અમારી અંગત પળોનું રેકૉર્ડીંગ કર્યા પછી વીડિયો વાઇરલની ધમકી આપે છે

સેજલ પટેલ | Apr 18, 2019, 12:32 IST

કૉમન ફ્રેન્ડે મારી અને બૉયફ્રેન્ડની અંગત પળોનું રેકૉર્ડિંગ કરી લીધું છે અને હવે તે એને વાઇરલ કરવાની મને ધમકી આપે છે

અમારી અંગત પળોનું રેકૉર્ડીંગ કર્યા પછી વીડિયો વાઇરલની ધમકી આપે છે
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : છેલ્લાં ચારેક વર્ષથી હું એક રિલેશનશિપમાં છું. અમે બન્ને નોકરી કરીએ છીએ. મારા પેરન્ટ્સને અમારા સંબંધો મંજૂર નથી એટલે ત્યાં મનામણાં-રિસામણાં ચાલી રહ્યાં છે. એવામાં અમે વધુ એક સમસ્યા પેદા કરી છે. લગભગ બે મહિના પહેલાં અમે સાતેક મિત્રો એક કૉમન ફ્રેન્ડના ફાર્મ પર ગયેલાં. આમ તો બધા જ દોસ્તો હાજર હતા, પણ અમે થોડી પળો એકાંતની ચોરી લીધેલી. અમને ખબર નહોતી કે એ વખતે જેનું ફાર્મ છે તે ફ્રેન્ડે એનું ચોરીછૂપી રેકૉર્ડિંગ કરી લીધું છે. પિકનિક પરથી પાછાં આવ્યાં એ પછીથી પેલો દોસ્ત મને એ વિડિયો-ક્લિપ બતાવીને બ્લૅકમેઇલ કરે છે અને જો હું તેની સાથે ફિઝિકલ સંબંધો ન રાખું તો તે એ વિડિયો-ક્લિપ વાઇરલ કરશે. તેનું કહેવું છે કે જો મેં બૉયફ્રેન્ડને પણ વાત કરી છે એવી ખબર પડશે તો પણ તે વિડિયો લીક કરી દેશે. લગભગ એક વીક સુધી હું ડરતી રહી, પણ પછી મારાથી ન રહેવાયું. મેં બૉયફ્રેન્ડને વાત કરી. તે પણ ગભરાઈ ગયો. તેનું કહેવું છે કે જો હવે પછી તે બ્લૅકમેઇલ કરે તો કહી દેવું કે તેણે પહેલાં મારી સાથે વાત કરવી. ડર એ છે કે ધારો કે બૉયફ્રેન્ડ અને પેલા માણસ બન્ને વચ્ચે કંઈક બોલાચાલી થાય અને પેલાનું મગજ ફટકે અને તે વિડિયો-રેકૉર્ડિંગ ઑનલાઇન લીક કરી દે તો અમારા બન્નેની આબરૂના કાંકરા થઈ જાય. આ વાત પેરન્ટ્સને કહેવાની કોઈ હિંમત નથી. મારી એક જિગરજાન દોસ્તને આ વાતની ખબર પડી છે અને તેનું કહેવું છે કે અમારે ઝટપટ લગ્ન કરી લેવાં. બૉયફ્રેન્ડ અને તેનો પરિવાર તૈયાર છે, પણ મારા પેરન્ટ્સની સહમતી મળે એવું લાગતું નથી. બહુ જ ગૂંચવણ ઊભી થઈ છે અને કોની પાસે મદદ માગવી એની ખબર નથી પડતી.

જવાબ : સૌથી સારી અને રાહતની વાત એ છે કે તમે અને તમારો બૉયફ્રેન્ડ આ પરિસ્થિતિમાં એકમેકના પડખે છો. એક વાત સમજો કે તમારો સંબંધ મજબૂત અને મક્કમ હશે તો કોઈ તમારું કંઈ બગાડી નહીં શકે. બીજું, પેલાની ધાકધમકીઓને વશ થવાની ભૂલ ભૂલથીયે ન કરવી. એ તમને બચાવનારું નહીં, ડુબાડનારું પગલું હશે. અત્યારે તમારે ગુસ્સા કે ડરથી નહીં, પરંતુ સ્માર્ટનેસથી કામ લેવાની જરૂર છે. શાંતિથી વિચારશો તો ગુનો તમે નથી કર્યો, તેણે કર્યો છે. લગ્ન પહેલાં તમે અંગત પળોની છૂટ લીધી એ કંઈ એવો મોટો ગુનો નથી, પરંતુ કોઈની અંગત પળોને રેકૉર્ડ કરીને બ્લૅકમેઇલ કરવું એ ફોજદારી ગુનો ચોક્કસ બને છે.

આ પણ વાંચો : છૂટાછેડા પછી દીકરાની કસ્ટડી મારી છે, છતાં પતિ તેને લઈ જાય છે

તે તમને બ્લૅકમેઇલ કરે છે, કારણ કે તમારાં હજી લગ્ન નથી થયાં. જો આ વાત જાહેર થાય તો સામાજિક દૃષ્ટિએ તમારી વગોવણી થઈ શકે છે. લગ્ન થઈ ગયાં હોય તો તમારી વગોવણી ન થઈ શકે. જોકે ખાસ કરીને પેરન્ટ્સ રાજી ન હોય ત્યારે આવા સંજોગોમાં ઝટપટ લગ્ન કરી લેવાનું સંભવ નહીં બને. આ ઘટના બાબતે તમારે બે જગ્યાએ વાત કરવી જરૂરી છે. એક તો તમારા પેરન્ટ્સને અને બીજું પોલીસને. હવે પછી જ્યારે પણ તે ફોન પર કે રૂબરૂમાં વિડિયો-ક્લિપ વાઇરલ કરવાની ધમકી આપે ત્યારે એનું રેકૉર્ડિંગ કરી લો અને એ પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ કરો. પેરન્ટ્સને તમે કહેશો ત્યારે તમને જોરદાર વઢ પડી શકે છે, પણ એ વઢમાં ચિંતા છે. પેરન્ટ્સ અને બૉયફ્રેન્ડ બન્નેનો સાથ હશે તો પેલા માણસને પોલીસ પણ ભીંસમાં લેશે અને કોઈની પ્રાઇવસીમાં ભંગ કરવા બદલ તેને સજા પણ થશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK