પતિ ઉદારતાનો દંભ કરે છે, પણ શંકા હોવાથી મને નોકરી છોડવાનું દબાણ કરે છે

13 August, 2019 03:33 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

પતિ ઉદારતાનો દંભ કરે છે, પણ શંકા હોવાથી મને નોકરી છોડવાનું દબાણ કરે છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ હું ૩૩ વર્ષની છું. મારાં લગ્નને હવે તો આઠ વર્ષ થવા આવ્યાં છે. લગ્ન પહેલાં હું નોકરી કરતી હતી અને બીજા જ વર્ષે બાળકનું આગમન થતાં નોકરી છોડી દીધેલી. હવે બાળક ચાર વર્ષનું થયું અને નર્સરીમાં જવા લાગ્યું એટલે મેં ફરીથી જૉબ શોધી. વચ્ચે ખાસ્સો બ્રેક લીધો હોવાથી મને પહેલાં જેવું પૅકેજ પણ ન મળ્યું. જોકે છેલ્લા એક વર્ષમાં મેં જીવ રેડીને પર્ફોર્મ કર્યું અને એને કારણે હવે પ્રમોશન પણ મળ્યું. જોકે પ્રોફેશનલ લાઇફ થાળે પડી એટલે પર્સનલ લાઇફમાં ગરબડ થવા લાગી. થોડાક સમયથી મારા હસબન્ડ પાછળ પડ્યા છે કે મારે હવે નોકરી છોડી દેવી. મેં મહામુસીબતે નોકરી મેળવી અને પ્રમોશન મેળવ્યું છે અને ફરીથી પાછું બધું ક્લોઝ કરી દઈશ તો ફરીથી ભવિષ્યમાં પાછી કેવી રીતે ઊભી થઈ શકીશ? તેઓ મને નોકરી છોડવાનું કહે છે એની પાછળ તેમનો શંકાશીલ સ્વભાવ છે. વાત એમ હતી કે હું તો ભોળાભાવે મારી સાથે કામ કરતા અન્ય પુરુષ કર્મચારીઓની વાત તેમને ઘરે આવીને કહેતી હતી. ક્યારેક તો અમારા જ એરિયામાં રહેતા કર્મચારીઓ સાથે આવું ત્યારે તેઓ મને ઘર સુધી મૂકવા પણ આવે. એવું નથી કે મેં તેમનાથી કશું છાનું રાખ્યું છે. ઑફિસના ફ્રેન્ડ્સને હું ઘરે ચા પીવા અને હસબન્ડને મળવા માટે પણ બોલાવી ચૂકી છું. મને એવું લાગતું હતું કે મારા હસબન્ડ તો બહુ ઉદાર છે, પણ તેઓ તો બહુ દંભી છે. બીજા પુરુષોના વખાણ કરું તેય તેમને ગમતું નથી અને એટલે શંકા જ કર્યા કરે છે. પતિ મોં પર બહુ મીઠું બોલતો હોય, પણ પાછળથી તેનો અહંકાર ઘવાતો હોય તો શું કરવું?

જવાબ: તમે કહો છો કે પતિ ઉદાર હોવાનો દંભ કરે છે, પરંતુ હકીકતમાં તેને તમારી બીજા પુરુષો સાથેની નજદીકી પસંદ નથી આવતી. જોકે પુરુષો આવા જ હોય છે એવું જનરલાઇઝ્ડ સ્ટેટમેન્ટ ધારી લેશો તો વધુ નકારાત્મકતા આવશે. ઇન ફૅક્ટ જો તમારે વાતને જનરલાઇઝ્ડ કરવી જ હોય તો હકીકત એ પણ છે કે આ વાત સ્ત્રીઓ માટે પણ લાગુ પડે છે. સ્ત્રીઓ પણ ભલે ગમે એટલી ઉદાર હોવાનું બતાવતી હોય, પતિ જો કોઈ બીજી સ્ત્રી સાથે હસીને વાત કરી લે તો તેનોય જીવ કચવાતો હોય જ છે. ટૂંકમાં વાત હ્યુમન સાઇકોલૉજીની છે, સ્ત્રી-પુરુષના અહંકાર કે ઉદારતાની નહીં.

નોકરી તમારા લગ્નજીવનમાં અડચણ બની રહી છે, પણ જો તમે અત્યારે નોકરી છોડીને ઘેર બેસશો તો વાત વધુ ખરાબ થશે. એનાથી તમે પણ વધુ નકારાત્મક થશો અને પતિને પણ ખોટી વાતનો કક્કો સાચો કર્યાનું પોરસ ચડશે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

ભલે આ મુદ્દો થોડોક લંબાય, પણ વાતને ધીમે-ધીમે સમજણથી ટૅકલ કરવાની જરૂર છે. આ બાબતે દલીલો કે ઝઘડા કરવાની જરાય જરૂર નથી. ધારો કે તમે નોકરીમાં વધુપડતા ખૂંપી ગયા હો તો સહેજ ઘર પ્રત્યે વધુ સભાન અને સક્રિય થાઓ. નવરાશનો કે રજાઓનો વધુને વધુ સમય પતિ સાથે ગાળો અને એ પણ ક્વૉલિટી ટાઇમ હોય એનું ધ્યાન રાખો. શાંતિથી બેસીને વાતો કરો. તેમને ગમતી ચીજો બનાવો અને તમને ગમતી ચીજો હક કરીને ડિમાન્ડ કરો. તમારી નોકરીને કારણે તેમને લેફ્ટ-આઉટની ફીલ ન આવે એનું ધ્યાન રાખો. હા, જો તમે અત્યારે પ્રમોશન મેળવીને વધુ કલાકો કામમાં ખૂંપવાની પેરવીમાં હો તો એની પર થોડાક સમય માટે લગામ મૂકવી જરૂરી છે. સંબંધોનો પાયો મજબૂત થશે તો ભવિષ્યમાં તમે એ પણ જરૂર કરી શકશો.

columnists sex and relationships life and style