ભાઈદાસમાં શો કરવા આવશે કોણ, મુજરા કરાવજે મુજરા

06 August, 2019 01:50 PM IST  |  મુંબઈ ડેસ્ક | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

ભાઈદાસમાં શો કરવા આવશે કોણ, મુજરા કરાવજે મુજરા

ભારેખમ ભાઈદાસ: ભાઇદાસ ઑડિટોરિયમની વિશાળ ક્ષમતા જોઈને એ જ સમયે બધા ગભરાઈ ગયા હતા અને ઑડિટોરિયમથી દૂર ભાગતા.

જે જીવ્યું એ લખ્યું

ભાઈદાસ ઑડિટોરિયમ બન્યું ૧૯૭૩-’૭૪માં. એનું બાંધકામ ૭૦ના દસકાની શરૂઆતમાં આરંભાઈ ગયું હતું. આજે તો ભાઈદાસવાળો આખો વિસ્તાર મુંબઈના પ્રાઇમ લોકેશનમાં આવે છે પણ એ સમયે આ આખો વિસ્તાર એક જંગલ જેવો હતો. જુહુ વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ત્યાં બંગલા બનવાનું શરૂ થયું અને એ જ ગાળામાં ભાઈદાસ હૉલ બનવાનું પણ શરૂ થયું. શ્રી વિલે પાર્લે કેળવણી મંડળનું નામ મુંબઈ માટે જરા પણ અજાણ્યું નથી. મીઠીબાઈ કૉલેજ, એનએમ કૉલેજ અને એવી જ બીજી આઠેક કૉલેજનું સંચાલન કરતી આ સંસ્થાએ નક્કી કર્યું કે આ વિસ્તારમાં એક ઑડિટોરિયમ તૈયાર કરવું. એ વખતે ઑડિટોરિયમના ટ્રસ્ટીઓમાં છોટાલાલ પટેલ, ચંદ્રકાન્ત સંઘવી, ચત્રભુજ નરસી અને મોહનભાઈ પટેલનો સમાવેશ હતો.

ઑડિટોરિયમના પહેલા મૅનેજર તરીકે ભૌતેષ વ્યાસના ફાધર સુરેશભાઈ વ્યાસની નિમણૂક થઈ. સુરેશભાઈ એ સમયના ખૂબ સારા લાઇટ-ડિઝાઇનર અને થિયેટર-પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા હતા. આ વાત મને સુરેશભાઈએ પોતે ઘણી વાર કહી છે કે તેમણે જ્યારે ઑડિટોરિયમમાં મૅનેજર બનવાનું સ્વીકાર્યું ત્યારે એ સમયની થિયેટર-ઇન્ડસ્ટ્રીના લોકો તેમની મજાક ઉડાડતા અને કહેતા કે ભાઈદાસમાં શો કરવા કોણ આવશે, મુજરા કરાવજે મુજરા. મિત્રો, યાદ રાખજો કે નાસીપાસ કરનારા સંજોગો આવે ત્યારે નક્કી તમારે કરવાનું હોય કે સંજોગો સામે લડવું છે કે પછી ખૂણો પાળીને રડવું છે.

સુરેશભાઈએ લડી લેવાનું નક્કી કર્યું કે તેઓ આ થિયેટર ચલાવીને દુનિયાને દેખાડી દેશે. સુરેશભાઈએ સાચે જ એ કરીને દેખાડી દીધું. આજે ભાઈદાસ રિનોવેશનમાં છે, પણ સાહેબ, મુંબઈના બેસ્ટ થિયેટરમાં એનો સમાવેશ છે. એની ડેટ્સ માટે ભલભલા પ્રોડ્યુસરો ધક્કા ખાય. ભાઈદાસમાં શો કરવો એટલે બેરર ચેક મેળવવો અને માટે જ પ્રોડ્યુસરો જરૂર પડે તો મોટી મોટી ઓળખાણ પણ લગાડે.

આપણે ફરી આવીએ ભાઈદાસના જન્મકાળ પર.

મૅનેજર સુરેશ વ્યાસે સૌથી પહેલાં કૉન્ટૅક્ટ કર્યો આઇએનટી એટલે કે ઇન્ડિયન નૅશનલ થિયેટરનો. એ સમયે દામુ ઝવેરી અને બચુભાઈ સંપટ આઇએનટીના કર્તાહર્તા, પણ સુરેશભાઈની વાતમાં તેમણે ખાસ રસ લીધો નહીં. એનું સૌથી મહત્ત્વનું કારણ એ કે આઇએનટી જયહિન્દ કૉલેજના નાના ઑડિટોરિયમ સાથે કમ્ફર્ટેબલ હતું. તમે કલ્પના પણ નહીં કરો, પરંતુ સુરેશભાઈએ આઇએનટીને માત્ર ૨૦૦ રૂપિયાના ભાડામાં ઑડિટોરિયમની ઑફર કરી હતી અને એ ઑફર પણ આઇએનટીએ ઠુકરાવી દીધી એમ કહીને કે આટલે દૂર આવશે કોણ. સુરેશભાઈએ બીજો રસ્તો અપનાવ્યો.

પારસ પબ્લિસિટીવાળા વસાણીકાકા એ સમયે મોટા ભાગના નિર્માતાની જાહેરખબરો રિલીઝ કરતા. એ પ્રોડ્યુસરને થિયેટર-બુકિંગમાં પણ હેલ્પ કરે. સુરેશભાઈએ વસાણીકાકાને વાત કરી અને કાકાએ પોતાની વગ વાપરીને ૨૦૦ રૂપિયાના ટોકન ભાડાની ઑફરને બીડું સમજીને ઝડપી લીધું. વસાણીકાકાએ શોદીઠ ૨૦૦ રૂપિયાના ટોકન ભાડામાં ભાઈદાસ ઑડિટોરિયમમાં ૭ દિવસનો નાટક ફેસ્ટિવલ ગોઠવ્યો અને એ ફેસ્ટિવલ જબરદસ્ત હિટ થયો, બધા શો હાઉસફુલ થઈ ગયા. ત્યાર બાદ પણ થિયેટરનું ભાડું ફક્ત ૮૦૦ રૂપિયા જ રાખ્યું. એ ઘડી અને આજનો દી.

આ પશ્ચિમ પરાના મોતી સમાન ભાઈદાસ ઑડિટોરિયમે ક્યારેય પાછું વળીને નથી જોયું. અગાઉ તમને કહ્યું એમ, આજે આ ભાઈદાસ ઑડિટોરિયમ રિનોવેશનમાં છે. આ જ જગ્યાએ હવે ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનું ઑડિટોરિયમ બનશે, કુશાંદે બેઠક વ્યવસ્થાથી માંડીને અલ્ટ્રા મૉડર્ન સાઉન્ડ સિસ્ટમથી સજ્જ થનારા આ ઑડિટોરિયમમાં અત્યારે ચાલીસેક ગાડીઓનું પાર્કિંગ છે, પણ નવો હૉલ બનશે એટલે એમાં વિશાળ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે એટલે પાર્કિંગની સમસ્યા પણ નીકળી જશે. આપણે ત્યાં ઑડિટોરિયમ બનાવવાની બાબતમાં સરકાર નિરસ રહી છે, પણ મારી દૃષ્ટિએ એ મોટો નિર્ણય છે. જે સમાજ પાસે ઑડિટોરિયમ અને સ્કૂલ પાસે પ્લેગ્રાઉન્ડ ન હોય એ સમાજમાં ક્યારેય વિચારશીલ અને સ્પોર્ટ્સમૅન સ્પિરિટ ધરાવતો વર્ગ તૈયાર થતો નથી.

ભાઈદાસ ઑડિટોરિયમ તૈયાર થવામાં પાંચેક વર્ષ લાગશે. ઑડિટોરિયમનું કામ આમ પણ સામાન્ય કન્સ્ટ્રક્શન જેવું નથી હોતું એટલે એ રીતે પણ વાર લાગે અને એમાં પણ આ ઑડિટોરિયમનું તો લેવલ પણ ઇન્ટરનૅશનલ સ્ટેન્ડર્ડનું છે એટલે એ રીતે પણ એમાં પુષ્કળ સમય ખર્ચાવાનો છે, પણ હા, એટલું કહીશ કે અંબરીશ પટેલ અને ભૂપેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર થનારું આ ઑડિટોરિયમ દેશનાં તમામ ઑડિટોરિયમમાં ધી બેસ્ટ હશે એ વાતમાં કોઈ મીનમેખ નથી.

બુકિંગ-ક્લાર્કથી અત્યારના મૅનેજર પદ સુધીની જર્ની ભાઈદાસ ઑડિટોરિયમ સાથે પસાર કરનારા વિનય પરબે પણ ભાઈદાસને ખરા દિલથી પ્રેમ કર્યો છે. એને માટે ભાઈદાસથી વધારે અને ભાઈદાસથી આગળ કંઈ છે જ નહીં. ભાઈદાસ એની દુનિયા છે એવું કહું તો પણ કાંઈ ખોટું નહીં કહેવાય. શરૂઆતના સમયની વાત કહું તો એ સમયગાળામાં વિનય ભાઈદાસમાં જ પડ્યો રહેતો. તેની સવાર પણ ત્યાં જ પડે અને રાત પણ ત્યાં જ પૂરી થાય. ભાઈદાસના એકેક ઇંચમાં અને કયા ખૂણામાં શું ચાલે છે એના પર એની નજર હોય. એ દિવસોમાં ભાઈદાસ પશ્ચિમ પરામાં એકમાત્ર ઑડિટોરિયમ હતું. હવે તો ઘણાં ઑડિટોરિયમ આવી ગયાં છે. બાંદરામાં રંગશારદા અને સેન્ટ ઍન્ડ્રુઝ છે, મલાડમાં અસ્પી બની ગયું છે, બોરીવલીમાં પ્રબોધન ઠાકરે આવી ગયું, પણ એ સમયે ઑડિટોરિયમના નામે પશ્ચિમમાં માત્ર ભાઈદાસ હતું. એકલપંડે નાટ્યરસિકોને ઊભા કરનારા ભાઈદાસ અને ‘ચિત્કાર’ની અધૂરી વાતો હવે આગળ વધારીશું આવતા મંગળવારે.

ફૂડ ટિપ્સ

મિત્રો, તમે કચ્છ ગયા હો અને ત્યાંથી દાબેલી ખાધા વિના પાછા આવો તો તમને મુંબઈમાં પ્રવેશ ન મળે. આ કચ્છિયતનું અપમાન કહેવાય અને મારા જેવા સ્વાદશોખીન તો એવી ભૂલ કરે જ નહીં. હમણાં ભુજમાં નાટકના શો માટે ગયો ત્યારે મેં દાબેલી ખાવા જવાનું નક્કી કર્યું. દાબેલી તો અઢળક વાર ખાધી હોય, પણ મેં નક્કી કર્યું કે મારે બેસ્ટમબેસ્ટ કહેવાય એવી ‘માંડવી ડબલરોટી’ની દાબેલી ખાવી છે. આપણી વાત આગળ વધે એ પહેલાં કહી દઉં કે આ દાબેલી એ આપણું નામ છે, પણ કચ્છમાં એને ડબલરોટી કહેવામાં આવે છે.

દાબેલી આજે જગતભરમાં છવાઈ ગઈ છે. ગુજરાતીઓ જ ખાય છે એવું નથી, પણ મહારાષ્ટ્રિયનથી માંડીને રાજસ્થાનીઓ અને બંગાલી સુધ્ધાં દાબેલી ખાય છે. દાબેલી કચ્છમાં જન્મી અને એ પછી એ સૌરાષ્ટ્રમાં અને ત્યાંથી અમદાવાદ પહોંચી. અમદાવાદથી પછી એ દુનિયાભરમાં પથરાઈ ગઈ. જો તમને બેસ્ટ અને ઑથેન્ટિક દાબેલી ખાવી હોય તો કચ્છ જાઓ ત્યારે ‘માંડવી ડબલરોટી’ અચૂક ખાજો. રોજની ૨૦૦૦થી વધારે દાબેલી અહીં વેચાય છે. દાબેલીના પાંઉ પણ એ જ લોકો બનાવે છે. પહેલાં તો પોતે જ બનાવતા પણ હવે તેમણે પોતાના માણસોને પાંઉ બનાવવાનું કામ આપી દીધું છે. દાબેલીનાં પાંઉ આપણાં પાઉં કરતાં ઑલમોસ્ટ અડધોઅડધ વધારે સૉફ્ટ હોય છે. દાબેલી બનાવવાની રીત પણ જોવા જેવી છે.

પાઉંને ક્રૉસમાંથી કાપવામાં આવે અને એ પછી એની અંદર પૂરણ ભરવામાં આવે. પછી ઘરે જ બનાવેલી મસાલાસિંગ નાખવાની અને એ પછી ફરીથી પૂરણ અને એના પર ફરીથી મસાલાસિંગ નાખવાની અને પછી દાડમના દાણા અને છેલ્લે છીણેલું કોપરુ. બીજી વાત, આ દાબેલી આમ જ ખાવાની હોય છે, આપણે ત્યાં દાબેલી સાથે ચટણી આપે, પણ ઓરિજિનલી દાબેલીમાં ચટણી ન ખાવાની હોય. એનું પૂરણ જ એવું રસદાયી હોય કે કોઈ પણ જાતના ધક્કા વિના એ સડસડાટ ગળા નીચે ઊતરી જાય.

આ પણ વાંચો : Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

આ ‘માંડવી ડબલરોટી’નો ઇતિહાસ રસપ્રદ છે અને એની પાછળ ઇન્દિરા ગાંધી જવાબદાર છે. હા મિત્રો, ‘માંડવી ડબલરોટી’ની શરૂઆત કરનારા તુલસીદાસ સેજપાલ પહેલાં ગવર્નમેન્ટ જૉબ કરતા, પણ કૉન્ગ્રેસ ગવર્નમેન્ટે ઇમર્જન્સી લગાવતાં તુલસીદાસભાઈ સહિત અનેક લોકોની સરકારી જૉબ ગઈ અને એ તો ઇમર્જન્સી હતી, તમે કોઈ સામાં પગલાં પણ ન લઈ શકો. તુલસીદાસભાઈ બેકાર થઈ ગયા એટલે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ક્યારેય સરકારી નોકરી કરશે નહીં અને તેમણે ભુજમાં ઘરમાં ખવાતી ડબલરોટી વેચવાનું નક્કી કર્યું. અહીં મેં જે ફોટો આપ્યો છે એના પર પણ જોશો તો તમને સ્થાપનાનું વર્ષ વાંચવા મળશે, ૧૯૭પ. આ જ વર્ષ ઇમર્જન્સીનું છે. થૅન્ક્સ ટુ ઇન્દિરા ગાંધી કે આપણને સૌને આવી અફલાતૂન ડબલરોટી ખાવા મળી.

columnists Sanjay Goradia