ગામના લોકોએ નાત બહાર કર્યા પછી લગ્ન માટે કોઈ આર્થિક મદદ કરવા તૈયાર નથી

09 July, 2019 12:00 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

ગામના લોકોએ નાત બહાર કર્યા પછી લગ્ન માટે કોઈ આર્થિક મદદ કરવા તૈયાર નથી

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ હું મૂળ કલકત્તા પાસેના એક ગામનો છું. મને ગામની જ એક છોકરી સાથે પ્રેમ હતો જેને કારણે સમાજે મને તડીપાર કરેલો. મારા પરિવારને પણ કહેવામાં આવેલું કે જો તેઓ મારી સાથે સંબંધ રાખશે તો તેમને પણ નાત બહાર ગણવામાં આવશે. હું ગામ છોડીને મુંબઈ આવી ગયો. અહીં નોકરી કરીને ચાર વર્ષથી એક કંપનીમાં સેટ છું. પપ્પા હવે રહ્યા નથી અને મમ્મી મારી સાથે મુંબઈ આવી ગઈ છે. સમાજ સાથેની બબાલને કારણે મારાં અન્ય સગાંસંબંધીઓએ પણ મારી સાથે સંબંધ રાખ્યો નથી. મારા ભૂતકાળના સંબંધને કારણે સમાજના લોકો મને મદદ કરવા તૈયાર નથી. પપ્પાએ પણ પોતાની બધી મૂડી મોટા ભાઈને આપી દીધી છે. હવે હું લગ્ન કરવા જઈ રહ્યો છું ત્યારે સમસ્યા એ છે કે એ માટે ખર્ચ ક્યાંથી કાઢવો એની ગડમથલ છે. ગામમાં ખર્ચો ઓછો થાય, પણ ગામમાં જઈને લગ્ન કરી શકું એમ નથી, કેમ કે ત્યાંનો સમાજ મને બહારનો ગણે છે. અહીં લગ્ન કરવાનું બહુ મોંઘું છે. મારી ફિયાન્સે બીજી જ્ઞાતિની છે અને તેની આર્થિક સ્થિતિ પણ નબળી છે. જોકે તેમને પોતાના સમાજમાં સારું લાગે એ માટે વ્યવસ્થિત રીતે લગ્ન કરવાં છે. તેઓ પોતે કરજ કરવાનાં છે એટલે તેઓ મને મદદ કરી શકે એવી સ્થિતિમાં નથી. સમાજ બહાર થઈ ગયો હોવાથી સંબંધીઓ મદદ નહીં કરે અને મિત્રો પણ મને વ્યાજે પૈસા લેવાની વાત કરે છે. સમજાતું નથી કે આમાંથી માર્ગ કઈ રીતે કાઢવો?

જવાબઃ તમારી મૂંઝવણનો ઉકેલ બહુ સરળ છે, પણ એ માટે હકીકતમાં કઈ વાતની મૂંઝવણ છે એ તમને સમજાવું જરૂરી છે. તમને શાની તકલીફ લાગે છે? કોઈ તમને પૈસાની મદદ નથી કરતું એ સમસ્યા છે? ભૂતકાળની ભૂલને કારણે સમાજે તમને બહાર કર્યા એ સમસ્યા છે? કે પછી મુંબઈમાં લગ્ન કરવાનું મોંઘું છે એ મુશ્કેલી છે? તમને એવું લાગે છે કે અત્યારે કોઈકે તો પૈસાની મદદ કરીને તમારાં લગ્ન સાચવી લેવાં જોઈએ, બરાબર?

ચાલો, હું તમને રંગેચંગે લગ્ન કરવા માટેના પૈસાની લોન આપવાની વ્યવસ્થા કરી દઉં. શું એ પછી તમારી સમસ્યા સૉલ્વ થઈ જશે? ના. એ પછી તમારી સમસ્યા વધશે. આ લોન કઈ રીતે પાછી આપવી એની ચિંતા કોણ કરશે? અત્યારે તમારે તમારી અને મમ્મીની ચિંતા કરવાની છે, લગ્ન પછી તમારો ઘરખર્ચ અને જવાબદારીઓ પણ વધશે. એ પછી લોનના પૈસા પાછા ચૂકવવા માટે શું કરશો? વધુ કમાવા માટે ઓવરટાઇમ અને કરકસર બન્ને કરવાં પડશે. એ કર્યા પછી પણ જો પત્નીને મજાની ગિફ્ટ લાવી આપવી હશે તોય ખર્ચની ચિંતા કરવી પડશે. લોન પૂરી થશે ત્યાં ઘરે પારણું બંધાશે અને એને માટેના નવા ખર્ચાની તૈયારીઓ શરૂ કરવી પડશે, બરાબરને? આ બધું હું ડરાવવા માટે નથી કહેતી, જીવનની વાસ્તવિકતા સમજાય એ માટે આ જરૂરી છે.

જરા જુદી રીતે વિચારો. તમારે હસ્તમેળાપ જ કરવાનો છે. અગ્નિની સાક્ષીએ સહજીવનની શરૂઆત કરવા માટે લાખ રૂપિયોનું આંધણ શા માટે કરવું? જો તમારી પાસે વધારાના પૈસા હોય તો તમે દેખાડો કરો એ ઠીક છે, પણ જરા કલ્પના તો કરો કે આ પૈસા જો બચી જશે તો એ પછીનું સહજીવન તમે કેટલી હળવાશ સાથે શરૂ કરી શકશો?

આ પણ વાંચો : મોટા દીકરાના લગ્ન બાદ જુદા રહેવાથી બીજાના લગ્ન માટે ચિંતા થાય છે

ભાઈ, તમારાં સાસરિયાંને પણ સમજાવો કે કરજ કરીને સમાજમાં દેખાડો કરવાની કોઈ જરૂર નથી. સાદાઈથી લગ્ન કરી લો, દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે.

columnists sex and relationships life and style