જો તમે તમારી જાત સાથે પ્રામાણિક રહેશો તો દુનિયા પણ તમને છેતરી નહીં શકે

18 May, 2019 11:09 AM IST  |  મુંબઈ | સંજય દ્રષ્ટિ - સંજય રાવલ

જો તમે તમારી જાત સાથે પ્રામાણિક રહેશો તો દુનિયા પણ તમને છેતરી નહીં શકે

પ્રતીકાત્મક તસવીર

આપણે બધાએ આપણી આસપાસ એક આભાસી દુનિયા બનાવી લીધી છે. દરેક વ્યક્તિ કંઈક અલગ જ બતાવવા માગે છે, એવું કંઈક અલગ, જે ખરેખર નથી. બધાને એવું જ દર્શાવવું છે કે પોતે સૌથી ઉપર છે, સૌથી આગળ છે અને સૌથી જુદું વ્યક્તિત્વ ધરાવે છે. એવું જ પિક્ચર સૌકોઈની સામે રાખે છે કે આખી દુનિયા તેમની રાહ જોઈને ઊભી છે, પણ આ તો એ છે કે તે તમારી પાસે ઊભો છે, તમારી પાસે બેઠો છે અને દુનિયાની સરખામણીએ સૌથી વધારે મહત્વ તમને આપે છે. એવું જ દર્શાવે છે બધા કે દુનિયાની દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે પોતાના દેવાદાર છે. વાત જરા પણ ખોટી નથી. જરા આંખ ખોલીને તમે જોશો તો તમને દેખાશે કે આ હકીકત છે.

તમે જુઓ, સામાન્ય અને મિડલ ક્લાસ એવું જ બતાવતો દેખાશે કે તે ખૂબ જ શ્રીમંત છે, તેની પાસે તો હીરા-મોતીના ભંડાર પડ્યા છે. સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ એવું દર્શાવ્યા કરશે કે તે સૌથી વધારે વિચક્ષણ છે. સાવ સામાન્ય યુવાનને જોશો તો તમને લાગશે કે એ કોઈ જુદી જ દુનિયામાં જીવે છે. હોશિયારી દેખાડવાની બાબતમાં હોય તો પણ એ હવામાં તરતો દેખાય અને સ્માર્ટ દેખાવાની બાબતમાં પણ તે તમને જુદી જ દુનિયામાં લહેરાતો દેખાય. સામાન્ય દેખાવ ધરાવતી યુવતી પણ પોતાની જાતને માધુરી દીક્ષિત જ ગણાવતી હોય અને સામાન્ય નોકરી કરનારો પણ એવું વર્તન કરે જાણે દેશના વડા પ્રધાન કરતાં પણ વધારે જવાબદારી તેના શિરે છે. બધાને પોતાની આસપાસ એક આભાસી દુનિયા બનાવીને રાખવી છે. આ આભાસી દુનિયા જ હકીકતમાં તમે અંદરથી કેટલા ખાલી છો, ખાલીપો તમને કેટલો કનડે છે એ દેખાડે છે, પણ એક વાત યાદ રાખજો, જે ખાલીપો છે એ નક્કર નથી અને બહુ જલદી એ ખાલીપો ભરાઈ પણ નથી જવાનો.

તમે જોજો જેઓ આ આભાસી દુનિયામાં ફરતા હશે તેઓ સતત એક પ્રકારના ડર વચ્ચે જીવતા દેખાશે. એકલા રહેવાનો ડર, પોતે ઊભી કરેલી આભાસી દુનિયા પૂરી ન થઈ જાય એનો ડર, લોકો છોડીને જતા ન રહે એનો ડર અને આવા અનેક ડર. મહત્વનું એ છે કે આ ડર શું કામ છે અને કયા કારણે છે એ સમજાવું જોઈએ.

તમારી આસપાસ જે ખોટી દુનિયા ઊભી કરી છે એ હકીકતમાં સાવ ખોટી છે, પણ તમે એવી ધારણા વચ્ચે જ જીવતા રહો છો કે એ દુનિયા સાચી છે. આવું કરીને તમે તમારી જાતને પણ ભ્રમમાં રાખો છો અને બીજાને પણ એ ભ્રમ સાથે જીવવા મજબૂર કરો છો. તમને ખબર છે કે આ દુનિયા ખોટી છે, પણ એ દુનિયા સાચવી રાખવા તમે સતત લડ્યા કરો છો અને એને લીધે તમને ડર પણ રહે છે કે ક્યાંક આ આભાસ તમારી અને તમારી આસપાસના લોકોની નજરમાંથી તૂટી ન જાય. પરિણામે બને છે એવું કે તમે સતત એવા ભય વચ્ચે જીવો છો કે આ આભાસ તૂટશે તો શું થશે? તમારી આ જે માન્યતા છે એ માન્યતા તમને હકીકત વચ્ચે પણ જીવવા નથી દેતી અને આ માન્યતા તમને આભાસ વચ્ચે પણ રહેવા નથી દેતી. જાતે ઊભી કરેલી આ માન્યતા તૂટે ત્યારે શું થાય એ પણ સમજવાની જરૂર છે.

જે સમયે તમારી આ માન્યતા તૂટશે ત્યારે તમે જેની પણ સામે આ માન્યતા ઊભી કરી છે એ બધા લોકો આપોઆપ દૂર થઈ જશે. એનું કારણ એ છે કે હકીકતમાં તમે એ લીગના કે પછી તમે એ ક્લાસના જ નહોતા, ખોટી રીતે તમે ત્યાં ટકી રહ્યા હતા. સ્વાભાવિક છે એ કે એ લોકો તો પોતાના ક્લાસને જ ફૉલો કરતા હતા એટલે તમે જેવા ખુલ્લા પડશો કે તરત જ એ લોકો પોતાના સર્કલ કે પોતાની લીગના લોકો પાસે ગોઠવાઈ જશે. આવું બનશે ત્યારે તમને થશે કે પહેલેથી જ સાચું કહ્યું હોત તો?

હા, બિલકુલ સાચી વાત છે. પહેલેથી જ સાચું કહ્યું હોત તો જે નથી ગમતું એવું કશું બન્યું જ ન હોત. કારણ વગરનું ડિપ્રેશન પણ ન આવ્યું હોત અને કોઈ સંબંધને હાનિ પણ ન પહોંચી હોત. એ ઉપરાંત સૌથી મોટો ફાયદો એ થયો હોત કે તમે ભારમાંથી મુક્ત થઈને જીવી શક્યા હોત. જો એવું બન્યું હોત તો હવે નથી રહેવાનો તમને એકલા પડી જવાનો ડર. એનું પણ કારણ સ્પષ્ટ છે કે તમારી સાથે છે એ તમારી બધી હકીકત જાણે છે અને તમારી પાસેથી, તમારી ક્ષમતાથી વધારાનું કશું એક્સેપ્ટ નથી કરતા. આ વાતનો ભાર પણ તમારા પર નથી રહેવાનો. રહેવાની આ જ સાચી રીત છે.

આ પણ વાંચોઃ કૉલમ : હરિનો મારગ છે શૂરાનો, કાયરનું નહીં કોઈ કામ

ભાર વગરના જીવનની અને ભયમુક્ત જીવનની જે વાત હું દરેક વખતે કરું છું એ આ જ છે. મોટા ભાગના પ્રશ્નો આપણે જાતે ઊભા કર્યા છે. આપણે જાતે જ તકલીફોનાં, મુશ્કેલીનાં કે પછી મૂંઝવણનાં બીજ વાવીએ છીએ અને જ્યારે એ બીજમાંથી મસમોટું ઝાડ બની જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે અજાણતાં એવી બોરડી વાવી દીધી છે જે બોર નથી આપતી, પણ માત્ર કાંટા વગાડવાનું કામ કરે છે. જોકે આવું બને ત્યાં સુધીમાં એ બોરડીથી દૂર ભાગવું અઘરું થઈ જાય છે. પછી કારણ વગરના ભાર સાથે ફરવાનું અને એવું બતાવ્યા કરવાનું કે જીવનમાં તો બધું બરાબર જ ચાલે છે, પણ અંદરખાને સાચી હકીકતની ખબર આપણને જ હોય છે, આપણે જ જાણતા હોઈએ છીએ કે સાચી હકીકત શું છે?

એક વાત યાદ રાખજો કે જીવનમાં જો બરાબરી કરવી હોય, સરખામણી કરવી હોય કે દેખાદેખી કરવી હોય તો એ જ્ઞાનની કરવી જોઈએ અને ધારો કે એ ન થાય તો બીજી કોઈ દેખાદેખીમાં તો ન જ પડવું જોઈએ. મેં એવા લોકો જોયા છે જે બીજા લોકોની દેખાદેખી કરીને રીતસર દુખી થતા હોય. કોઈને મળતા વધારે માનથી પણ સળગી જનારા લોકો આપણે ત્યાં છે અને કોઈને મળતા વધારે પડતા પ્રેમને જોઈને પણ ઈષ્ર્યા કરનારાઓ આપણે ત્યાં છે. આવી ઈષ્ર્યા જો થતી હોય તો એને માટે સ્વભાવ સુધારવાનો હોય, વર્તન કે વાણી સુધારવાનાં હોય. તમે માત્ર અદેખાઈ કરો એ ન ચાલે, એ માટે તમારે તમારામાં જરૂરી ફેરફાર કરવા જ પડે. આ તો હજી પણ સમજી શકાય એવી ઈષ્ર્યા છે, પણ આપણે તો કોની પાસે કઈ કાર છે અને એ કઈ બ્રૅન્ડનો ફોન વાપરે છે, ક્યાં ફરવા જાય છે અને એ કેવી હોટેલમાં જમે છે એવી વાતોની કૉપી કરવા સુધી પહોંચી જઈએ છીએ.

યાદ રાખજો મારી એક સલાહ. આ તમે જે કૉપી કરો છો એ કૉપી તમારી દુનિયા નથી. એ બીજી દુનિયા છે. આ દુનિયા માટે પહેલાં તમારી લાયકાત બનાવો. કોઈ દરરોજ જિમમાં જાય એ સારી વાત છે, પણ તમે એની દેખાદેખી કરીને જિમમાં જવાનું શરૂ કરો અને ત્રીજા જ દિવસે બીમાર થઈને પથારીમાં પડો તો એનો કોઈ અર્થ રહેતો નથી. આપણે ત્યાં એક જૂની કહેવત છે કે કોઈનો મહેલ જોઈને આપણું ઝૂપડું ન બાળવાનું હોય. જરૂરિયાત પ્રમાણે અને જે પોસાય એ જ કરવાનું હોય.

આ પણ વાંચો : કૉલમ: વિચાર બદલો, દુનિયા બદલો

દેખાદેખીની દુનિયા ક્યારેય ટકતી નથી. આપણે પોતે જ જો બીજાના રસ્તે ચાલવા માંડીશું તો આમાં આપણી પોતાની આઇડેન્ટિટી ક્યાં આવી? તમારે તમારી જાતને સધ્ધર બનાવવાની છે અને એને માટે તમારે જ્યાંથી પણ સારુંં જાણવા મળે, શીખવા મળે એ શીખતા જવાનું છે અને સાથોસાથ તમારી રીતે એમાં વૅલ્યુ એડિશન કરીને તમારી જાતને એને માટે કેળવવાની છે. જો એમ નહીં કરો તો કોઈ ત્રાહિતની આભા બનીને રહી જશો અને સમય જતાં ખૂબ હેરાન થશો. એકલા પડી જશો અને હાંસીપાત્ર ઠરશો. આજે મારે માત્ર એટલું કહેવું છે તમને કે બને એટલા જલદી આજુબાજુમાં ઊભી કરેલી આભાસી દુનિયામાંથી બહાર આવી જાઓ અને જાતને છેતરવાનું બંધ કરો.

તમે જ તમારી જાતને છેતરશો તો બીજા પણ તમને છેતરવા તૈયાર રહેશે, પણ ધારો કે તમે તમારી જાત સાથે પ્રામાણિક રહેશો તો દુનિયા પણ તમને છેતરી નહીં શકે એ નક્કી છે.

Sanjay Raval columnists