મોટા દીકરાના લગ્ન બાદ જુદા રહેવાથી બીજાના લગ્ન માટે ચિંતા થાય છે

Published: Jul 08, 2019, 14:00 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

મારે બે દીકરા છે. મા તરીકે તેમને માટે શું નથી કર્યું? એમ છતાં મોટા થયા પછી તેમનો રવૈયો સાવ બદલાઈ ગયો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારે બે દીકરા છે. મા તરીકે તેમને માટે શું નથી કર્યું? એમ છતાં મોટા થયા પછી તેમનો રવૈયો સાવ બદલાઈ ગયો છે. ચાર વર્ષ પહેલાં મોટો દીકરો લવ-મૅરેજ કરીને પરનાતની છોકરી પરણાવી લાવ્યો. તે જ્યારે પ્રેમમાં હતો ત્યારથી જ તેની પાછળ ઘેલો હતો. હું મૉડર્ન વિચારોની સરાહના કરું છું, પણ સાથે એ પણ માનું છું કે તમારે પરંપરાગત મૂલ્યોની જાળવણી તો કરવી જોઈએ. દીકરો પરણ્યો પણ નહોતો એ પહેલાંથી જ વહુઘેલો થઈ ગયેલો. તેની પાછળ ખરચ કરવાનો હોય તોય પાછું વળીને જોશે નહીં. હજી તો પરણીને લાવ્યો નહોતો એ પહેલાંથી જ તેના ખોળામાં બેસી ગયેલો. માબાપની બીમારી ન દેખાઈ, પણ પેલીને સહેજ અમસ્તો તાવ આવ્યો હોય તો તેના ઘેર પહોંચી જાય. અમે કંઈ કહીએ તો બહુ કડવું લાગી જાય. લગ્નના ૬ જ મહિનામાં ચણભણ વધવા લાગી એટલે મામલો વધુ‌ બગડે એ પહેલાં જ જુદાં થઈ ગયાં. ન દેખવું ન દાઝવું. તેમના ઘરમાં તેમણે જે કરવું હોય એ કરે. એને કારણે દીકરો દૂર થઈ ગયો હોય એવું લાગે છે. હવે મારો નાનો દીકરો પણ પરણવાનો થયો છે. તે હજી સુધી તો કહ્યામાં છે. તેણે જ્ઞાતિની જ છોકરી પસંદ કરી છે. જોકે સગપણ નક્કી થયા પછી તેના રંગ પણ મોટા જેવા થવા લાગ્યા છે. સાચું કહું તો ચિંતા એ થાય છે કે ક્યાંક બીજો દીકરો પણ હાથમાંથી જશે કે કેમ? તેના પપ્પા કહે છે કે શાંતિ રાખ અને પહેલાંની જેમ ખોટા ઝઘડા ન ઊભા કર. તેમને જેમ જીવવું હોય એમ તેમને જીવવા દેજે તો જ સાથે રહી શકીશું. જો દીકરાના બદલાયેલા વર્તન માટે અત્યારે કંઈ નહીં કહું તો ફરીથી મોટા દીકરા જેવા જ હાલ થશે. શું કરવું?

જવાબ : એક દીકરો લગ્ન પછી દૂર થઈ ગયો અને બીજા દીકરાનાં લગ્ન થવાનાં છે ત્યારે ફરીથી ભૂતકાળનું પુનરાવર્તન થશે એવી ચિંતા તમને અત્યારે સતાવતી હશે. જો ભૂતકાળનું પરિવર્તન ન કરવું હોય તો ઍટ લીસ્ટ ભૂતકાળમાં તમે જે ભૂલો કરેલી એ ન કરવી જોઈએ. તમને થશે કે દીકરો વહુઘેલો થઈ ગયો એમાં તમારી ભૂલ શું?

જરા હ્યુમન સાઇકોલૉજી સમજજો. યુવાનીમાં જ્યારે નવો સંબંધ બંધાયો હોય ત્યારે તે વ્યક્તિ પ્રત્યે વધુ આકર્ષણ અનુભવાય એ સ્વાભાવિક છે. દીકરો થનારી પત્ની અથવા તો નવીનવેલી પત્નીની આગળ-પાછળ ફરે ત્યારે તેને વહુઘેલો કહી દેવાની જરૂર નથી. આ તેના જીવનનો સહજ તબક્કો છે. પત્ની નવી છે ત્યાં સુધી જ એ રહેવાનું છે. ઘરે આવીને સાથે રહેવા લાગે અને જવાબદારીઓનું વહન કરવાની વાત આવે ત્યારે તમામ વાસ્તવિકતાઓ આપમેળે સામે આવી જતી હોય છે. આવા સમયે સાસુઓ અથવા તો વડીલો આ વચગાળાના સમય દરમ્યાન શાંતિ નથી રાખી શકતા અને દીકરાને વહુવિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરે છે અથવા તો તે વહુનો થઈ ગયો છે એવું દીકરાને વારંવાર સંભળાવીને વાતને બગાડી મૂકે છે.

આ પણ વાંચો : સમસ્યા એ છે કે વીર્યની માત્રા ઘણી ઓછી છે તો બાળક મેળવવામાં તકલીફ પડે?

દીકરો તમને છોડી દેશે એની અસલામતીમાં તમે ઘરમાં એવું કડવું વાતાવરણ ઊભું કરી દો કે દીકરો એ કડવાશને કારણે જતો રહે. બાકી, જો વચગાળાના સમયમાં દીકરા-વહુ વચ્ચે ચાલતા રોમૅન્સ અને વધુપડતા લાડકોડ માટે બળતરા કરવાને બદલે તેમના સંબંધોને એન્જૉય કરો તો દીકરાના સુખી સંસારમાંથી તમારી બાદબાકી કદી નહીં થાય.

પહેલા દીકરા સાથે થયેલી ભૂલમાંથી શીખીને હવે બીજા દીકરા સાથે આવું ન થાય એનું ધ્યાન રાખશો તો જરૂર તમારી ધીરજનાં ફળ મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK