લગ્નમાં મહેમાનોને અપાતી રિટર્ન ગિફ્ટમાં આજકાલ પ્લાન્ટ્સ મોખરે

29 June, 2019 03:29 PM IST  |  મુંબઈ | શાદી મેં ઝરૂર આના - અર્પણા શિરીષ

લગ્નમાં મહેમાનોને અપાતી રિટર્ન ગિફ્ટમાં આજકાલ પ્લાન્ટ્સ મોખરે

લગ્નમાં પર્યાવરણનો ખ્યાલ રાખતાં છોડ આપવાનું વધતું લક્ષ્ય

લગ્નમાં આવેલા મહેમાનોને આજીવન લગ્ન યાદ રહે એ માટે લોકો ઘણું અવનવું કરતા હોય છે. જેમાંથી વેડિંગ ફેવર્સ જે રિટર્ન ગિફ્ટ તરીકે પણ ઓળખાય છે એનો ટ્રેન્ડ આજકાલ ખૂબ વધ્યો છે. મહેમાનોને લગ્નમાં તેઓ આવ્યા હતા એની યાદગીરી હંમેશાં રહે એ માટે લોકો આજે નાનામાં નાની કંકાવટીથી લઈને સોના અને ચાંદીના સિક્કા સુધીની ચીજો વેડિંગ ફેવર તરીકે આપતા થયા છે. સમય સાથે ચીજો પણ બદલાઈ છે અને લોકોની પસંદ પણ. કેટલાક પર્યાવરણપ્રેમીઓ પર્યાવરણ વિશે લોકોને સજાગ બનાવવા માટે છોડ પણ આપે છે. તમે પણ જો લગ્નમાં મહેમાનોને શું આપવું એનો હજી વિચાર જ કરી રહ્યા હો તો જાણી લો શું છે ટ્રેન્ડમાં.

દીપિકા અને રણવીરે તેમનાં લગ્નમાં મહેમાનોને ચાંદીની ફોટોફ્રેમ આપી હતી

યુઝફુલ ચીજો

પહેલાં લોકો નાનકડી ફોટો-ફ્રેમ કે ચૉકલેટ અથવા ડ્રાયફ્રૂટ્સ રિટર્ન ગિફ્ટ તરીકે આપી દેતા હતા, પણ હવે લોકો એવી ચીજો પ્રત્યે દોરાઈ રહ્યા છે જે લોકો વાપરી શકે. આ વિશે વધુ જણાવતાં વિલે પાર્લેનાં લગ્ન માટે રિટર્ન ગિફ્ટ બનાવતાં હેતલ સંઘવી કહે છે, ‘ડ્રાયફ્રૂટ અને ચૉકલેટ હજીયે લોકોની પસંદમાંથી ગયાં નથી, પણ હવે એ આપવાની સ્ટાઇલમાં ફેરફાર થયો છે. કાચના જારમાં આવી વસ્તુ આપવાનું ભરીને ખાસ પસંદ કરી રહ્યા છે, કારણ કે ઝાડને પછી એ વાપરી શકાય. એ સિવાય હૅન્ડ મેડ સૉપ, સ્કાર્ફ અને શાલ જેવી યુઝફુલ ચીજો આપવાનું ચલણ વધ્યું છે.’

ડ્રાયફ્રૂટ માટે આકર્ષક પૅકિંગ

પર્સનલાઇઝ્‍ડ

આજકાલ દરેક ચીજમાં પોતાનું નામ લખાવીને પર્સનલાઇઝ્‍ડ કરાવવાનો જમાનો છે ત્યારે લગ્ન પણ એમાંથી બાકાત નથી. મહેમાનો માટે અપાતી રિટર્ન ગિફ્ટમાં પણ લોકો હવે તેમનું નામ લખી મહેમાનોને સ્પેશ્યલ ફીલ કરાવે છે. ફોટો-ફ્રેમ, કી રિંગ જેવી કેટલીક ચીજો પર મહેમાનોનાં નામ લખાવી શકાય. એ માટે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જે મહેમાન આવવાના છે એની પહેલેથી જ યાદી બનાવી રાખવી પડશે. હવે લોકોનો ફોકસ લગ્નમાં બધાને જ આમંત્રિત કરવાને બદલે અમુક ખાસ લોકોને જ બોલાવીને પ્રાઇવેટ પાર્ટી જેવાં લગ્ન કરવા પર જતો રહ્યો છે. એવામાં આવી ગિફ્ટ આપવી શક્ય બને છે.

પ્લાન્ટિંગ કિટ

થીમ પ્રમાણે

મેંદી, કૉકટેલ પાર્ટી, લગ્ન જેવા જુદા-જુદા પ્રસંગોમાં રાખવામાં આવી હોય એ પ્રમાણે રિટર્ન ગિફ્ટની પણ પસંદગી કરાય છે. વધુ જણાવતાં હેતલ સંઘવી કહે છે, ‘મેંદીમાં લોકો આવેલી સ્ત્રીઓને ફૂલ કે મોતીની બનેલી જ્વેલરી તેમજ પર્સ, દુપટ્ટા, બ્યુટી હૅમ્પર, ચૉકલેટ હૅમ્પર વગેરે આપવાનું પસંદ કરે છે, પણ અહીં જે વસ્તુ આપવામાં આવે એનું પૅકિંગ થીમ પ્રમાણે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો લગ્નની થીમ રાજસ્થાની હોય તો દરેક વસ્તુ પર રાજસ્થાની ટચ દેખાશે. ઢીંગલા-ઢીંગલીવાળું ડેકોરેશન રાજસ્થાની થીમમાં મુખ્ય છે. આ બધી જ ગિફ્ટ સાથે સામેની તરફથી કઈ ગિફ્ટ આપવામાં આવી રહી છે એની એક નાનકડી નોટ પણ મૂકવામાં આવે છે. કેટલાક લોકો મહેમાનોને થૅન્ક યુ કહેતો પર્સનલાઇઝ્‍ડ મેસેજ પણ લખાવે છે.‍’

ટરેરિયમ

ટરેરિયમ એવા પ્રકારના છોડ છે જે કાચના વાસણમાં ઉગાડવામાં આવે છે. આ પ્રકારના છોડને મહિનામાં માંડ બે વાર પાણી આપવામાં આવે તો એ ખૂબ સારી રીતે પાંગરે છે. ટરેરિયમ જ્યારે બનાવવામાં આવે ત્યારે એમાં કેટલીક ચીજો ઉમેરીને ડેકોરેશન કરી એને એક ગાર્ડન જેવો દેખાવ આપવામાં આવે છે. આ એક એવી ચીજ છે જે લાંબા સમય સુધી ટકે છે અને પર્યાવરણ વિશેનો સંદેશો આપવાની ઇચ્છા હોય તો આદર્શ ગિફ્ટ બને છે. ટરેરિયમની અંદર મહેમાનોના નામનું એક મેસેજ-બોર્ડ પણ મૂકી શકાય, એ સિવાય તમારે જો મહેમાનોને કોઈ મેસેજ આપવો હોય કે થૅન્ક યુ-નોટ લખવી હોય તો એ પણ ટરેરિયમની અંદર બનાવડાવી શકાય.

પ્લાન્ટ અને પ્લાન્ટિંગ કિટ

કોઈનું સન્માન કરવું હોય ત્યારે ફૂલોને બદલે એકાદ કુંડામાં રહેલો છોડ આપવાની પ્રથા હવે આમ તો જૂની છે, પણ લગ્નમાં હવે લોકો એ અપનાવી રહ્યા છે. જો વિચાર હોય તો પહોંચી જાઓ તમારા નજીકની નર્સરીમાં અને બલ્કમાં છોડ ખરીદી એને ઘરે જ નાના-નાના કુંડાઓમાં રોપી દો. એના પર કયો રોપ છે અને એને કઈ રીતે સાચવવો એવું લખેલી એક નોટ લગાવી દો અને સાથે જેનાં લગ્ન છે એ બન્નેનાં નામ અને લગ્નની તારીખ પણ એના પર લખાવી શકાય. આ બની ગઈ તમારી ઇકો-ફ્રેન્ડ્લી, સસ્તી અને સુંદર રિટર્ન ગિફ્ટ. છોડવા એવા પસંદ કરવા જેને સંભાળવા સહેલા હોય. તુલસી કે કોઈ ફફૂલનો છોડ, મની પ્લાન્ટ, બામ્બુ પ્લાન્ટ ગિફ્ટ માટે ઉત્તમ રહેશે.

છોડ આપવાની સાથે જ બીજો એક કન્સેપ્ટ અત્યારે ટ્રેન્ડમાં છે અને એ છે પ્લાન્ટિંગ કિટ. આ વિશે વધુ જણાવતાં આવી પ્લાન્ટિંગ કિટ બનાવતી એક કંપનીનાં રચિત બોસમ‌િયા કહે છે, ‘હવે લોકો વેડિંગ ફેવર તરીકે પ્લાન્ટિંગ કિટની પણ ડિમાન્ડ કરે છે જેમાં એક બૉક્સમાં એક નાનકડી કુંડી, માટી અને કોઈ શાકભાજી કે ફ્રૂટનાં બીવાળું પેપર મૂકવામાં આવે છે અને એ સાથે છોડ કઈ રીતે ઉગાડવો એ સમજાવતી એક નોટ પણ હોય છે. આ સિવાય કેટલાક લોકો બૉક્સ પર જેમનાં લગ્ન હોય તેમનું નામ અને તારીખ પણ લખાવે છે. આવી ક‌િટની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે‍ જે પર્યાવરણપ્રેમીઓમાં ખૂબ લોકપ્રિય બની રહી છે.’

ટાવેલ પૅકિંગ

હાઈ-પ્રોફાઇલ વેડિંગ ફેવર

લગ્નમાં મહેમાનોને આપવા માટે છેલ્લા કેટલાક સમયથી સેલિબ્રિટીઓએ અનોખા ટ્રેન્ડ સ્થાપિત કર્યા છે. દીપિકા અને રણવીરે તેમના મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે ચાંદીની ફોટો-ફ્રેમ આપી હતી જેમાં તેમણે મહેમાનોને ધન્યવાદ કહેતો એક મેસેજ આપ્યો હતો.

આ તો વાત થઈ સેલિબ્રિટીઝની. રિટર્ન ગિફ્ટ તરીકે ચાંદીની ચીજો કે સિક્કા આપવાનો ટ્રેન્ડ સામાન્ય લોકોમાં પણ છે. આવા સિક્કાઓને લગ્નની તારીખ કોતરાવી પર્સનલાઇઝ્‍ડ બનાવવામાં આવે છે.

આ પણ વાંચો : મુંબઈગરાઓની ઊંઘ ઉડાડી છે અજવાળાએ

કોઈ જ ગિફ્ટ નહીં

કેટલાક લોકોનું માનવું એવું પણ છે કે લગ્નમાં આ રીતે મહેમાનોને રિટર્ન ગિફ્ટ આપવાને લીધે બજેટ ખૂબ જ વધારે ઉપર જાય છે અને ગિફ્ટમાં ટાઇપિંગમાં વધુ ને વધુ ચીજો હોવાને લીધે એ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. વળી લગ્નમાં જમણવાર અને પૂરતું મનોરંજન મહેમાનોને પૂરું પાડવામાં આવતું હોય ત્યારે જો એક ગિફ્ટ આપવામાં ન આવે તો એ વિશે ગિલ્ટી થવાની જરૂર નથી.

columnists