સ્ત્રીને ક્યાં સુધી પિતા અને પતિના કહ્યાં મુજબ રહેવું પડશે, શું કરવું?

18 June, 2019 10:56 AM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

સ્ત્રીને ક્યાં સુધી પિતા અને પતિના કહ્યાં મુજબ રહેવું પડશે, શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : લગ્ન પહેલાં છોકરીએ માતા-પિતા જેમ કહે એ મુજબ અથવા તો એમની પરવાનગી હોય એટલું જ કરવાનું હોય છે. એ વખતે તેને કહેવાતું હોય છે કે તું તો પારકી થાપણ છે. તારા માટે યોગ્ય મુરતિયો શોધીને વળાવીશું નહીં ત્યાં સુધી તારી ‌જવાબદારી અમારી છે. લગ્ન થયા પછી છોકરી વહુ બની જાય છે અને એ પછી તેની પર પરિવારની શાખના નામે ઘણાબધા બંધનો આવી જાય છે. આવું કેમ? સ્ત્રીઓને સ્વતંત્રતા કેમ નથી મળતી? બધી જ વાતે સ્ત્રીઓ દબાતી આવી હોવા છતાં પતિ-પત્નીના જોક્સની વાતોમાં તો હંમેશાં પતિ જ બિચારો હોય છે. લગ્ન પછી પત્નીઓ પતિ પર બહુ જોહુકમી કરે છે એવું લોકો કહે છે. તો બીજી તરફ સ્ત્રીઓ પણ માને છે કે તેમની સ્વતંત્રતા પણ નથી જળવાતી. આમાં સાચું, તો કોણ સાચું? જીવનમાં સ્ત્રીએ સ્વતંત્રપણે જીવન જીવવું હોય તો શું કરવું પડે?

જવાબઃ તમે આ બધું શા માટે પૂછ્યું છે એનું મૂળ સમજવાની કોશિશ કરું તો તમે એવું માની રહ્યા છો કે તમને જોઈતી સ્વતંત્રતા મળી નથી. તમારા મતે સમાજની વ્યવસ્થા એવી છે કે સ્ત્રીઓને સ્વાતંત્ર્ય મળતું જ નથી. પહેલાં પિતા અને પછી પતિ. પતિ પર પત્ની ભારી છે કે પત્ની પર પતિ... આ બધા સવાલોનો કોઈ જ જવાબ ન હોઈ શકે.

તમારા મતે સ્વતંત્રતાનો અર્થ શું છે? જે મન ફાવે એ કરવાની છૂટ હોવી એટલે સ્વતંત્રતા? તમે તમારા પરિવારનું બૅકગ્રાઉન્ડ નથી કહ્યું, પણ એક સરેરાશ મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારની વાત કરીએ તો આજની દીકરીઓને જ નહીં, આજની વહુઓને પણ તેઓ ચાહે એ કરી શકે એવી છૂટ હોય જ છે. વીસ-ત્રીસ વર્ષ પહેલાંની સ્ત્રીઓ કરતાં આજની સ્ત્રીઓ વધુ સ્વતંત્ર, વધુ આત્મનિર્ભર, વધુ સાક્ષર થઈ છે એમ છતાં સ્ત્રીઓને ફ્રીડમ નથી મળતી એવી બૂમરાણ પહેલાં કરતાં અનેકગણી વધી છે. મને લાગે છે કે હવે સ્ત્રીઓ મુક્ત થઈને વિકસતી નથી એમાં પેલી ગધેડાના ખૂંટા જેવો ઘાટ છે. બાળપણમાં એક વાર્તા સાંભળેલી. કુંભારના ઘરે ચાર-પાંચ ગધેડા હતા. આ ગધેડાને જો સાંજ પછી ખૂંટે બાંધી ન રાખો તો તેઓ ગામબહાર ભાગી જતા. એક વાર બે ગધેડાને બાંધવાનો ખૂંટો તૂટી ગયો. કુંભાર તરત જ નવો ખૂંટો તૈયાર કરવા સુથાર પાસે જવા લાગ્યો ત્યારે તેના અનુભવી બાપાએ આવીને કહ્યું ‘ચિંતા ન કર બેટા, માત્ર તું તૂટેલા ખૂંટા સાથે ગધેડાને બાંધી રહ્યો છે એવી ઍક્ટિંગ કર, ગધેડો ક્યાંય નહીં જાય.’ સવારે ઊઠીને કુંભારે સૌથી પહેલું વાડામાં જઈને જોયું તો બધા જ ગધેડા બરાબર પોતપોતાની જગ્યાએ જ હતા. નાહી-ધોઈને કામે નીકળ્યો ત્યારે તેણે બાંધેલા ગધેડાઓને છોડ્યા અને બધાને વાડામાંથી બહાર કાઢવા ડચ..ડચ..ડચ.. અવાજ કર્યો. જોકે જે બે ગધેડાને બાંધ્યા નહોતા એ પોતાની જગ્યાએથી હલ્યા જ નહીં. તેમને મન હજીયે તેઓ ખૂંટે બંધાયેલા હતા. જ્યાં સુધી તેને છોડવાની ઍક્ટિંગ ફરી ન થાય ત્યાં સુધી તેઓ પોતે મુક્ત છે એ વાત સ્વીકારવા તૈયાર નહોતા.

આ પણ વાંચો : જે છોકરીએ રિજેક્ટ કરી તેણે જ ફરી બર્થ ડે પાર્ટીનું આમંત્રણ આપ્યું

કહેવાનો ભાવાર્થ એ કે સ્ત્રીઓએ પોતાના મનમાંથી સ્વતંત્રતા નથી મળતી એનું કન્ડિશનિંગ ભૂંસવાની જરૂર છે. કોઈએ તમારો પગ નથી પકડી રાખ્યો છતાં સ્ત્રીઓ હજીયે પગમાં અદૃશ્ય બેડીઓનો બોજ અનુભવે છે. હવેનો જમાનો ખરેખર મૉડર્ન થઈ રહ્યો છે જેમાં સૌથી પહેલાં તમારે પોતે મનથી મુક્ત થવાની જરૂર છે. જો એક વાર એ કામ થઈ જાય તો સામાજિક અને બાહ્ય પરિબળોને પહોંચી વળવાનું સાવ આસાન થઈ જાય એમ છે.

columnists sex and relationships life and style