મારા પપ્પા સગાઈ પછી તરત જ લગ્ન કરી લેવાની ઉતાવળ કરે છે

Published: Jun 25, 2019, 12:05 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

મારા પપ્પા સગાઈ પછી તરત જ લગ્ન કરી લેવાની ઉતાવળ કરે છે, પણ મને પરસ્પરને સમજવાનો સમય જોઈએ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું મધ્યમ વર્ગના પરિવારમાં ઊછરી છું. મારું ઘર ઑર્થોડૉક્સ રહ્યું છે અને એની મને અને મારી બહેનને પહેલેથી જ ખબર હતી. અમે પરિવારમાં બે બહેનો જ છીએ, ભાઈ નથી. એક વાત ચોક્કસ છે કે ભણવા-હરવા-ફરવામાં પેરન્ટ્સે અમને ક્યારેય દીકરા-દીકરીનો ભેદ જતાવવા નથી દીધો. માત્ર જીવનસાથીની પસંદગીના મામલે પપ્પા હિટલર થઈ જાય છે. મને ખબર હતી એટલે જ અમે કૉલેજમાં પણ ક્યારેય પસંદગીની વ્યક્તિ મળવા છતાં વાત આગળ વધારી નહોતી. મારી ઉંમર પચીસ વર્ષ છે અને નાની બહેન બાવીસ વર્ષની છે. મારા માટે છોકરાઓ જોવાની પ્રક્રિયામાં તેમણે મને દરેક કદમ પર સાથે રાખી હતી. મને શું પસંદ છે અને શું નહીં એ માટે પણ તેઓ મને પૂછતા રહ્યા હતા. તેમણે બતાવેલા છોકરામાંથી જ મેં જ્યારે પસંદગી કરી લીધી છે ત્યારે હવે એક વાતમાં અમારી સહમતી નથી સધાતી. તેમનું કહેવું છે કે જલદીમાં જલદી લગ્ન કરી લો. હું માનું છું કે એકબીજાને ઓળખવાનો સમય મળવો જોઈએ. મને એ છોકરો પસંદ નથી એટલા માટે નહીં, પણ લગ્ન પહેલાં અમે એકમેકને ઓળખી લીધાં હોય તો લગ્ન પછીની જિંદગીમાં અમે વધુ સારી રીતે એકબીજાને મદદ કરી શકીએ. મારો ફિયાન્સે તો પપ્પા-મમ્મી જેમ કહેશે એમ કરીશું એમ કહીને છૂટી ગયો છે, પણ મને એ વાત ઠીક નથી લાગતી. એક મહિના પહેલાં હું જેને પહેલી વાર મળી તેની સાથે તરત જ લગ્ન માંડી લેવાની ઉતાવળ શા માટે? મારા હિટલર પપ્પા મને કહે છે કે સગાઈ કર્યા પછી જો તને ન પણ ફાવ્યું તોય તું આ સંબંધ ફોક નહીં કરી શકે. ના પાડવી હોય તો પહેલાં પાડ. મને આ જરા વધુપડતું લાગે છે. તેમના જમાનાની વાતો મારા પર બહુ મીઠી જબાનમાં થોપવામાં આવે છે એનું બહુ પ્રેશર ફીલ થાય છે. શું કરું?

જવાબ : તમારા પપ્પાએ તેમના મન પરથી જૂના જમાનાનું ઘણું કન્ડિશનિંગ તોડ્યું છે, પણ સગપણ જેવી બાબતમાં સમાજ શું કહેશે એ વાતનો તેમને જરા વધુપડતો જ ભાર લાગી રહ્યો છે. સગપણ નક્કી થાય, જાહેર થાય અને પછી જો એ તૂટે તો સમાજમાં નાલેશી થાય. આવું તેઓ માનતા
હોઈ શકે છે. સમાજમાં થતી વાતો આજની તારીખે પણ વડીલોને હદ કરતાં વધુ કનડતી આવી છે એટલે કદાચ તેઓ ઘણા ઓપન-માઇન્ડેડ હોવા છતાં આ બાબતે મગજની બારીઓ ખોલતાં તેમને તકલીફ પડે છે.

એક વાત તો તમે પણ સ્વીકારશો કે તમારા પિતા ભલે આ બાબતમાં હિટલર જેવા હોય, તેઓ દિલથી તો તમે સુખી થાઓ એવું જ ઇચ્છે છે. મારે તેમને કહેવું છે કે જેમ તમે જીવનસાથીની પસંદગી માટે મોકળાશ આપી એમ પસંદ કરેલી વ્યક્તિને ઓળખવાની પણ તક આપો. ચૉઇસ કર્યા પછી એકબીજાને ઓળખવા વધુ જરૂરી છે. આજે ઓળખવાનો સમય નહીં આપો અને લગ્ન પછી સાચી ઓળખાણ થશે અને જો મેળ નહીં પડે તો એમાં દીકરી જ દુખી થશે. કોઈ વ્યક્તિ સારી કે ખરાબ નથી હોતી, પણ બે વ્યક્તિઓ વચ્ચેની કૉમ્પેટિબિલિટી સારી હોય એ લગ્નજીવન માટે જરૂરી હોય છે. આ કૉમ્પેટિબિલટી જસ્ટ ચાર-પાંચ મુલાકાતમાં નથી સમજાતી.

આ પણ વાંચો : યુવતીએ પ્રેમનું નાટક કરી પૈસા પડાવ્યા અને બીજે લગ્ન કરી લીધા

આપણને એવો ભય હોય કે જો આ સગાઈને વધુ લાંબી ચલાવીશું તો તૂટી જશે તો એને અત્યારે જ તોડી નાખવી જોઈએ. કેમ કે લગ્ન પછી ખબર પડે કે આ સંબંધ ટકે એમ નથી તો લગ્ન તોડવા કરતાં સગાઈ તોડવાનું ઓછું પીડાદાયી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK