મશાલ : અરે ભાઈ કોઈ હૈ...

10 April, 2021 03:18 PM IST  |  Mumbai | Raj Goswami

જાણીતા નાટ્યકાર વસંત શંકર કાનેટકરે ગણિત અને સાહિત્યના શોખીન પ્રોફેસર વિદ્યાનંદ અને તેમના વિધાર્થી લાલ્યા વચ્ચેના સંઘર્ષ પર આ નાટક લખ્યું હતું.

મશાલ : અરે ભાઈ કોઈ હૈ...

‘મશાલ’ આમ તો ’૬૦ના દાયકાના પ્રસિદ્ધ મરાઠી નાટક ‘અશ્રુચી ઝાલી ફૂલે’ પરથી પ્રેરિત છે. જાણીતા નાટ્યકાર વસંત શંકર કાનેટકરે ગણિત અને સાહિત્યના શોખીન પ્રોફેસર વિદ્યાનંદ અને તેમના વિધાર્થી લાલ્યા વચ્ચેના સંઘર્ષ પર આ નાટક લખ્યું હતું. ૧૯૬૯માં અશોકકુમાર, દેબ મુખરજી અને પ્રાણને લઈને આ જ નાટક પરથી ‘આંસુ બન ગએ ફૂલ’ ફિલ્મ બની હતી

યશ ચોપડાને દર્શકો ભલે સદાબહાર રોમૅન્ટિક ફિલ્મોના સર્જક તરીકે યાદ કરે, પરંતુ તેમણે સામાજિક વાસ્તવિકતાને દર્શાવતી અમુક એવી કડવી ફિલ્મો પણ બનાવી છે જે તેમની રોમૅન્ટિક ફિલ્મો કરતાં પણ વધુ પ્રાસંગિક બની રહી છે. રોમૅન્ટિક ફિલ્મો કદાચ યશરાજ ફિલ્મ્સની રોજી-રોટી માટે જરૂરી હશે, પણ મોટાભાઈ બી. આર. ચોપડાની છત્રછાયામાં તેમને સામાજિક મુદ્દાઓ પરની ફિલ્મોની જે ટ્રેઇનિંગ મળી હતી એ તેમની પાછળની કારકિર્દીમાં (ખાસ કરીને અમિતાભ બચ્ચનની) અમુક ફિલ્મો અચૂક જોવા મળે છે. જેમ કે ‘દીવાર,’ ‘ત્રિશૂલ’ અને ‘કાલા પથ્થર’માં સામાજિક વ્યવસ્થા અને એનાથી થતા અન્યાય સામે આક્રોશ હતો. 
૧૯૮૪માં આવેલી તેમની ‘મશાલ’ ફિલ્મ આવી જ મુદ્દા-આધારિત ફિલ્મ હતી. ફિલ્મમાં તેમણે એક સળગતો સામાજિક મુદ્દો છેડ્યો હતો; માણસ કેટલી હદ સુધી નૈતિક જીવન જીવી શકે? ‘મશાલ’ ૧૯૮૧માં રોમૅન્ટિક ‘સિલસિલા’ના ધબડકા પછી ચાર વર્ષે આવી હતી. યોગાનુયોગ ‘મશાલ’માં અનિલ કપૂરે જે રાજા નામના અનાથ છોકરાની જે ભૂમિકા કરી હતી એ માટે યશ ચોપડાએ અમિતાભ બચ્ચનનો જ સંપર્ક કર્યો હતો, પણ બચ્ચને ના પાડી એટલે જાવેદે અનિલ કપૂરના નામની ભલામણ કરી હતી. 
સલીમ ખાનથી સ્વતંત્ર થયેલા જાવેદ અખ્તરે દિલીપકુમારને ધ્યાનમાં રાખીને ‘મશાલ’ની સ્ક્રિપ્ટ લખી હતી. એમાં તેમણે જાંબાજ પત્રકાર વિનોદકુમારની ભૂમિકા કરી હતી. જેમ યશ ચોપડા રોમૅન્ટિક ફિલ્મો વચ્ચે સામાજિક નિસબતવાળી 
ફિલ્મો કરતા હતા એમ દિલીપકુમારે પણ તેમની ઢળતી કારકિર્દીમાં સદાબહાર ટ્રૅજેડી-કિંગના વાઘા ઉતારીને 
ઍન્ગ્રી-ઓલ્ડ મૅનનાં બાવડાં ફુલાવ્યાં હતાં. ‘મશાલ’માં નીડર પત્રકારની ભૂમિકા એટલે જ તેમને ગમી હતી. 
‘મશાલ’ બનાવતી વખતે યશ ચોપડાએ નક્કી કર્યું હતું કે (એ વખતના ટ્રેન્ડ પ્રમાણે, જે ‘દીવાર’થી શરૂ થયો હતો) એના બે મુખ્ય કિરદાર ન તો દાણચોર હશે, ન તો પોલીસ-ઑફિસર હશે. એટલે એમાં પત્રકારત્વનો વ્યવસાય લાવવામાં આવ્યો હતો. ફિલ્મનો પ્લૉટ ખાસ્સો નાટ્યાત્મક હતો. એમાં ઈમાનદાર પત્રકાર વિનોદકુમાર ‘મશાલ’ નામનું એક અખબાર ચલાવે છે, જેમાં તે સમાજમાં વ્યાપ્ત ગેરરીતિઓને ઉજાગર કરે છે. તેની પત્ની સુધા (વહીદા રહેમાન)ને રાજા નામનો સિનેમાની ટિકિટોના કાળાબજાર કરતો અનાથ છોકરો મળે છે અને સંતાન વગરનાં પતિ-પત્ની તેને એક આદર્શ યુવાન તરીકે મોટો કરે છે. 
વિનોદકુમાર રાજાને વધુ અભ્યાસ માટે બૅન્ગલોર મોકલે છે. રાજા પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરવાના સુંદર સ્વપ્ન સાથે મુંબઈ પાછો આવે છે ત્યારે તેના આઘાત વચ્ચે સ્થિતિ બદલાઈ ગઈ હોય છે. તેની ગેરહાજરીમાં વિનોદકુમારે સ્થાનિક ડૉન એસ. કે. વર્ધાન (અમરીશ પુરી)ના દારૂ-ડ્રગ્સના ગોરખધંધા ઉજાગર કર્યા હતા એટલે વર્ધાન વિનોદકુમારને પાયમાલ કરી નાખે છે અને એ સંઘર્ષમાં તે તેની બીમાર પત્ની સુધાને પણ અધવચ્ચે રોડ પર ગુમાવી દે છે. 
ઈમાનદારીના બદલામાં પૈસેટકે અને ઘર-પરિવારથી તારાજ થઈ ગયેલો વિનોદકુમાર આક્રોશમાં આવીને પત્રકારત્વ છોડી દે છે અને વર્ધાનને ખતમ કરવા માટે વર્ધાનના જ દારૂ-ડ્રગ્સના ધંધામાં ઝંપલાવે છે. કહે છે રાક્ષસ સામે લડવા જતાં રાક્ષસ ન બની જવાય એનું ધ્યાન રાખવું જોઈએ. વિનોદકુમાર આ નૈતિકતાને નેવે મૂકીને ખુદ ડૉન બની જાય છે. હવે વિનોદકુમારનાં કાળાં કરતૂતોને ખુલ્લાં પાડવાનું બીડું નવોદિત પત્રકાર રાજા ઉપાડે છે. 
‘મશાલ’ આમ તો ’૬૦ના દાયકાના પ્રસિદ્ધ મરાઠી નાટક ‘અશ્રુચી ઝાલી ફૂલે’ પરથી પ્રેરિત છે. જાણીતા નાટ્યકાર વસંત શંકર કાનેટકરે ગણિત અને સાહિત્યના શોખીન પ્રોફેસર વિદ્યાનંદ અને તેમના વિદ્યાર્થી લાલ્યા વચ્ચેના સંઘર્ષ પર આ નાટક લખ્યું હતું. એમાં પ્રોફેસર વિદ્યાનંદ રખડી ખાતા લાલ્યાને એટલો સરસ ભણાવે છે કે તે મોટો થઈને ઈમાનદાર પોલીસ-ઑફિસર બને છે. બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓને દોહવાનું કામ કરતો ધરમપ્પા નામનો શહેરનો ઉતાર રાજકારણી વિદ્યાનંદની કૉલેજ પર દાદાગીરી ચલાવે છે અને વિદ્યાનંદ એમાં આડખીલીરૂપ બને છે તો તેને ગેરરીતિમાં ફસાવીને જેલમાં મોકલી દે છે. વિદ્યાનંદ બહાર આવીને ધરમપ્પા સામે બદલો લેવા અપરાધી બની જાય છે અને તેણે જ મોટો કરેલો લાલ્યા હવે તેના ગુરુને પકડવા કમર કસે છે. 
‘મશાલ’માં રાજાની ભૂમિકા અનિલ કપૂરને ઑફર થઈ એ પહેલાં એના માટે અમિતાભ બચ્ચન અને કમલા હાસનનો વિચાર થઈ ચૂક્યો હતો. દિલીપકુમાર સાથે કામ કરવા મળ્યું એ અનિલની કારકિર્દી માટે બૂસ્ટર સાબિત થયું. અનિલને શબાના આઝમી મારફત જાવેદ અખ્તરનો પરિચય થયો હતો. અનિલ ત્યારે આમ-તેમ રખડી ખાતો હતો. એક ઇન્ટરવ્યુમાં અનિલ કહે છે,
 ‘જાવેદ મને ત્યારે ધુત્કારતા હતા અને માનતા હતા કે મારું કશું થાય એમ નથી. તેમને લાગતું હતું કે ન તો મારામાં કોઈ વ્યક્તિત્વ છે કે ન તો કોઈ પ્રભાવ. મેં એક તેલુગુ ફિલ્મ કરી હતી અને હું એ શબાનાને બતાવતો હતો. જાવેદની એના પર નજર પડી. તેમને મારું કામ ગમ્યું. તેમણે યશ ચોપડાને ‘મશાલ’ માટે મારી ભલામણ કરી. યશજીએ મને એક નાનકડો રોલ આપ્યો, પણ જાવેદ સા’બને વિશ્વાસ હતો કે મને દિલીપકુમાર સા’બની સામેના રોલમાં લેવામાં આવે. ખબર નહીં કેવી રીતે, પણ જાવેદ સા’બે યશજીને મનાવી લીધા કે હું કામ કરી શકીશ. વિચાર કરો કે નાના-નાના રોલ કરતો ચેમ્બુરનો એક છોકરો અચાનક યશ ચોપડા નિર્દેશિત જાવેદ અખ્તર લિખિત ફિલ્મમાં હતો. એ મારા માટે ટર્નિંગ પૉઇન્ટ હતો. ફિલ્મ બહુ ન ચાલી, પણ હું દરેક મૅગેઝિનના કવર પર છવાઈ ગયો હતો. એમાં સુભાષ ઘઈએ મને ‘મેરી જંગ’માં લીધો અને હું રાતોરાત ‘એ’ લિસ્ટમાં આવી ગયો.’
‘મશાલ’ની વાત આવે અને એમાં દિલીપકુમારના યાદગાર સ્ટ્રીટ-સીનની વાત ન આવે એવું ન બને. હિન્દી સિનેમાના સદાબહાર ફિલ્મી સીન્સની જો યાદી બને એમાં ‘મશાલ’ ફિલ્મમાં દિલીપકુમાર તેમની બીમાર પત્ની માટે જે રીતે આવતા-જતા વાહનચાલકો પાસે મદદની ભીખ માગે છે એ આજે પણ એમાં સામેલ થાય. દિલીપકુમારને ટ્રૅજેડી-કિંગ અમથા જ નહોતા કહેવાયા. આંતરિક વ્યથાને તાકાતથી બહાર લાવવાની તેમનામાં એક અનન્ય અભિનયક્ષમતા હતી. 
દક્ષિણ મુંબઈમાં મધરાતે એ દૃશ્ય ફિલ્માવાયું હતું. દૃશ્ય એવું હતું કે વર્ધાનની નાલાયકીના કારણે વિનોદકુમાર ઘર-બહાર વગરનો થઈ જાય છે અને પત્ની સુધા સાથે સડક પર ચાલીને જતો હોય છે. એવામાં સુધાને પેટમાં દર્દ ઊપડે છે. વિનોદકુમાર ગભરાઈ જાય છે અને હાથ ફેલાવીને, ચિલ્લાઈને આસપાસના બંધ ફ્લૅટ્સ ખોલવા અને આવતી-જતી મોટરકારોને રોકવા માટે વિનવણીઓ કરે છે પણ આ મુંબઈ છે, અહીં કોઈને કોઈના માટે સમય નથી હોતો. વિનોદકુમાર તેની ઈમાનદારી અને નૈતિકતા છોડીને વર્ધાનના પતન માટે નિષ્ઠુર થઈ જાય છે એને ઉચિત ઠેરવવા માટે આ દૃશ્ય બહુ જરૂરી હતું અને દિલીપકુમારે જે તાકાતથી એને ભજવ્યું હતું એ જોઈને વર્ધાન માટે દર્શકોનું લોહી પણ ઊકળી ઊઠતું હતું. બહુ વર્ષો સુધી ‘અરે ભાઈ કોઈ હૈ...’વાળો સંવાદ અનેક કાર્યક્રમોમાં બોલાતો રહ્યો હતો. 
જાવેદ અખ્તરે જે લાઇનો લખી હતી એ બહુ જ સાધારણ હતી (એના કરતાં તો ‘દીવાર’માં અમિતાભના મંદિરના દૃશ્ય માટે તેમણે તાકાતવર લાઇનો લખી હતી), પણ મુંબઈના રાતના સન્નાટામાં દિલીપકુમારે જે છટા અને તીવ્રતાથી એને પેશ કરી હતી એ એને અમર બનાવી ગઈ હતી. યાદ કરો આ લાઇનો -
અરે કોઈ આઓ, 
અરે દેખો બેચારી મર રહી હૈ, 
અરે મર જાએગી બચા લો રે.
ગાડી રોકો...
એ ભાઈ સાહબ ગાડી રોક દો, 
ગાડી રોકો ભાઈ સાહબ.
મેરી બીબી કી હાલત બહુત ખરાબ હૈ, 
ઉસકો...ઉસકો અસ્પતાલ પહુંચાના હૈ.
ભાઈ સાહબ વો મર જાએગી, 
આપકે બચ્ચે જીયેં, 
હમારી ઇત્તી મદદ કર દો,
ઉસકો અસ્પતાલ પહૂંચા દો, ભાઈ સાહબ.
ભાઈ સાહબ આપકે બચ્ચે જીયેં, 
ભાઈ ગાડી રોકો, 
એ ભાઈ ગાડી રોક દો.

‘અરે ભાઈ કોઈ હૈ’ સીન વિશે દિલીપકુમાર શું કહે છે?

મેં બાંદરાથી રોજ આવવું ન પડે એટલે તાજ પૅલેસમાં રૂમ રાખી હતી. મેં યશને કહી રાખ્યું હતું કે કૅમેરા રોલ થયા પછી હું પૂરો સીન એક જ વખતમાં કરીશ. ત્રીજા દિવસે મેં એ સીન ખતમ કર્યો. કામ પૂરું થયું ત્યારે ઘણી રાત વીતી ચૂકી હતી અને હું ચારે તરફ ભીની આંખોને જોઈ રહ્યો હતો. ત્યાં ભયાનક ખામોશી હતી. થોડીક ક્ષણો માટે મને ખરાબ લાગ્યું. ‍યશ મારી પાસે આવ્યા. તેમને કંઈક કહેવું હતું, પણ બોલી ન શક્યા. તેમનું ગળું ભરાયેલું હતું. થોડી વાર પછી બધા સહજ થયા અને મારાં વખાણ કરવા લાગ્યા. મારા માટે એથી મોટો પુરસ્કાર શું હોય કે સાથે કામ કરવાવાળા દિલથી કામનાં વખાણ કરે. યશે કહ્યું પણ ખરું કે તેને એક એવો સબ્જેક્ટ શોધતાં ૩૦ વર્ષ લાગી ગયાં જેની હું ના ન પાડી શકું. - ‘વજૂદ ઔર પહચાન’ આત્મકથામાં દિલીપકુમાર

જાણ્યું-અજાણ્યું...

l ‘મશાલ’ દિલીપકુમાર સાથે યશ ચોપડાની એકમાત્ર ફિલ્મ છે. ચાર વર્ષ પહેલાં ૧૯૮૧માં ‘સિલસિલા’ અમિતાભ સાથેની છેલ્લી ફિલ્મ હતી. 
l ‘અશ્રુચી ઝાલી ફૂલે’ પરથી સત્યેન બોઝે ૧૯૬૯માં અશોકકુમાર, દેબ મુખરજી અને પ્રાણને લઈને આ ‘આંસુ બન ગયે ફૂલ’ ફિલ્મ બનાવી હતી, 
l આમાં પ્રાણને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો અને કાનેટકરને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.  
l અનિલ કપૂરને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. શફી ઇનામદારે એવો દાવો કર્યો હતો કે ‘આજ કી આવાઝ’ માટે એ અવૉર્ડ તેને ઑફર થયો હતો.
l અનિલ કપૂરના રોલ માટે સની દેઓલનું નામ પણ હતું, પરંતુ ધર્મેન્દ્રએ કહ્યું હતું કે દિલીપકુમાર સાથે કામ કરવા માટે સની હજી નાનો છે.

columnists raj goswami