BFના સતત બિઝી ફોનને કારણે ગર્લફ્રેન્ડને થઈ રહી છે શંકા...

01 July, 2019 12:23 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

BFના સતત બિઝી ફોનને કારણે ગર્લફ્રેન્ડને થઈ રહી છે શંકા...

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું એક યુવકના પ્રેમમાં છું, પરંતુ તેની ફીલિંગ્સ બાબતે કન્ફ્યુઝ છું. અમે પુણેની કૉલેજમાં સાથે ભણતાં હતાં. તે બિહારનો છે અને હું મુંબઈની. હું છેલ્લા વર્ષમાં હતી ત્યારે મારી તેની સાથે ઓળખાણ અને પ્રેમ થયેલાં. તેની કૉલેજ ૬ મહિના વધુ ચાલવાની હતી અને મારી પૂરી થઈ ગયેલી. હવે તો તે પણ પોતાના ઘરે જતો રહ્યો છે. લગભગ સવા વર્ષથી અમારી વચ્ચે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ચાલે છે. જોકે તેને જ્યારે પણ ફોન કરું ત્યારે તેનો ફોન બિઝી આવે છે. અમારી વાતચીત ચાલતી હોય ત્યારે તેને અચાનક કોઈકનો ફોન આવે અને તે ફોન કટ કરી દે છે. ઘણી વાર તો અમારી વાત ચાલતી હોય ત્યારે તે કહે કે તે એકલો છે, પણ અચાનક બીજા મોબાઇલની રિંગ રણકે છે. જો તે એકલો હોય તો કાં તેની પાસે બીજો ફોન હોવો જોઈએ અને કાં તો તે એકલો નહીં પણ બીજું કોઈક તેની સાથે હોવું જોઈએને?

હું તેના ડીપ પ્રેમમાં છું અને તેને માટે બહુ પઝેસિવ પણ. સવા વર્ષમાં અમે બે વાર કૉલેજના કામના નામે મળેલાં. મેં એ વખતે તેના ફોનની તપાસ કરી તો તેણે મને મળતાં પહેલાં ફોનની કૉલ-હિસ્ટરી ક્લિયર કરી નાખેલી. મેં તેને આ વિશે પૂછ્યું તો કહ્યું કે તેના ફોનમાં વાઇરસ ઘૂસી ગયો હોવાથી તેણે જસ્ટ ફોન ફૉર્મેટ કર્યો છે. તેનું વર્તન આમ તો પ્રેમાળ હોય છે પણ તે ઘણી વાર ચૅટિંગ કરતી વખતે પણ અચાનક લાંબા સમય માટે ગાયબ થઈ જતો હોય છે. તે મને ચીટ કરી રહ્યો હોય એવી કેટલી સંભાવના?

જવાબ : મોબાઇલ ફોન એ રિલેશનશિપ્સ બાંધવામાં પણ બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે અને ભાંગવામાં પણ. મોબાઇલ આવી ગયા છે ત્યારથી પ્રેમીઓ વચ્ચેનું કમ્યુનિકેશન પહેલાં કરતાં સરળ બન્યું છે. પ્રેમીઓ ચાહે ત્યારે વાતચીત કરીને એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ આ જ મોબાઇલ ફોનને કારણે ચીટિંગ અને શંકા બન્નેનું પ્રમાણ વધ્યું છે.

મને લાગે છે કે જો તમે ખરેખર તેને પ્રેમ કરતાં હો તો ડિજિટલ ડિટેક્ટિવ બનવાનું બંધ કરો. વ્યક્તિ પ્રેમમાં હોય અને દૂર હોય ત્યારે સ્વાભાવિકપણે તેને સંબંધ છીનવાઈ નહીં જાયને એની ઇનસિક્યૉરિટી રહ્યા કરતી હોય છે. જો તમને પણ આવી અસલામતી રહ્યા કરતી હોય તો આ સંબંધમાં આગળ વધતાં પહેલાં જરા બ્રેક મારો. તમારી જે શંકા છે એનું ડાયરેક્ટ પૂછીને જ સમાધાન કરી લો. એક આંખમાં શંકા અને બીજી આંખમાં પ્રેમ એમ મિશ્ર લાગણીઓ સાથે જીવનભરનો સંબંધ બાંધવાનો નિર્ણય ન લેવાય.

આ પણ વાંચો : લવ મૅરેજ થયાં પછી એકમેકથી ત્રાસી ગયાં હોવાથી હવે છૂટાં પડવું છે

ખલીલ જિબ્રાને એ અત્યંત કઠિન પણ ઉત્તમ જ્ઞાનોક્તિ કહી છે, ‘જો તમે કોઈક વ્યક્તિને પ્રેમ કરતાં હો તો તેને મુક્ત કરીને જ્યાં જવું હોય ત્યાં જવા દો. જો તે પાછી આવે તો એ તમારી છે અને જો તે ન આવે તો કદી તમારી હતી જ નહીં.’ મને દરેક સંબંધમાં આ વાત બહુ વાજબી અને સચોટ લાગી છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વસ્તુને પરાણે પોતાની કરવા મથો છો ત્યારે તમે પોતે પણ કન્ફ્યુઝ થાઓ છો અને સામેવાળી વ્યક્તિ પણ ગૂંગળાય છે. એના બદલે મુક્તતાના વાતાવરણમાં લેવાયેલા નિર્ણયો બન્ને પક્ષે બહુ જ સ્વસ્થ અને શાતા આપનારા હોય છે.

life and style sex and relationships columnists