ફળની આશા રાખ્યા વગર કામ કરતાં બીજાઓ જેવી સફળતા નથી મળતી

Published: Apr 23, 2019, 12:51 IST | સેજલ પટેલ

ફળની આશા રાખ્યા વગર કામ કરતાં બીજાઓ જેવી સફળતા નથી મળતી, શું ગીતા ખોટું કહે છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું ખૂબ ધાર્મિક પરિવારમાં ઊછર્યો છું. મને નાનપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો હોવાથી મને દુન્યવી બાબતોમાં ખાસ રસ નથી રહ્યો. નાનો હતો ત્યારે સંસાર ત્યાગવાના વિચારો આવી ગયેલા, પણ જુવાનીમાં આવ્યા પછી મને એ અઘરું લાગે છે. હું પ્રેમમાં પડ્યો અને લગ્ન કરીને પરિવાર પણ વસાવી લીધો. મારા પપ્પાનો બિઝસેન છે જે મોટા ભાઈએ સંભાળી લીધો છે. મોટા ભાઈની બિઝનેસની સૂઝ પણ સારીએવી છે. જ્યારે મારું કામ એવું છે કે કર્મ કર્યા કર, ફળની આશા ન રાખ. મારો ભાઈ પૈસા કમાવા માટે આકાશપાતાળ એક કરી નાખે, જ્યારે મને લાગે છે કે એ વ્યર્થ છે. અમારી વચ્ચે આ બાબતે બહુ ઝઘડા થાય છે. મને લાગે છે કે શાંતિપૂર્વક જીવન જીવવું અને ધર્મનું કામ કરવું એ જ તો આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, જ્યારે તેને વધુ પૈસા કમાવા, ધંધાનો વિસ્તાર કરવો અને સફળ બિઝનેસમૅન બનવાના ખૂબ ધખારા છે. આપણે ફળની આશા સાથે કોઈક કામ કરીએ તો જ સફળતા મળે છે એવું લોકો કહે છે અને વાત સાચી પણ લાગે છે, કેમ કે હું આશા રાખ્યા વિના કામ કરું છું ત્યારે મને મોટા ભાઈ જેવી સફળતા મળી જ નથી. તો શું કૃષ્ણ ભગવાન જે કહી ગયા એ ખોટું હતું? શું ફળની આશા વિના કરેલા કામનું પરિણામ નથી મળતું?

જવાબ : તમે તો બહુ અઘરી વાત પૂછી નાખી. ભગવદ્ ગીતાના સંદેશની મુલવણી કરવાનું મારું કોઈ ગજું નથી, એમ છતાં મારી સમજણ તમારી સાથે જરૂર શૅર કરી શકું.

દુન્યવી બાબતોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે આપણને ફળની આશા નથી હોતી ત્યારે સ્વાભાવિકપણે જે-તે કામમાં આપણી ઇન્વૉલ્વમેન્ટ પણ ઘટી જતી હોય છે. ઘણી પરિસ્થિતિઓમાં આપણે આ વાક્યનો છટકબારી તરીકે પણ ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. જેમ કે દ્રાક્ષ ખાવા માટે બહુ ઠેકડા મારીએ પણ વેલો ઊંચો હોય અને આપણા હાથ દ્રાક્ષ સુધી પહોંચે નહીં ત્યારે આ દ્રાક્ષ ખાટી છે એવું કહીએ છીએ એવું જ કંઈક થાય છે. જ્યારે કર્મનું ઇચ્છિત ફળ નથી મળતું ત્યારે આપણે કૃષ્ણ ભગવાનને વચ્ચે લાવીને ‘હું તો કર્મમાં માનું છું. ફળ આપવું ન આપવું ઉપરવાળાના હાથમાં છે’ એમ કહીને હાથ ખંખેરી નાખતા હોઈએ છીએ.

‘કર્મ કર, ફળની આશા ન રાખ’ આ વાક્યના બે ભાગ છે. એક કર્મ કર અને બીજું ફળની આશા ન રાખ. મને એવું લાગે છે કે આપણે પહેલા ભાગને જેટલું મહત્વ આપવું જોઈએ એટલું નથી આપતા. કૃષ્ણે એવું કહ્યું છે કે તું જે કામ કરે છે એમાં તારું ૧૦૦ ટકા નિચોવી દે. જે કામ કરે છે એમાં તું પૂરેપૂરો ખૂંપી જા. ભવિષ્યની ચિંતા કરીને આજની ઘડીએ જે જરૂરી છે એ કામ કરવામાં કોઈ કચાશ ન રાખ. જો તું આજે જે કરવું જોઈએ એ કામ કરવામાં ખાઈખપૂચીને લાગી જઈશ તો એટલી ક્ષણો તું શ્રેષ્ઠ રીતે જીવી શક્યાનો સંતોષ લઈ શકીશ.’

આ પણ વાંચો : 17 વર્ષના લગ્નજીવનમાં ધીમે-ધીમે તિરાડ વધતી ચાલી છે, હવે મને પતિ પર જરાય વિશ્વાસ રહ્યો નથી

શું તમે પરિવાર, બિઝનેસ અને સંબંધોમાં આજની ક્ષણે જે કરવું જોઈએ એ કરો છો? શું એમાં તમે તમારું ૧૦૦ ટકા આપો છો? કે પછી ફળ આપવાની ચિંતા ઉપરવાળા પર મૂકી દીધી હોવાથી કર્મ કરવાની જવાબદારી નિભાવવામાં પણ ઠાગાઠૈયા થાય છે? ફળ મેળવવા માટે કર્મ કરવું પડે એ તો ઢસરડો થયો, પણ હું જે કરું એ શ્રેષ્ઠ રીતે કરું એ ભાવના સાથે જ્યારે જીવન જીવાય ત્યારે સંતુષ્ટિ અને સફળતા બન્ને સાથે આવે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK