ગુજરાતી ચિત્કાર સુપરહિટ ને મરાઠી ચિત્કાર સુપરફ્લૉપ

16 July, 2019 10:44 AM IST  |  મુંબઈ ડેસ્ક | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

ગુજરાતી ચિત્કાર સુપરહિટ ને મરાઠી ચિત્કાર સુપરફ્લૉપ

મેળાપ તૂટ્યો: બી.કે. આદર્શે બનાવેલી 'ગુપ્ત જ્ઞાન' 70ના દસકામાં ખૂબ ચાલી હતી, તેમણે જ લતેશભાઈને લઈને 'ચિત્કાર' ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, મુહૂર્ત પણ કર્યું પણ ફિલ્મ ક્યારેય બની નહીં.

જે જીવ્યું એ લખ્યું

પહેલું રિપ્લેસમેન્ટ મેટ્રનનું આવ્યું તો એના પછી બેબી રુચિતાનું રિપ્લેસમેન્ટ આવ્યું. સ્કૂલમાં આવતી તકલીફને કારણે બેબી રુચિતાનાં મમ્મી-પપ્પાએ તેની પાસે નાટક છોડાવ્યું એટલે કલાપીના જીવન પર આધારિત સંશોધનાત્મક નાટક લખનારા ધનવંત શાહની દીકરીને એ રોલમાં લેવામાં આવી. એ પછી ત્રીજું રિપ્લેસમેન્ટ આવ્યું ખ્યાતિ દેસાઈનું. કાયમ માટે અમેરિકા સેટલ થતાં હોવાથી ખ્યાતિ દેસાઈ જે રોલ કરતાં હતાં એ સાસુના રોલમાં તરલા જોષી આવ્યાં અને એ પછી આવ્યું ભૈરવી વૈદ્યનું રિપ્લેસમેન્ટ. ભૈરવીના સ્થાને આવ્યાં કેતકી દવે. એ જ ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’માં ‘અરરર...’નો ગજબનાક યાદગાર લહેકો કરી ગયેલી કેતકી દવે.
આ બધાં રિપ્લેસમેન્ટ પછી પણ ‘ચિત્કાર’ને કોઈ અસર થઈ નહોતી. મિત્રો, નાટકની સફળતાનું આ પણ એક રહસ્ય છે. કલાકાર નાટક છોડે અને નાટક ઉપર-નીચે થાય તો માનવું કે એ કલાકારની કારીગીરી છે, પણ જો કલાકાર છોડે એ પછી પણ નાટકને ઊની આંચ ન આવે તો માનવું કે એ નાટકની વાર્તા અને ડિરેક્શન ઑડિયન્સમાં પકડાઈ ગયાં છે, એને હવે કોઈ અટકાવી નહીં શકે. ‘ચિત્કાર’નું પણ એવું જ હતું. એ સડસડાટ ચાલતું હતું. હાઉસફુલ ઉપર હાઉસફુલ શો લેતું હતું, નાટકની કીર્તિ દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી હતી. નાટકમાં સુજાતા મહેતા પર બહુ બધો ભાર હતો. તેનો રોલ ખૂબ જ મહેનત માગી લે એવો હતો એટલે સુજાતાએ નક્કી કર્યું કે દિવસમાં તે એક જ શો કરશે. જેમણે એ સમયે ‘ચિત્કાર’ જોયું છે તેમને યાદ પણ હશે કે સુજાતા તેના શરીરના એકેક અંગની તાકાતનો ઉપયોગ કરીને નાટકમાં કામ કરતી હતી. નાટક પૂરું થાય ત્યાં સુધીમાં તે રીતસર નિચોવાઈ જતી. આને કારણે અમે મુંબઈમાં રવિવારે એક જ શો કરી શકતા, પણ હા, આડા દિવસોમાં અમે સુરત, નવસારી, વડોદરા, અમદાવાદમાં શો કરતા.
આ જ દિવસોમાં લતેશભાઈને એક ફિલ્મ ડિરેક્ટ કરવાની ઑફર આવી. આ ફિલ્મ ‘ચિત્કાર’ નાટક પરથી જ બનાવવાની હતી. તેમને આ ઑફર આપી બી. કે. આદર્શ નામના પ્રોડ્યુસરે. તેમણે અગાઉ ‘ગુપ્ત જ્ઞાન’ નામની સેક્સ-એજ્યુકેશન પર આધારિત ફિલ્મ બનાવી હતી. બી. કે. આદર્શનું પ્લાનિંગ એવું હતું કે તેઓ એકસાથે નવા ત્રણ ડિરેક્ટર લૉન્ચ કરે અને બધાની ફિલ્મોનું મુહૂર્ત એકસાથે થાય. બન્યું પણ એવું. આ ત્રણેત્રણ ફિલ્મોનું મુહૂર્ત સી રૉક હોટેલમાં ધામધૂમથી કરવામાં આવ્યું, પણ વાત બસ, મુહૂર્ત સુધી જ રહી. એ સમયે મુહૂર્ત થયેલી બીજી બે ફિલ્મો બની પણ ખરી અને રિલીઝ પણ થઈ પણ ‘ચિત્કાર’ ક્યારેય બની નહીં. એવું શું કામ બન્યું એનું કારણ મને ખબર નથી, પણ હકીકત એ જ છે કે ફિલ્મનું માત્ર મુહૂર્ત થયું અને પછી એ વાત આગળ વધી જ નહીં. આ જ સમયગાળામાં ગુજરાતી ‘ચિત્કાર’ પરથી મરાઠી નાટક બનાવવાની ઑફર પણ આવવા માંડી. એ ઑફરમાંથી એક ઑફર હતી બાબાભાઈની. હું, મારું અને બાબાભાઈનું કનેક્શન કહું તમને.
