કૉલમ : ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરતી વખતે કઈ ૧૦ ચીજો મહત્વની?

27 April, 2019 12:49 PM IST  |  | સેજલ પટેલ

કૉલમ : ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરતી વખતે કઈ ૧૦ ચીજો મહત્વની?

પ્રતીકાત્મક તસવીર

કોઈક ફિલસૂફે કહ્યું છે કે આજકાલ યુગલો ક્યાં અને કેવી રીતે લગ્ન કરવાં એ વિશે વધુ વિચારે છે અને કોની સાથે કરવાં એ બાબતે ઓછું. દરેકની ઇચ્છા હોય છે તેમના જીવનનો આ પ્રસંગ એવો યાદગાર અને અદ્વિતીય હોય કે બીજા કોઈ એની કૉપી ન કરી શકે. આ ઇચ્છામાંથી જન્મ્યો છે ડેસ્ટિનેશન વેડિંગનો કન્સેપ્ટ. કલ્પનાસૃષ્ટિમાં જ મળે એવા કોઈ રમણીય સ્થળે કુદરતના ખોળામાં અથવા તો લક્ઝુરિયસ રિસૉર્ટમાં પરણવાની ઇચ્છા સૌને હોય છે. હવે તો આ કન્સેપ્ટ જરાય નવો નથી રહ્યો, પણ જો તમે ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ બરાબર ન કર્યું હોય તો આ રમણીય લગ્નની કલ્પના રોળાઈ જાય એવું બની શકે છે. ચાલો, જરા જોઈ લઈએ ડેસ્ટિનેશન વેડિંગના પ્લાનિંગમાં શું ધ્યાન રાખવું એ.

૧. પર્ફેક્ટ સ્પૉટની પસંદગી

સ્થળની પસંદગી માત્ર મૂડ પરથી જ નક્કી ન કરાય. ટ્રાવેલ, ટાઇમ અને બજેટનું પણ એમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. જે-તે લોકેશન પર અન્ય કેવી ઍક્ટિવિટીઝ થઈ શકે છે એ પણ જોવું પડે. મહેમાનોને લગ્ન ઉપરાંત પણ કંઈક ખાસ મળશે કે નહીં એ વિચારવું પડે. તમારા મિત્રો અને પરિવારજનોને પણ મજા પડશે કે નહીં એ વિચારવું.

૨. સમયની પસંદગી

જે લોકેશન્સ ડેસ્ટિનેશન વેડિંગ માટે બહુ ફેમસ હોય છે એ ટૂરિસ્ટો માટે પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જો લોકેશન પર અન્ય લોકોનું ક્રાઉડ ખૂબ હશે તો લગ્નની મજા મરી જશે. ધારો કે તમે ટૂરિસ્ટોની પીક સીઝનમાં વેડિંગ પ્લાન કરતા હો તો જે-તે વેન્યુને એક્સક્લુઝિવ બુક કરાવવું જરૂરી છે. બીજું, અમુક ડેસ્ટિનેશનની મજા ચોક્કસ સીઝનમાં જ હોય છે. જે-તે લોકેશનમાં કઈ સીઝનમાં બેસ્ટ વેધર હોય છે એનું ધ્યાન રાખવું જરૂરી છે.

૩. ટ્રિપ કરી આવો

તમે જે સ્થળે ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છો એની ઓછામાં ઓછી એક વાર જાતે જઈને મુલાકાત લઈ આવો. દુલ્હા-દુલ્હન બન્નેનો પરિવાર જોઈ આવે તો વધુ સારું. કેટરિંગની વાત હોય તો ટેસ્ટિંગ કરવાનું અને મેનુ નક્કી કરવાનું પણ પહેલેથી જ નક્કી થઈ જવું જોઈએ. લગ્નસ્થળ અને રહેવાની જગ્યાને વહેલી તકે બુક કરાવી લેવી જરૂરી છે.

૪. લોકલ ફૅસિલિટીનો ઉપયોગ

બજેટ જો સારુંએવું હોય તો તમે અલગ-અલગ ઠેકાણાની સ્પેશ્યલિટીને તમારા ડેસ્ટિનેશન વેડિંગમાં જરૂર સમજાવી શકો, પણ જો બજેટ ટાઇટ હોય તો બને ત્યાં સુધી સ્થાનિક ફૂલવાળા, કેટરર, ફોટોગ્રાફર્સ અને અન્ય લોકલ વેન્ડર્સ સાથે પહેલેથી જ મીટિંગ કરીને ગોઠવણ કરી લેવી. આ સવલતો સસ્તી પણ પડશે અને ધારો કે છેલ્લી ઘડીઅ આયોજનમાં કંઈક મુશ્કેલી ઊભી થઈ તો વેન્ડર્સ સ્થાનિક હોવાથી ક્રાઇસિસ ઊભી ન થાય.

૫. મહેમાનોની સગવડ

લગ્નમાં આમંત્રિત મહેમાનોની સંખ્યાને તમારે પ્લાનિંગ દરમ્યાન જ ફાઇનલ કરી દેવી પડે. જો મહેમાનોએ પોતાની રીતે લોકેશન પર પહોંચવાનું હોય તો તેમને લગ્નની તારીખ અને સ્થળ વિશે આગોતરી માહિતી આપી દેવી જેથી તેઓ ઇકૉનૉમિક બુકિંગનો લાભ મેળવી શકે. જો તમે ટ્રાવેલિંગ પ્લાન કરી રહ્યા હો તો મહેમાનોની યાદી, ટ્રાવેલની તારીખ, ટ્રેન-ફ્લાઇટ-બસ-કારની માહિતી તેમને પહેલેથી તમારે પહોંચાડી દેવી. છેલ્લી ઘડીએ કોઈને જોડાવું હોય તો એ માટે કેવી અને કેટલી જોગવાઈઓ છે એનો પણ પહેલેથી જ પ્લાન હાથવગો રાખવો.

૬. તમામ કાર્યક્રમોનું આયોજન

સંગીત, મેંદી, બૅચલર્સ પાર્ટી જેવા કાર્યક્રમો હોય કે પછી ગ્રહશાંતિ, હલદી જેવી પરંપરાગત વિધિઓ; આ તમામ કાર્યક્રમોને એક વાર વિઝ્યુઅલાઇઝ કરીને એમાં કઈ ચીજોની જરૂર પડશે એનું ચેકલિસ્ટ બનાવીને કાં તો સાથે કૅરી કરવી કાં સ્થાનિક વેન્ડર્સ પાસેથી એ મૅનેજ કરવાનું પ્લાનિંગ કરવું.

૭. ડેસ્ટિનેશન મુજબનું ડ્રેસિંગ

લગ્નમાં કે એ પહેલાં કે પછીના સમયમાં તમે શું પહેરશો એ નક્કી કરતી વખતે તમે કયા ડેસ્ટિનેશન પર છો એનું વેધર ધ્યાનમાં રાખવાનું ભૂલતા નહીં. અતિશય ઠંડકવાળી જગ્યાએ તમે બૅકલેસ ચોલીનું પ્લાન કરશો અથવા તો વૉર્મ વેધરમાં તમે ભારેખમ સાડીઓ પસંદ કરશો તો પ્રસંગની મજા માણી નહીં શકાય. આ જ બાબતની જાણ તમામ મહેમાનોને પણ પહેલેથી જ કરી દેવી જરૂરી છે.

૮. વહેલા પહોંચી જાઓ

લગ્ન માટે મહેમાનોને આમંત્રિત કર્યા હોય એના બે દિવસ પહેલાં જ તમે ત્યાં પહોંચી જાઓ એ જરૂરી છે. ખાસ કરીને પરિવારની જે વ્યક્તિઓ લગ્નના આયોજનમાં સક્રિય રહેવાની હોય તેઓ પહેલાં પહોંચીને બધું જ આયોજન બરાબર છે કે નહીં એની ખાતરી કરી લે એ જરૂરી છે.

૯. મહેમાનોનું સ્વાગત

મહેમાનોનું સ્વાગત ઉમળકાભેર થાય એનું ધ્યાન રાખો. બની શકે કે જે-તે ડેસ્ટિનેશનની જરૂરિયાત મુજબની ખાસ ચીજો લાવવાનું તેઓ ભૂલી ગયા હોય. આવા સમયે થોડી એક્સ્ટ્રા ચીજો આયોજન દરમ્યાન રાખો. જરૂરી ચીજો નજીકમાં ક્યાં મળે છે એની પણ પહેલેથી શોધખોળ કરી રાખો.

આ પણ વાંચો : કૉલમ : રસી અપાવો, રોગ નિવારો

૧૦. પ્રોફેશનલ હેલ્પ

ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું ઘણું સ્ટ્રેસફુલ છે. ખાસ કરીને જ્યારે તમે તમારા હોમ ટાઉનથી બહુ દૂરની જગ્યાએ પ્લાનિંગ કર્યું હોય. એવા સમયે આખી પ્રક્રિયા ઓછી સ્ટ્રેસફુલ રહે એ માટે ઇવેન્ટ-પ્લાનર કે ઑર્ગેનાઇઝરની પ્રોફેશનલ હેલ્પ લેવાનું બહેતર રહેશે. તમે જ્યારે સ્પેશ્યલ દિવસની મજા માણી રહ્યા હો ત્યારે પ્લાનર જરૂરી ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન રાખી લેશે.

columnists