પત્ની ઝઘડો કરીને પિયર ચાલી ગઈ, છ વર્ષ થઈ ગયાં હોવા છતાં નથી માનતી

સેજલ પટેલ | Feb 08, 2019, 14:54 IST

આમ તો મારાં લગ્નને સાત વર્ષ થયાં છે, પરંતુ પહેલું એક વર્ષ સાથે રહ્યા પછી મારી પત્ની તેની મમ્મીને ત્યાં જતી રહી છે. એ પહેલાં તેણે મારી સાથે બહુ મોટો ઝઘડો કરેલો. શરૂઆતમાં મેં તેને મનાવી તો તે પાછી આવવા તૈયાર થઈ પણ..

 તે એકલી રહેવા માગે છે
તે એકલી રહેવા માગે છે

સેજલને સવાલ

સવાલ : આમ તો મારાં લગ્નને સાત વર્ષ થયાં છે, પરંતુ પહેલું એક વર્ષ સાથે રહ્યા પછી મારી પત્ની તેની મમ્મીને ત્યાં જતી રહી છે. એ પહેલાં તેણે મારી સાથે બહુ મોટો ઝઘડો કરેલો. શરૂઆતમાં મેં તેને મનાવી તો તે પાછી આવવા તૈયાર થઈ, પણ તેની શરત હતી જો અમે એકલા રહેવાના હોઈએ તો જ તે પાછી આવશે. અમારું એક રૂમનું ઘર ભાઈંદરમાં છે ત્યાં તે એકલી રહેવા માગે છે. આ ઘર અમે ભાડેથી આપ્યું હોવાથી એ શક્ય નહોતું. જોકે હવે તો વાઇફ કે તેના ઘરનાઓ તરફથી કોઈ વાતનો જવાબ નથી મળતો. અમે તેને પાછી લાવવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. છેલ્લે મેં વાઇફને પૂછ્યું કે તું આવશે કે નહીં? તો તેણે ના પાડી દીધી. અમને એવું લાગે છે કે તેનું ક્યાંક બીજું કોઈ અફેર હશે. હવે આમાં શું કરીએ?

જવાબ : તમે લખેલા પત્રમાં ત્રૂટક-ત્રૂટક ભાષામાં જે વર્ણન થયું છે એને લૉજિકલી ઉકેલીને મેં એનો સવાલ તૈયાર કર્યો છે. બની શકે કે આ લૉજિકમાં પણ કંઈક ગરબડ હોય. તમારા પત્રનો સૂર પકડીએ તો તમે પત્ની છ વર્ષથી માના ઘેર જતી રહી છે અને પાછી નથી આવતી એનું શું કરવું એ બાબતે પરેશાન છો. લગ્ન થયાં એને સાત વર્ષ થયાં, પણ સાથે રહેવાનું માત્ર એક જ વર્ષ બન્યું છે. એવામાં તમે અને તમારાં પત્ની એકમેક માટે કેટલી લાગણી અને સમજણ ધરાવો છો એ કળવું મુશ્કેલ છે.

ધારણા એવી બાંધી શકાય કે એક વર્ષ તમે સાથે રહ્યાં એ દરમ્યાન એવું કંઈક ચોક્કસ થયું હશે જેને કારણે તમારી પત્નીને પાછા સાસરે નથી આવવું. જરૂરી નથી કે એમાં તમે કે તમારા પરિવારજનોએ જ ભૂલ કરી હોય. બની શકે કે કોઈ ગલતફહેમીનો શિકાર બનીને તેણે માના ઘરની વાટ પકડી હોય અને બની શકે કે તેને ખરેખર બીજું કોઈ ગમતું હોય એટલે તે આ સંબંધથી છુટકારો મેળવવા માગતી હોય. સંભાવના કોઈ પણ હોઈ શકે.

જરાક શાંતિથી બેસીને વિચારો. છ વર્ષનો ગાળો ઘણો મોટો છે. આવામાં તમારે નક્કી એ કરવાનું રહે કે તમે ક્યાં સુધી પત્ની પાછી આવે એની રાહ જોવા માગો છો. જો પ્રેમ અને લાગણી એટલાં ઊંડાં હોય કે જિંદગીભર તેના પાછા આવવાની રાહ જોશો તો તમારે તેને મનાવવા માટે જીવ લગાવી દેવો પડે. તેને શું તકલીફ છે અને શા માટે તે લગ્ન પછી પણ સાથે રહેવા નથી તૈયાર એ સમજવું પડે. લગ્નજીવનની વિચિત્રતા એ છે કે માત્ર એકપક્ષીય પ્રેમ અને લાગણીઓ હોય અને એ જો બીજા પાર્ટનરને સ્પર્શતી પણ ન હોય તો વાત બનતી નથી. કોઈ વ્યક્તિ પ્રેમને કારણે નારાજ હોય તો તેને મનાવી પણ શકાય, પરંતુ તમારા પ્રત્યે લાગણીશૂન્ય હોવાને કારણે તે નારાજ હોય તો તેને મનાવવાના પ્રયત્નમાં મચ્યા રહેવું એ પણ વ્યર્થ છે.

 

આ પણ વાંચો:  સાસુ જીવનમાં ખૂબ ચંચુપાત કરી રહ્યાં હોવાથી અમારા વચ્ચે વિવાદ થવા લાગ્યા

 

તેને બીજું અફેર છે કે કેમ એ જાણીને તમે શું કરશો? તેને તમારા માટે લાગણી છે કે નહીં એ જાણવું બહુ જરૂરી છે. હા, જો તેને બીજું અફેર હોત તો તેણે એ સંબંધમાં આગળ વધવા માટે આ સંબંધમાંથી છૂટા પડવાની ઉતાવળ કરી હોત. શું તેણે કદી છૂટા પડવાની ડિમાન્ડ કરી છે? ધારો કે તેને તમારા માટે કોઈ જ લાગણી ન હોય અને લગ્ન એ માત્ર કાગળ પરની સમજૂતી સુધી સીમિત રહી ગયા હોય તો તમારે પણ તેને છૂટી કરીને આગળ વધવાની દિશામાં વિચારવું જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK