એપિલેપ્સી કદી મટે જ નહીં એવું માનો છો?

11 February, 2019 12:56 PM IST  |  | સેજલ પટેલ

એપિલેપ્સી કદી મટે જ નહીં એવું માનો છો?

પ્રતીકાત્મક તસવીર

એક સમય હતો જ્યારે ભારતમાં તાણ અને ખેંચ જેવી બીમારી માટે લોકો ભૂવા અને તાંત્રિકનો સહારો લેતા હતા. ભારતના શહેરી વિસ્તારો આ વિચિત્ર માનસિકતાથી મુક્ત થઈ ચૂક્યા છે એમ કહી શકીએ, પણ હજીયે ગામડાંમાં ખૂણેખાંચરે ક્યાંક થોડેક અંશે આ પ્રકારની માનસિકતા પ્રવર્તે છે. એમ છતાં હજીયે સમાજમાં ચિત્રવિચિત્ર ભ્રમણાઓ આ રોગ વિશે ફેલાયેલી છે. જેમ કે એપિલેપ્સીનો દરદી માનસિક રોગી છે, એની દવાઓ લેવાથી દરદી માનસિક રીતે વધુ નબળો થતો જાય છે, આ રોગી કદી સાજો થતો જ નથી, આ રોગ હંમેશાં વારસાગત ધોરણે આગળ વધે છે કેમ કે એ જિનેટિક છે, આ રોગ ધીમે-ધીમે વકરતો જ જાય છે અને એને કારણે દરદીને બીજા માનસિક રોગો થવાની સંભાવનાઓ પણ રહે છે... એમ લિસ્ટ હજી ઘણું લાંબું છે.

એક વાત સમજવી જરૂરી છે કે જ્યાં સુધી કોઈ રોગ વિશેની સાચી સમજણ ડેવલપ નથી થતી ત્યાં સુધી આપણે એ રોગ કે રોગીને જોવાનો નજરિયો બદલી નથી શકતા અને એને કારણે આપણે મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિનો જોઈએ એટલો લાભ પણ નથી ઉઠાવી શકતા. ભારતમાં હાલમાં ૧.૨૦ કરોડ લોકો એપિલેપ્સી સાથે જીવે છે અને આજેય એપિલેપ્સીના દરદીઓ પ્રત્યે સોશ્યલ સ્ટિગ્મા છે જ અને બહુ ઓછા લોકો આ રોગને ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર તરીકે સ્વીકારે છે. આ માન્યતાઓ પણ દરદી અને દરદીના પરિવારજનોની હિંમત તોડી નાખે છે એ વિશે વાત કરતાં એશિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સના ન્યુરોલૉજિસ્ટ ડૉ. કીર્તિ પાટીલ કહે છે, ‘હજીયે ખોટી માન્યતાઓને કારણે એપિલેપ્સીના હજારો દરદીઓની જિંદગી બગડી રહી છે. ઇન ફૅક્ટ, એપિલેપ્સીનો દરદી સામાન્ય જિંદગી જીવી શકે છે એ દરદીના પરિવારજનોને સમજાવવું અઘરું છે. જાગૃતિના અભાવ અને સામાજિક છોછને કારણે લોકો આ રોગની સારવાર કરાવવામાં મોડું કરે છે જેને કારણે દરદી અને તેના પરિવાર પર ખૂબ મોટું ઇમોશનલ ભારણ વધી જાય છે. જ્યારે પહેલી વાર આવેલો વાઈનો હુમલો બહુ મેજર ન હોય ત્યારે લોકો એ માટે નિષ્ણાતને કન્સલ્ટ કરવાનું ટાળે છે અને ફરી જ્યારે હુમલો થાય છે ત્યારે એ વધુ હાનિ પહોંચાડે છે.’

એપિલેપ્સીમાં થાય શું?

આ એક પ્રકારનો ન્યુરોલૉજિકલ રોગ છે. ન્યુરૉન્સ એટલે ચેતાતંતુઓ. તમને પગની પાનીએ કોઈક ચીમટી ખણે તો તરત જ એ મગજને ખબર પડી જાય છે એ આ ચેતાતંતુઓના કમ્યુનિકેશન નેટવર્કને કારણે. તરત જ મગજ પગ પાછો ખેંચી લેવાની સૂચના આપે અને આપણે પગ ખેંચી લઈએ. ઘડીના છઠ્ઠા ભાગમાં ચેતાતંતુઓ વચ્ચે આવા તો અનેક સંદેશાઓની આપ-લે થતી રહે છે. સંદેશાના વહન માટે વીજળીના કરન્ટ જેવી ઊર્જા કોષો પાસે હોય છે. લિટરલી આ કરન્ટ થકી જ બે કોષો વચ્ચે આવી આદાનપ્રદાનની પ્રવૃત્તિ ચાલતી રહે છે. આ પ્રવૃત્તિ કરતી ચેતાઓ ઇલેક્ટ્રો-કેમિકલ પાથવે કહેવાય. આ ચેતાઓમાં કોઈ પણ કારણોસર અચાનક જ અંધાધૂંધ વીજળીની ઊર્જા અને કેમિકલ્સનો લોચો થાય ત્યારે ખેંચનો હુમલો આવે છે. નવજાત શિશુથી માંડીને વૃદ્ધોને પણ આ રોગ જીવનના કોઈ પણ તબક્કે થઈ શકે છે. બાળપણમાં જ આ રોગ થવાની સંભાવના વધારે હોય છે. મોટા ભાગે મગજનો તાવ, ઇન્ફેક્શન, અમુક મિનરલ્સની કમી અને મગજમાં સતત ઑક્સિજનની કમીને કારણે બાળકો ઝડપથી આ ડિસઑર્ડરની ચપેટમાં આવી જાય છે. ઍક્સિડન્ટ કે પછડાટને કારણે મગજને ડૅમેજ થયું હોય, ન્યુરોસિસ્ટસકોર્સિસ, ક્ષય રોગ, સ્ટ્રોક કે મગજમાં ચોક્કસ જગ્યાઓએ ગાંઠ થવાને કારણે પુખ્ત વયના લોકોમાં પણ આ રોગ ડેવલપ થઈ શકે છે.

આ રોગને નાથવા શું કરવું?

સૌથી પહેલાં તો આ રોગનો સ્વસ્થ સ્વીકાર બહુ જરૂરી છે. જો જીવનમાં ક્યારેય તમને નાની-મોટી ખેંચ આવી હોય તો એ પછી તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી છે. ‘ના ના... મને બહુ ખાસ તકલીફ નથી’ એમ વિચારીને ફરીથી એનો હુમલો થાય એની રાહ જોવી મૂર્ખામી છે. સામાન્ય રીતે પહેલી વાર વાઈનો હુમલો આવ્યા જેવું લાગે તો બને એટલું જલદી મગજનો MRI કઢાવી લેવો જોઈએ. વાઈનો હુમલો આવે ત્યારે બધા જ દરદીઓને એકસરખાં લક્ષણો જ દેખા છે એવું નથી હોતું. દરદીએ-દરદીએ લક્ષણો જુદાં હોઈ શકે છે. વાઈના હુમલાની તીવ્રતા, ફ્રીક્વન્સી અને શારીરિક લક્ષણો બધું જ જુદું હોય છે.

દવાથી આડઅસર ન થાય?

એપિલેપ્સીના ૭૦ ટકા દરદીઓને માત્ર દવાથી જ સારું થઈ જાય છે એવું સમજાવતાં જસલોક હૉસ્પિટલના ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ડના ડિરેક્ટર ડૉ. પરેશ દોશી કહે છે, ‘એપિલેપ્સી એ ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર જેવો જ એક સામાન્ય રોગ છે. લોકોના મનમાંથી એનો હાઉ નીકળવો જરૂરી છે. મેડિકલ સાયન્સ એટલું વિકસ્યું છે કે હવે ૭૦ ટકાથી વધુ દરદીઓને દવાથી સારું થઈ જાય છે. જો અર્લી સ્ટેજમાં યોગ્ય સારવાર થાય તો ત્રણ-ચાર વર્ષ પછી દરદીઓને રોજની દવામાંથી પણ મુક્તિ મળી ગઈ હોવાના અનેક કેસ બન્યા છે. જૂના સમયમાં એપિલેપ્સી માટેની દવાઓથી યાદશક્તિ પર આડઅસર થતી હતી અને દરદીને ઊંઘરેટાપણું રહેતું હતું, પણ હવે એવી કોઈ જ સાઇડ ઇફેક્ટ્સ વિનાની દવાઓ આવી ગઈ છે જે લાંબા ગાળા સુધી દરદી લઈ શકે છે.’

દવા ન પહોંચે ત્યાં સર્જરી કામની

ઘણી વાર દવાઓથી દરદીને વાઈના હુમલાની ફ્રીક્વન્સી અને તીવ્રતામાં ફેર પડે, પણ હુમલા સાવ બંધ થઈ જાય એવું નથી થતું. એવા સંજોગોમાં સર્જરી કામની છે એમ જણાવતાં ન્યુરોસજ્ર્યન ડૉ. પરેશ દોશી કહે છે, ‘જે-તે દરદીનાં લક્ષણો અને એપિલેપ્સીનાં કારણો સમજીને એ મુજબ હવે ત્રણ પ્રકારની સર્જરીઓ ભારતમાં અવેલેબલ છે. કયા દરદીને કઈ સર્જરીથી ફાયદો થશે એ નક્કી કરવું મહkવનું છે. એક પ્રકાર છે ટેમ્પોરલ લોબ સર્જરીનો. આ ઓપન સર્જરી છે. ભારતમાં હજી એક-બે વર્ષ પહેલાં જ શરૂ થઈ છે વેગસ નર્વ સ્ટિમ્યુલેશન સર્જરી. એમાં ગરદન પાસેની દસમી નર્વમાં પ્રોસીજર કરીને પેસમેકર જેવું સાધન બેસાડવામાં આવે છે. આ ડિવાઇસથી તમે મગજના ઇમ્પલ્સને કન્ટ્રોલ કરી શકો છો. જેમને દિવસમાં દસ-વીસ વાર વાઈ આવતી હોય એવા લોકોમાં પણ આ અસરકારક છે. આ ડિવાઇસથી વાઈનો હુમલો આવવાનો છે એની વૉર્નિંગ સાઇન પણ મળી જાય છે અને તરત જ તમે એને કન્ટ્રોલ કરી શકો એવી ટેક્નિક એમાં હોય છે. ત્રીજી સર્જરી છે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશનની. જેમને દવા કે ઉપરોક્ત સર્જરીઓથી ફાયદો થઈ શકે એમ ન હોય તેમના મગજના થૅલેમસ નામના ભાગમાં સ્ટિમ્યુલેટર મૂકવામાં આવે છે જેનાથી તમે મગજની ગતિવિધિઓને કન્ટ્રોલ કરી શકો છો.’

આ પણ વાંચો : પત્ની ઝઘડો કરીને પિયર ચાલી ગઈ, છ વર્ષ થઈ ગયાં હોવા છતાં નથી માનતી

આ તમામ સારવારની અસરકારકતા વિશે વાત કરતાં ડૉ. પરેશ દોશી કહે છે, ‘હવે એપિલેપ્સી અસાધ્ય રોગ નથી. ૭૦ ટકા કેસમાં એ માત્ર દવાઓથી ક્યૉર થઈ શકે છે. બાકીના કેસમાં સર્જરીના ઑપ્શન્સને કારણે રોગમુક્ત થવાની સંભાવનાઓ ઘણી ઊંચી થઈ છે. માત્ર દસ-બાર ટકા દરદીઓ જ હોય છે જેમને રોગ કાબૂમાં લેતાં મુશ્કેલી પડે છે.’

કોઈને વાઈ આવે ત્યારે

દરદીને ગંધાતું જોડું, મોજું કે કાંદા સૂંઘાડવાની જરૂર નથી.

દરદીને પાણી પિવડાવવાની કે કશું ખવડાવવાની જરૂર નથી.

હુમલા દરમ્યાન દરદીને પરાણે પકડીને સુવાડવાનો પ્રયાસ ન કરવો.

સૂતેલા દરદીને એક પડખે કરી દેવો અને માથું પ્રોટેક્ટ કરવું.

આજુબાજુમાં ધારદાર કે વાગી જાય એવી ચીજો હોય તો દૂર કરી દેવી.

મોંમાં કશુંક ખોસીને પરાણે ભીંસાયેલા દાંત ખોલવાનો પ્રયત્ન ન કરવો.

ઊલટી થતી હોય તો રોકવાનો પ્રયત્ન ન કરવો.

સામાન્ય રીતે બેથી પાંચ મિનિટમાં હુમલો શમી જાય છે. જો એમ ન થાય તો તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરવા.

columnists