આટલું કામ કર્યા પછી મારે ટેસ્ટ શાની આપવાની?

14 March, 2023 05:44 PM IST  |  Mumbai | Sarita Joshi

હા, પ્રવીણ જોષીએ મને ‘મંજુ મંજુ’ નાટકમાં રોલ ઑફર કર્યો અને પૂરી વાત સમજ્યા વિના જ મને મનમાં ને મનમાં ગુસ્સો આવી ગયો એટલે મેં એ નાટક કરવાની ના પાડી દીધી. આ પ્રવીણ સાથેનો મારો પહેલો મેળાપ

એ દિવસોને તાજા કરી દે એવી એ સમયની મારી તસવીર.

પ્રવીણ પંદર-સોળ વર્ષના હતા ત્યારથી નાટકની બધી ઍક્ટિવિટીમાં ભાગ લેવા માંડ્યા હતા. પ્રબોધ જોષીના શબ્દો મને આજે પણ યાદ છે. તેમણે મને કહ્યું હતું, ‘સરિતા, આ માણસ ગુજરાતી રંગભૂમિને એક એવી ઊંચાઈ પર લઈ જશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય...’

આપણે વાત કરતા હતા નાટકોની. મેં તમને કહ્યું એમ, મને ફિલ્મો કરવી ગમતી હતી, પણ મને ગુજરાતી ફિલ્મો સામે થોડો વાંધો હતો અને એ વાંધો મારો વ્યક્તિગત હતો. મારે એ ફિલ્મો માટે મારાં સંતાનોથી દૂર રહેવું પડતું, જે મને મંજૂર નહોતું એટલે ચારથી પાંચ ફિલ્મો કર્યા પછી મેં ગુજરાતી ફિલ્મો લેવાનું બંધ કરી દીધું અને માત્ર નાટક પર ફોકસ ચાલુ કર્યું. આમ પણ નાટક મારે મન જીવથી વિશેષ, શ્વાસથી વિશેષ રહ્યાં છે. એ સમયે પણ એવું જ હતું. નાટકથી તો મેં મારી શરૂઆત કરી અને એ પણ કઈ ઉંમરે, પાંચ-છ વર્ષની ઉંમરે.

નાટક મને મારી માનો ખોળો લાગે. સ્ટેજ પર હું જાઉં એટલે મને એવું જ લાગે જાણે આઈ મને ખોળામાં લઈને બેઠી છે અને તેનો હાથ મારા માથા પર ફરે છે. બસ, આ એક વિચાર જ મારા શરીરનો બધો થાક ઓસરાવી દે. નાટકો માટેનું મારું આ માન, નાટકોને સન્માનનીય જોવાની મારી આ દૃષ્ટિ નાનપણથી જ હતી. નાટકો જ હતાં જેનું મને આકર્ષણ જાગ્યું અને વડોદરામાં આવેલી નાટકમંડળીના સંપર્કમાં હું આવી અને એ પછીની બધી વાત તમને ખબર જ છે.

મારે કામ કરવું હતું, આગળ વધવું હતું, પણ મને એ બધા માટે મારી ફૅમિલીનો, મારાં બાળકોનો ભોગ નહોતો આપવો અને એ ભોગે તો હું કોઈ કામ કરવા રાજી નહોતી. ગુજરાતી ફિલ્મો કરવાનું ઘટાડીને મેં નાટકો પર મારું ફોકસ વધારી દીધું. એ દિવસોમાં મારું ગુજરાતી નાટક ‘મંગળફેરા’ ચાલતું હતું તો અગાઉ કહ્યું હતું એ હિન્દી નાટક ‘ઇન્કલાબ’ પણ ચાલતું હતું. આ બન્ને નાટકો વચ્ચે ત્રીજા એક નાટકની વાત પણ ચાલતી હતી.

આ દિવસોમાં સંજીવકુમાર પણ નાટકો કરતા રહે. શરૂઆતના દિવસોમાં નાટકોમાં તેનું નામ હરિભાઈ જરીવાલા જ હતું અને જો હું ભૂલતી ન હોઉં તો તેણે નાટકો આ જ નામે કર્યાં. સંજીવકુમારને હું હરિ કહેતી. અમે જ્યારે પણ મળીએ ત્યારે તે મને સારાં-સારાં નાટકોનું સજેશન આપે. કહે કે આ નાટક તું જોઈ આવ, ફલાણું નાટક તને બહુ ગમશે, પણ એ બધી વાતો વચ્ચે સંજીવકુમાર એક વાત મને હંમેશાં કહે, ‘સરિતા, તું પ્રવીણ જોષીનાં નાટકો જો. બહુ મજા આવશે. પ્રવીણનું જે કૅન્વસ છે એ જોઈને તને મજા આવશે.’

સંજીવકુમાર પ્રબોધ જોષીનાં નાટકોથી પણ ભારોભાર પ્રભાવિત હતા, પણ પ્રવીણ જોષીની વાત કરતાં તો તે થાકે પણ નહીં. 

lll

પ્રવીણ જોષીની વાત કરું તો મને એવું આછું-આછું યાદ છે કે એક વખત પ્રવીણ પોતાની સાથે પ્રબોધ જોષી અને ગિરેશ દેસાઈને લઈને આવ્યા હતા. જો મારી ભૂલ ન થતી હોય તો એ ‘મંજુ મંજુ’ નામનું નાટક હતું અને એ નાટક માટે મને ઑફર કરવા તે મારા ઘરે આવ્યા હતા. તે આવ્યા પણ મારી સાથે મોટા ભાગની વાતો ગિરેશ દેસાઈ 
અને પ્રબોધ જોષીએ કરી અને પછી ધીમેકથી કહ્યું કે આ પ્રવીણ જોષી છે, જે આ નાટક ડિરેક્ટ કરશે. મને તો એમાં કોઈ તકલીફ હતી નહીં, પણ એ પછી જે બન્યું એનાથી મને ભારોભાર તકલીફ પડી હતી.

પ્રવીણે વાતની શરૂઆતમાં જ મને કહ્યું કે ‘સરિતા, તમારે ટેસ્ટ આપવી પડશે અને સાચે જ એ વાત સાંભળીને મારું ફટકી ગયું હતું. હકીકત જરા જુદી હતી.

હતું એમાં એવું કે ‘મંજુ મંજુ’માં મને જે રોલ ઑફર થયો હતો એ રોલ મોટી ઉંમરની મહિલાનો હતો, જે ડિવૉર્સી હતી. જ્યારે હું નાની દેખાતી હતી એટલે કદાચ પ્રવીણે આ વાત કહી હતી, પણ હું સમજી નહીં અને મને એકદમ થયું કે આવું તે કેવું? આટલાં વર્ષો શું મેં રંગભૂમિ પર ફીફાં ખાંડ્યાં છે કે હવે મારે ટેસ્ટ આપવાની અને એમાં હું પાસ થાઉં તો મને રોલ મળે?!
‘સૉરી, મારે નથી કરવું.’

એ જ મીટિંગમાં મેં ઊભી થઈને ગિરેશ દેસાઈને આવું કહી દીધું અને પછી તરત જ એવું પણ જતાવ્યું કે મારે મોડું થાય છે એટલે નીકળવું પડશે. પ્રવીણ જોષીની વાતો થતી ત્યારે આ ઘટના મને યાદ નહોતી આવતી, પણ વર્ષો પછી પ્રવીણે જ મને આ ઘટના યાદ દેવડાવી હતી અને સાથોસાથ ખુલાસો પણ કર્યો હતો કે ‘એ તારી ઍક્ટિંગની ટેસ્ટ નહોતી, પણ ઉંમરમાં તું નાની ન લાગે એની ખાતરી મારે કરવી હતી, પણ હશે...’
lll

એક વખત સંજીવકુમારે મને કહ્યું કે ‘કોઈનો લાડકવાયો’ નાટક બહુ સરસ બન્યું છે, તું જોવા જજે. મને પાક્કું યાદ છે કે સંજીવકુમાર એમાં રોલ પણ કરતો. હું અને પદ્‍મા બન્ને નાટક જોવા ગયેલાં. એ નાટકનું દિગ્દર્શન પ્રવીણ જોષીએ કર્યું હતું અને અમે નાટક જોવા ગયાં એ જ શોમાં પ્રબોધ જોષી પણ આવ્યા હતા. પ્રબોધ જોષીની એક ખાસ વાત કહું તમને. તેમની યાદશક્તિ એટલે તમે જરા પણ કલ્પી ન હોય એવી. ઘણા તો તેમને હાલતી-ચાલતી ડાયરી પણ કહે.

આ પણ વાંચો: પાંચ-છ ગુજરાતી ફિલ્મો કર્યા પછી મેં ફિલ્મો માટે ના પાડવાનું શરૂ કર્યું

સમય, વાર, તારીખ સુધ્ધાં તેમના મગજમાં સ્ટોર હોય અને નવાઈની વાત તો એ કે એ દિવસે તમે મળ્યાં ત્યારે તમે કેવા કલરનાં કપડાં પહેર્યાં હતાં એ પણ તેમને મનમાં સ્ટોર થયેલું હોય. બધેબધું તેમને યાદ હોય અને તેઓ કોઈ પણ જાતના પ્રયાસ વિના એ કહી પણ દે. ઇન્ટરવ્યુની તારીખ પણ તેમને મોઢે હોય અને રિવ્યુ લખ્યો હોય તો એની પણ એ તારીખ કહી દે. પ્રબોધ જોષીની તમને વાત કહું તો એ દિવસોમાં ઇન્ટરકૉલેજિયેટ કૉમ્પિટિશનમાં તેમનાં નાટકો ખૂબ ચાલે. બહુ બુદ્ધિશાળી વ્યક્તિ.
પ્રવીણ પંદર-સોળ વર્ષના હતા ત્યારથી આ બધી ઍક્ટિવિટીમાં તેઓ ભાગ લેવા માંડ્યા હતા. પ્રબોધ જોષીના શબ્દો મને આજે પણ યાદ છે. તેમણે કહ્યું હતું, ‘સરિતા, આ માણસ ગુજરાતી રંગભૂમિને એક એવી ઊંચાઈ પર લઈ જશે જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહીં કરી હોય...’
અને સાહેબ, એવું બન્યું.

પ્રવીણે કેવા ટૂંકા સમયગાળામાં ગુજરાતી રંગભૂમિને જે ચમક આપી એ વર્ણવવાનું કામ તો દુનિયાની કોઈ વ્યક્તિ ન કરી શકે એટલે આપણે એ બાબતમાં વધારે ચર્ચા નથી કરતા, પણ હા, મારે એક વાત કહેવી છે. પ્રવીણ જોષી જેવો શુભ-હૃદયનો વ્યક્તિ મેં મારા જીવનમાં નથી જોયો. બધાનું ભલું ઇચ્છવાનું, બધાનું સારું થાય એવી અપેક્ષા રાખવાની. અરે, કોઈએ તેનું અહિત કર્યું હોય તો પણ પ્રવીણના મોઢે તમે ક્યારેય તેને માટે ખરાબ તો શું, ઘસાતા શબ્દો પણ ન સાંભળો. ક્યારેય નહીં.

હું તો ઘણી વાર તેને કહેતી પણ ખરી કે ‘પ્રવીણ, તમે આવી રીતે કેમ રહી શકો?’
‘કારણ કે જીવનમાં હું કશું સાથે લઈ જવાનો હોઉં તો એ આ એક જ વાત...’
પ્રવીણ સ્માઇલ સાથે મને જવાબ આપે. અત્યારે આ ક્ષણે પણ મારી આંખ સામે તેનું એ સ્માઇલ છે અને આંખમાં ભીનાશ છે. એવી ભીનાશ જે મને નૉસ્ટાલ્જિયાનો આનંદ આપે છે. આનંદ પણ અને સાથોસાથ એ સુખદ દિવસો નવેસરથી જીવવાની તક પણ....

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi