હિંસક પૉર્નોગ્રાફી તરફ વળી રહેલા આજના જનરેશનમાં..

21 September, 2019 01:32 PM IST  |  મુંબઈ | રુચિતા શાહ

હિંસક પૉર્નોગ્રાફી તરફ વળી રહેલા આજના જનરેશનમાં..

હિંસક પૉર્નોગ્રાફી

મુંબઈમાં ૧૬થી ૨૨ વર્ષના એજ-ગ્રુપ પર થયેલા એક લેટેસ્ટ સર્વેક્ષણના આંકડા યંગ સંતાનોનાં મા-બાપને જ નહીં, આખા સમાજને તમ્મર આવી જાય એવા આઘાતજનક છે. તમારું બાળક નાનકડા સ્માર્ટફોનના માધ્યમથી પોતાના દિલોદિમાગમાં શેનો ભરાવો કરી રહ્યું છે એની ખબર છે તમને? અનેક કાયદાકીય બંધનો પછીયે સૉફ્ટ પૉર્ન તરફ ઊગતી પેઢીનું આકર્ષણ વર્ષોથી રહ્યું છે. ઇન્ટરનેટ હાથવગું નહોતું ત્યારે સીડી અને પેન-ડ્રાઇવથી અનસેન્સર્ડ કન્ટેન્ટ શૅર થતું. જોકે હવે મામલો એથીયે વધુ ગંભીર બન્યો છે. હવે ઈઝીલી અવેલેબલ સૉફ્ટ પૉર્ન વિડિયોથી બોર થયેલી પેઢી હાર્ડકોર અને હિંસક પૉર્ન તરફ વળી છે. નિષ્ણાતો સાથે આ વિષય પર થયેલી ચર્ચાની ગંભીરતા આપને સમજાશે એવી આશા છે.

લંડનમાં સ્ટૅસ્ટિક્સ લેક્ચરર તરીકે કામ કરી ચૂકેલા સોશ્યલ ઍક્ટિવિસ્ટ અને રેસ્ક્યુ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ચૅરિટેબલ ટ્રસ્ટના સીઈઓ અભિષેક ક્લિફોર્ડે તાજેતરમાં મુંબઈની ૩૦ કૉલેજોના ૫૩૩ વિદ્યાર્થીઓ (૧૮૮ છોકરા અને ૩૪૫ છોકરીઓ) પર એક સર્વે કર્યો છે જેના શૉકિંગ આંકડા તમને પસીનો લાવી શકે છે. સર્વેમાં મુંબઈના યંગસ્ટર્સના પૉર્નોગ્રાફિક ઇન્ટરેસ્ટનું વિશ્લેષણ છે, જેમાંના કેટલાક મહત્વના મુદ્દા પર એક નજર કરીએ...

☞ સર્વેક્ષણ મુજબ ૩૩ ટકા છોકરાઓ અને ૨૪ ટકા છોકરીઓ સેક્સટિંગ કરતાં હોય છે, એટલે કે પોતાના નૅકેડ ફોટોગ્રાફ અને અભદ્ર શબ્દોવાળા મેસેજ એકબીજાને શૅર કરતાં હોય છે. સર્વે મુજબ ૩૫ ટકા વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સેક્સ્યુઅલ રિલેશનશિપમાં સંકળાયેલા છે. ઘણી કૉલેજના પ્રિન્સિપાલ પણ આ બાબતથી અવેર છે કે તેમની કૉલેજના લગભગ અડધોઅડધ ૧૫-૧૬ વર્ષના વિદ્યાર્થીઓ સેક્સ્યુઅલી ઍક્ટિવ છે. વિદ્યાર્થીઓ કૉન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરે છે, પરંતુ તેઓ એ વાતથી હજી પણ અજાણ છે કે આ કૉન્ટ્રાસેપ્ટિવ ૮૫ ટકા જ સફળ રહે છે. પરિણામે ઍવરેજ ૧૦ ટકા યુવતીઓ પોતાના કૉલેજકાળમાં જ પ્રેગ્નન્ટ થઈને અબૉર્શન કરાવી લે છે.

☞ સર્વેક્ષણની બીજી ચોંકાવનારી બાબત એ હતી કે ૪૦ ટકા કૉલેજમાં ભણતા છોકરાઓ હિંસાત્મક પૉર્ન જુએ છે. અઠવાડિયામાં ઍવરેજ ૪૦

રેપ-ક્લિપ્સ તેઓ જુએ છે જેમાંથી ૬૫ ટકા વિદ્યાર્થીઓને રેપ જોતી વખતે ગૅન્ગરેપમાં પોતે પણ સામેલ હોવાનું મન થયું છે, તો ૨૫ ટકા યુવાન વિદ્યાર્થીઓએ આ જોતી વખતે પોતાને પણ બળાત્કાર કરવાનું મન થયું હતું એવું કબૂલ્યું છે.

☞ ત્રીજી ચોંકાવનારી બાબત સર્વેમાં એ હતી કે ૫૬ ટકા પૉર્ન-કન્ટેન્ટ દેખાડતી વેબસાઇટમાં ઓરલ અને એનલ સેક્સ દર્શાવવામાં આવે છે, જેમાં ૬૭ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે કે આ વિકૃત પદ્ધતિને અપનાવવાનું મન પણ તેમને એ જોતી વખતે થયું છે. જોકે આવું કહેનારા વિદ્યાર્થીઓ એનાં જોખમોથી અજાણ હતા. આ પ્રકારની વિકૃ‌ત ઍક્ટિવિટીથી સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન રોગ થવાની શક્યતા ૧૮૦ ટકા વધી જાય છે તો ઓરલ કૅન્સર જેવી ગંભીર બીમારી થવાના ચાન્સ બાવીસ ગણા વધી જાય છે.

☞ વધુ એક મહત્ત્વની બાબત આ સર્વેમાં એ તારવવામાં આવી કે ૫૯ ટકા છોકરાઓએ સ્વીકાર્યું કે પૉર્ન વિડિયો જોવાને કારણે તેમને એસ્કોર્ટ સર્વિસ અથવા પ્રોસ્ટિટ્યુશનની સર્વિસનો ઉપયોગ કરવાની ઇચ્છા થઈ હતી. ૨૬ ટકા કૉલેજના છોકરાઓ પૈસા આપીને આ પ્રકારનો અનુભવ લઈ રહ્યા છે. પૈસા આપીને અનુભવ લેનારાઓની સંખ્યા વધી રહી હોવાથી કૉલેજની દર આઠ યુવતીમાંથી એક યુવતી પૈસા માટે પોતાનું શરીર વેચવા પણ તૈયાર છે.

☞ આ સિવાય અરેરાટી ઊપજાવે એવી વધુ એક વિગત સર્વેમાંથી મળે છે. ૪૬ ટકા યંગ છોકરાઓ ચાઇલ્ડ પૉર્ન જોવાનું પસંદ કરે છે જેણે હ્યુમન ટ્રાફિકિંગ વધાર્યું છે. આજે મોટા પ્રમાણમાં યંગ છોકરીઓને ફસાવીને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. ચાર નૅશનલ સર્વે મુજબ મુંબઈમાં દેહવ્યાપારમાં ટીનેજ છોકરીઓની સંખ્યા ભયજનક રીતે વધી છે, લગભગ ૯૦૦૦ની આસપાસ છે, એટલુ જ નહીં, દેહવ્યવસાયમાં ઝોંકવામાં આવેલી આ ટીનેજરોએ એક રાતમાં ૭ પુરુષોને સર્વિસ આપવાની હોય છે અને એ પણ કોઈ કન્સેન્ટ વિના. એ દૃષ્ટિએ એક દિવસમાં મુંબઈમાં ૯૦૦૦ ગૅન્ગરેપ ટીનેજ યુવતીઓ પર થાય છે.

ભારત બચ્યું હતું, પણ હવે નહીં

આ સર્વેને લગતી બધી જ માહિતી www.rescue108.com પર વધુ ડિટેલમાં ઉપલબ્ધ છે. આપણે અહીં માત્ર કેટલાક અંશની જ ચર્ચા કરી છે જે પણ કેટલા ચોંકાવનારા છે એ તમે જોયું. આ સર્વે કરનારા લંડનના અભિષેક ક્લિફોર્ડ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું ૧૨ વર્ષ પહેલાં અમારા ફૅમિલી-બિઝનેસ માટે ભારત શિફ્ટ થયો હતો અને કદાચ એક વર્ષમાં પાછો લંડન જઈશ. યુરોપિયન દેશોમાં આ પ્રકારની સ્થિતિથી હું વાકેફ હતો. ફ્રી સેક્સ સોસાયટી હોવાના નાતે યુરોપિયન દેશોમાં સંબંધો તકલાદી બનતા મેં જોયા છે અને હવે ત્યાંના લોકો બદલાવ તરફ આગળ વધી રહ્યા છે. જોકે ભારતમાં એવું ક્યારેય નહોતું. આવી ભારતની બાબતો અમને અટ્રૅક્ટ કરતી હતી. વિદેશમાં ડિવૉર્સ-રેટ ૫૦ ટકા હતો જે ભારતમાં ૩થી ૫ ટકાની આસપાસ હતો, જે હવે વધ્યો છે. યુરોપિયન દેશો જેનાં દુષ્પરિણામો ભોગવી ચૂક્યા છે એ દિશામાં ભારતીય યુવા ધન જઈ રહ્યું છે એ ધ્યાનમાં આવતાં જ આ દિશામાં કંઈક કરવું જોઈએ એવું મને લાગ્યું હતું. મુંબઈ ઉપરાંત પણ દેશના ઘણા હિસ્સામાં અમે આ સર્વેક્ષણ કર્યું છે. બધે આ જ હાલત છે. મુંબઈમાં જોકે પરિણામમાં અન્ય કરતાં ઍવરેજ આઠ ટકા આંકડો વધ્યો છે. આજે ભારતમાં પૉર્ન કે સેક્સ જેવા શબ્દો ટેબુ તરીકે જ જોવાય છે. ઘણી સામાજિક સંસ્થાઓ એજ્યુકેશન, હંગર અને હ્યુમન રાઇટ્સની વાત કરે છે, પરંતુ આના વિશે કંઈ જ ચર્ચા નથી થતી. એટલે સુધી કે અમે જે કૉલેજના પ્રિન્સિપાલો સાથે વાત કરી તેમણે પણ પોતાની કૉલેજની ઇમેજ ન બગડે એટલે કૉલેજનું નામ જાહેર ન કરવાની ભલામણ કરી હતી. ઇન્ડિયામાં વધી રહેલા બળાત્કારના કિસ્સાઓ, લગ્નવિચ્છેદ, ડિપ્રેશન અને આપઘાત પાછળ આ જ બહુ મોટું કારણ છે. કેટલાયે પ્રિન્સિપાલોએ સ્વીકાર્યું કે યંગસ્ટર્સના સુસાઇડ પાછળ એજ્યુકેશન કરતાં પણ આ કારણ વધુ જવાબદાર છે. પિઅરપ્રેશરમાં આવીને કોઈક ખોટું પગલું ભરાઈ ગયું હોય અથવા હાર્ટ-બ્રેક અને છેતરપિંડીને કારણે પોતે ખોટી દલદલમાં ફસાઈ ગયા હોય ત્યારે પરિવાર સાથ નહીં આપે એવી ખાતરી થયા પછી છેલ્લે વિદ્યાર્થીઓ મૃત્યુનો આશરો લઈ લેતાં અચકાતા નથી. પૉર્નને કારણે રિલેશનશિપમાંથી લવ, અફેક્શન ગાયબ થઈ ગયાં છે; અસંતોષ વધ્યો છે, વરાઇટીનો એક્સ્પીરિયન્સ લેવા સ્ટુડન્ટ્સ કોઈ પણ હદ સુધી જતાં અચકાતા નથી.’

પ્રિન્સિપાલોની કફોડી સ્થિતિ

આજની પેઢી પોતાનો મોટા ભાગનો સમય કૉલેજ અને ક્લાસિસમાં વિતાવે છે. બદલાઈ રહેલી પેઢી અને ઇન્ટરનેટના એક્સપોઝરે પેરન્ટ્સ, ટીચર્સ અને પ્રિન્સિપાલોને પણ વિમાસણમાં મૂકી દીધા છે. સ્કૂલનાં બાળકોથી લઈને કૉલેજમાં ભણતા યંગસ્ટર્સ મોબાઇલ વિના નથી રહી શકતા. સ્કૂલમાં એ બૅન હોવા છતાં ચોરી-છૂપી તેઓ લાવતા જ હોય છે એમ જણાવીને ચતુર્ભુજ નરસી મેમોરિયલ સ્કૂલનાં પ્રિન્સિપાલ કવિતા સંઘવી કહે છે, ‘અમારી સ્કૂલમાં ચારેય બાજુ સીસીટીવી કૅમેરા લાગેલા છે. સેલફોન અલાઉડ નથી છતાં સ્કૂલમાં સેલફોન લઈને છોકરાઓ આવતા જ હોય છે. અમે ઘણી વર્કશૉપ્સ કરી છે સાઇબર સિક્યૉરિટી પર. છોકરાઓ એકબીજાના અસભ્ય ફોટો લઈને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેતા હોય એવા ઘણા કિસ્સા બન્યા છે. ક્યારેક એવો કોઈ કેસ આવે ત્યારે પેરન્ટ્સ, કાઉન્સેલર અને ટીચર બધા મળીને બાળકને સાચી દિશામાં લાવવાના પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સ્કૂલની બહાર તેઓ શું કરે છે એના પર અમે કન્ટ્રોલ નથી રાખી શકતા. સ્કૂલની બહાર નીકળ્યા પછી મોબાઇલ તેમની માલિકી છે અને એ સમયે એ લોકો આ પ્રકારનું કન્ટેન્ટ જુએ તો કેવી રીતે રોકવા એની ખબર નથી પડતી. અમુક બાબતોમાં ખોટું થઈ રહ્યું છે. આજે કેટલાક વેબ-પોર્ટલ તો સ્ટુડન્ટ્સ માટે સ્ટેટસ સિમ્બૉલ છે. ત્યાં સેન્સરશિપ નથી અને સ્ટોરીની સાથે આવતા અમુક વલ્ગર સીન્સ અને અસભ્ય શબ્દોથી તેમને બચાવવામાં ખરેખર લાચારી અનુભવાય છે. મોબાઇલ માટે સ્કૂલમાં જૅમર્સ છે, સરપ્રાઇઝ ચેકિંગ કરીએ છીએ, સેમિનાર્સ કરીએ છીએ, પરંતુ આ બધું કર્યા છતાં આજના જનરેશનને ઇન્ટરનેટના માધ્યમથી આવી રહેલા દૂષણથી અમે બચાવી જ શક્યા છીએ એવો દાવો નથી કરી શકતા. બેશક, અમારી સ્કૂલમાં વધારે ગુજરાતી ક્રાઉડ છે અને ગુજરાતી છોકરાઓમાં હજીયે થોડો ફજેતીનો ડર તો છે જ. સંતાનોને મળતો ઉછેર પણ આમાં મહત્ત્વનો છે.’

ઇન્ટરનેટ સસ્તું થયા પછી પરિસ્થિતિ વધુ વકરી છે અને અનકન્ટ્રોલ્ડ યુઝ પર પાબંદી એ જ અત્યારે એકમાત્ર ઉકેલ દેખાય છે એમ જણાવીને કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની એસવીપી વિદ્યાલય અને ટીપી ભાટિયા કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. સંગીતા શ્રીવાસ્તવ કહે છે, ‘કૉલેજ હોવા છતાં અમે કૉલેજમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ રાખ્યો છે. સાદો ફોન લાવવાની છૂટ પેરન્ટ્સના આગ્રહને કારણે આપી છે અને એમાં પણ કૉલેજ કૅમ્પસમાં તો એ ડબલું ફોન વાપરવા પર પણ પ્રતિબંધ છે. સાયન્સના સ્ટુડન્ટ્સ પોતાના એજ્યુકેશનને લઈને થોડા વધારે સિરિયસ હોય છે એટલે આ બધામાં એટલા મોટા પ્રમાણમાં નથી અટવાતા. જોકે નિયમ તોડનારા પણ છે અને મોબાઇલ સાથે પકડાય તો અમે ઍક્શન પણ લઈએ છીએ. પેરન્ટ્સ-મીટિંગમાં વારંવાર આ મુદ્દો ઉઠાવીએ છીએ. લગભગ દરેક મીટિંગમાં મોબાઇલ અને મોબાઇલને કારણે ફેલાઈ રહેલા દૂષણનો એજન્ડા રજૂ કરવાનું હોય જ છે. આજે ડેટા ફ્રી થયો અને સસ્તો થયો એણે સૌથી વધુ દૂષણ ફેલાવવાનું કામ કર્યું છે. ટૅક્સીવાળા, રિક્ષાવાળા, પ્યુન, વૉચમૅન એમ બધા જ મોબાઇલમાં બિઝી હોય છે. આજે એ બધું જ ફોનમાં મળે છે જે વાસ્તવિક રૂપે નથી મળતું. દરેક કૉલેજમાં આ પ્રૉબ્લેમ છે. જોકે આવી ઍક્ટિવિટીમાં વધુપડતા લાડપ્યાર મળતા હોય અથવા અછતમાં બાળક મોટું થતું હોય એવા પરિવારનાં બાળકો વધુ ફસાય છે. માત્ર છોકરાઓ જ નહીં, આજે છોકરીઓ પણ આ દિશામાં ખૂબ આગળ નીકળી ગઈ છે.’

પ્રિન્સિપાલ તરીકે અને પેરન્ટ્સ તરીકે એમ બન્ને રીતે આજે અમારી હાલત કફોડી છે. સાઇકોલૉજિસ્ટ અને ઉષા પ્રવીણ ગાંધી કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સનાં પ્રિન્સિપાલ અંજુ કપૂર કહે છે, ‘પ્રિન્સિપાલ તરીકે સ્ટુડન્ટ્સની પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે એ મૉનિટર કરવું મુશ્કેલ છે, પરંતુ ક્યારેક તેમનાં વાણી-વર્તન અને વ્યવહારમાં જો આ પ્રકારની કોઈ સાઇન દેખાય તો અમે ઍક્શન લઈએ છીએ. આવું નહીં થતું હોય એવું સંપૂર્ણ ન કહી શકાય, કારણ કે બધું જ બહુ ઈઝીલી એક્સેસેબલ છે. કૉલેજમાં રેસ્ટ્રિક્શન ગમે એવાં મૂકો એ પછીયે તેમના હાથમાંથી ફોન તો લઈ શકવાના નથી. મારી દૃષ્ટિએ રેસ્ટ્રિક્શન એ સૉલ્યુશન છે પણ નહીં. વૅલ્યુ એજ્યુકેશન સિવાય, તેમની અંદર પોતે જ વિવેકબુદદ્ધિ જગાડીને તેમને સારા-ખરાબનું ભાન કરાવી તેમની પાસે જાતે જ આ છોડાવવું એ જ બેસ્ટ રસ્તો છે. આજે થોડા અંશે અમુક સેગમેન્ટમાં આ વિશે અવેરનેસ આવી છે. છોછ ઘટ્યો છે, પરંતુ એક્સપોઝરની સામે એ બહુ થોડું છે. જોકે આ બધા વચ્ચે પણ એક વાત જે સતત મારા નોટિસમાં આવી છે એ છે મહિલાઓ સાથે થતો વ્યવહાર. આજે પણ ઘરની સ્ત્રી સાથે અપમાનજનક રીતે વાત કરવાનું ચલણ ઘણાં ઘરોમાં છે. સ્ટુડન્ટ્સ પર એની ઘેરી અસર પડે છે. જેન્ડર સેન્સિટિવિટી એટલે જ નથી. આજની પેઢીમાં ટૉલરન્સ અને પૅશન્સ ઓછાં થઈ ગયાં છે. જરા કંઈક કહેવા જાઓ તો તેઓ અકળાઈ જાય છે, ભાંગી પડે છે, અગ્રેસિવ થઈ જાય છે. વૅલ્યુઝની વાત તેમને ભાષણ લાગે છે. આ ખૂબ જ જટિલ અને સંવેદનશીલ ઇશ્યુ છે જેને હૉલિસ્ટિક રીતે, ચારેય બાજુથી હૅન્ડલ કરાશે તો જ ઉકેલ આવશે. એજ્યુકેશન સિસ્ટમ, ફૅમિલી એન્વાયર્નમેન્ટ અને સરકાર દ્વારા અમુક નિયમો આવશે તો જ એને હૅન્ડલ કરવું શક્ય છે. આજે જનરેશનને જેન્ડર સેન્સિટિવિટી અને વૅલ્યુઝની વાતો તેમની ભાષામાં, તેમને ગમે છે એવા ઑડિયો વિઝ્‍યુઅલ મીડિયમમાં રજૂ કરાશે એ બાબતો કરિક્યુલમનો હિસ્સો બનશે તો જ એનો ઉકેલ છે.’

દીકરીની માતા તરીકે ડર લાગે

અંજુ કપૂરની દૃષ્ટિએ ઇન્ટરનેટના એક્ઝપોઝરે મહિલાઓની સેફ્ટી પર જોખમ વધાર્યું છે એમાં કોઈ શંકા નથી. ‘હું એક દીકરીની માતા તરીકે હવે ડરું છું, હું તેને છૂટછાટ નથી આપી શકતી. તેને ભેદભાવ લાગે તો પણ નછૂટકે તેને અને મારા દીકરાને જુદી રીતે ટ્રીટ કરવાની ફરજ પડે છે.’ કંઈક આવા શબ્દો સાથે આગળ તેઓ કહે છે, ‘આજે ઑટો અને ટૅક્સીવાળા પરિવારથી દૂર હોય અને અહીં એક બૉક્સમાં બધું જ મળી જતું હોય ત્યારે મોબાઇલમાં શું જોતા હોય છે એ તરફ ક્યારેક તમારું ધ્યાન પણ ગયું હશે. આ માહોલ વચ્ચે શૉર્ટ્સ પહેરીને તમારી દીકરી બહાર નીકળે ત્યારે કેટલાની કેવી નજરો તેના પર પડતી હશે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. પ્રિન્સિપાલ અને માતા હોવાની સાથે એક સાઇકોલૉજિસ્ટ પણ છું. એ સારી રીતે સમજું છું કે મગજમાં તમે જે ફીડ કરશો એ જ તમારા વ્યક્તિવ્વને ઘડશે. મને આ માહોલમાં મારી દીકરીને લઈને ડર લાગે છે. નછૂટકે તેને તેની મનમરજી મુજબ રહેતાં અટકાવવી પડે છે. તેને તેનાં ગમતાં કપડાં પહેરતાં રોકવી પડે છે. તેને તેના ભાઈની જેમ બહાર એકલી મોડી રાત સુધી રહેવાની છૂટ આપતાં અટકવું પડે છે. આજે ઘણા પેરન્ટ્સ પોતાની દીકરીઓને લોન લઈને પણ બહાર ભણવા મોકલે છે, કારણ કે તેઓ અહીંની ઇનસિક્યૉર્ડ સ્થિતિથી ડરે છે. જોકે એમાંય પછી સંતાનો પાછાં નહીં આવે અને ત્યાં જ સેટલ થઈ જશે એ ડર અકબંધ રહે છે. હવે છોકરાઓને ટ્રેઇન કરવાની, તેમને સ્ત્રીઓને આદરની નજરથી જોવાની ટ્રેઇનિંગ વધુ અપાય એના પર ભાર મૂકવાની જરૂર છે. આજે જેકંઈ થઈ રહ્યું છે એ આવા પ્લૅટફૉર્મ પર દેખાડવામાં આવતા વાયલન્સ અને અગ્રેસિવ બિહેવિયરવાળા સીન્સના હૅમરિંગથી જ થઈ રહ્યું છે. સાઇકોલૉજીનો નિયમ છે મન્કી સી, મન્કી ડુ. જે જોશો એવું જ કરશો. સરકાર પણ આને માટે કડક કાયદા બનાવે એ ખૂબ જરૂરી છે.’

પેરન્ટ્સની મનોદશા

આ આખા માહોલમાં ખરેખર કોઈ પણ પેરન્ટ્સના પગ તળેથી જમીન સરકી જાય એ સહજ છે. એક તરફ પોતાના સંતાનને આ દૂષણથી બચાવવા અને બીજી તરફ આવા દૂષણમાં ફસાયેલા અન્ય ટીનેજરોની અડફેટમાં પણ પોતાની દીકરી કે દીકરો ન આવી જાય એનું ધ્યાન રાખવું. કાંદિવલીમાં રહેતાં નીતા તન્નાને દીકરો અને દીકરી છે. તેઓ કહે છે, ‘આજે જે પ્રકારના કિસ્સા સાંભળવા મળે છે એ સાંભળીને સંતાનોનું હોમ-સ્કૂલિંગ કરાવીએ એવું લાગે, પરંતુ આજે કંઈ તેમની સ્વતંત્રતા પર સંપૂર્ણ પાબંદી મૂકી શકાય એવો માહોલ પણ નથી. છોકરાઓ સાથે તેમની સેફ્ટીની વાતો કરી શકાય, પરંતુ મોબાઇલમાં પૉર્ન ન જુઓ એવી બેધડક વાતો કરતાં અમારા જેવા પેરન્ટ્સને આજે પણ સંકોચ થાય છે. મારી દીકરીની ફરિયાદ હોય છે કે હું તેના પર વધારે રેસ્ટ્રિક્શન મૂકું છું. એ છોકરી છે એટલે જુનવાણી થઈને નહીં, પરંતુ આજના માહોલમાં મને ખરેખર તેની સેફ્ટીને કારણે અમુક રીતે પ્રોટેક્ટેડ રાખવી પડે છે.’

કોઈક પેરન્ટ્સ કહે છે કે સેક્સ એજ્યુકેશન કૉલેજમાં થાય તો આનો ઉકેલ આવે, કોઈક કહે છે કે આવું બધું હાથવગું હોય જ નહીં તો શું જુએ અને ક્યાં જુએ? માત્ર બંધનથી રોકી ન શકાય, માત્ર વઢવાથી રોકી ન શકાય. કેટલાક કહે છે કે આ પ્રકારની વેબસાઇટ જ બ્લૉક થઈ જવી જોઈએ. આજે બાળકોને હૅન્ડલ કરવા કરતાં ઍડ્વાન્સ ટેક્નૉલૉજીને હૅન્ડલ કરાય તો કદાચ ઝડપી પરિણામ મળે એવું પણ કેટલાક પેરન્ટ્સ કહે છે. વસઈમાં રહેતા કલ્પેશ મહેતા કહે છે, ‘આજના યુવાનોને સંસ્કારોથી ફરીથી શણગારવાની જરૂર છે. ખરેખર પેરન્ટ્સ તરીકે માહોલથી ડર લાગે છે. તેમની સાથે વાતચીત જ એક ઉપાય દેખાય છે. અનુભવથી કહું છું કે આ વિષય પર ચર્ચા કરવાનું પણ ખૂબ અઘરું છે. ઘણા પેરન્ટ્સને નથી સમજાતું કે આ વિષયમાં શું કહેવું અને શું ન કહેવું. જે થઈ રહ્યું છે એ કેટલું જોખમી છે એની વાત જો બાળકો સાથે નહીં થાય, એની સમજ જો નહીં અપાય તો તેમને કોઈ કાળે નહીં અટકાવી શકાય.’

આઇસલૅન્ડમાં આવું થયું હતું, આપણે ત્યાં પણ શક્ય છે

પૉર્ન ઍડિક્શન જો આગળ વધ્યું તો એની અસર પ્રત્યેક સ્ત્રીએ ભોગવવાની છે. આ સંદર્ભે રેસ્ક્યુ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ચૅરિટેબલ ટ્રસ્ટના સીઈઓ અભિષેક ક્લિફોર્ડ કહે છે, ‘આઇસલૅન્ડમાં પણ આ મુદ્દો આટલો જ વકરેલો છે. ત્યાંની મહિલાઓએ પૉર્નોગ્રાફી ખિલાફ આંદોલન છેડ્યું છે. પૉર્નની લતે ચડેલો હસબન્ડ પોતાની પત્નીને પ્રેમ નહીં કરી શકે, સંબંધોમાં હૂંફ નહીં રહે, સતત એક્સપરિમેન્ટ જ તેની લાઇફની મક્સદ બની જશે. લગ્ન ન કરનાર સ્ત્રીઓના શીલ પર જોખમ તોળાતું રહેશે. આ બધું ન જોઈતું હોય તો પૉર્ન બંધ કરો એ વાત આઇસલૅન્ડની મહિલાઓને સમજાઈ ગઈ અને બધી મહિલાઓએ ભેગી થઈને પૉર્નોગ્રાફીનો વિરોધ નોંધાવ્યો છે. આંદોલનને ઘણા અંશે સફળતા મળી છે. આઇસલૅન્ડમાં પૉર્ન ફાયર વૉલ તૈયાર થઈ છે જ્યાં પૉર્નને લગતું કન્ટેન્ટ હોય એટલે ઑટોમૅટિક ક્લાઉડમાં ટ્રાફિક જૅમ થાય અને એ પ્રકારની સાઇટ્સ ઓપન જ ન થાય. આ શક્ય છે. ભારતની મહિલાઓએ પોતાનું અને પોતાની દીકરીઓનું ફ્યુચર સેફ રાખવું હશે, તેમણે પોતાના લગ્નજીવનમાં સુખ-શાંતિ અને પ્રેમ જોઈતાં હશે તો આ કલ્ચરનો વિરોધ કરવો પડશે. કડક કાયદાઓ બનાવવા માટે સરકારને મજબૂર કરવી પડશે. સંપૂર્ણ સમાજ એ દિશામાં સજાગ થઈ જાય એવી ચળવળ શરૂ કરવી પડશે. જો તમે તમારા જીવનસાથી પાસેથી લૉયલ્ટી ઇચ્છો છો, જો પતિ પોતાની પત્નીથી બોર થઈ જાય એવું નથી ઇચ્છતા અને જો નાની-નાની દીકરીઓ કૂટણખાનાના વ્યવસાયમાં વેચી ન મરાય એવું ઇચ્છતા હો તો ભારતીયોએ તાત્કાલિક જાગી જવાની જરૂર છે.’

કરવું શું?

સર્વે કરનારી આ સામાજિક સંસ્થાએ કેટલાંક સૉલ્યુશન આપ્યાં છે, એના પર ચર્ચા કરીએ.

કૉલેજમાં જ સાઇબર એથિક્સનું શિક્ષણ અપાતું હોય. પૉર્નમાં ડેન્જર શું છે, એક જ વ્યક્તિ સાથે જીવનભર સંબંધ સાથે જોડાયેલા રહેવાના ફાયદા શું છે. ઇન્ટરનેટ પર દેખાડાતું કેટલું સુપરફિશ્યલ હોય છે જેવી બાબતો તેમના એજ્યુકેશનનો ભાગ હોવી જોઈએ. ગયા વર્ષે રેસ્ક્યુ ફાઉન્ડેશને દેશભરની ૮૦ કૉલેજમાં આવા ૧૩૦ સેમિનાર્સ કર્યા છે.

પૉર્ન દેખાડાતું હોય એવી ઍપ્લિકેશનને બ્લૉક કરાય. સરકાર દ્વારા પણ એ માટેના કડક કાયદા બને. પેરન્ટ્સ પણ સત્તાશાહી રૂપે એવાં પગલાં લે અને કમ્પ્લ્સરી એ પ્રકારની ઍપ્લિકેશન્સ, સાઇટ્સ બ્લૉક કર્યા પછી જ ફોન બાળકના હાથમાં આપે. એ પ્રકારનાં વધુ ને વધુ સૉફ્ટવેર બનાવવા માટે આઇટી કંપનીઓ આગળ આવે.

આ પણ વાંચો : છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું પુસ્તકો આવ્યાં, નવું શિક્ષણ લાવ્યાં

સાઇકિયાટ્રિસ્ટ શું કહે છે?

હું આ અભ્યાસ સાથે સંપૂર્ણ સહમત નથી. એ વાત સાચી છે કે ઈઝી અવેલેબિલિટીને કારણે પૉર્ન વિડિયો જોવાનું પ્રમાણ બાળકોમાં વધ્યું છે. કૉલેજના યંગસ્ટર્સ જ નહીં, ૯ અને ૧૦ વર્ષનાં બાળકો પણ આ પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યાં છે. જોકે તેઓ રેપના વિડિયો જુએ છે આટલા મોટા પ્રમાણમાં એ વાત મને જસ્ટિફાય નથી થતી. બીજી વાત, પૉર્ન જોયા પછી દરેકેદરેક બાળકો એ મુજબ ઍક્ટ નથી કરતાં. કેટલાક ઍક્ટ કરે છે અને એ વાત સેક્સ્યુઅલ મૉલેસ્ટેશનમાં પકડાયેલા યંગસ્ટર્સ કન્ફેસ વખતે સ્વીકારી ચૂક્યા છે. પ્રૉબ્લેમ તો છે. આવા સમયે મા-બાપે શું કરવું જોઈએ? ધારો કે તમારું બાળક પકડાયું તો વઢવાથી કંઈ નહીં થાય. બાળક ઇચ્છે નહીં તો પણ આવી બાબતો અચાનક તેના ફોન પર ફ્લૅશ થઈ જાય છે. આવા માહોલમાં તેનું લપસવું ક્યારેક સહજ બની જાય. આવા સમયે બહુ આઘાત કે ગુસ્સો દેખાડવાની જરૂર નથી. પાપ-પુણ્ય તરીકે પણ આવી વાતોને લેવાની જરૂર નથી. આને માટે એક જ રસ્તો છે ચર્ચા; કન્વર્સેશન કરો, વાતચીત કરો. પરિસ્થિતિ તમારા બસની ન દેખાય તો કાઉન્સેલરની સલાહ લો. રેપ જોઈને કેટલાક છોકરાઓને વૉમિટ થઈ જાય એવા કિસ્સા પણ મારી પાસે આવ્યા છે એટલે આવું જોઈને એ જ દિશામાં લોકો આગળ વધશે એ વાતને સંપૂર્ણ માનવાની જરૂર નથી. પેરન્ટ્લ ‌સુપરવિઝન, જેન્ડર સેન્સિટિવિટી, પ્રી-ડિપ્રેશન કેર જેવા ઉપાયો છે. ૧૮ વર્ષ સુધી જો લગ્ન અલાઉડ નથી, ડ્રાઇવિંગ અલાઉડ નથી તો પૉર્ન પણ અલાઉડ ન જ હોય એવો કડક કાયદો બનવો જોઈએ. ચીનમાં આવા કડક કાયદા છે.

 -ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

columnists