પર્સનલ, પ્રોફેશનલ લાઇફમાં રિજેક્શન મળ્યું, ત્યારથી કૉન્ફિડન્સ નથી રહ્યો

19 April, 2019 11:46 AM IST  |  | સેજલ પટેલ

પર્સનલ, પ્રોફેશનલ લાઇફમાં રિજેક્શન મળ્યું, ત્યારથી કૉન્ફિડન્સ નથી રહ્યો

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું ૨૪ વર્ષની છું. પોસ્ટ-ગ્રૅજ્યુએશન પછી ટ્રેઇનિંગ માટે એક કંપનીમાં જોડાઈ હતી અને ત્યાંથી એક સારી કંપનીમાં કામ પણ મળેલું. પરિવાર આમ મધ્યમ વર્ગનો છે. જોકે મારે એમાંથી ઉપર ઊઠવું છે. ઘરની આર્થિક સ્થિતિ મારે સુધારવી હોવાથી કૉલેજના સમયથી જ હું નાનું-મોટું સ્કિલવર્ક કરીને કમાણી કરતી હતી. મને ખબર છે કે સમાજમાં થોડી ઇજ્જત જાળવી રાખવા માટે પણ પૈસેટકે સધ્ધર રહેવું જરૂરી છે. મમ્મી ગૃહિણી છે અને પપ્પા જૉબ કરે છે. મેં કૉમર્સમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું એ પછી મને હતું કે મને સારી નૉકરી મળશે. ચાર મહિના પહેલાં એક નવી કંપનીમાં મને મોટા પગારની ઑફર મળેલી. જોકે એમાં ત્રણ મહિનાનું પ્રોબેશન હતું. તેમણે કહેલું કે કામ ગમશે તો પર્મનન્ટ કરીશું, પરંતુ ત્રણ મહિના પછી મને છૂટી કરી દેવામાં આવી. કારણ એવું આપવામાં આવ્યું કે હું તેમની કંપનીના મોટા કામ માટે ફિટ નથી. મેં શીખવાની તૈયારી બતાવી છતાં કંઈ ન વળ્યું. હવે ક્યાંય નોકરી માગવા જવાની હિંમત નથી થતી. હજી છ મહિના પહેલાં જ મારું બ્રેકઅપ થયું છે એ વાતને હું પચાવી નથી શકી, એવામાં આ બીજો સદમો મળ્યો. જાણે આત્મવિશ્વાસ જેવું રહ્યું જ નથી. નોકરી માટે બીજે ટ્રાય કરવાની પણ હિંમત નથી. મેં ઘરમાં બીજી ઘણી જવાબદારીઓ લીધી છે એ પૂરી કરવા પણ મારે કમાવું બહુ જરૂરી છે.

જવાબ : એક વાર નિષ્ફળતા મળે અને હાર માની લે એ વ્યક્તિ કદી સફળ ન થાય. મને કહો તમારે સફળ થવું છે કે પછી સંજોગોના શિકાર બનીને માથે હાથ દઈને બેસી રહેવું છે? કોઈકે કહ્યું છે કે નિષ્ફળતા સફળતાનું પહેલું પગથિયું છે. જો નિષ્ફળતાને નિચોવીને એમાંથી શીખવા જેવું શીખી લો તો જ તમે એને સફળતાના પગથિયા તરીકે વાપરી શકો. નિષ્ફળતાને રડ્યા કરવાથી તો તમે હાથે કરીને તમારી જાતને ગ્રંથિઓમાં બાંધી રહ્યાં છે. કેટલાય સફળ વ્યવસાયીઓને પહેલી જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય કે ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કરી દીધા હોય એના અનેક દાખલા પ્રચલિત છે.

તમે એક નિષ્ફળતાથી ડરીને પીછેહઠ કરી એને બદલે આવું કેમ થયું એ સમજવાની કોશિશ કરો. મને એવું લાગે છે કે પર્સનલ લાઇફની અસર તમારા પ્રોફેશનલ જીવનમાં પણ હાવી થઈ રહી છે. બ્રેકઅપ થયા પછી તમે માનસિક રીતે સ્વસ્થ નહોતાં અને એવામાં નવું કામ લીધું જેને તમે પૂરી તન્મયતાથી નિભાવી ન શક્યાં. ઘરમાં અને કુટુંબમાં આપણી ભૂલો અને નાદાનીને સંભાળી લેનારા ઘણા હોય છે, પણ પ્રોફેશનલ વર્લ્ડમાં એવું નથી હોતું. પ્રોફેશનલ ફીલ્ડમાં આકરી કસોટી થાય જ છે.

તમારે વન બાય વન સમસ્યાને ઍડ્રેસ કરવી જોઈએ. સૌથી પહેલાં તો જૂનો બ્રેકઅપનો મુદ્દો મનમાંથી સાફ કરો. છ મહિના પૂરતો સમય છે. તૂટેલા સંબંધની અસર મનના કોઈક ખૂણે રહેશે એની ના નહીં, પણ તમારું ફોકસ આગામી એક-બે વર્ષ માટે સંપૂર્ણપણે કરીઅર પર રાખવાનું નક્કી કરો. નોકરીમાં તમારી પાસેથી શું અપેક્ષાઓ રાખવામાં આવી અને તમે કઈ અપેક્ષાઓ પૂરી ન કરી શક્યાં એનું ઍનૅલિસિસ કરો અને એમાંથી શું કરવું અને શું નહીં એની શીખ લો.

આ પણ વાંચો : અમારી અંગત પળોનું રેકૉર્ડીંગ કર્યા પછી વીડિયો વાઇરલની ધમકી આપે છે

એ પછી એક-બે અઠવાડિયાંનો ઑફિશ્યલ બ્રેક લો. આ એવો સમય છે જેમાં તમારે ભવિષ્ય કે ભૂતકાળ વિશે કશું જ નથી વિચારવાનું. શું થઈ ગયું એ પણ નથી વિચારવાનું અને શું થશે એની ચિંતા પણ નથી કરવાની. રીફ્રેશ થઈને પછી તમે નવેસરથી નોકરીની શોધ ચલાવો અને જો નવી સ્કિલ્સ શીખવાની જરૂર હોય તો સાથે એ પણ કરો.

columnists sex and relationships life and style