પ્રેમની મોસમ - (લાઇફ કા ફન્ડા)

15 January, 2019 01:22 PM IST  |  | Heta Bhushan

પ્રેમની મોસમ - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

નિહાર અને નેહાલીનાં પ્રેમલગ્નને ૧૫ વર્ષ ત્યાં બે નાનાં બાળકો.... રોજિંદી જિંદગી અને એકની એક ઘરેડ પડી ગઈ હતી જિંદગીમાં. નિહાર વહેલો કામ પર નીકળી જાય, સાંજે મોડો આવે. થાકી જાય. નેહાલી પણ રોજ બાળકોને સ્કૂલમાં મોકલો, નિહારનું અને બાળકોનું ટિફિન ભરો, ઘરનાં કામ કરો, સાંજ પડે ફરી રસોઈ. નેહાલી આ એકસરખી જવાબદારીઓના ભાર નીચે દબાઈ રહી હતી અને આ ભારને લીધે તેને જીવનમાં કોઈ રસ રહ્યો નહોતો. એકદમ અપટુડેટ રહેતી. સૌથી સુંદર નેહાલી હવે સાવ લઘરવઘર રહેતી. ક્યાંય બહાર ન જતી. નિહાર પાર્ટીમાં જવાનું કહે કે ફરવા જવાનું તો પણ ના પાડી દેતી. નેહાલીના આવા સાવ વિચિત્ર અને રસહીન વર્તનથી નિહાર પણ થાક્યો, કંટાળ્યો. તેને ઘણી વાર ઝઘડો કરવાનું કે પછી છૂટાછેડા લઈ લેવાનું મન થતું, પણ બાળકોનું શું વિચારીને ચૂપ રહેતો.

એક વાર તે સાંજે થોડો વહેલો ઘરે આવ્યો તો બાળકો રમતાં હતાં અને નેહાલી પોતાના અને નિહારના પ્રેમની શરૂઆતના ફોટો જોતી હતી અને તેની આંખોમાં આંસુ હતાં. નિહારે આ જોયું, તેને દુખ થયું. વિચાર આવ્યો ક્યાં આ ફોટોની હસતી, ઉત્સાહથી છલકતી સુંદર નેહાલી અને ક્યાં આજની સાવ બેજાન, નીરસ, લઘરવઘર, રડતી નેહાલી. નેહાલીનાં બે રૂપ જોઈ નિહારને વિચાર આવ્યો કે મારી સાથે જીવન જોડ્યા બાદ નેહાલી શું હતી અને શું બની ગઈ તો આનો ક્યાંક જવાબદાર સીધી કે આડકતરી રીતે હું જ છું. તેણે મનોમન પાછી હસતી સુંદર નેહાલીને જીવંત કરવાનું નક્કી કર્યું.

નિહાર પ્રેમની શરૂઆતના દિવસોની જેમ ફરી નેહાલી પર પ્રેમ ખાસ વરસાવવા લાગ્યો. નેહાલી ભલે લઘરવઘર વાળ ઓYયા વિના ફરતી હોય, નિહાર તેને ખાસ પ્રેમથી કહેતો કે તું સુંદર લાગે છે. તેના માટે નાની-મોટી ભેટ લાવવા લાગ્યો. થોડા દિવસમાં નિહારની મહેનત રંગ લાવી. સાંજે તે ઘરે આવ્યો તો નેહાલી નિહારે આપેલા સુંદર ડ્રેસમાં તૈયાર થયેલી હતી. નિહાર ખુશ થઈ ગયો અને નવા-નવા પ્રેમીની જેમ ઉત્સાહથી નેહાલીને ભેટી પડ્યો. નિહારના સતત પ્રેમના છંટકાવથી નેહાલી ફરી ખીલવા લાગી. બન્ને જણ બહુ વખત પછી એક પાર્ટીમાં ગયાં ત્યાં નિહારે બધાની વચ્ચે નેહાલીનાં વખાણ કરતાં કહ્યું કે નેહાલી મારી પ્રેમની મોસમ છે, પ્રેરણા છે. હું નસીબદાર છું કે તે મારી પત્ïની છે.

આ પણ વાંચો : કંઈ નહીં શીખી શકે - (લાઇફ કા ફન્ડા)

નેહાલીની અંદર કંઈક ખીલી ઊઠ્યું. તે ફરી આનંદ અને ઉત્સાહથી જીવવા લાગી અને પોતાની બધી લાગણી નિહાર અને બાળકો પર વરસાવવા લાગી. પ્રેમની મોસમ ફરી ખીલી ઊઠી. જીવનમાં એકબીજા પર પ્રેમ વરસાવવાનું ન ભૂલો, પ્રેમ વરસાવો અને પ્રેમ મેળવો.

columnists