હું ઊંચા સપનાં જોઉં છું પણ સાકાર કરતી વખતે મૂંઝાઉ છું, શું કરવું?

Published: May 03, 2019, 12:30 IST | સેજલ પટેલ - સેજલને સવાલ

જે કામ હાથમાં લીધું એ અધૂરું કદી ન છોડવું. ધારો કે કંઈક લખવાનું મન થયું તો ચાલુ કરવું પણ અધવચ્ચે પડતું ન મૂકવું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું જુનિયર કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. બહુ ઇન્ટ્રોવર્ટ પ્રકૃતિનો છું, પરંતુ મારા વિચારોમાં હું હંમેશાં સફળ અને લોકોની વચ્ચે બહુ ફેમસ હોઉં એવી કલ્પના કરું છું. મને સફળતાની ભૂખ છે, પણ એ માટે દિશા નથી મળી રહી. મારા ટીચર મને કહે કે તું બહુ સારું લખી શકે છે તો મને થાય કે લાવ હું લેખક બની જાઉં. કવિતાઓ લખું. હું પ્રયત્ન કરું, પણ મહામુશ્કેલીએ કોઈ લેખ કે કવિતા પૂરી કરી શકું. મારી હાઇટને કારણે કેટલાક સ્ટુડન્ટ્સે મને વૉલીબૉલની ટીમમાં જોડાવા આગ્રહ કરેલો. એ વખતે મને લાગવા માંડેલું કે વાહ, હું તો વૉલીબૉલ-સ્ટાર બની શકું એમ છું. મને ઊંઘમાં સપનાં પણ એનાં જ આવે. જોકે વૉલીબૉલની ટ્રેઇનિંગમાં હું થાકીને એવો ઠૂસ થઈ જાઉં છું કે મને ફરી ગ્રાઉન્ડ પર જવાની ઇચ્છા જ નથી થતી. હું મારી જાત સાથે વાતો કરું છું. મારી જાતને પૂછું છું કે મારે શું કરવું છે? ત્યારે વિચારોના વંટોળ ઊમટે છે. મારા ફ્રેન્ડ્સને હું તેમનાં સપનાંઓ વિશે પૂછું છું તો એ બધા બહુ જ પ્રૅક્ટિકલ છે. શું મારે પ્રૅક્ટિકલ થવું કે સપનાં જોઈને એને સાકાર કરવા મથવું?

જવાબ : યૌવનના ઉંબરે ઊભેલી વ્યક્તિનું કાલ્પનિક વિશ્વ ખૂબ સતેજ હોય. તેનાં ખ્વાબો ઊંચાં હોય છે. તમારી ઉંમરે આવું થવું સહજ છે. જે વ્યક્તિ ઊંચાં સપનાં નથી જોતી એ એને સાકાર પણ નથી કરી શકતી. એટલે પહેલું સ્ટેપ તમે પાર કરી ગયા છો.

બીજું, સપનાં જોયા પછી એને સાકાર કરવા માટે તનતોડ મહેનત ન કરો તો એ શેખચલ્લીનાં સપનાં કહેવાવા માંડે. સારી વાત એ છે કે તમે જોઈ શકો છો કે તમને સપનાં પાછળ મહેનત કરવામાં તકલીફ પડે છે. તમે કેટલા ક્રીએટિવ છો એ તમારાં સપનાંઓ પરથી ખબર પડે, પણ તમે કેટલા પ્રૅક્ટિલ છો એના પરથી જ તમારાં સપનાં સાકાર થશે કે કેમ એ નક્કી થાય. જ્યારે કોઈ અંતમુર્ખી વ્યક્તિ ચાર દીવાલની અંદર બેઠી-બેઠી કલ્પનાવિશ્વમાં વિહર્યા કરતી હોય ત્યારે વિચારોનું પ્લેન જમીન પર લૅન્ડ થવું જરૂરી છે. વિચારોનું જમીન પર સેફ લૅન્ડિંગ થાય એ માટે પણ કડક મહેનત કરવી પડે છે.

બહુ ઓછા લોકો જાત સાથે વાત કરી શકતા હોય છે. જોકે તમે જાત સાથે શું વાત કરો છો એ સૌથી વધુ મહત્વનું છે. જાત સાથે નખશિખ પ્રામાણિકતા દાખવી શકે તે વ્યક્તિ પોતાની નબળાઈ અને સબળાઈ બન્ને સમજી શકે. વાસ્તવિક દુનિયામાં કામ કરવા માટે આ સમજણ બહુ જ મહત્વની છે.

આ પણ વાંચો : બૉયફ્રેન્ડની મમ્મીએ મારા પેરન્ટ્સને ઘરે બોલાવીને એમની સાથે ગેરવર્તન કર્યું

શું તમે થોડા સમય માટે સપનાં જોવામાંથી બ્રેક લઈ શકો? ભવિષ્યમાં શું કરવું છે અને કેટલા સફળ થવું છે એના વિચારો કરવાનું છોડી શકો? છ મહિના માટે એમ કરી જુઓ. આ છ મહિના દરમ્યાન બે જ મંત્ર રટવાના છે. પહેલું એ કે તમારે વિચારો કરવાની નવરાશ જ ન લેવી. આખો દિવસ સતત કોઈક કામમાં જાતને વ્યસ્ત રાખવી. ભવિષ્યમાં શું કરીશું એની ચિંતાને બદલે સામે જે કામ છે એને શ્રેષ્ઠ કઈ રીતે કરાય એ વિચારવું. વૉલીબૉલની ટીમમાં શ્રેષ્ઠ યોગદાન આપવા પર ફોકસ કરવું. ફલાણું નથી ગમતું કે ઢીંકણું બહુ ગમે છે એવું મનને પૂછવાનું જ નહીં. ભણવામાં તમારું ૧૦૦ ટકા ઇન્વૉલ્વમેન્ટ આપવું. બીજું, જે કામ હાથમાં લીધું એ અધૂરું કદી ન છોડવું. ધારો કે કંઈક લખવાનું મન થયું તો ચાલુ કરવું પણ અધવચ્ચે પડતું ન મૂકવું.

છ મહિના પછી શું થાય છે એ ફરીથી પત્ર લખીને મને કહેજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK