જે છોકરીએ રિજેક્ટ કરી તેણે જ ફરી બર્થ ડે પાર્ટીનું આમંત્રણ આપ્યું

Published: 17th June, 2019 12:25 IST | સેજલ પટેલ - સેજલને સવાલ

જે છોકરીએ એક વાર મને રિજેક્ટ કરી દીધેલો તેણે ફરી દોસ્તીનો હાથ લંબાવવા બર્થ-ડે પાર્ટીનું આમંત્રણ આપ્યું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ :મારી ઉંમર ૨૪ વર્ષ છે. સ્કૂલ અને કૉલેજમાં હતો ત્યારે ઘણી ગર્લફ્રેન્ડ્સ હતી, પણ કોઈનીયે સાથે લૉન્ગ ટર્મ રિલેશનશિપ ન જામી. ભણવાના રસના વિષયોને કારણે અંતર વધતું ચાલ્યું અને કરીઅર સેટલ કરવાની લાયમાં પડી જવાયું. મારો એવો ઠસ્સો હતો કે કૉલેજમાં હું કોઈ છોકરીની દોસ્તી કરવા માગું તો કોઈ ના ન જ પાડે. એટલે જ મારી કોઈ ઑફિશ્યલ ગર્લફ્રેન્ડ નહોતી અને છતાં બધા મને કાનુડો કહેતા. એ સમયે મેં એક છોકરીને પ્રપોઝ કરેલું. સીધેસીધું નહીં, પણ પહેલાં દોસ્તી માટે કહેલું. મને તે ખરેખર પસંદ હતી. તેણે પહેલાં તો દોસ્તીની હા પાડી પણ મેં સહેજ નજદીકી કેળવવાની કોશિશ કરી તો બહુ વિચિત્ર રીતે મને ભોંઠો પાડી દીધો અને એ પછી તો દોસ્તી પણ ન રહી. આ વાતને ત્રણેક વર્ષ થઈ જશે. તે કૉમન ફ્રેન્ડ્સની સાથે વૉટ્સઍપ ગ્રુપમાં ટચમાં છે. મોટા ભાગે અમે એકબીજાના હાલહવાલ ગ્રુપમાં પૂછી લેતા હોઈએ, પણ પર્સનલ ચૅટમાં કદી વાતચીત નથી થતી. હાલમાં તેણે મને પર્સનલ ઇન્વાઇટ મોકલ્યું છે. મારા પર્સનલ નંબર પર બર્થ-ડે પાર્ટીમાં આવવા ખાસ આગ્રહ કર્યો છે. જે થોડીક ચૅટ થઈ એમાં તે ફરીથી પર્સનલ દોસ્તી શરૂ કરવા માગતી હોય એવું લાગે છે. મને પણ પહેલી વારમાં તો આ મોકો લાગ્યો કે જો આવું થાય તો-તો કદાચ વાત બીજી રીતે પણ આગળ વધી શકે એમ છે. જોકે પછી મને લાગે છે કે જો તેના પહેલી જ વારના આમંત્રણમાં હું હરખપદુડો થઈને દોડી જઈશ તો એ બહુ સારી ઇમ્પ્રેશન નહીં હોય. તેણે મને એક વાર લિટરલી રિજેક્ટ કર્યો છે ત્યારે મારે શરૂઆતમાં થોડુંક સંભાળવું જોઈએ એવું મને લાગે છે. જોકે બીજો વિચાર એ પણ આવે છે કે જો હું આ ઑપર્ચ્યુનિટી ગુમાવી દઈશ તો આગળ વાત બનતી પણ અટકી જશે.

જવાબઃ બહુ સિમ્પલ વાતને તમે બહુ કૉમ્પ્લિકેટેડ કરી નાખી છે. તમારી કોઈ દોસ્તે બર્થ-ડે પાર્ટીનું ઇન્વાઇટ આપ્યું છે. એમાં જવાથી અને ન જવાથી કેવું-કેવું લાગી શકે એ બધાનો વિચાર કરવાની કોઈ જરૂર નથી. કોઈ શું વિચારશે એની ચિંતા કરનારો કદી સુખી નથી થતો કેમ કે બીજાના વિચારો આપણા નિયંત્રણમાં નથી હોતા.

ભૂતકાળમાં શું થયું હતું એ તમામને ભૂંસી નાખીને અત્યારે વિચારો કે શું તમે હજીયે આ છોકરીને પ્રેમ કરો છો? જો પ્રેમ નથી કરતા અને જસ્ટ દોસ્તી છે તો બર્થ-ડે પાર્ટીમાં જવું કે ન જવું એ માટે ઝાઝું વિચારવાની કોઈ જરૂર નથી, પણ હા, જો પ્રેમ હોય તો જરૂર વિચારવું પડે. તેણે તમને રિજેક્ટ કર્યા અને ભોંઠા પાડ્યા હોવાને કારણે તમારો ઇગો હર્ટ થયો હશે એની ના નહીં, પણ તમારો એ ઇગો વધુ મોટો છે કે તમારો તેના માટેનો પ્રેમ? આ સવાલનો જવાબ તમારી જાતને આપો. જૂના ખટરાગને મનમાંથી કાઢી નાખો. જો પ્રેમ વધુ મહત્ત્વનો હોય તો અહંકારની પીપૂડીને સાઇલન્ટ કરો.

આ પણ વાંચો : જેની સાથે પ્રેમલગ્ન કરવાનું વિચારું છું તેણે ઘણીબધી શરતો મૂકી છે. શું કરૂ?

બની શકે કે એ તમારી સાથે દોસ્તી કરવા માગે છે અથવા તો વાત આગળ વધારવા માગે છે એ તમારી ભ્રમણા જ હોય. તેણે જસ્ટ દોસ્તીનો હાથ લંબાવવા માટે આમંત્રણ આપ્યું હોય. મને એવું લાગે છે કે મનમાં કોઈ પણ પ્રકારના ખયાલી પુલાવો પકાવ્યા વિના જૂની મૈત્રીને તાજી કરવાનો આ મોકો છે એમ સમજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK