જખમ ન થાય અને થાય તો એ પાણીમાં પલળે નહીં એનું ખાસ ધ્યાન આ સીઝનમાં રાખો

09 July, 2019 11:15 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ

જખમ ન થાય અને થાય તો એ પાણીમાં પલળે નહીં એનું ખાસ ધ્યાન આ સીઝનમાં રાખો

પ્રતીકાત્મક તસવીર

ખૂબ વરસાદ પડે અને ઠેર-ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાઈ રહે એ પછીથી શરૂ થાય મચ્છર, વાઇરસ અને પૅરેસાઇટ્સ દ્વારા ફેલાતા ચેપી રોગોની ભરમાર. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેના પર આવા ચેપી રોગ હાવી થવાનું રિસ્ક વધુ હોય છે. ગંદા પાણીના ભરાવાને કારણે થતા અનેક રોગોનું રિસ્ક વધી જાય છે અને એવા સમયે બાહ્ય જીવાણુના હુમલાને ખાળવા માટે અંદરથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી બહુ મહત્ત્વની છે. વરસાદમાંથી પલળીને ઘરે કે ઑફિસે પહોંચીએ એ પછી સૌથી પહેલું કામ કોરા થવાનું કરવું જોઈએ. જોકે માત્ર કોરા થવું પૂરતું નથી. જો તમને પગમાં ક્યાંય પણ છાલા, કાપો, ઘા કે ગડગૂમડ થયાં હોય તો વરસાદની સીઝન તમારા માટે ગમે ત્યારે જોખમી બીમારીઓ લાવી શકે છે. ખુલ્લા ઊંડા ઘા પર પાણી પડે અથવા તો ભીનાશ રહ્યા કરે તો એમાં પાક થઈ જાય છે એ વિશે સમજાવતાં ચીરાબજારમાં લગભગ ૯ વર્ષથી પ્રૅક્ટિસ કરતા ફિઝિશ્યન ડૉ. ચિરાગ જૈન કહે છે, ‘કોઈ પણ પ્રકારના ઘાને જલદીથી રુઝવવો હોય તો એમાં પાણી ન પડવું જોઈએ. સર્જરી કર્યા પછી એટલે જસ્તો દરદીઓને ખાસ સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી ઘા રુઝાય નહીં ત્યાં સુધી પાણી અડાડવું નહીં. ધારો કે ઘા અને ઉપર લગાવેલું ડ્રેસિંગ ભીનું થઈ જાય તો તરત જ એને દૂર કરી દેવું જોઈએ. પાણી અને ઇન્ફેક્શન બહુ સારા મિત્રો છે. ખુલ્લો ઘા હોય અને એમાં જો પાણી જાય તો એમાં ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. વરસાદમાં તો પાણી પણ ગંદું હોય છે અને એમાં માટી, અનેક વિષાણુઓ અને બૅક્ટેરિયા વહ્યા કરતા હોય છે જે ખુલ્લા ઘા મારફત શરીરમાં બહુ આસાનીથી પ્રવેશી શકે છે.’

ડાયાબિટીઝમાં ડેન્જરસ

આપણે સૌ જાણીએ છીએ કે વરસાદના પાણીમાં પલળ્યા પછી ભીનાં કપડાં જો એમ જ શરીર પર સુકાવા દઈએ તો શરદી-કફ અને વાઇરસ ફીવર આવવાની સંભાવના વધી જાય છે. જોકે આ સીઝનનો ભેજ અને ભીનાશ ડાયાબિટીઝના દરદીઓ માટે તો અલાર્મ સમાન છે. ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ ઑલરેડી નબળી હોય છે. બ્લડ-શુગરને કારણે તેમના શરીરના છેવાડાનાં અંગો એટલે હાથ અને પગમાંથી સંવેદનાની અનુભૂતિ વીક હોય છે. હાથ-પગની રક્તવાહિનીઓ ડૅમેજ થવાને કારણે એ ભાગના જ્ઞાનતંતુઓ પર અસર થાય છે અને પગમાં સેન્સેશન ઘટી જાય છે. સામાન્ય રીતે હેલ્ધી વ્યક્તિને જો પગમાં કંઈક વાગે કે ખૂંચે તો તરત જ તેને પીડા થાય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીઓને કંઈક વાગે અને લોહી નીકળે તો પણ તેમને એની પીડા ન થતી હોવાથી ઘણા સમય સુધી ખબર જ નથી પડતી. બ્લડ-શુગરને કારણે વાગેલી જગ્યાએ રુઝ આવતી નથી. સૌથી પહેલાં તો ઘા કે વ્રણ થયો છે એની જાણ જ નથી થતી, કેમ કે એ ભાગમાં દુખાવો થતો જ નથી. જ્યારે એ તરફ નજર જાય છે ત્યારે એ ઘા ઘણો ઊંડો થઈને નાસૂર બની ગયો હોય એવી સંભાવના ઊંચી છે. એક વાર ઇન્ફેક્શન ઊંડું ઊતરી જાય એ પછી એને કાબૂમાં લેવું અને રુઝ લાવવાનું કામ મુશ્કેલ બની જાય છે. ડૉ. ચિરાગ જૈન કહે છે, ‘ડાયાબિટીઝના દરદીઓએ તો નિયમિતપણે શરીરના કોઈ પણ ભાગમાં ઘા કે ઇન્જરી નથી થઈ એ બાબતે સાવધ રહેવું જોઈએ. પગમાં એની સંભાવના વધુ હોય છે, કેમ કે એમાં સૌથી પહેલાં સંવેદના બુઠ્ઠી થાય છે. ડાયાબિટીઝના દરદીને જો પગમાં ઘા થયેલો હોય તો વરસાદના સમયમાં એ વધુ જોખમી બને છે. એવામાં પ્રિવેન્શન જ તેમને માટે બેસ્ટ છે.’

