નૉર્મલ ગણવામાં આવે છે. અલબત્ત, આ સ્વીકાર કરવા માત્રથી ડાબોડીઓની સમસ્યા પૂરેપૂરી સૉલ્વ નથી થતી. ધાર્મિક માન્યતાઓની વાત હોય ત્યારે હજી પણ રાઇટ ઇઝ રાઇટ એવું વલણ છે.

સ્પીડ-બ્રેકર બને
પરાણે અમુક કામ‍ જમણા હાથે જ કરાય એનું વલણ જરાય જરૂરી નથી એમ માનતા ડૉ. રાજકુમાર શાહ કહે છે કે ‘બહુ ઓછા લોકો ડાબોડીઓની સમસ્યા સમજી શકે છે. આ સમસ્યા એવડી મોટી નથી હોતી, પરંતુ એ જે-તે વ્યક્તિ માટે ડિસકમ્ફર્ટ પેદા કરનારી હોય છે. ડાબોડી હોવું એ કંઈ ઍબ્નૉર્મલિટી નથી, પણ આ એક એવી વિશિષ્ટતા છે જેની સાથે ડીલ કરવામાં વિશેષ કાળજી જરૂર રાખવી જોઈએ. તમે કોઈ પણ કામ કરતા હો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં બધું જ રાઇટી લોકોને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન થયું છે. મારી વાત કરું તો હું જ્યારે મેડિકલનું ભણતો હતો ત્યારે સર્જરી દરમ્યાન ઑપરેશન-થિયેટરમાં પણ બીજા સર્જ્યન રાઇટ-હૅન્ડેડ હોય ત્યારે તેમની સાથે કો-ઑર્ડિનેશન કરવામાં અડચણ આવતી હતી. ઈવન થિન્કિંગમાં પણ કન્ફ્યુઝન પેદા થાય. આ બધું જ વ્યક્તિ આપમેળે ઍડ્જસ્ટ કરી લે એવું જ હોય અને એનાથી કદાચ નુકસાન પણ વધુ ન થાય, પરંતુ વ્યક્તિના પર્ફોર્મન્સમાં એક સ્પીડ-બ્રેકર આવે. એટલે જ લેફ્ટ-હૅન્ડર્સને પરાણે જમણા હાથે કામ કરતાં કરવાનો ફોર્સ ન કરવો જોઈએ અને સાથે જ રાઇટી લોકો માટે બનેલાં સાધનો વાપરીને કઈ રીતે કામ કરી શકાય એની સ્કિલ્સ પણ શીખવવી પડે.’

દરેક ચીજો જમણેરીઓ માટે જ છે
દુનિયામાં લગભગ ૧૨ ટકા લોકો ડાબોડી છે. જોકે ૯૮ ટકા લોકો રાઇટ-હૅન્ડેડ હોય છે અને આપણે ત્યાં જ્યારે પણ કોઈ નવી ચીજ-વસ્તુની ઇજાદ થાય ત્યારે હંમેશાં મૅજોરિટી જ જીતે છે. મતલબ કે તમામ પ્રકારની સગવડ અને સુખ-સુવિધાઓ હંમેશાં માત્ર જમણેરીઓને જ ધ્યાનમાં રાખીને કરાય છે. આ જ હેતુસર કેટલાક ડાબોડીઓએ ૧૯૯૨માં એશિયામાં સૌથી પહેલું અસોસિએશન ફૉર લેફ્ટ-હૅન્ડર્સ શરૂ કર્યું. સમદુખિયા લોકો જ એકબીજાની પીડા સમજી શકે છે અને એટલે અસોસિએશનના નેજા હેઠળ ડાબોડીઓને રોજિંદા જીવનમાં કેવી સમસ્યાઓ આવી શકે છે એ માટેની ચર્ચા થાય છે. એ સમયે તો ડાબા હાથે અમુક કામ ન કરાય એવી જડ જેવી માન્યતાઓ પણ હતી જે તોડવામાં આ અસોસિએશને ઘણા જાગૃતિ કાર્યક્રમો આપ્યા. ડાબોડીઓને કેવી-કેવી અડચણનો સામનો કરવો પડે છે એ વિશે વાત કરતાં પુણેમાં રહેતા અસોસિએશન ઑફ લેફ્ટ-હૅન્ડર્સના પ્રેસિડન્ટ બિપિનચંદ્ર ચૌગુલેનું કહેવું છે કે ‘અત્યારે માર્કેટમાં દરેક ચીજ રાઇટીઝને ધ્યાનમાં રાખીને બની છે. કાતર અને વેજિટેબલ પિલર જેવી ક્ષુલ્લક ચીજોથી લઈને આજનાં કમ્પ્યુટર્સની વાત કરો. પિલરમાં છરીની ધાર જમણેરી લોકોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે એટલે લેફ્ટ-હૅન્ડર્સે શાકની છાલ ઉતારવા માટે અંદરથી બહારની તરફ જાણે પેન્સિલ છોલતા હોય એમ જ પિલર વાપરવું પડે. આજે બાઇક કે સ્કૂટી જેવાં વાહનોની વાત કરીએ તો એ પણ રાઇટીઝને જ ધ્યાનમાં રાખીને બન્યાં છે. ડાબોડીઓનો માત્ર ડાબો હાથ જ નહીં, પગમાં પણ તેઓ ડાબોડી હોય છે. ડાબોડી વ્યક્તિ ફુટબૉલ રમે તો કિક પણ ડાબા પગે જ મારવાનું પ્રીફર કરે છે. વાહનોમાં પણ બ્રેક, ઍક્સિલરેટર, ગિયર ચેન્જ કરવાનું એમ બધું ડાબોડીઓને વાપરવામાં અવરોધક હોય. ઇન્ડસ્ટ્રીમાં પણ અમે જોયું છે કે મોટા ભાગનાં સાધનો રાઇટી લોકો વાપરી શકે એ રીતે બનાવેલાં હોય છે એવાં સાધનો વાપરતી વખતે ડાબોડીઓ ઍક્સિડન્ટનો શિકાર બની જઈ શકે છે. લેટેસ્ટ આવેલાં સાધનોની વાત કરીએ તો કમ્પ્યુટરનું કી-બોર્ડ અને માઉસ. જેમને ન્યુમરિકલ પૅડ વધુ વાપરવાનું થતું હોય એવા ડાબોડીને કાં તો પોતાના જમણા હાથને વધુ સ્ટ્રેસ આપીને ટ્રેઇન કરવો પડે કાં પછી અવળા થઈને ડાબો હાથ યુઝ કરવો પડે.’

વ્યવસાયે ફિલ્મમેકર એવા બિપિનચંદ્ર ચૌગુલેનું કહેવું છે કે ‘બહારથી કદાચ એવું લાગે કે ડાબોડીઓ પોતાની મેળે દરેક સાધન વાપરવાનો પોતાનો જુગાડ શોધી લે છે, પણ એ જુગાડ જ હોય છે. પોતાના મુખ્ય હાથને બદલે બીજા હાથનો વપરાશ કરવામાં તેમને સ્ટ્રેસ પેદા થાય છે. આ સ્ટ્રેસ અને માનસિક ગડમથલ તેમને પરેશાન કરતી હોય છે જે તેમના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.’

કન્ફ્યુઝન કેવી રીતે પેદા થાય?
ડાબોડીને જમણો હાથ વાપરવાનું કહેવાથી કઈ રીતે મગજમાં કન્ફ્યુઝન સર્જાય છે એ વાત અસોસિએશન ઑફ લેફ્ટ હૅન્ડર્સના ગુજરાતના હેડ હિતેશ ઝાલા બહુ સરસ રીતે સમજાવે છે. હિતેશ ઝાલા પોતે ભુજ પોલીસમાં કામ કરે છે એટલે તેમનું મગજ પણ જબરદસ્ત ઇન્વેસ્ટિગેટિવ અને માઇન્ડગેમને ઉકેલવામાં પાવરધું છે. તેઓ કહે છે, ‘બહુ સાદી ભાષામાં કહીએ તો આપણા શરીરને કોઈ પણ પ્રકારનું હલનચલન કરવા માટેના ઑર્ડર્સ મગજમાંથી મળતા હોય છે. સેરિબ્રલ બ્રેઇન તરીકે ઓળખાતા મોટા મગજનો જમણો ભાગ ડાબી બાજુના ભાગમાં સંદેશા મોકલે છે અને ડાબી બાજુનું મગજ જમણી બાજુના ભાગમાં સંદેશા મોકલે છે. ડાબોડીઓનો ડાબો હાથ વધુ સ્ટ્રૉન્ગ અને સક્રિય હોવાથી મગજમાંથી ઑર્ડર પણ ડાબી બાજુના અંગને જ મળે છે. એવામાં બહારથી જો ઇન્સ્ટ્રક્શનનો મારો થાય કે ડાબો નહીં, જમણો જ વાપરવાનો છે હોં! તો મગજના ઑર્ડર અને બહારના ઑર્ડર વચ્ચે ઘર્ષણ પેદા થાય. આ ક્ષણિક જ હોય છે, પણ આવું ઘર્ષણ પેદા કરવાની કોઈ જરૂર નથી. એનાથી ખાસ કરીને બાળકોના ગ્રોથ યર્સમાં ગરબડ થતી જોવા મળે છે. બાકી, બીજી બધી જ બાબતમાં એક્સેપ્ટન્સ આવ્યું છે પણ ધાર્મિક માન્યતાઓના મુદ્દે સુધારો જરૂરી છે. જે કામ જમણેરીઓ ડાબા હાથે કરે છે એ ડાબોડીઓ જમણા હાથે કરે છે. એ ન્યાયે હકીકતમાં તો જો પાપ લાગવાનું હોય તો ડાબોડીઓ જમણા હાથે પ્રસાદ લે તો પાપ લાગવું જોઈએ.’

સ્કૂલ-કૉલેજોમાં ટ્રેઇનિંગ
અસોસિએશન ઑફ લેફ્ટ હૅન્ડર્સ સાથે અમિતાભ બચ્ચન અને આશા પારેખ જેવાં દિગ્ગજો જોડાયેલાં છે અને હજી ગયા વર્ષે જ કપિલ શર્મા પણ જોડાયો છે. ગુજરાતમાં હિતેશ ઝાલા સાથે આ સંસ્થામાં રેકૉર્ડ-હોલ્ડર લેફ્ટ હૅન્ડર પેઇન્ટર નવીન સોની, અશ્વિન મહેતા અને ઉદય વેલાણી જેવા સ્વયંસેવકો છે જે સાથે મળીને સ્કૂલ અને કૉલેજોમાં લેફ્ટ-હૅન્ડેડ લોકો માટે અવેરનેસ અને ટ્રેઇનિંગ કાર્યક્રમ લે છે. હિતેન ઝાલા કહે છે, ‘એક વાર મોટા થયા પછી વાંધો નથી આવતો, પરંતુ બાળક જ્યારે શીખી રહ્યું હોય ત્યારે તેને બહુ તકલીફ પડે છે. સામાન્ય રીતે બાળક લખતાં શીખે ત્યારે મમ્મી તેને ખોળામાં બેસાડીને અક્ષર ઘૂંટાવે, પણ જમણેરી મમ્મીનું ડાબોડી બાળક હોય ત્યારે તેને અક્ષરના મરોડ કાઢતાં શીખવાની ટેક્નિક નબળી રહી જાય છે. બાળક પોતાની મેળે ટ્રાયલ કરીને શીખી જાય તો ઠીક, નહીંતર તેના હૅન્ડરાઇટિંગ ખરાબ રહી જાય છે. એ માટે અમે એક ગ્રાફ તૈયાર કર્યો છે જેના થકી અમે લેફ્ટી બાળકોને શીખવીએ છીએ કે હાઉ ટુ રાઇટ કરેક્ટલી. તમારા હાથની પોઝિશન કેવી હોવી જોઈએ, પેન કઈ રીતે પકડવી, ગરદન કેટલી ઝૂકેલી રાખવી જેવી બહુ ઝીણી વિગતો અમે શીખવીએ છીએ.’

લેફ્ટ-હૅન્ડર્સને પરાણે જમણા હાથે કામ કરતાં કરવાનો ફોર્સ ન કરવો જોઈએ અને સાથે જ રાઇટી લોકો માટે બનેલાં સાધનો વાપરીને કઈ રીતે કામ કરી શકાય એની સ્કિલ્સ પણ શીખવવી પડે. - ડૉ. રાજકુમાર શાહ

અત્યારે માર્કેટમાં દરેક ચીજ રાઇટીઝને ધ્યાનમાં રાખીને બની છે. કાતર અને વેજિટેબલ પિલર જેવી ક્ષુલ્લક ચીજોથી લઈને આજનાં કમ્પ્યુટર્સની વાત કરો. પિલરમાં છરીની ધાર જમણેરી લોકોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે - બિપિનચંદ્ર ચૌગુલે

હજી પણ ધાર્મિક માન્યતાઓના મુદ્દે સુધારો જરૂરી છે. જે કામ જમણેરીઓ ડાબા હાથે કરે છે એ ડાબોડીઓ જમણા હાથે કરે છે. એ ન્યાયે હકીકતમાં તો જો પાપ લાગવાનું હોય તો ડાબોડીઓ જમણા હાથે પ્રસાદ લે તો પાપ લાગવું જોઈએ - હિતેશ ઝાલા

આ છે દુનિયાના જાણીતા ડાબોડીઓ
નેપોલિયન બોનાપાર્ટ, એરિસ્ટોટલ, ચાર્લી ચૅપ્લિન, અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ક્લિન્ટન, બરાક ઓબામા, મૅરલિન મનરો, સંજીવકુમાર, વિનોદ કાંબલી, સૌરવ ગાંગુલી, લેડી ગાગા, ઓપ્રા વિનફ્રે, સ્ટીવ ફૉર્બ્સ, લક્ષ્મી મિત્તલ, અભિષેક બચ્ચન.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

કેટલુંક જાણવા જેવું
પ્રેગ્નન્સી દરમ્યાન મમ્મી સ્ટ્રેસફુલ કન્ડિશનમાં રહી હોય તો એને કારણે બાળક ડાબોડી હોવાની સંભાવના વધે છે.
અનેક સંશોધનો પછી ડાબોડીઓના મૂળ જનીનમાં હોવાનું તારવાયું છે. 2p12 રંગસૂત્ર પર આવેલું LRRTM1 નામનું જનીન બાળક ડાબોડી બનશે કે જમણેરી એ નક્કી કરે છે.
મરાઠવાડા વિસ્તારમાં કેટલાંક નાનાં ગામડાંઓ છે જ્યાં અંધશ્રદ્ધાને કારણે ડાબોડી છોકરીઓ સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નથી થતું.
ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીએ રાજસ્થાન અને ગુજરાતમાં વધુ ડાબોડીઓ છે.
સ્ત્રીઓ કરતાં પુરુષો ડાબોડી હોવાની સંભાવના બમણી હોય છે.

columnists