ઉંમર લાયક હોવા છતાં દીકરીને લગ્ન નથી કરવાં, વર્તન પણ ઉદ્ધતાઈભર્યું છે

23 July, 2019 01:00 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

ઉંમર લાયક હોવા છતાં દીકરીને લગ્ન નથી કરવાં, વર્તન પણ ઉદ્ધતાઈભર્યું છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ મારી ઉંમર ૫૩ વર્ષ છે. મારી દીકરી અને તેના પપ્પાની વચ્ચે મારી સૂડી વચ્ચે સોપારી થાય છે. દીકરી મૉડર્ન જમાનાના વિચારોવાળી છે, જ્યારે તેના પપ્પાને સમાજની ચિંતા બહુ રહે છે. ૨૮ વર્ષની થઈ ગઈ હોવા છતાં હજી લગ્ન નથી કર્યાં એ વાતે ઘરમાં રોજ માથાઝીંક થાય છે. તેને છોકરાની તસવીરો બતાવો તો મોઢે કહી દે છે કે આવા લલ્લુ સાથે મારે જિંદગી નથી વિતાવવી. તેને અમે ભણાવીગણાવી છે, પણ એનો તે દુરુપયોગ કરી રહી હોય એવું લાગે છે. તેને કોઈએ કદી સવાલ નહીં પૂછવાનો. ચાર પૈસા કમાતી હોવાથી તેને લાગે છે કે તે હવે આખી દુનિયાની બૉસ થઈ ગઈ છે. અમારે એકની એક દીકરી છે એટલે આમ તો ખૂબ લાડકોડથી ઉછેરેલી, પણ ખબર નહીં અત્યારે તે દરેક વાતમાં અમને ઉતારી પાડે છે; તમને ન સમજાય. એ તો તેના જીભ પર દિવસમાં દસ વાર આવે. તેને કિચનનું કામ કરવાનું ગમતું નથી. મને એમાં કોઈ વાંધો નથી. ભગવાનની દયાથી ચાકરો રાખી શકાય એમ છે, પણ તે ક્યારેક તો મને પણ કામવાળીની જેમ જ ટ્રીટ કરે છે. હું એકલી-એકલી રડી પડું છું. કેમ કે તેના પપ્પાને કહીએ તો તેને બે ધોલ મારીને ઘરનો દરવાજો બતાવી દે એટલા ગુસ્સાવાળા છે. છોકરી સારું કમાય છે એનું ગૌરવ છે, પણ એ બધાને તુચ્છકારે છે એનું શું? અમે નથી કહેતાં કે તેને ભણાવીગણાવી એ માટે અમારો તેણે આભાર માનવો જોઈએ, પણ મારી પરવરિશમાં એવી તો કઈ કચાશ રહી ગઈ કે તેને ભણતર શીખવ્યું, પણ ભાનપૂર્વક જીવતાં ન શીખવ્યું. મારો ભાઈ કહે છે તેને અલ્ટિમેટમ આપી દેવું જોઈએ કે અમુક સમય સુધીમાં લગ્ન કરી લે, નહીંતર તારે આ ઘરમાંથી બીજે રહેવા જવું પડશે. જ્યારે મેં તેને આ વાત કરી તો કહે છે હું તમારી એકની એક દીકરી છું એટલે આ બધું મારું જ છે અને મને કોઈ ઘરમાંથી કાઢી શકે એમ નથી. મને લાગે છે કે તેને કોઈ ચડામણી કરી રહ્યું છે. શું કરવું?

જવાબઃ દીકરીને આપેલી સ્વતંત્રતામાં તેનું સ્વચ્છંદીપણું બેફામ વિકસ્યું હોય એવું લાગે છે. ૨૮ વર્ષની છે એટલે કંઈ નાની કીકલી તો ન જ કહેવાય. તે પપ્પાની પ્રૉપર્ટી મારી જ છે એવો હક કરી શકે છે, પણ તેને માતાપિતાએ આપેલી જોઈ-ગણાવી ન શકાય એવી અમૂલ્ય ચીજોની કોઈ કદર નથી રહી. લગ્ન કરી લેવાથી તે સુધરી જશે એવું જરાય નથી. ઊલટાનું તે બીજા પરિવારને પણ દુખી કરશે. પૈસો કમાવાથી ખુમારી આવે છે, પરંતુ સ્ત્રીઓમાં કમાઈને પોતે સમથિંગ છે એવો ફાંકો આવી જાય ત્યારે એ સંબંધોમાં ખાનાખરાબી કરી નાખે છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

તે નાની હતી અને તેણે પહેલી વાર ઉદ્ધતાઈ કરી ત્યારે જ તેને ભાન ભૂલ્યાનો અહેસાસ કરાવવો જરૂરી હતો. તમે આ વાતને તેના પપ્પાથી છાની રાખીને છાવર્યા કરી છે એટલે તેની ઉદ્દંડતા કરવાની હિંમત ઓર વધી હશે. હવે તમારે દીકરીના વર્તન બાબતે તેના પપ્પાથી કશું જ છુપાવવું ન જોઈએ. ખોટું વર્તન કરવું એ તેની ભૂલ છે, પણ તમે એ હજીયે ચલાવી લો છો એ તો એથીયે મોટી ભૂલ છે. તમે ઘર્ષણ ટાળવાની કોશિશમાં દીકરીને ખોટાં સિગ્નલ્સ આપો છો અને એટલે જ તે ખોટી વાતમાં અટકતી નથી. ભલે થોડું ઘર્ષણ થાય, પણ સાચી વાતને સાચી અને ખોટી વાતને ખોટી છે એ તમારી દીકરીને સમજાવવું બહુ જરૂરી છે.

columnists sex and relationships life and style