Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કંઈ નહીં શીખી શકે - (લાઇફ કા ફન્ડા)

કંઈ નહીં શીખી શકે - (લાઇફ કા ફન્ડા)

14 January, 2019 12:47 PM IST |
Heta Bhushan | feedbackgmd@mid-day.com

કંઈ નહીં શીખી શકે - (લાઇફ કા ફન્ડા)

કંઈ નહીં શીખી શકે - (લાઇફ કા ફન્ડા)


લાઇફ કા ફન્ડા

આશ્રમમાં એક શિષ્ય ખૂબ જ હોશિયાર અને વર્ષોથી અધ્યયન કરે, વાંચન કરે. ગુરુજી જે કહે એ પળમાં મોઢે કરી નાખે. ગુરુજી જે શીખવાડે તેને તરત જ આવડી જાય. વખત જતાં આ હોશિયાર શિષ્યને પોતાની આવડત, હોશિયારી અને યાદશક્તિનું અભિમાન થઈ ગયું અને અભિમાન તો એવો રાક્ષસ કે એક વાર થાય પછી વખતોવખત અને સતત વધતું જ રહે. હોશિયાર શિષ્યનું અભિમાન પણ સતત વધતું જ ગયું.



હોશિયાર શિષ્ય હવે એક શિષ્ય નહોતો રહ્યો. પોતાને બધું જ આવડે છે એવું માનનારો અભિમાની જ્ઞાની થઈ ગયો હતો. ગુરુજી શીખવાડતા તો ધ્યાન ન આપતો. ચાલુ વર્ગમાં વટથી કહેતો, ‘આ પાઠ તો હું પળભરમાં મોઢે કરી લઈશ.’


દરેક જણને ઉતારી પાડતો અને દરેક બાબતમાં પોતાને બધું જ્ઞાન છે અને પોતે જ સાચો છે એવો આગ્રહ સતત તે રાખતો. બીજાનું અપમાન કરતો. અનુભવી ગુરુજીની નજરમાં આ વાત આવી ગઈ હતી કે પોતાનો હોશિયાર શિષ્ય અભિમાનનો શિકાર બન્યો છે. અભિમાનને લીધે તે પોતાની આવડત અને જ્ઞાનનું અભિમાન કરનાર અજ્ઞાની બની પતન તરફ જઈ રહ્યો છે. ગુરુજીએ પોતાના શિષ્યને પતનથી બચાવવા એક રસ્તો વિચાર્યો.

સવારે પહેલા જ વર્ગમાં ગુરુજી બોલ્યા, ‘આજે હું એક એકદમ અઘરો અને જીવન માટે જરૂરી પાઠ શીખવાડવાનો છું અને હું ઇચ્છું છું કે મારા બધા શિષ્યો એક ધ્યાન દઈ ઊભા થઈ એ પાઠ સાંભળે અને શીખવાની કોશિશ કરે.’


ગુરુજી બોલ્યા અને સૌથી પહેલો તે અભિમાની શિષ્ય ઊઠ્યો અને બોલ્યો, ‘ગુરુજી, મને જલદીથી એ અઘરો પાઠ શીખવાડો, હું તરત શીખી જઈશ. અઘરો છે એટલે આ બીજા બધાને શીખતાં વાર લાગશે એમાં મારો સમય જશે.’

ગુરુજી કડક અવાજમાં બોલ્યા, ‘તું બેસી જા, તું મારો શિષ્ય જ નથી તો તું ક્યાંથી શીખી શકવાનો અને તને હું શું કામ શીખવાડું, તને તો બધું આવડે છેને.’

પેલો અભિમાની શિષ્ય ઝંખવાઈ ગયો. તેને સમજાયું નહીં કે તેની શું ભૂલ થઈ. તે તો સૌથી પહેલાં શીખવા ઊભો થયો હતો. તેણે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, આમ કેમ કહો છો? તમે મને શું કામ નહીં શીખવાડો? હું તો સૌથી હોશિયાર છું અને બધું તરત શીખી લઉં છું.’

ગુરુજી વધુ કડક અવાજમાં બોલ્યા, ‘અભિમાની અને પોતે જ દરેક બાબતનો જાણકાર છે અને દરેક બાબતમાં સાચો છે એવું માનનાર વ્યક્તિ શિષ્ય મટી જાય છે અને ક્યારેય કોઈ પાસેથી કંઈ જ શીખી નથી શકતો. તને તારું અભિમાન હવે કંઈ જ નહીં શીખવા દે.’

આ પણ વાંચો : એક સોનામહોરની જરૂર - (લાઇફ કા ફન્ડા)

અભિમાની શિષ્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે ગુરુજીની માફી માગી અને અભિમાન ન કરવાનું વચન આપ્યું.

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2019 12:47 PM IST | | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK