રક્ષાબંધનમાં બનાવો ખાઈ શકાય એવી મીઠાઈ-રાખડી

14 August, 2019 11:42 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ

રક્ષાબંધનમાં બનાવો ખાઈ શકાય એવી મીઠાઈ-રાખડી

રાખડી

સ્વીટ્સ સ્પેશ્યલ

આવતી કાલે રક્ષાબંધન છે અને હરખઘેલી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉત્સુક હશે. રાખડીના એ પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે. આપણા જૂના રિવાજોની વાત કરીએ તો આ દિવસે પરણીને સાસરે જતી રહેલી બહેન મીઠાઈ અને રાખડીની થાળી સજાવીને ભાઈના ઘરે જાય છે. એ થાળીમાં કંકુ-ચોખા અને દીવાની સાથે એક મીઠાઈ પણ હોય. રાખડી બાંધીને ભાઈનું મોઢું મીઠું કરાવવાની પ્રથા છે અને પછી 

ભાઈ-બહેન સાથે જમે. મોટા ભાગે બળેવના દિવસે ભાઈઓના ઘરે જ બહેનોનું જમણ હોય. હવે કોઈને ૧૦-૧૫ જણની રસોઈ ઘરે બનાવવાનો સમય નથી હોતો. ઘરે ઉત્સવનું જમણ બનાવવાનું હોય તો ભાભીઓ આખો દિવસ રસોડામાંથી જ ઊંચી ન આવે એટલે સવલત ખાતર બન્ને પરિવાર ભેગા થઈને બહાર જ જમણ કરી લે. જેને જે ભાવે છે એ ઑર્ડર કરી લે એટલે સૌને ભાવતું પણ મળે અને ઘરની મહિલાઓને એક દિવસ રસોડામાંથી છુટ્ટી મળી જાય.

ઘરની મીઠાઈ
જમણની સાથે-સાથે હવે મીઠાઈઓની બાબતમાં પણ એવું જ ચલણ છે. મીઠાઈવાળાની દુકાને તો લાંબી લાઇન લાગેલી હોય. તહેવારોના દિવસ માટે ખાસ અવનવી મીઠાઈઓનાં અસૉર્ટેડ પૅકેટ્સ બે-ચાર દિવસ પહેલાંથી જ અવેલેબલ હોય છે. કદાચ ગિફ્ટ માટે ડ્રાયફ્રૂટ્સ, ચૉકલેટ્સ, માવાની મીઠાઈઓ ખરીદાતી હોય છે, પણ હજીયે એક વર્ગ એવો છે જે ભાઈનું મોઢું મીઠું કરાવવાની વાત હોય ત્યારે બજારની તૈયાર મીઠાઈઓને બદલે ઘરની મીઠાઈ જ રાખવાનું પસંદ કરે છે. ૨૦ વર્ષ કરતાંય વધુ વર્ષથી કુકિંગ-ક્લાસ ચલાવતાં જુહુનાં મીતા ભરવાડા કહે છે, ‘રક્ષાબંધનની ટ્રેડિશનની વાત કરીએ તો ભારતના દરેક રાજ્ય મુજબ એમાં બદલાવ આવતો રહે છે. આપણે ત્યાં જેમ બાર ગામે બોલી બદલાય એમ સ્ટેટવાઇઝ મીઠાઈઓની પસંદગી પણ બદલાતી રહે છે. અલબત્ત, હવે બધું જ બધે મળવા લાગ્યું હોવાથી આપણે ત્યાં દરેક પ્રાંતની ખાસિયત સમાન મીઠાઈઓ મળી રહે છે. જોકે હું માનું છું કે આ દિવસે તો ખાસ ઘરે બનાવેલી મીઠાઈથી જ ભાઈનું મોઢું મીઠું કરવું જોઈએ. આપણે ભલે ગમેએટલા મૉડર્ન થઈએ, પણ જાતે બનાવેલી મીઠાઈ સાથે ટ્રેડિશનલ રીતે રાખીની થાળીની સજાવટ કરીને જરા ઍથ્નિક સ્ટાઇલથી આ પ્રસંગ માણવાનું ગમે અને ઇન્ડિયન ફેસ્ટિવલની એ જ તો મજા છે. હું માનું છું કે જાતે બનાવેલું ભાઈને ખવડાવો એમાં પ્રેમ વધે. ભાઈને શું ભાવે છે એ યાદ રાખીને જો બહેન મીઠાઈ બનાવે તો એ લગ્ન પછી દૂર થયેલા ભાઈ-બહેનના સંબંધને પણ વધુ મીઠો અને ગાઢ બનાવે. બીજું, ઘરે મીઠાઈ બનાવવી જરાય અઘરી નથી હોતી. કંઈ ન હોય તો જસ્ટ ગળી બૂંદી બનાવી લો. બે કપ લોટની બૂંદી બનાવતાં જરાય વાર નહીં લાગે.’

બાઇટમાં લેવાય એવી મીઠાઈ બનાવો
રક્ષાબંધન માટે ઘરે મીઠાઈ બનાવતા હોઈએ ત્યારે બે ચીજનું ધ્યાન રાખવું જોઈએ એની ટિપ્સ આપતાં મુલુંડના કુકિંગ-એક્સપર્ટ હંસા કારિયા કહે છે, ‘જો તમે રાખડી બાંધતી વખતે મોઢું મીઠું કરવાની મીઠાઈ બનાવતાં હો તો એ બાઇટમાં આવી જાય એવી હોવી જોઈએ. બંગાળી મીઠાઈઓ કે દૂધની મીઠાઈઓ બને ત્યાં સુધી મોઢું મીઠું કરવામાં ન વપરાય. એવી ચીજો લંચ કે ડિનરમાં રાખી શકાય. ભાઈના ઘરે ડબ્બામાં લઈ જવી હોય તો મારી દૃષ્ટિએ ડ્રાયફ્રૂટ્સની ઘરે બનાવેલી મીઠાઈઓ બેસ્ટ ગણાય. એ ફ્રિજ વિના પણ દસ-બાર દિવસ આરામથી ટકે છે. જો તમે ચાસણી બરાબર પકવેલી હોય અને એમાં પાણીનો ભાગ ન રહ્યો હોય તો એથી વધુ સમય પણ ટકે. ડ્રાયફ્રૂટ્સમાં તમે શુગર-ફ્રી મીઠાઈઓ પણ ટ્રાય કરી શકો અને સાદી કાજુકતરી જેવી મીઠાઈને પણ પ્રેઝન્ટેશનવાઇઝ થોડો ટ્વિસ્ટ આપીને હટકે બનાવી શકો. મેં આ વખતે ડ્રાયફ્રૂટ્સ અને ચૉકલેટમાંથી ખાઈ શકાય એવી રાખડી બનાવી છે અને મારા ક્લાસમાં લોકોને શીખવી પણ છે. કાજુકતરી પીત્ઝા અને ટાકોઝ બનાવ્યા છે. આ એવી મીઠાઈઓ છે જે તમને બહાર માર્કેટમાં તૈયાર નહીં મળે. આવી ચીજો બનાવીને ભાઈને આપો તો એમાં યુનિક ટચ પણ રહે.’

દર વર્ષે મારા ભાઈઓ રાહ જોતા હોય કે આ વખતે હું શું લાવીશ
મુલુંડમાં રહેતી જસ્ટ ૧૮ વર્ષની નિરાલી સચદેને જાતજાતનું બનાવવાનો અને ખવડાવવાનો શોખ છે. એ માટે તે હટકે આઇટમો શીખવા માટે કુકિંગ-ક્લાસમાં પણ જાય છે. એમાંય ખાતહેવારોની સીઝન પહેલાં તો તે ખાસ અવનવી વાનગીઓ શીખી જ લાવે. રક્ષાબંધનની સ્વીટ્સ વિશે નિરાલી કહે છે, ‘હું દરેક વખતે રક્ષાબંધનમાં કંઈક ને કંઈક નવું બનાવું જ. નવું રાંધવું અને નવું કંઈક ક્રીએટ કરતાં શીખવું એ મારું પૅશન છે. એને કારણે હવે તો દર વર્ષે મારા ભાઈઓ પણ રાહ જોતા હોય છે કે આ વખતે નિરાલી શું નવું ટેસ્ટ કરાવશે. બાય ગૉડ્સ ગ્રેસ મારું બનાવેલું તેમને ભાવે પણ છે. આ વખતે હું એક સ્પેશ્યલ ડિઝર્ટ બનાવવાની છું. જે લેમન ફ્લેવરની કુકીઝ પર ક્રીમ સાથેનું ટૉપિંગ હશે. મને પણ નવું-નવું બનાવીને ભાઈઓને સરપ્રાઇઝ આપવાની મજા આવે છે. હું સ્વીટ રાખડી બનાવતાં પણ શીખી છું જે હું મારા ભાઈઓ માટે તો બનાવીશ જ, પણ સાથે ફ્રેન્ડ-સર્કલમાં વેચીશ પણ.’

રક્ષાબંધનમાં તો ભાઈની ભાવતી વાનગીઓ જ બનાવું
૩૨ વર્ષની સેજલ રાવલને પણ રાંધવાનો જબરો શોખ છે એને કારણે તે કુકિંગ-ક્લાસમાં જઈને દર થોડા મહિને પોતાની કુકિંગ-સ્કિલ્સને અપગ્રેડ કરતી રહે છે. આ રક્ષાબંધનની ઉજવણી માટે તે પણ મીઠાઈની રાખડી બનાવવાની છે એમ જણાવતાં સેજલ કહે છે, ‘રાખડી ઉપરાંત હું ભાઈ માટે રબડી બનાવીશ. એનું કારણ એ છે કે તેને મારા હાથની રબડી બહુ ભાવે છે. હું રસમલાઈ બનાવતાં પણ શીખી છું જે પણ તેને બહુ ભાવે છે એટલે જો સમય મળશે તો એ પણ બનાવીશ.’

ચૉકલેટ રાખડી

જરૂરી સામગ્રી
ચૉકલેટ સ્લૅબ્સ (મિલ્ક, ડાર્ક, વાઇટ, બ્લુ બેરી, રાસબેરી, ઑરેન્જ, પાઇનૅપલ, સ્ટ્રોબરી, મૅન્ગો અને પિસ્તા)

મોલ્ડ
રાઉન્ડ, સ્ટાર, હાર્ટ, સ્ક્વેર કોઈ પણ ચાલે
રાખડી માટે સાટિનની રિબન,
તોઈ કે સાદી દોરી
ક્લિંગ ફિલ્મ અને ગ્લુ ગન

બનાવવાની રીત
સૌપ્રથમ ચૉકલેટના સ્લૅબને ડબલ બૉઇલર પદ્ધતિથી મેલ્ટ કરવો. બરાબર એકરસ થઈ જાય એટલે અલગ-અલગ શેપના મોલ્ડમાં રેડવું. થોડું ઠંડું થઈ જાય એટલે ફ્રિજમાં ૧૦ મિનિટ માટે કડક થવા માટે મૂકવું. વિવિધ ફ્લેવર અને કલર કૉમ્બિનેશનવાળી ચૉકલેટ્સમાંથી ઝીણા સ્ટાર કે હાર્ટ શેપ્સ બનાવીને રાખવા. મેલ્ટેડ ચૉકલેટથી ચીપકાવીને બે લેયર પણ બનાવી શકાય. એ પછી તેને ક્લિંગ ફિલ્મમાં રૅપ કરવું. ગ્લુ ગનથી રાખડીની દોરી સાથે એને ચીપકાવવી. ઉપર હજી ડેકોરેશન કરવું હોય તો વેફરપેપર ફ્લાવર્સ કે નાનાં બાળકોના કાર્ટૂનવાળા ઇરેઝર જેવી ચીજો ગ્લુ ગનથી ચીપકાવી શકાય.

ડ્રાયફ્રૂટ રાખડી

જરૂરી સામગ્રી
૧ કપ કાજુ અથવા બદામ પાઉડર,
અડધો કપ દળેલી સાકર
પા કપ પાણી,
લિક્વિડ ફૂડ કલર

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

બનાવવાની રીત
સૌપ્રથમ એક કડાઈમાં સાકર અને પાણી મિક્સ કરવું. ધીમા ગૅસ પર સાકરની દોઢ તારની ચાસણી બનાવવી. ગૅસ બંધ કરીને કાજુ પાઉડર ઉમેરવો. બરાબર હલાવીને વ્યવસ્થિત મિક્સ કરવું. એના બે સરખા ભાગ કરો. બન્નેમાં અલગ-અલગ કલર ઉમેરવા. હાથ પર ઘી લગાડીને થોડું મસળવું. પછી નાના લૂવાને પ્લાસ્ટિકની શીટ પર મૂકીને ઘી લગાડી પૂરી કરતાંય નાની સાઇઝનો ગોળો વણી લેવો. કુકી-કટરથી વિવિધ શેપ કટ કરી શકાય. બીજા રંગના લૂવાને પણ નાનો શેપ આપવો. નાના લૂવાને મોટા પર મૂકવો. કાજુની પેસ્ટના બીજા લૂવાને હથેળીથી વણીને દોરી બનાવવી અને કુકી કટરથી કાપીને તૈયાર કરેલા શેપ સાથે દોરીની જેમ ચીપકાવવો. તૈયાર થયેલી રાખડીને સૂકવવા માટે ૧૦થી ૧૫ મિનિટ રહેવા દેવી અને પછી બૉક્સમાં પૅક કરી લેવી.

columnists