શૉર્ટકટ અને લૉન્ગકટઃ લાંબું ચાલે તે જ લાંબું જીવે

19 October, 2019 03:14 PM IST  |  મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

શૉર્ટકટ અને લૉન્ગકટઃ લાંબું ચાલે તે જ લાંબું જીવે

ફાઈલ ફોટો

સૈદ્ધાંતિક રીતે માણસ સ્ટ્રૉન્ગ હોવો જોઈએ. જો તમે સૈદ્ધાંતિક રીતે સ્ટ્રૉન્ગ હશો તો તમારે કોઈ જાતનું કોઈ પણ ખોટી રીતે ભોગવવું નહીં પડે અને આ મારું તારણ નથી. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે. માણસના સિદ્ધાંતો જેટલા મજબૂત હશે, સિદ્ધાંતોની બાબતમાં એ જેટલો મક્કમ હશે અને જેટલી ખોટી દિશાઓ નહીં પકડે એટલી સ્વસ્થતા સાથે આગળ વધી શકશે. જ્યારે ખોટાં કામ કરીએ ત્યારે અંદરથી મન ડંખે, અંતરાત્મા ડંખે. રાત્રે ઊંઘ ન આવે, ટેન્શન રહે અને એ ટેન્શન તમારી સર્જનાત્મકતાને ખોરવી નાખે. જે પાંચ કામ તમે સાચી રીતે કરવા માગતા હતા એ પણ હવે તમે નહીં કરી શકો. જો એવું જ હોય તો પછી નૈતિક રીતે એટલા સ્ટ્રૉન્ગ બનો કે તમારે ખોટાં કામ કરવાં જ પડે અને કોઈને કંઈ ખોટું કહેવું જ ન પડે અને તો જ તમે આગળ વધી શકો.

આપણે ઊલટું કરીએ છીએ. જ્યારે-જ્યારે આપણી પાસે શૉર્ટકટ આવે ત્યારે સૌથી પહેલું કામ એ અપનાવી લેવાનું કરીએ અને પછી આગળ જતાં ખબર પડે કે આ રસ્તો લેવાની જરૂર જ નહોતી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય અને પછી કારણ વિનાનો પશ્ચાત્તાપ અને અફસોસ. જો નૈતિક રીતે તમે કોઈ શૉર્ટકટ લીધો નથી તો બને કે તમે તમારા લાંબા રસ્તા પરથી તમારી મંઝિલે થોડા મોડા પહોંચો, પણ જ્યારે પહોંચશો ત્યારે ખ્યાલ આવશે કે ત્યાં પહોંચ્યા પછી કેટલી નિરાંત છે, મનને કેટલી અને કેવી શાંતિ છે. યાદ રાખજો કે શૉર્ટકટથી તમે કદાચ એક વખત પહોંચી પણ ગયા તો પણ ત્યાં ગયા પછી તો લાંબો સમય ટકવાનું છે અને એ ટકવા માટે પણ નૈતિક રીતે તમે મજબૂત હોવા જોઈએ. આપણે ફિલ્મસ્ટાર માટે બહુ સાંભળ્યું છે કે રાતોરાત સ્ટાર બની ગયો, પણ પછી ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા. કેવી કિસ્મત ગણવી આને?

હું કહીશ કે આમાં કિસ્મતનો કોઈ દોષ નથી. જે દોષ હતો એ નૈતિકતાનો હતો અને એટલે જ રાતોરાત સ્ટાર બન્યા પછી એ જગ્યા, એ સ્થાનને પચાવી ન શક્યા, જેને લીધે આવો ડાઉનફૉલ જોવો પડ્યો.

આજે અમુક લોકોને હું જ્યારે જોતો હોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે આ માણસ આટલું ખોટું કરે છે, આટલી ટૅક્સચોરી કરે છે, ખોટાં ફિગર્સ બતાવે છે, સરકારથી આટલીબધી ઇન્કમ છુપાવે છે, બીજાં ખોટાં કામ કરે છે અને એ બધું કરીને પૈસો બચાવે છે, પણ શું એ પૈસો તેના હાથમાં ટકવાનો છે ખરો? તમે ખરેખર એક વાર જોશો તો ખ્યાલ આવશે કે અનીતિથી આવેલું ધન લાંબો સમય ક્યારેય હાથમાં ટકતું નથી, એવી રીતે આવેલો પૈસો અનીતિના રસ્તે જ વપરાશે અને ત્યાં નહીં ખર્ચાય તો હૉસ્પિટલના ખાટલે ખર્ચાશે.

અનીતિનો પૈસો તમે ક્યારેય સાચા રસ્તે, સાચી નીતિ સાથે વાપરી જ ન શકો. જે પૈસો અનીતિથી આવ્યો છે એ પોતાની સાથે નીતિ તો ન જ લઈ આવે. તેની સાથે અનીતિ જ આવશે અને તે અનીતિનો રસ્તો જ શોધવાનો છે. નીતિના રસ્તે કદાચ એ પૈસો તમે વાળવાનો પ્રયત્ન કરશો તો પણ એ શક્ય નથી. જ્યારે ખબર જ છે કે અનીતિના પૈસાને પૈડાં લાગેલાં છે તો પછી શું કામ એ મેળવવા માટે શૉર્ટકટ લેવાનો, શું કામ ટૂંકા રસ્તા પસંદ કરવાના? ભગવાને આટલી સરસ બુદ્ધિ આપી છે તો એને સાચા રસ્તે વાપરો. સારા કામમાં અને સાચા કામમાં વપરાયેલો સમય અને બુદ્ધિ હંમેશાં લાભદાયી પુરવાર થયાં છે. એક વખત એવું કરીને જોઈ લેજો, તમે અપ્રતિમ સફળતા મેળવી શકશો. અનીતિના રસ્તે જવાનું બહુ મોટું અને સરળ કારણ શું છે એ ખબર છે? 

જ્યારે તમને શૉર્ટકટ મળે ત્યારે સૌથી પહેલાં તો તમારી પાસે જાહોજલાલી આવવાની શરૂ થઈ જાય. પુષ્કળ પ્રમાણમાં ચારે તરફ જાહોજલાલી અને જાણે એવું જ લાગે કે તમે જ રાજા છો અને બાકી બધા તમારી પ્રજા છે. તમારી પાસે જ્યારે પૈસા, શક્તિ, પ્રસિદ્ધિ આવે એટલે રસ્તા પરથી તમારી નજર બીજી દિશામાં પહોંચી જાય છે અને એવું બને ત્યારે ટ્રાફિકનો નિયમ અહીં પણ લાગુ પડે છે. નઝર હટી, દુર્ઘટના ઘટી. જો એવું ન થવા દેવું હોય તો પછી સિમ્પ્લી એક કામ કરવાનું, ભલે મોડું થાય, પણ જે મુકામ નક્કી કર્યો છે એ સાચા રસ્તે જવાનો આગ્રહ રાખવાનો અને નૈતિકતા સાથે એ માર્ગ પકડી રાખવાનો.

એક સરસ વાર્તા અત્યારે યાદ આવે છે. આમ તો આ વાર્તા નથી, એક કિસ્સો છે અને આંખ ખોલી દેનારી ઘટના છે. ફ્રાન્સનો રાજા હતો. પોતાના સમયમાં તેણે પ્રજાનો પૈસો ખોટી રીતે ઉડાડ્યો અને ખૂબ જાહોજહાલી ભોગવી. લોકો ભૂખે મરતા અને આ મહારાજા જલસા કરતા. પ્રજાના અબજો રૂપિયા વાપર્યા. પ્રજા તેનાથી ત્રાહિમામ્ પોકારી ઉઠી. ધીમે-ધીમે રાજમાં ભૂખમરો આવવા માંડ્યો. ધંધા બંધ થઈ ગયા અને પ્રજા રસ્તા પર આવી ગઈ. પ્રજા ભૂખે મરે અને રાજા જલસા કરે. પ્રજા ભૂખે મરે અને રસ્તા પર આવે ત્યારે સમજી લેવું કે હવે બળવો થવાનો જ છે.

રસ્તા પર આવેલી પ્રજા પહોંચી રાજાના મહેલ પર. પ્રજાએ વિનંતી કરી કે તમે અમારા રાજા છો, અમને આ નરકમાંથી બહાર કાઢો. અમારી પાસે ખાવા માટે બ્રેડનો એક ટુકડો પણ હવે નથી બચ્યો. આ ફરિયાદ વચ્ચે પણ રાજા બહાર ન આવ્યો, પણ મહારાણી બહાર આવ્યાં અને તેમણે જવાબ આપ્યો કે ‘જો તમારી પાસે બ્રેડનો ટુકડો ન હોય તો વાંધો નહીં, કેક ખાવાનું રાખો.’

પ્રજા આ કટાક્ષ ‍પર ભડકી ગઈ અને બળવો એ જ ક્ષણે હિંસક બની ગયો. પ્રજાએ રાજાને રાજમહેલમાં જ ખતમ કરી નાખ્યો. મહારાણીએ પણ જીવ ગુમાવ્યો. રાજા વતી જે કર ઉઘરાવવાનું કામ કરતા હતા એ સેવકો સંતાવા માંડ્યા, પણ આ તો સ્વયંભૂ બળવો હતો. બધાએ પકડીને તેમને પણ મારી નાખ્યા. આ મારામારી ચાલતી હતી એ દરમ્યાન પ્રજાના હાથમાં રાજાનો કુંવર આવી ગયો. ટોળાને બુદ્ધિ હોતી નથી. પ્રજાના એ ટોળાની ઇચ્છા તો એ જ હતી કે ૧૬-૧૭ વર્ષના કુંવરને મારી નાખીએ, પણ એવું કરવાને બદલે પ્રજાના એક ડાહ્યાએ સલાહ આપી કે આને મારી નાખવાને બદલે અનીતિ ધામમાં મોકલો. અનીતિ ધામ જ્યાં ચારે બાજુ રૂપલલના હોય, દારૂ પીતા લોકો હોય, અપરાધ થતા હોય અને એની વચ્ચે તમને રાખવામાં આવે ત્યારે તમારામાં પણ એ દૂષણ આવ્યા વગર ન રહે. અનીતિ ધામમાં કુંવરને મોકલવામાં આવ્યો. પ્રજાનો ઇરાદો હતો કે જો એક વખત કુંવરની નૈતિકતા તૂટી જશે તો તે ક્યારેય રાજા બનવાનાં સપનાં નહીં જુએ અને જોશે તો પણ તે રાજા બની નહીં શકે. જ્યારે નૈતિકતા અને સૈદ્ધાંતિકતા જ હોય નહીં ત્યાં મહત્ત્વાકાંક્ષા ક્યાંથી આવવાની, પણ જો એ અકબંધ રહી હોય તો કાદવમાં પણ કમળ ખીલી ઊઠે. રાજાએ પૈસા ઉડાડ્યા, અય્યાસી કરી, પણ કુંવરના સંસ્કાર સારા હતા એટલે અનીતિ ધામમાં રહીને પણ તેને કોઈ અનીતિ સ્પર્શી ન શકી. સમય પસાર થયો અને એ જ કુંવર મોટો થઈને નવેસરથી પ્રજાનો વિશ્વાસમત જીતીને રાજા બન્યો.

આ પણ વાંચો : મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલાં બે ગુજરાતીઓનાં નામ સર કાવસજી જહાંગીર ને પ્રેમચંદ રાયચંદ

કહેવાનો અર્થ એ જ કે તમારી આસપાસ પુષ્કળ શૉર્ટકટ છે, પણ આ શૉર્ટકટ અનીતિ ધામ સમાન છે. એ રસ્તે આગળ વધવાની નહીં, પણ ફેંકાઈ જવાની શક્યતા બહુ છે. તમે આગળ વધવા માગતા હો તો સાચો રસ્તો પસંદ કરજો. નૈતિકતા છોડતા નહીં, માબાપના સિદ્ધાંતોને જીવનમાં ઉતારજો. આજના સમયમાં આ બહુ જરૂરી છે. જે લાંબું ચાલે એ જ લાંબું ટકે. સ્વાસ્થ્ય માટે પણ આ વાત સાચી છે અને જીવનસારની દૃષ્‍ટિએ પણ આ વાત સાચી છે. અવસ્થા ગમે એવી હોય, નૈતિકતા છોડતા નહીં. પેટમાં ખાડો પડી ગયો હોય અને ભૂખ આખા શરીરમાં આગ લગાડતી હોય એવા સમયે પણ સિદ્ધાંતને સાથે રાખીને જીવનારો જીવનમાં બીજી કોઈ ક્ષણે ભૂખ્યો રહેતો નથી એ ભૂલતા નહીં.

columnists Sanjay Raval weekend guide