લવ-મૅરેજ કર્યા બાદ પતિને બીજી પસંદ છે, પણ મને છૂટા છેડા નથી આપતાં...

16 July, 2019 12:49 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

લવ-મૅરેજ કર્યા બાદ પતિને બીજી પસંદ છે, પણ મને છૂટા છેડા નથી આપતાં...

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ મારાં પ્રેમલગ્ન થયાં છે. યંગ એજમાં તો મેં પ્રેમની કલ્પના પણ નહોતી કરી, પરંતુ ૩૦ વર્ષની થઈ ત્યારે પિયરના લોકો મારા સાસરે જવાની રાહ જોઈ રહ્યા છે એની મને ખબર પડી. તેઓ કોઈ પણ ભોગે કાં તો લગ્ન કરી લે કાં અલગ રહેવા જા એવા મોડ પર આવી ગયેલા. એ પછીથી મેં મારા જૂના દોસ્ત સાથેના સંબંધ રિવાઇવ કર્યા અને ૩૩ વર્ષે લગ્ન કર્યાં. જોકે તે ગુજરાતી નહોતો, પંજાબી પરિવારમાં પરણીને હું બહુ ગૂંચવાઈ ગઈ. તરત જ બાળક અને વંશ આપવાનું દબાણ થવા લાગ્યું. ત્રણેક વર્ષના પ્રયત્ન પછી હાલમાં એક દીકરો છે. જોકે આ દરમ્યાન મને ખબર પડી કે મારા પતિને મારાથી યંગ એવી બીજી છોકરી પણ ગમી ગઈ છે. લગ્ન કર્યાનાં આઠ વર્ષ પછીયે જાણે લગ્નજીવનમાં મને સેટલ થયાની ફીલિંગ નથી આવતી. મારા હસબન્ડ મને બહુ જ સારી રીતે રાખે છે, પણ તેને બીજી છોકરી પણ એટલી જ ગમે છે. મારાથી એ સહન નથી થતું. જો તેમને એ બહુ ગમતી હોય તો મારી સાથે રહેવાનું નાટક શું કામ કરી રહ્યા છે? ઇન ફૅક્ટ, મને હવે કોઈનીયે સાથે રહેવું નથી. હું માત્ર મારા દીકરા સાથે રહેવા માગું છું. સાસુ-સસરાના પણ દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય એવું લાગે છે. સમસ્યા એ છે કે દીકરો પપ્પાનો હેવાયો છે એટલે તે મારી સાથે એકલો રહેવા તૈયાર નહીં થાય. જોકે દીકરાને ઉછેરવો હોય તો મારે આર્થિક સલામતી જોઈએ જે મારા પતિ પાસેથી જ મળી શકે. મારા પતિને હું જુદા થઈ જવા કહું છું તો તેઓ માનતા જ નથી. તેમને લાગે છે કે હું ડિપ્રેશનમાં છું એટલે આવી વાતો કરું છું. કોઈ મારા મનની દ્વિધા સમજતું જ નથી. દીકરા સાથે એકલા જિંદગી જીવવા શું કરવું?
જવાબઃ તમે લગ્ન એટલા માટે કર્યાં, કેમ કે પિયરિયાં તમને રાખવા નહોતાં ઇચ્છતાં અને હવે તમે સાસરિયાં સાથે નથી રહેવા માગતાં. જોકે પતિ કે સાસરિયાં સાથે એક્ઝૅક્ટલી શું તકલીફ છે એ મને પણ હજી સમજાતી નથી. પતિને બીજી કોઈ છોકરી ગમે છે એટલા માટે? કે પછી બીજું કોઈ કારણ છે જે તમે સ્પષ્ટપણે કહી શકો એમ નથી? તમારાં સાસરિયાં એવું તો શું કરે છે જેનાથી તમને તેમની સાથે નથી રહેવું એવું તમે કહો છો? બહેન, કોઈ મને સમજતું નથી એવું કહીને બીજાએ તમને સમજવા અને તમને મન મરજી મુજબ કરવા દેવું એવી ઇચ્છા તમારી હોય તો એ કદી પૂરી નહીં થાય. જીવનમાં જ્યાં સુધી આપણે કોઈ મને સમજે એવી અપેક્ષા રાખીએ છીએ ત્યાં સુધી જીવનમાં અપેક્ષાઓ પૂરી ન થયાનું દુખનું પોટલું લઈને જીવવું પડે છે.
તમારે શા માટે છૂટાં થવું છે અને એકલા દીકરા સાથે રહેવું છે એનાં ૧૦ કારણો મને લખીને મોકલાવો. તમારાં સાસરિયાં એવું શું વર્તે છે એ પણ લખશો તો મને તમારી સ્થિતિ સમજવામાં સહાયતા રહેશે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

બાકી, વણમાગી બીજી સલાહ એ પણ આપું કે જો તમે માત્ર આર્થિક પગભર ન હોવાથી કાં તો પિતા, ભાઈ કે પતિ એમ સહારો શોધતાં હો તો તમને ક્યાંય સુખ નહીં મળે. બીજા તમને સલામતી આપે એના કરતાં એક વાર જાતે નોકરી કરીને કમાતાં થઈ જાઓ જેથી તમારા નિર્ણયોમાં એ માટેનું પરાવલંબન ન રહે.

columnists sex and relationships life and style