ઘામાં પાક થવાની સંભાવના

ડાયાબિટીઝ ન હોય તો પણ ખુલ્લા ઘા પ્રત્યે બેકાળજી ન દાખવવી જોઈએ, કેમ કે વરસાદનું પાણી સ્ટરાઇલ નથી હોતું. એમાં અનેક બૅક્ટેરિયા અને જીવાણુઓ હોય છે જે નાનાઅમસ્તા ઘાને પણ વકરાવી શકે છે. ડૉ. ચિરાગ કહે છે, ‘આ સીઝનમાં કોઈ પણ પ્રકારનો ઘા હોય એની વિશેષ કાળજી લેવી. એ ભીનો ન જ થાય અને થાય તો તરત જ એને ડેટોલ કે બીટાડિન જેવા ઍન્ટિ-સેપ્ટિક દ્વારા સાફ કરવામાં આવે એ મસ્ટ છે. બીજું, ઘા ઓપન રાખવો હિતાવહ નથી. એમાં બાહ્ય જંતુઓ ન પ્રવેશે એ માટે પ્રૉપર ડ્રેસિંગ કરી લેવું બહેતર છે. જોકે ડ્રેસિંગ ભીનું થઈ જાય તો એને લાંબો સમય એમ જ રાખી મૂકવાનું પણ એટલું જ જોખમી છે. ઘણા પેશન્ટ્સ ડ્રેસિંગ ભીનું થઈ ગયા પછી બીજા દિવસે ડૉક્ટર પાસે જઈશું ત્યારે બદલાવીશું એમ વિચારીને એને એમ જ રહેવા દે છે. આ બહુ જોખમી છે. ભીનું ડ્રેસિંગ ઘાને વધુ ઝડપથી ઇન્ફેક્ટેડ કરી શકે છે. એવા સમયે ભીનું ડ્રેસિંગ કાઢી લેવું. એ પછી પણ ઘાને ખુલ્લો તો ન જ રાખવો. ડેટોલ વડે ઘા સાફ કરીને ચોખ્ખી નવી ડ્રેસિંગની પટ્ટી લગાવવી અને એ પછી ડૉક્ટર પાસે જઈને વ્યવસ્થિત ડ્રેસિંગ કરાવી લેવું. સર્જરી પછીનો ઘા હોય કે પડવા-વાગવાને કારણે ઊંડો ઘા લાગ્યો હોય આ સાવચેતી બહુ જરૂરી છે.’

અન્ય ચેપી જીવાણુઓ

વરસાદની સીઝનમાં અનેક જીવાણુઓ અને બૅક્ટેરિયા પણ આવા ઘા મારફત શરીરમાં ઘૂસી શકે છે. ગંદા પાણીમાં ચાલવાનું થયું હોય અને એ વખતે જો પગમાં નાનો ઘા કે વ્રણ થયેલું હોય તો લેપ્ટોસ્પાયરોસિસ થવાનું રિસ્ક વધી જાય છે. ડૉ. ચિરાગ કહે છે, ‘વરસાદી ગંદા પાણીમાં તમામ પ્રકારની અશુદ્ધિઓ હોય છે અને ખુલ્લો ઘા તમામ જંતુઓને શરીરમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બની શકે છે. કેટલાક કૃમિઓ હોય છે અને પરોપજીવી જંતુઓ હોય છે એ પણ ઘા મારફત બૉડીમાં પ્રવેશી શકે છે જે કૃમિજન્ય પૅરેસાઇટ્સને કારણે થતા અન્ય અગણિત રોગો થવાનું જોખમ વધારે છે. આંગળીઓની વચ્ચે ભીનાશ લાંબો સમય રહી જાય તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે માટે બૉડીને વ્યવસ્થિત ડ્રાય કરવું આવશ્યક છે.’

આ પણ વાંચો : વરસાદમાં સ્વસ્થ રહેવા રસોઈમાં આ દસ ચીજો અચૂક વાપરો

તો કરવું શું?

શરીરમાં ક્યાંય ઘા, વ્રણ ન થાય એની કાળજી રાખવી. જો હોય તો એ ભાગને કદી ખુલ્લો ન રાખવો. સર્જરી થઈ હોય તો વરસાદના પાણીમાં બહાર નીકળવાનું જ ટાળો.

વરસાદમાં પલળવાનું થાય તો ઘરે પહોંચ્યા પછી ગરમ પાણીથી નાહી લેવું અને પગને બે-પાંચ મિનિટ ગરમ પાણીમાં બોળી રાખવા.

ચોમાસામાં કૅન્વસનાં શૂઝ ન પહેરવાં. પ્લાસ્ટિકનાં કડક શૂઝ પહેરવાનું ટાળવું. રબર કે ચામડાનાં શૂઝ ડંખે એવાં ન હોય એનું ધ્યાન રાખવું.

health tips columnists