Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈગરાઓની ઊંઘ ઉડાડી છે અજવાળાએ

મુંબઈગરાઓની ઊંઘ ઉડાડી છે અજવાળાએ

29 June, 2019 03:23 PM IST | મુંબઈ
રુચિતા શાહ

મુંબઈગરાઓની ઊંઘ ઉડાડી છે અજવાળાએ

મુંબઈ

મુંબઈ


ઘોર અંધકારમાં આકાશમાં પથરાયેલા ટમટમ કરતા તારલાઓની સૃષ્ટિ તમે જોઈ છે? આવા તારાઓ અને આકાશગંગાઓ જોવાનું સુખ ૧૦૦ વર્ષ પહેલાં સુધી કદાચ મુંબઈના લોકોને પણ મળ્યું હશે. આજેય કદાચ હિમાચલ, રાજસ્થાન કે પશ્ચિમ ભારતના અંતરિયાળ ગામડામાં આકાશમાં ઝગારા મારતા તારલાઓની અદ્ભુત સૃષ્ટિ જોવા મળે એવી શક્યતા છે, પરંતુ મુંબઈગરા માટે એ હવે દિવાસ્વપ્નથી પણ દૂરની બાબત બની ગઈ છે. મુંબઈ જ નહીં, વિશ્વભરમાં આ બાબત હવે ‌ચિંતાનો વિષય બની રહી છે. રાત પર જોખમ ઊભું થયું છે. અંધારા પર જોખમ ઊભું થયું છે. રાત્ર‌િના સૌંદર્ય પર જોખમ ઊભું થયું છે. જેણે પૃથ્વીને અને પૃથ્વીની જીવસૃષ્ટિ પર પણ ઘણા અંશે જોખમ ઊભું કર્યું છે. આ વિષય પર અવેરનેસ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનૅશનલ ડાર્ક સ્કાય અસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો રિપોર્ટ કહે છે કે વિશ્વના લગભગ ૮૩ ટકા લોકો લાઇટ પૉલ્યુશનથી ગ્રસ્ત આકાશ નીચે જીવે છે. આ અસોસિએશન મુજબ લાઇટ પૉલ્યુશન એટલે આર્ટિફિશ્યલ લાઇટનો બિનજરૂરી અને વધુપડતો ઉપયોગ. વિશ્વભરમાં વ્યાપેલો આ પ્રશ્ન હવે મુંબઈગરા માટે પણ મહત્ત્વનો બન્યો છે. મુંબઈમાં લાઇટ પૉલ્યુશનને ભોગવી રહેલા અને એ વિશે પણ કોઈક નિયમો બને એવા પ્રયત્ન કરી રહેલા કેટલાક લોકો સાથે વાત કરીએ.

કઈ બલાનું નામ?



પ્રકાશ તો પાથરવાનો જ હોય, અજવાળું તો હકારાત્મકતાની નિશાની છે એને વળી પ્રદૂષણ કેમ ગણવું? એ વિચાર સહજ દરેકને આવે, પરંતુ જ્યારે અજવાળાની જરૂર ન હોય ત્યારે અજવાળું કે પ્રકાશ આવતો હોય ત્યારે સમજવું કે એ ત્રાસવાદી બન્યું છે અને જે ત્રાસ આપે એ પ્રદૂષણ છે. ધારો કે તમે ઘરમાં સૂતા હો અને તમારી બાજુમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે જ્યાં હજારો વૉટની ફોકસ લાઇટ ઝગારા મારી રહી છે અને મધરાતે દિવસનો અનુભવ આપી રહી છે. આવા માહોલમાં તમને ઊંઘ આવે? વિજ્ઞાન કહે છે કે અંધારું થતાં જ શરીરમાં અમુક પ્રકારનાં હૉર્મોન્સ જન્મવાનું શરૂ થઈ જાય છે જે તમને સાઉન્ડ સ્લીપ તરફ ખેંચી જાય છે. મધરાતે આવા અજવાળાનો સામનો કરી રહેલા લોકો કઈ રીતે સાઉન્ડ સ્લીપ મેળવી શકે. આ રીતે કટાણે આવતું અજવાળું પ્રદૂષણ ગણાય કે નહીં? અત્યારે આ જ સ્થિતિએ ઘણાખરા મુંબઈગરાની ઊંઘ ઉડાડી દીધી છે. પડદો ખુલ્લો રાખીને સૂવાનું તો આ લોકો વિચારી જ નથી શકતા. નિયમિત આ પ્રકારના પ્રૉબ્લેમથી કંટાળીને પ્રકાશના પ્રદૂષણની મુંબઈની સ્થિતિ પર પ્રકાશ પાડનારા સાઉથ મુંબઈમાં રહેતા નીલેશ દેસાઈ કહે છે, ‘હું ચર્ની રોડ રહું છું. અમારે ત્યાં એક જિમખાનું છે. અહીં રાતે પાર્ટીઓ અને સ્પોર્ટ્‍સ ઇવેન્ટ માટે બે વર્ષ પહેલાં ફ્લડ લાઇટ્સ ઊભી કરેલી, જે ઇલીગલ હતી. અનસાયન્ટિફિક વે પર ઇન્સ્ટૉલ કરી હતી. મેં એની ફરિયાદ કરી હતી. લાઇટ્સ એક-બે વાગ્યા સુધી ચાલુ રહેતી. અમારા ઘરમાં એટલી લાઇટ આવે કે જોઈ ન શકીએ. હકીકતમાં આ અમારા જીવવાના અધિકારનું હનન હતું. ભારતીય સંવિધાનમાં આર્ટિકલ-૨૧ રાઇટ ટુ લાઇફ છે જે આ લાઇટ દ્વારા હણાઈ રહ્યો હતો. અમે ઘણી રિક્વેસ્ટ કરી, પણ કોઈ માનતું નહોતું. એની તેમને પરમિશન કોણે આપી? ઑપરેશનલ ટાઇમિંગ શું છે? વગેરેમાંથી એકેયના જવાબ અમને મળતા નહોતા. તમે વિચાર કરો કે બાર-એક વાગ્યા સુધી લાઇટ તમારા બેડરૂમમાં આવતી હોય તો કેવી અગવડ પડે. છેલ્લે મરીનલાઇન્સ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે જિમખાનાને નોટિસ મોકલી. કલેક્ટરને ફરિયાદ કરી. હિયરિંગ થયું. પ્લાન આપીશું પણ કંઈ કર્યું નહીં. એનવાય મિનિસ્ટ્રી બોર્ડને વચ્ચે લાવ્યા. હવે એનો ચુકાદો આવ્યો કે એ ઇલિગલ છે. બે વર્ષના ત્રાસ પછી એ લાઇટ કાઢી નાખવામાં આવી.’


અનેક સમસ્યાઓનું ઘર

નીલેશભાઈ હવે હાઈ કોર્ટમાં આ મુદ્દે જનહિતની યાચિકા કરવાની તૈયારી કરી રહ્યા છે. નીલેશભાઈ જેવા ઘણા મુંબઈના રહેવાસીઓ છે જેઓ લાઇટ પૉલ્યુશનથી ત્રાસેલા છે, પરંતુ તેમને સહેવા સિવાય તેમની પાસે અન્ય કોઈ પર્યાય નથી, કારણ કે એવા કોઈ કાયદા-કાનૂન નથી જેમાં તેમની ફરિયાદને કોઈ કાને ધરશે. નીલેશભાઈ કહે છે, ‘આપણે ત્યાં લાઇટ પૉલ્યુશનને ગંભીરતાથી લેવામાં જ નથી આવતું. જોકે એ ખરેખર ડેન્જરસ છે. લાઇટનું ઓવર-એક્સપોઝર રેટિનાને ડૅમેજ કરે છે, લાઇટ પૉલ્યુશનથી મરીનડ્રાઇવ પર ઍક્સિડન્ટની સંભાવના પણ વધી જાય છે જે વાત અમે અમારી નોટિસમાં પણ લખી છે. લાઇટનું ઓવર-એક્સપોઝર તમારી આંખો પણ લઈ શકે છે. વનસ્પતિ અને પશુ-પંખીઓ પણ લાઇટને કારણે ખૂબ જ ત્રાસ અનુભવતાં હોય છે. સ્લીપ ડિસઑર્ડર લાઇટને કારણે થાય એ જગજાહેર છે. આ સ્લીપ ડિસઑર્ડર પાછળ કેટલી સમસ્યા ઉદ્ભવે છે એનું ‌લિસ્ટ પણ લાંબુંલચક છે. એ તમારી આખેઆખી બાયોલૉજિકલ ક્લૉકને પણ ડૅમેજ કરે છે. તમે મને એમ કહો કે ઑલરેડી મુંબઈમાં આકાશની સુંદરતા જેવું તો રહ્યું જ નથી. એમાં મારે બળજબરીપૂર્વક બહારની લાઇટ અંદર ન આવે એ માટે શું કામ બારી અને પડદા બંધ કરીને સૂવાનું? દરિયાની સામે રહેતા હો એ સમયે કુદરતી હવાને બદલે તમારે એસીમાં જ સૂવાનું? આ બધું મને જસ્ટિફાય નથી થતું. અન્ય પ્રદૂષણની જેમ આને માટે પણ નિયમો હોવા જોઈએ. લાઇટનું ફોકસ એ રીતે સેટ કરવું જોઈએ કે એ બહારના વિસ્તારોમાં ન જાય. પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હવે આના માટે પણ નિયમો બનાવવાની તાતી આવશ્યકતા છે.’


સર્વેક્ષણોનો સ્કોપ

આગળ કહ્યું એમ આંતરરાષ્ટ્રીય સ્તરે લાઇટ પૉલ્યુશન મહત્ત્વનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ફ્રાન્સ અને જર્મનીમાં ઑલરેડી લાઇટ પૉલ્યુશનને રોકવા માટેના ઍડ્‍વાન્સ નિયમો બની ચૂક્યા છે. અમેરિકાના વિવિધ સ્ટેટ્સ વચ્ચે આને લગતી ડિબેટ ચાલે છે. આકાશનો અનેરો વૈભવ અંધારામાં જ માણી શકાય છે જે આર્ટિફિશ્યલ લાઇટના ઓવર-એક્ઝપોઝરને કારણે ઢંકાઈ ગયો છે. પ્રકૃતિ માટે કામ કરી રહેલી સંસ્થા આવાઝ ફાઉન્ડેશનના સ્થાપક સુમૈરા અબ્દુઅલી કહે છે, ‘અમે લોકોએ એક નાનકડો સર્વે કરેલો જે અંતર્ગત વરલીમાં ૨૭૩ લક્સ (LUX એ લાઇટની માત્રા માપવાનું બેઝિક યુનિટ છે.), હાજીઅલી બિલબોર્ડને ત્યાં ૨૨૩ લક્સ, મેટ્રો રેલ સાઇટ ચર્ચગેટમાં ૧૩૯ લક્સ છે. મુંબઈના ડૉક્ટરો કહે છે કે સામાન્ય રીતે ૨૦ લક્સ જેટલી લાઇટ વાંચવા માટે પૂરતી હોય છે. ૫૦થી ૬૦ લક્સ કરતાં વધુ માત્રામાં લાઇટ હાન‌િકારક ગણાય છે.’

એ વાત તો હકીકત છે કે કન્સ્ટ્રક્શન સાઇટ્સ હોય કે પાર્ટી અથવા પ્લેગ્રાઉન્ડ્સ-આખી આખી રાત ચાલુ રહેતી મસમોટી લાઇટ્સને કારણે લોકોને ભારે અગવડ ભોગવવી પડતી હોય જ છે. ઘરમાં આવતી લાઇટ્સને પડદાથી રોકો તો પણ એને કારણે ગાઢ રાતની મજા તો છીનવાઈ જ જતી હોય છે. એના માટે હવે વહેલી તકે મુંબઈમાં પણ કોઈ પગલાં લેવાય એ માટે નીલેશ દેસાઈ જેવા લોકો સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે.

શું કરી શકાય?

લાઇટ પૉલ્યુશન રોકવા માટે જાહેર સ્થળોએ વપરાતી ફ્લડ લાઇટ્સ માટે નિશ્ચિત સમયમર્યાદા હોવી જોઈએ.
લાઇટ પૉલ્યુશનના નિયમો હોવા જોઈએ અને એનું ઉલ્લંઘન કરનારા લોકો માટે આકરી સજા હોવી જોઈએ.
લાઇટ સાથે લાઇટ શીલ્ડનો ઉપયોગ થવો જોઈએ જેથી જ્યાં જરૂર છે એ સિવાય લાઇટ બહાર ન જાય અને કોઈને એનાથી ડિસ્ટર્બ પણ ન થાય.

આ પણ વાંચો : સમય બદલાય છેઃ અયોગ્ય સમયે લીધેલો સાચો નિર્ણય પણ અયોગ્ય પુરવાર થતો હોય છે

વાઇટ એલઇડીને બદલે જ્યાં વધુ જરૂર ન હોય ત્યાં પીળા કલર જેવા વૉર્મ કલરની લાઇટનો ઉપયોગ કરવો જોઈએ.
જો લાઇટના નિયમોનું પાલન થાય તો રાતના સમયે આકાશદર્શન સરળ બને અને આકાશમાં વ્યાપેલા તારાઓનો વૈભવ જોવાને એક ઍક્ટિવિટી તરીકે ટૂરિસ્ટ ઝોનમાં ડેવલપ કરી શકાય એમ છે. નાઇટ સ્કાય ટૂરિઝમનો વધુ ને વધુ પ્રચાર કરીને રાતના સમયે હિલ-સ્ટેશન પર તો લાઇટ ન જ હોય એવો પ્રચાર થવો જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2019 03:23 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK