હું એક છોકરીના પ્રેમમાં પડ્યો છું, તેને ઇમ્પ્રેસ કરવા માટે શું કરવું?

24 April, 2019 02:49 PM IST  |  | સેજલ પટેલ

હું એક છોકરીના પ્રેમમાં પડ્યો છું, તેને ઇમ્પ્રેસ કરવા માટે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે. મારી ઇમેજ પહેલેથી જ ડાહ્યાડમરા છોકરાની રહી છે. હું બહુ ઇન્ટ્રોવર્ટ છું એને કારણે આજ દિન સુધી કોઈ છોકરીને પટાવી નથી શક્યો. કૉલેજમાં એક-બે વાર ટ્રાય કરેલી, પણ ગર્લફ્રેન્ડ સાથે બે મહિનાથી વધુ ચાલ્યું નહીં. હવે મારી જ ઑફિસમાં મને એક છોકરી ગમી ગઈ છે. જરાય શબ્દો ચોર્યા વિના કહું તો મારે તેને કોઈ પણ ભોગે પટાવવી છે. સમસ્યા એ છે કે હું તેના એટલા પ્રેમમાં છું કે તેને જોતાં જ મારી જીભ તતફફ થવા લાગે છે. તેને દરેક વાતમાં જોક્સ ક્રૅક કરવા જોઈએ, જ્યારે મને એવું આવડે જ નહીં. મારી થોડીક ગંભીર પ્રકૃતિ પણ ખરી. મને બીજા કોઈ વધુપડતી હસાહસ કરતાં હોય તોય ગમે નહીં, પણ આ છોકરી જસ્ટ સ્માઇલ આપે, ખડખડાટ હસે કે પછી લિટરલી તોફાન મચાવતી હોય તોય મને બહુ જ ગમે છે. સેન્સ ઑફ હ્યુમર વિકસાવવાની હું પણ કોશિશ કરું છું, પણ તેના લેવલનું કંઈ થતું નથી. મને ચિંતા છે કે જો હું વધુ સમય લગાવી દઈશ તો ગાડી ચૂકી જઈશ. કામની બાબતમાં પણ તે ઘણી જવાબદારીપૂર્વક વર્તે છે, પણ તેનું ફેસબુક અકાઉન્ટ જોઈને તે બહુ આઉટગોઇંગ હોય એવું જણાય છે. મારે તેના જેવા થવું હોય તો શું કરવું? મારા દોસ્તોનું માનવું છે કે હું કદી કોઈ છોકરી પટાવી નહીં શકું કેમ કે મારામાં એવી પ્લેફુલનેસ છે જ નહીં. જ્યાં સુધી હું આના પ્રેમમાં નહોતો પડ્યો ત્યાં સુધી મનેય તેમના કહેવામાં વાંધો નહોતો, પણ હવે હું આ છોકરીને કોઈ પણ ભોગે ગુમાવવા નથી માગતો.

જવાબ : કોઈકને પોતાના પ્રેમમાં કેવી રીતે પાડી શકાય? આ સવાલ યુવાનીમાં કદાચ દરેક છોકરા કે છોકરીના મનમાં ઊઠતો હશે. ક્યારેક લોકો પોતાની પર્સનાલિટીનો છાકો પાડીને બીજાને ઇમ્પ્રેસ કરી દે છે તો કેટલાક લોકો બીજાને ઇમ્પ્રેસ કરવા સામેવાળાની હામાં હા મેળવીને તેની નજીક આવે છે.

પ્રેમની કોઈ ફૉમ્યુર્લા નથી હોતી. અમુક-તમુક ચીજ કે વર્તન કરવાથી સામેવાળાને આપણા માટે પ્રેમ થઈ જાય એવું કોઈ દાવા સાથે કહી શકે જ નહીં. ધારો કે એમ થાય તો ક્ષણભંગુર હોવાની સંભાવના વધુ હોય. ખેર, અહીં તમે જે વાત કરી છે એમાં બે બાબતો સમજવા જેવી છે. સૌથી પહેલી વાત એ કે તમને પેલી છોકરી જેવા થવું છે અને બીજું, તેને તમારા પ્રેમમાં પાડવી છે. તમારે જો લાંબા ગાળે સુખી લગ્નજીવન જોઈતું હોય તો આ બેમાંથી કશું જ તમારે ન કરવું જોઈએ. પહેલું તો પ્રેમ માટે થઈને બીજા જેવા થઈ જવું એ જ ખોટું છે. તમે પ્રકૃતિગત રીતે અંતમુર્ખ છો તો છો. અત્યારે કારણ કે તમારા હૃદયમાં પ્રેમની કૂંપળો ફૂટેલી છે એટલે તેને પામવા માટે થઈને તમે તમારી જાતને બદલવા તૈયાર થઈ ગયા છો. જોકે આ બદલાવનો અંચળો તમે ક્યાં સુધી ઓઢી રાખી શકશો? જે દિવસે તમે ફરીથી અત્યારે જેવા છો એવા બની જશો ત્યારે એ સંબંધનું શું થશે?

આ પણ વાંચો : ફળની આશા રાખ્યા વગર કામ કરતાં બીજાઓ જેવી સફળતા નથી મળતી

બીજાને પ્રેમમાં પાડવા માટે આપણે જે નથી એવા દેખાવાની કોશિશ કદી ન કરવી. તમે જેવા છો એવા બની રહો. મોટા ભાગે લગ્ન પહેલાં યુવકો એકમેકને ઇમ્પ્રેસ કરવા માટે પોતાની પસંદ-નાપસંદ સાથે બહુ જ સમાધાનો કરી લેતા હોય છે જે લગ્ન પછી એટલા કઠે છે કે તેઓ પોતાની ઓરિજિનલ જાતને પાછી મેળવવા માટે એ સંબંધમાંથી છૂટવા તૈયાર થઈ જાય છે. સો જસ્ટ ગો ઇઝી, તેની સાથે દોસ્તી કેળવવાનો પ્રયત્ન કરો. તેને જાણવા અને સમજવાનો પ્રયત્ન કરો, પણ જાતને બદલીને તેને તમારા પ્રેમમાં પાડવાની ભૂલ ન કરો.

columnists sex and relationships life and style