Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલાં બે ગુજરાતીઓનાં નામ

જાણો મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલાં બે ગુજરાતીઓનાં નામ

19 October, 2019 03:04 PM IST | મુંબઈ
ચલ મન મુંબઈ નગરી- દીપક મહેતા

જાણો મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલાં બે ગુજરાતીઓનાં નામ

પ્રેમચંદ રાયચંદ અને સર કાવસજી જહાંગીર

પ્રેમચંદ રાયચંદ અને સર કાવસજી જહાંગીર


ગાંધીજીને પગલે ચાલતાંચાલતાં આપણે છેક ૨૦મી સદીના પાંચમા દાયકા સુધી આવી ગયા. પણ હવે ગાડી રિવર્સ ગિયરમાં નાખીને પાછા પહોંચી જઈએ, ૧૯મી સદીના મધ્ય ભાગના મુંબઈમાં. ૧૮૫૭નું વર્ષ એટલે આપણા પહેલા સ્વાતંત્રતા સંગ્રામનું વર્ષ. અને એ જ વર્ષે મુંબઈ શહેર માટે જ નહીં, આખા મુંબઈ ઇલાકા માટે બીજી એક ઐતિહાસિક ઘટના ઘટી. અને યાદ રહે, એ વખતે આજના મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોનો સમાવેશ એ વખતે મુંબઈ ઇલાકામાં થતો હતો. છાપેલાં પુસ્તકો આવ્યાં, અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો આવી, તે આપણે અગાઉ જોઈ ગયા. આજે થોડી વાત કરવી છે ઉચ્ચ શિક્ષણની. ૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ, તેમાંની એક યુનિવર્સિટી ઓફ બોમ્બે (આજની મુંબઈ યુનિવર્સિટી) ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્ત્વમાં આવી. પણ તે વખતે તેને માટે અલગ મકાનની સગવડ થઈ નહોતી એટલે યુનિવર્સિટીની શરૂઆત ટાઉન હોલના મકાનમાં થઈ. અગાઉ એલ્ફિન્સ્ટન કૉલેજની શરૂઆત પણ ટાઉન હોલમાં જ થઈ હતી, પણ ભાયખળામાં તેને માટેનું નવું મકાન બંધાઈ રહેતાં ૧૮૫૬માં તે એ મકાનમાં ખસેડાઈ હતી. તે વખતે યુનિવર્સિટીમાં માત્ર બે જ વિદ્યાશાખા હતી – આર્ટ‍્‌સ અને મેડિસિન. પણ શરૂઆતમાં યુનિવર્સિટી પાસે શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ‍્‌સના વિદ્યાર્થીઓ મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની સ્મૃતિમાં ૧૮૩૫માં શરૂ થયેલી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન (પછીથી કૉલેજ)માં અને મેડિસિનના વિદ્યાર્થીઓ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા. મુંબઈના ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટની સ્મૃતિમાં આ કૉલેજ ૧૮૩૫માં શરૂ થઈ હતી. ઉચ્ચ શિક્ષણ માટેની મુંબઈની આ બે જૂનામાં જૂની સંસ્થાઓ – મુંબઈ યુનિવર્સિટી કરતાં પણ જૂની. વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની સત્તા અગાઉ આ બે કૉલેજો પાસે હતી તે તેમણે યુનિવર્સિટીને સોંપી દીધી. ૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મૅટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરા બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા: ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મૅટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના દરેકના ત્રણ-ત્રણ પેપર રહેતા: એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો, અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો. ત્યાર બાદ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લેવાઈ, તેમાં છ છોકરા બેઠા હતા જેમાંથી ચાર છોકરા પાસ થયા હતા. તેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. જે ચાર છોકરાઓ પાસ થયા તે હતા મહાદેવ ગોવિંદ રાનડે, રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, બાળ મંગેશ વાગળે અને વામન આબાજી મોડક. આગળ જતાં આ ચારેએ પોતપોતાના ક્ષેત્રમાં નામ કાઢ્યું હતું. પરીક્ષાના પરિણામમાં ભૂલોની શરૂઆત પણ આ પહેલી પરીક્ષાથી જ થઈ હતી, તેમાં માત્ર છ છોકરા બેઠા હતા, છતાં જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું ત્યારે તેમાં ભાંડારકરનું નામ જ નહોતું, એટલે કે તેમને નાપાસ ઠરાવવામાં આવ્યા હતા. આ જોઈ તેમના એક પરીક્ષક ઍલેક્ઝાન્ડર ગ્રાન્ટને નવાઈ લાગી. આ છોકરો તો બહુ હોશિયાર હતો, તે ફેલ કેવી રીતે થાય? એટલે તેઓ જાતે યુનિવર્સિટીની ઑફિસમાં ગયા અને પરિણામની ચકાસણી કરી. ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે ભાંડારકર અને બીજા એક નાપાસ થયેલા વિદ્યાર્થીના માર્કની સેળભેળ થઈ ગઈ હતી અને તેથી ભાંડારકરને નાપાસ જાહેર કર્યા હતા. પછીથી યુનિવર્સિટીએ પોતાની ભૂલ સુધારી અને ભાંડારકરને રાનડેની સાથે પહેલા વર્ગમાં પાસ જાહેર કર્યા. લાઇસેનસિયેટ ઇન મેડિસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા બરજોરજી બેરામજી, કેખોશરૂ રુસ્તમજી વિકાજી, નસરવાનજી જહાંગીર અને એક હતા મરાઠીભાષી શાંતારામ વિઠ્ઠલ. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. ૧૮૬૩ના એપ્રિલની છઠ્ઠી તારીખે તેમને બી.એ.ની ડિગ્રી મળી. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઈ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજસુધારાના પુરસ્કર્તા રહ્યા. પોતાની માતૃસંસ્થા વિષે લખેલો એક નિબંધ તેમણે ૧૮૬૯માં પ્રગટ કરેલો. નામ હતું જરા લાંબુંલચક: ‘મુંબઈનું સર્વવિદ્યોત્તેજકાલય એટલે મુંબઈની યુનિવર્સિટી વિષે એક ગુજરાતી નિબંધ.’

મુંબઈ યુનિવર્સિટીને પોતાનું મકાન નહોતું, એ વાત સર કાવસજી જહાંગીર (૧૮૧૨-૧૮૭૮)ને ખૂંચતી હતી. એટલે ૧૮૬૩માં તેમણે મકાન બાંધવા માટે એક લાખ રૂપિયા (જે એ વખતે મોટી રકમ હતી) આપવાની ઓફર કરી. બીજે વર્ષે, ૧૮૬૪માં પ્રેમચંદ રાયચંદે (૧૮૩૧-૧૯૦૫) લાઇબ્રેરી અને તેને માટેના મકાન માટે બે લાખ રૂપિયા આપ્યા. પણ પછી તેમને થયું કે આ બે લાખની રકમ તો ઓછી ગણાય. એટલે બીજા બે લાખ રૂપિયા આપ્યા. સર કાવસજી જહાંગીરના દાનમાંથી જે સેનેટ હોલ બંધાયો, તેનું બાંધકામ છેક ૧૮૭૪ના નવેમ્બરમાં પૂરું થયું. યુનિવર્સિટીએ તેને સર કાવસજી જહાંગીર હોલ એવું નામ આપ્યું. જ્યારે યુનિવર્સિટી લાઇબ્રેરીના મકાન અને ટાવરનું બાંધકામ ૧૮૭૮ના નવેમ્બરમાં પૂરું થયું. પ્રેમચંદ રાયચંદની ઇચ્છાને માન આપીને ટાવર સાથે તેમનાં માતા રાજાબાઈનું નામ જોડવામાં આવ્યું. આ બંને ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. આમ, મુંબઈ યુનિવર્સિટીની પહેલી બે મુખ્ય, મહત્ત્વની, અને સુંદર ઇમારતો સાથે બે ગુજરાતીઓનાં નામ જોડાયેલાં છે.    



યુનિવર્સિટી ઓફ બોમ્બેની શરૂઆતથી જ તેમાં ગુજરાતી, મરાઠી સહિતની કેટલીક સ્થાનિક ભાષાઓના શિક્ષણની જોગવાઈ મૅટ્રિકથી એમ.એ. સુધી કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોની માહિતી મળતી નથી, પણ ૧૮૬૩-૬૪માં ફર્સ્ટ એક્ઝામિનેશન ઇન આર્ટ‍્‌સના અભ્યાસક્રમમાં આ ગુજરાતી પુસ્તકોનો સમાવેશ થતો હતો: બાલમિત્ર ભાગ ૧,૨, નર્મદનું અલંકારપ્રવેશ અને દલપતરામ સંપાદિત કાવ્યદોહન ભાગ ૧ના પહેલાં ૭૭ પાનાં. તો ૧૮૬૪-૬૫ના વર્ષ માટે આ ચાર પુસ્તકો હતાં: માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લખેલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના ગુજરાતી અનુવાદના પહેલા બે ખંડ, ફરદુનજી મર્ઝબાનજીએ કરેલો પંચતંત્રનો અનુવાદ પન્ચોપાખ્યાન, શામળકૃત અબોલારાણી, અને કાવ્યદોહનનાં પા. ૭૭થી ૧૫૦.


પરીક્ષા શરૂ થાય તે પહેલાં પેપર ફૂટી ન જાય તે માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે, અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રને મથાળે જ તેના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા, છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો જણાતો નહોતો. તેવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ નંબરની સાથોસાથ પોતાનું નામ પણ લખવું પડતું.. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો પર જ નહિ, વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો.

પણ દેશી ભાષાઓનું શિક્ષણ કમનસીબે ઝાઝો વખત ન ટક્યું. ૧૮૬૩માં સર ઍલેક્ઝાન્ડર ગ્રાન્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૬૪ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ તેમણે અગાઉ બનાવી હતી. એને આધારે તેમનું માનવું હતું કે યુનિવર્સિટી કક્ષાએ શીખવી શકાય એવાં પુસ્તકો દેશી ભાષાઓમાં નથી. એટલે તેમણે આદેશ આપ્યો: ડિગ્રી લેવલે દેશી ભાષાઓ ભણાવવાનું બંધ કરો. કેટલાક દેશીઓ ઉપરાંત ડૉ. જોન વિલ્સન જેવા અંગ્રેજોએ વિરોધ કર્યો, પણ તેમની વાત યુનિવર્સિટીએ માની નહીં, અને ૧૮૬૭થી દેશી ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ કર્યું. એ પછી છેક ૧૮૮૧માં યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઈ, પણ તે પસાર થઈ નહીં. યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે આ જ યુનિવર્સિટીમાં મરાઠી ભણ્યા હતા. કોઈ પણ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય, એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ તો તેમની સાથેસાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલીઅમથી માગણી પણ સ્વીકારાઈ નહીં. ૧૮૯૮માં તેમણે આ માગણી ફરી રજૂ કરી પણ રસ્તો જરા જુદો લીધો. રૉયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં લેખો લખીને તેમણે મરાઠી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે તે બતાવ્યું. અને પછી ફરી દરખાસ્ત રજૂ કરી. હવે યુનિવર્સિટીએ આ અંગે ‘અભ્યાસ’ કરવા માટે ત્રણ સભ્યની એક સમિતિ બનાવી જેના એક સભ્ય રાનડે પોતે હતા. એ સમિતિની ભલામણને આધારે છેવટે યુનિવર્સિટીએ દેશી ભાષાઓ ફરીથી શીખવવાનું નક્કી કર્યું. પણ એ નિર્ણયના સમાચાર જાણવા માટે રાનડે પોતે હયાત નહોતા. કારણ, એ અંગેનો ઠરાવ પસાર થયો તે પહેલાં જ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું હતું. ગુજરાતી, મરાઠી વગેરેને માનભર્યું સ્થાન અપાવવાની આ ચળવળમાં એક ગુજરાતીએ રાનડેને સતત સાથ આપ્યો હતો, એ હતા સર ચીમનલાલ સેતલવાડ.


૧૮૭૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બેને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મૅટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહીં? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો ‘હી’ શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઇચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કૉલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ.

આ પણ વાંચો : મધર ઇન્ડિયા : કેવી રીતે રાધા ઔરત મટીને મધર બની ગઈ

૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુદ્રણ, પુસ્તક પ્રકાશન અને શિક્ષણ, ત્રણે એકબીજાનો હાથ પકડીને ચાલ્યાં. તેને પરિણામે આપણા સમાજનો ગણનાપાત્ર ભાગ મધ્યકાલીન યુગમાંથી અર્વાચીન યુગમાં ધીમેધીમે દાખલ થયો. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જે સુધારક યુગ અને પંડિત યુગની વાતો કરીએ છીએ તેમાં જે કાંઈ વિચારાયું, લખાયું અને થયું તે મુદ્રણની સગવડ વગર અને અર્વાચીન શિક્ષણ વગર શક્ય બન્યું ન હોત. મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પહેલાંની એલ્ફિન્સ્ટન કૉલેજમાં થોડો વખત ભણનારા કવિ નર્મદે  ભણતરનું મહત્ત્વ સમજાવતાં ગાયું હતું:

સરસ નરસ સહુ સ્હેજ સમજશો, શ્રમથી જો ભણશો;

શ્રમથી જો ભણશો, પછી ઝટ વ્હેમો બહુ હણશો.

ભણીગણીને હિંમત ધરતાં, કદી ન ગણગણશો;

કહું હું નર્મદ વિશેષ નિત શું, ખરા સુખી બનશો.

‘ખરા સુખી’ બનવા માટે મુંબઈ અને તેના નાગરિકોએ શું શું કર્યું તેની વાત હવે પછી. 

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2019 03:04 PM IST | મુંબઈ | ચલ મન મુંબઈ નગરી- દીપક મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK