આ નાટક તો થઈ ગયું અને ચાલશે, પણ એના પછી શું?

16 January, 2023 05:56 PM IST  |  Mumbai | Sanjay Goradia

‘સંસારની સેમી ફાઇનલ’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ સમયે જ મેં અમારા ડિરેક્ટર વિપુલ મહેતાને કહી દીધું અને એવું જ બીજા પ્રોડ્યુસર-ડિરેક્ટરનું પણ હોય. ૯૯.૯૯ ટકા તેમને ખબર પડી જ જાય કે નાટક ચાલશે કે નહીં?

વિપુલ મહેતાએ મને ‘એવરીબડી’ઝ ફાઇન...’ની સ્ટોરી કહી, જે મને બહુ ગમી નહીં; પણ વિપુલ એના માટે કૉન્ફિડન્ટ હતો એટલે મેં નવું નાટક કરવાની હા પાડી.

૨૦૧૦ની સાલ પૂરી થતાં સુધીમાં ઑડિયન્સ માટે મનોરંજનનાં ઘણાં માધ્યમો થઈ ગયાં હતાં, જેને કારણે ઑડિયન્સની માનસિકતામાં એક ચેન્જ આવ્યો હતો. એક સમય હતો કે નાટક જોવા જવું એ ફૅશન સ્ટેટમેન્ટ કહેવાતું. સોસાયટીમાં કૂલ લાગતી એ લાઇફસ્ટાઇલ હતી, પણ પછી એ સ્થાન મલ્ટિપ્લેક્સે લઈ લીધું.

આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટકની જેના લેખક પ્રવીણ સોલંકી હતા અને ઍઝ યુઝ્અલ નાટકનું ડિરેક્શન વિપુલ મહેતાનું હતું. પૈસા પાછળ પાગલ એવો કરપ્ટ લૉયર કેવી રીતે સાચા રસ્તે વળે છે અને તેને સાચા રસ્તે વાળવામાં લૉયરની વાઇફ અને તેની માનો કેવો ફાળો હોય છે એવી નાટકની વાર્તા. કરપ્ટ લૉયરના કૅરૅક્ટરમાં અમે નિનાદ લિમયેને કાસ્ટ કર્યો તો તેની વાઇફના રોલમાં શ્રુતિ ઘોલપને કાસ્ટ કરી. બન્ને મરાઠી ઍક્ટર, પણ ગુજરાતી બહુ સારું બોલે. એ પછી વાત આવી નાટકના અન્ય કલાકારોના કાસ્ટિંગની.

નિનાદ અને શ્રુતિ પછી અમે કાસ્ટ કર્યો મારા પરમ મિત્ર જગેશ મુકાતીને અને તેની વાઇફના રોલમાં ડિમ્પલ શાહને. ડિમ્પલ હવે તો ડિમ્પલ શાહ-દાંડા થઈ ગઈ છે, પણ ત્યારે તેનાં મૅરેજ નહોતાં થયાં. નાટકમાં જગેશે લૉયરના મિત્રનું કૅરૅક્ટર કર્યું હતું, જે કોમેડી રોલ હતો તો ડિમ્પલ પણ કૉમેડી રોલમાં હતી. નાટકનો મેઇન વિલન પૉલિટિશ્યન હતો, જેમાં અમે કાસ્ટ કર્યો જિતેન્દ્ર સુમરાને. જિતેન્દ્ર છેલ્લા કેટલાય વખતથી સિદ્ધાર્થ રાંદેરિયાનાં નાટકોમાં કામ કરે છે અને એમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. જિતેન્દ્ર કલાકાર ખૂબ સારો અને ટિપિકલ દેખાવવાળો ઍક્ટર. તે મૂળ સુરતનો છે એ સહેજ તમારી જાણ ખાતર. હજી એક મહત્ત્વનું કૅરૅક્ટર બાકી હતું - લૉયરની મમ્મીનું, જેમાં અમે અમિતા રાજડાને લીધી. લૉયર પાસે જે પોતાના હસબન્ડનો કેસ લઈને આવે છે એ રોલમાં અમે મેઘના સોલંકીને અને તેના હસબન્ડના રોલમાં અમે અભય ચંદારાણાને કાસ્ટ કર્યાં.

શ્રુતિની જેમ જ મેઘના પણ મૂળ વડોદરાની અને એમ. એસ. યુનિવર્સિટીની ડ્રામેટિક્સ ગોલ્ડ મેડલિસ્ટ. અમારા ગ્રુપમાં બધા મેઘનાને મીરા રોડની સ્મિતા પાટીલ કહીને ચીડવે, કારણ કે મેઘના સ્મિતા પાટીલ જેવી ખૂબ જ સારી અને એકદમ કડક પર્ફોર્મર. આ નાટકમાં અમારી ટીમનો વિમલ પટેલ પણ એક નાના રોલમાં હતો તો ટેક્નિકલ ટીમ અમારા જૂના અને જાણીતા જોગીઓની જ હતી : કલા - છેલ-પરેશ, સંગીત - લાલુ સાંગો, પ્રકાશ - રોહિત ચિપલુણકર અને પ્રચાર - દીપક સોમૈયા. 

કાસ્ટિંગ પૂરું થયું અને અમે રિહર્સલ્સ ચાલુ કર્યાં. અહીં તમને સહેજ કૅલેન્ડર સમજાવી દઉં. ૨૦૧૧ની ૩૦ જાન્યુઆરીએ અમે પ૮મું નાટક ‘બાબલાભાઈ કે બેબલીબેન’ ઓપન કર્યું, જેના બે મહિના અને દસ દિવસ પછી એટલે કે એક્ઝૅક્ટ ૭૦મા દિવસે અમારું પ૯મું નાટક ‘સંસારની સેમી ફાઇનલ’ ઓપન કર્યું. 

તારીખ હતી ૨૦૧૧ની ૧૦ એપ્રિલ. નાટક પબ્લિક શોમાં ઠીક-ઠીક ચાલ્યું, પણ સોલ્ડ-આઉટ શોમાં ચિક્કાર ચાલ્યું અને સાચું કહું તો અમે એ માટે જ આ નાટક કર્યું હતું. પબ્લિક શો પર અમારું ખાસ ધ્યાન નહોતું. આ નાટકના ૧૧૭ શો કર્યા અને ‘સંસારની સેમી ફાઇનલ’માંથી અમે ‘બાબલાભાઈ કે બેબલીબેન’ નાટકનો લૉસ રિકવર કર્યો તો સાથોસાથ થોડી કમાણી પણ કરી.
‘સંસારની સેમી ફાઇનલ’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન જ અમારા રિવાજ મુજબ હું અને વિપુલ ભૂરીબેન ઑડિટોરિયમ પર સાંજે નાસ્તો કરતાં-કરતાં ચર્ચા કરતા હતા કે આ નાટક તો હવે રિલીઝ થઈ જશે અને સારું જ જશે, પણ આના પછી શું?

અહીં હું તમને એક વાત ખાસ કહેવા માગું છું કે દરેક નિર્માતા કે નિર્દેશકને ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન ખ્યાલ આવી જતો હોય છે કે તેનું નાટક કેવું જશે. અમારી વાત કરું તો આજ સુધીના અમારા આકલનમાં અમે ૯૯.૯૯ ટકા સાચા જ પડ્યા છીએ અને ‘સંસારની સેમી ફાઇનલ’ને પણ આ જ વાત લાગુ પડે છે. અમે એ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સમાં જ સમજી ગયા હતા કે નાટક સોલ્ડ-આઉટમાં બહુ સારું જશે. મિત્રો, આ એ તબક્કાની વાત છે જે સમયે પબ્લિક શોમાં ગુજરાતી નાટક જોવા આવતા પ્રેક્ષકો ઘટવાના શરૂ થવા માંડ્યા હતા. 
આવું થવા પાછળ ઘણાં બધાં કારણો છે, પણ એ તમામ કારણો પૈકીનું એક કારણ એ પણ ખરું કે ૨૦૧૦ની સાલ પૂરી થતાં સુધીમાં ઑડિયન્સ માટે મનોરંજનનાં ઘણાં માધ્યમો થઈ ગયાં હતાં, જેને કારણે તેમની માનસિકતામાં એક ચેન્જ આવ્યો હતો. એક સમય હતો કે નાટક જોવા જવું એ ફૅશન સ્ટેટમેન્ટ કહેવાતું. સોસાયટીમાં કૂલ લાગતી એ લાઇફસ્ટાઇલ હતી. નાટક જોવા જવાની ફૅશન હવે આઉટ ઑફ ફૅશન થવા માંડી હતી અને નાટકને સામાન્ય સ્તર પર મૂકવાની શરૂઆત થઈ ગઈ હતી.

એ વખતે OTT પ્લૅટફૉર્મ હજી આવ્યાં નહોતાં, પણ મલ્ટિપ્લેક્સ તો આવી જ ગયાં હતાં. આહલાદક અને અલ્ટ્રા-મૉડર્ન કહેવાય એવા મલ્ટિપ્લેક્સમાં રવિવારે ફિલ્મ જોવા જવું એ ફૅશનમાં ઇન-થિંગ વાત બની ગઈ હતી અને એના અમારી પાસે અઢળક પુરાવાઓ પણ હતા. જે શુક્રવારે મોટી ફિલ્મ રિલીઝ થવાની હોય એ રવિવારે બધાં નાટકનાં બુકિંગ ખરાબ હોય, જેના પરથી અમે પારખી જઈએ કે લોકો ઑડિટોરિયમ પર આવવાને બદલે ફિલ્મ જોવા મલ્ટિપ્લેક્સ તરફ વળી ગયા. 

વાત કરું ‘સંસારની સેમી ફાઇનલ’ની તો એ નાટકમાં ગુજરાતી રંગભૂમિનું કોઈ મોટું નામ નહોતું અને મોટું નામ ન હોય તો ઑડિયન્સ નાટક જોવા આવવાનું ટાળવા માંડી હતી તો સાથોસાથ સોશ્યલ સબ્જેક્ટમાં ઑડિયન્સને હવે રસ પડતો નહોતો. કૉમેડી નાટક જોવા હજી પણ ઑડિયન્સ આવતી અને આજે પણ આવે છે, પણ કૉમેડી સબ્જેક્ટમાં પણ તેમને મોટા આર્ટિસ્ટનાં નામ તો જોઈએ જ. ઍનીવે, અમને ગ્રૅન્ડ રિહર્સલ્સમાં જ ખબર પડી ગઈ હતી કે ‘સંસારની સેમી ફાઇનલ’ સોલ્ડ-આઉટમાં ખૂબ જ ચાલશે અને બન્યું પણ એવું જ હતું.

આ પાણ વાંચો : ડેટ્સનું લાઇનઅપ અને સોલ્ડ-આઉટ પાર્ટીના શોનું ટેન્શન

ફરી આવી જઈએ આપણી વાત પર, અમારી ચાય પે ચર્ચા જેવા સેશન પર; જેમાં નાસ્તો કરતાં-કરતાં હું અને વિપુલ નવા નાટકની ચર્ચા કરતા.

‘આ તો થઈ ગયું અને નાટક નીકળી પણ જશે, પણ આના પછી શું?’

‘મેં હમણાં એક ફિલ્મ જોઈ સંજયભાઈ...’ વિપુલે મને ફિલ્મનું ટાઇટલ કહ્યું, ‘એવરીબડી’ઝ ફાઇન... આપણે એના પરથી નાટક કરવું જોઈએ.’

ફિલ્મની વાર્તા કંઈક એવી હતી કે એક માણસ છે, સ્વભાવે ભારે અતડો. તેના આવા સ્વભાવને કારણે જ તેના ફૅમિલી મેમ્બરો તેને છોડીને અલગ રહેવા જતા રહ્યા છે. એક દિવસ તેને આત્મજ્ઞાન થાય છે અને તે નક્કી કરે છે કે હું મારા દરેક દીકરા-દીકરીના ઘરે જઈશ અને તેમની સાથે ફરી સંબંધો સ્થાપવાના પ્રયત્નો કરીશ. તે માણસ નવેસરથી રિલેશન બાંધવાના હેતુથી દરેક દીકરા-દીકરીને ત્યાં જાય છે. 

આ જે વાર્તા હતી એમાં મારો એક મોટો પ્રૉબ્લેમ એ હતો કે એમાં લાગણીઓની વાત હતી, પણ સ્ટોરીમાં જે ટ્વિસ્ટ-ટર્ન જોઈએ એટલાં નહોતાં. મેં વિપુલને કહ્યું કે આમાં બહુ મજા નથી, પણ તને જો એમ લાગતું હોય કે સારું જશે તો મને વાંધો નથી; તું કર, પણ હું તને એટલું કહી દઉં કે મને એમાં બહુ મજા આવતી નથી. જોકે મારી વાત પછી પણ વિપુલ એ સબ્જેક્ટ માટે બહુ કૉન્ફિડન્ટ હતો. તેણે તરત જ મને કહ્યું કે આપણે આ નાટક ડબલ રિવૉલ્વિંગ સેટ પર કરીએ અને એ જે માણસ છે તેનાં દીકરા-દીકરીનાં કૅરૅક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, ઑડિયન્સને મજા આવશે. વિપુલે મને એ પણ કહ્યું કે આપણે ફિલ્મમાંથી ફક્ત આઇડિયા જ લઈશું અને બાકી એની ગૂંથણી આપણી રીતે કરીશું.

‘ઓકે, કરો...’ મેં હામી ભરી. 

આ નાટક કયું હતું અને એ કેવી રીતે બન્યું એની વાત આપણે હવે કરીશું આવતા સોમવારે. યુ સી, સમયની તંગી. દર વખતે થોડી કંઈ સ્થળસંકોચની વાત હોય.

જોક સમ્રાટ

જગતમાં ભલે વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, પણ વાઇફ સામે હસબન્ડની દાળ ગળે એવું કુકર આજ સુધી બન્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ બનાવી નથી શકવાનું. ગૅરન્ટી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia