સર્વપિતૃ મોક્ષ અમાસ : તમે પોતે એક વાતનો જવાબ આપજો, શું તમે તમારાં સંતાનોને નડતર બનો ખરા?

25 September, 2022 11:06 AM IST  |  Mumbai | Manoj Joshi

આજે સર્વપિતૃ મોક્ષ અમાસ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આજે સર્વપિતૃ મોક્ષ અમાસ છે. ભાદરવા મહિનામાં આવતી આ અમાસને સૌથી મોટી અમાસ માનવામાં આવે છે. જો તમે કોઈનું શ્રાદ્ધ ભૂલી ગયા હો, જો તમે કોઈની તિથિ વીસરી ગયા હો કે પછી તમને કોઈની શ્રાદ્ધ પક્ષની તિથિ યાદ નથી રહી તો તમે આજના આ દિવસે શ્રાદ્ધ કરીને એ પિતૃના આત્માને તર્પણ આપી શકો છો. આપો, બહુ સારી વાત છે અને ધારો કે એ ન આપી શકો તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પોતે જ એક વાતનો જવાબ મને આપો. શું તમે તમારાં સંતાનોને નડતર બનો ખરાં?

તમારો જવાબ એક જ હોય, ના, ક્યારેય નહીં અને કોઈ કાળે નહીં. જો તમે તમારાં સંતાનોને નડતર ન બનવાના હો તો પછી તમારા પિતૃ તમને નડતર કઈ રીતે બની શકે? 

આપણે ત્યાં એક ઉક્તિ છે, ‘મુદ્દલના વ્યાજની વાત જ ન થાય.’

વ્યાજનું વ્યાજ એટલે પૌત્ર એટલે કે દીકરાનો દીકરો. 

દાદાને મન હંમેશાં દીકરાના દીકરાનું મૂલ્ય વધુ હોય. જે દીકરા સાથે પોતે જનરેશન ગૅપ જોયો હોય અને જે દીકરા સાથે પોતે વાતચીતનો વ્યવહાર પણ ન રાખ્યો હોય એ જ દીકરાના દીકરા વિના દાદાને કોળિયો પણ ગળા નીચે નથી ઊતરતો. સંતાનોની આ માનસિકતાને તમારે સમજવી અને જોવી પડશે. જો તમે એના વિના રહી ન શકતા હો તો પછી એ પૌત્ર પાસે માગવાની માનસિકતા પણ કેવી રીતે રાખી શકો અને કેવી રીતે એ ઇચ્છા પૂરી ન થતી હોય ત્યારે તમે નડતર બની શકો?

કદાપિ નહીં અને કોઈ કાળે નહીં. આ તમારી માનસિકતા હોય જ નહીં, આ તમારી વિચારધારા હોય પણ નહીં અને એમ છતાં કહીશ કે જો સમય મળે અને મનમાં આવે તો આજના આ દિવસને મહાપર્વ માનીને કામ કરવું અને એ પણ પૂરી શ્રદ્ધા સાથે કરવું, પણ ધારો કે તમે એ ન કરી શક્યા, ધારો કે તમે એમાં આર્થિક રીતે ન પહોંચી શક્યા કે પછી ધારો કે તમારી પાસે એવી કોઈ શાસ્ત્રોક્ત સગવડ ન થઈ તો પણ ગભરાટ મનમાં બિલકુલ રાખતા નહીં. આ તમારા પિતૃ છે, એ નારાજ હશે તો પણ નડશે નહીં.

એ નડી જ ન શકે, નડવાનું તેના મનમાં પણ ન આવે. નડવાનું જ નહીં, કામ અટકાવવાનું કે પછી કામ રોકવાનું પણ તેમના મનમાં ન આવે. તમારે એ સમજવું પડશે કે તેઓ તમારા પોતાના છે. દુખી થઈને પણ તેઓ તમને જ સહકાર આપે છે અને એ જ તેમનો સ્વભાવ છે. આ વાત તેમના લોહીમાં છે અને એટલે જ તેમનો સ્પષ્ટ ભાવ છે કે ‘મારે મારાં સંતાનોને, મારા મુદ્દલના વ્યાજને નડતર બનવું નથી અને નડતર બનવું નથી એટલું જ નહીં, તેમના કામને મારે આગળ ધપાવવું છે. ઉપરથી, અવકાશમાંથી જે સહકાર અને જેટલો સહકાર મારાથી આપી શકાય એટલો હું આપીશ, પણ હું નડીશ તો કોઈ કાળે નહીં.’ હા, આ જ ભાવ છે તેમનો અને એટલે જ ધારો કે આજના દિવસે તમે કશું ન કરી શકો તો તમારા પિતૃઓને દિલથી યાદ કરી, બે હાથ જોડી એટલું જ કહેજો : ‘સદાય સાથે રહેજો, સદાય સાથ આપજો.’

columnists manoj joshi