ઉપરીઓ મેં ન કરેલી ભૂલોનો મારી પાસે સ્વીકાર કરાવે છે, હું શું કરું?

26 June, 2019 11:16 AM IST  |  મુંબઈ | સેજલ પટેલ - સેજલને સવાલ

ઉપરીઓ મેં ન કરેલી ભૂલોનો મારી પાસે સ્વીકાર કરાવે છે, હું શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારા ઘરમાં કમાનારો હું એક જ છું. બે સંતાનો, પત્ની, પેરન્ટ્સ અને નાનો ભાઈ એમ સાત જણનો પરિવાર છે. પપ્પાનું પેન્શન આવે છે એટલે મદદ રહે છે, પણ મેં ઘર માટે લોન લીધી છે એટલે મોટા હપ્તા પણ ચૂકવવાના હોય છે. આ બધા વચ્ચે મને ઑફિસમાં સહકર્મચારીઓ સાથે તકલીફ પડી રહી છે. મારા સિનિયર્સ કંઈક કામ કઢાવવાનું હોય ત્યારે બહુ મીઠું બોલે છે, પણ જ્યારે મીટિંગમાં રજૂઆત કરવાની હોય ત્યારે દરેક ભૂલનો ટોપલો મારા માથે ઢોળી દે છે. મારા ઉપરીઓ પણ કહે છે કે જો ભૂલ સ્વીકારી લેશો તો માફ કરી દઈશું, પણ ખોટું બોલશો તો પાણીચું પકડાવી દઈશું. એને કારણે હકીકતમાં મારી ભૂલ ન હોવા છતાં હું એ ભૂલો સ્વીકારી લઉં છું. આ વાત આખો સ્ટાફ જાણતો હોવાથી તેઓ મને ચીડવ્યા કરે છે. લોકોને ખબર છે કે મને નોકરીની જરૂર છે અને એનો જ એ લોકો લાભ લે છે. મને ખબર છે કે જો મને અહીં થોડો સપોર્ટ મળે તો આગળ આવવાનો અને પ્રમોશન મેળવવાનો મોકો પણ મળે એમ છે. જોકે અહીં કૉમ્પિટિશન અને ટાંટિયાખેંચ એટલી છે કે ક્યારેક કંટાળી જાઉં છું. મારે અત્યારે સિક્યૉર ઇન્કમ જોઈએ છે એટલે હું બધાની ખોટી દાદાગીરી ચલાવી લઉં છું, પણ આવું ક્યાં સુધી? કામ કર્યા પછી પણ લોકો મને રિસ્પેક્ટ આપતા નથી. મારે શું કરવું?

જવાબ : મજબૂર માણસની મજબૂરીનો લાભ ઉઠાવવા સેંકડો લોકો ટાંપીને બેઠા જ હોય છે. હવે ચૉઇસ આપણે પોતે કરવાની છે કે મજબૂરીનો લાભ બીજાને લેવા દેવો કે નહીં. એક તરફ તમને લાગે છે કે જો તમે આમ કરતા રહેશો તો તમારી નોકરી અકબંધ રહેશે ને બીજી તરફ તમને લાગે છે કે અહીં તમારી ખરી કિંમત નથી થતી. બરાબરને?

જો તમે ઇચ્છતા હો કે લોકો તમારી કિંમત કરે, તમને રિસ્પેક્ટ આપે તો સૌથી પહેલાં તમારે ખુદની કિંમત કરતાં શીખવું પડે અને જાતને રિસ્પેક્ટ આપવું પડે. તમે પોતે ખુદને રિસ્પેક્ટ નથી કરતા તો બીજા કેવી રીતે કરવાના? લોકોએ તમારી સાથે ન્યાયી વલણ દાખવવું જોઈએ એવું માનતા હો તો તમારે ખુદ તમારા પ્રત્યે ન્યાયી વલણ દાખવવું જોઈએ.

ભૂલ ન કરી હોવા છતાં એનો સ્વીકાર કરી લેવો એ તમારી મજબૂરીનું પ્રદર્શન છે. મજબૂર વ્યક્તિને કોઈ રિસ્પેક્ટ ન કરે એનો તો લાભ જ ઉઠાવે. સ્વતંત્રપણે સચ્ચાઈ માટે ઊભા રહે એવા વ્યક્તિત્વને જ તમે રિસ્પેક્ટ કરોને? દયામણા અને હંમેશાં નોકરી બચાવવા માટે કંઈ પણ કૉમ્પ્રોમાઇઝ કરી લેવાની તૈયારી દાખવતી વ્યક્તિની કોણ રિસ્પેક્ટ કરે?

તમને લાગે છે કે તમે ન કરેલી ભૂલોનો સ્વીકાર કરીને નોકરી બચાવી રહ્યા છો, પણ હકીકતમાં એ તમારી કબર છે. તમે જાતે જ એ ખોદી રહ્યા છો અને એક દિવસ લોકો તમને એમાં નાખીને માથે માટી પૂરી દેશે અને તમને ખબર પણ નહીં પડે.

આ પણ વાંચો : મારા પપ્પા સગાઈ પછી તરત જ લગ્ન કરી લેવાની ઉતાવળ કરે છે

જો તમારામાં કૌવત હોય અને તમને લાગતું હોય કે તમે સારું કામ કરો છો અને પ્રમોશનને લાયક છો તો એ તમારા કામ અને પ્રેઝન્ટેશન બન્નેમાં છતું થવું જોઈએ. ઉપરીઓની ચાપલૂસી કરીને અથવા તો તેમની દયાભાવના પર ટકીને પ્રમોશન મેળવવાની તમારી ગણતરી હોય તો એ તમને કદાચ નોકરીની સલામતી આપશે, સંતોષ નહીં. સચ્ચાઈ માટે અડીખમ ઊભા રહેવું એ જ રિસ્પેક્ટ મેળવવાનો એકમાત્ર વિકલ્પ છે.

columnists sex and relationships life and style