છોકરીઓમાં રસ ન હોવા છતાં પેરેન્ટ્સ થકી સગાઇ કરીને અવઢવમાં ફસાયો છું

06 May, 2019 11:26 AM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

છોકરીઓમાં રસ ન હોવા છતાં પેરેન્ટ્સ થકી સગાઇ કરીને અવઢવમાં ફસાયો છું

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષ છે. અમારા સમાજમાં છોકરાઓનાં લગ્ન બાવીસ-ત્રેસીસ વર્ષે થઈ જાય છે. કન્ઝર્વેટિવ સમાજમાં ઊછર્યો હોવાથી મને કદી લવ-મૅરેજનો વિચાર આવ્યો જ નહોતો. મારું સ્કૂલિંગ ગામમાં થયું હતું અને કૉલેજ ભણવા માટે હું મુંબઈ આવ્યો હતો એ પછી અહીં જ નોકરીએ લાગી ગયો છું. અત્યાર સુધી અંગત કારણસર હું લગ્ન ટાળતો હતો, પણ પરિવારના પ્રેશરને કારણે ત્રણ મહિના પહેલાં મારી સગાઈ થઈ, પરંતુ એ તૂટી પણ ગઈ. વાત એમ હતી કે મને છોકરીઓમાં રસ જ નથી, માત્ર પેરન્ટ્સને કહી શકાય એમ ન હોવાથી મેં તેમની પસંદગીની છોકરીને હા પાડી દીધી. ચૂં કે ચાં કર્યા વિના સગાઈ તો થઈ ગઈ, પણ એ પછી છોકરી તરફથી વાતો કરવાનું પ્રેશર આવવા લાગ્યું. હું તેને ટાળતો રહેતો અને ઠંડો રિસ્પૉન્સ આપતો રહેતો; કેમ કે મને લગ્નમાં જ નહીં, જીવનમાં પણ રસ નથી રહ્યો. અવારનવાર તે અમારા ઘરે પણ આવતી અને મારી મમ્મી અમને પિક્ચર જોવા જવાનું પણ કહેતી. આ બધાથી કંટાળીને મેં ફોન પર તેને બ્લૉક કરી દીધી તો તે મને મળવા તેની ફ્રેન્ડ સાથે ગુજરાતથી મુંબઈ સુધી આવી પહોંચી. આખરે મેં તેને કહ્યું કે મને બીજી છોકરી પસંદ છે અને તારી સાથે હું પેરન્ટ્સના કહેવાથી લગ્ન કરી રહ્યો છું. બસ, એ પછી તેણે પોતાના ઘેર જઈને સગાઈ તોડી દીધી. આ તરફ મારી મમ્મીનું પ્રેશર છે કે હું તેની સાથે વાત કરું. હું પેલી છોકરીને ફોન કરું છું તો તે ફોન નથી ઉઠાવતી. તેને કેવી રીતે મનાવું? મમ્મીને ચિંતા છે કે પરજ્ઞાતિની છોકરી ન જોઈએ, જ્યારે મને તો છોકરી જ નથી જોઈતી. શું કરું?

જવાબ : તમે અત્યારે જે સમસ્યા છે એનાથી આંખ આડા કાન કરવાની કોશિશ કરી રહ્યા છો. કદાચ અત્યારે તમારી ખરી સમસ્યા પેલી છોકરીને કે મમ્મીને મનાવવાની નહીં, પણ તમારા વ્યક્તિગત સેક્સ્યુઅલ પ્રેફરન્સ બાબત સ્પષ્ટ થવાની છે. તમે કહો છો કે તમને છોકરીઓમાં રસ નથી. તો એનો મતલબ એ છે કે તમે ક્યારેય સ્કૂલ-કૉલેજકાળમાં કદી કોઈ છોકરી પ્રત્યે આકર્ષાયા નથી? તમને કોઈ ગર્લફ્રેન્ડ નહોતી, પણ શું તમે કોઈ બૉયફ્રેન્ડ મેળવવાની કોશિશ કરી છે? તમને ઑપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણભાવ ક્યારેય જાગ્યો નથી, સેમ સેક્સ પ્રત્યે તમારો અભિગમ કેવો છે? હું માનું છું કે તમારે કોઈ સારા સેક્સોલૉજિસ્ટ પાસે જઈને દિલની વાત વિનાસંકોચ કહેવાની જરૂર છે. તેમની સાથેના કન્સલ્ટેશનમાં તમે તમારી જાતને ૧૦૦ ટકા પ્રામાણિક રહીને વાત કરો એ જરૂરી છે. બની શકે કે અત્યારે તમારા મનમાં કોઈ ગ્રંથિ હોય અને બની શકે કે તમે હોમોસેક્સ્યુઅલ પ્રેફરન્સ જ ધરાવતા હો.

આ પણ વાંચો : હું ઊંચા સપનાં જોઉં છું પણ સાકાર કરતી વખતે મૂંઝાઉ છું, શું કરવું?

ધારો કે ટીનેજથી લઈને અત્યાર સુધીમાં તમને માત્ર અને માત્ર છોકરાઓ પ્રત્યે જ ફીલિંગ્સ થઈ હોય તો મમ્મીને સારું લાગે એ માટે વધુ જુઠ્ઠાણું ચલાવવાની જરૂર નથી. પેલી છોકરીને ભલે તમે સાચું નથી કહ્યું, પરંતુ ખોટું કહીને મનાવીને લગ્ન કરીને ઊલમાંથી ચૂલમાં પણ ન પડવું જોઈએ. ઇન ફૅક્ટ, તમારે જો તમારા દિલની વાતને અનુસરવું હોય તો થોડી હિંમત સાથે સચ્ચાઈ પરિવાર સમક્ષ મૂકવી જોઈએ. જ્યાં સુધી આપણે સમસ્યાથી લુપાછૂપી રમીએ છીએ ત્યાં સુધી એ આપણને બહુ કનડે છે. સાચી વાત અત્યારે છુપાવશો તો હાલની સમસ્યા ટળી જશે, પણ જિંદગીભરની તકલીફો ઘર કરી જશે. એને બદલે ફેસ ટુ ફેસ સામનો કરી લેશો તો પરિસ્થિતિ હૅન્ડલ કરવાનું સહેલું બનશે.

columnists sex and relationships life and style