મરાઠી ‘ચિત્કાર’ બનાવવા માગતા આ બાબાભાઈ પોતે ગુજરાતી. હું ખેતવાડીમાં લહેરી બિલ્ડિંગમાં રહેતો અને બાબાભાઈ એ જ લહેરી બિલ્ડિંગની પાંચમી શેરીમાં બીજા કૉર્નર પર આવેલા મોતી મૅન્શન નામના મકાનના માલિક. આખું મોતી મૅન્શન તેમણે કપોળભાઈઓને ભાડે રહેવા માટે આપ્યું હતું અને બિલ્ડિંગના ઉપરના બે માળ પોતાને માટે રાખ્યા હતા. તેમનાં પાર્ટનર મરાઠી ઍક્ટ્રેસ ભાવનાબાઈ હતાં. તેમની મરાઠી નાટકની કંપની હતી અને નામ હતું, નાટ્યસુમન. નાટ્યસુમનમાં અનેક હિટ મરાઠી નાટકો બન્યાં હતાં. ભાવનાબાઈની ઇચ્છા મરાઠીમાં ‘ચિત્કાર’ બનાવવાની હતી. લતેશભાઈએ આ ઑફર સ્વીકારી લીધી અને સુજાતા મહેતાના રોલમાં સવિતા પ્રભુણેને કાસ્ટ કરી તો દીપક ઘીવાલાના રોલમાં ઉદય ટીકેકરને લીધાં. ઉદય ટીકેકર અને સવિતા પ્રભુણેનું નામ આજે તો એસ્ટૅબ્લિશ ઍક્ટરોમાં આવે, પણ એ સમયે તેઓ નવાંસવાં હતાં. મરાઠી નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. આ નાટકમાં હું પચીસ પૈસાનો ભાગીદાર હતો. નાટક તૈયાર થઈ ગયું. નાટક રિલીઝ કરવા માટે કોઈ યોગ્ય દિવસની રાહ જોવાતી હતી અને એવામાં નાગપુરમાં મરાઠી નાટ્ય પરિષદનું આયોજન થયું. નક્કી થયું કે નાટક આ પરિષદથી ઓપન કરવું. શુભારંભ પ્રયોગ માટે હું પણ નાગપુર ગયો હતો. નાટક લોકોએ વખાણ્યું, પણ કમર્શિયલી નાટક ચાલ્યું નહીં અને એ સુપરફ્લૉપ થઈ ગયું.
અમે હતાશ જરૂર થયા, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું હતું કે ગુજરાતી નાટક ‘ચિત્કાર’ ખૂબ સારું ચાલી રહ્યું હતું એટલે અમે આ નિષ્ફળતાને માથે ચડવા દીધા વિના જ નિર્ણય લીધો કે આગળ વધવું. બીજી બાજુ મારા અને લતેશભાઈ વચ્ચે થોડા ઘણા મતભેદ શરૂ થઈ ગયા હતા. લતેશભાઈની વાત કરું તો તેમણે નક્કી કર્યું કે તેઓ બીજા ધંધામાં પણ ઝંપલાવશે, મારી પાસે તો એવું કંઈ હતું નહીં એટલે હું તો આ જ દિશામાં આગળ વધવાનું નક્કી કરીને ચાલ્યો. મિત્રો, મેં તમને વાત કરી હતી ‘બાઝાર’ ફિલ્મની, જેમાં હું પ્રોડક્શન મૅનેજર હતો અને લતેશભાઈ એમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. આ ફિલ્મના પ્રોડ્યુસર જાણીતા લેખક સાગર સરહદીના ભત્રીજા વિજય તલવાર હતા. સાગર સરહદીએ ‘બાઝાર’ની સફળતા બાદ વિજય તલવારને ડિરેક્ટર તરીકે લૉન્ચ કરવાનું નક્કી કર્યું. એ ફિલ્મનું નામ હતું ‘લોરી’ (હાલરડું). એ ફિલ્મમાં શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, સ્વરૂપ સંપટ અને ફારુક શેખ હતાં. ફિલ્મમાં પરેશ રાવલની પણ નાનકડી ભૂમિકા હતી. આ ફિલ્મ લતેશભાઈએ જોઈ અને તેમણે નક્કી કર્યું કે તેઓ આ ફિલ્મનું બૉમ્બે સર્કિટનું ડિસ્ટ્રિબ્યુશન કરશે. મારો આ વાત સામે વિરોધ હતો. મેં તેમને ખૂબ સમજાવ્યા કે જે બિઝનેસની કોઈ ગતાગમ ન હોય, સમજણ ન હોય એ બિઝનેસમાં આપણે શું કામ ઝંપલાવવું જોઈએ? આમ પણ અમારા બેઉ વચ્ચે નાનામોટા મતભેદ શરૂ થઈ જ ગયા હતા. જોકે સાથે કામ કરતા હો એટલે મતભેદ ઊભા થતા જ હોય અને એમાં કોઈ મોટી કે ખરાબ વાત પણ નથી. જો કોઈ મારા અને મારાં નાટકોના રાઇટર વિનોદ સરવૈયા સાથેના કે મારા પ્રોડક્શન-હાઉસના ડિરેક્ટર વિપુલ મહેતા સાથેના ઝઘડાઓ જુએ તો તે હેબતાઈ જાય, પણ અમારા કોઈ મતભેદ મનભેદ સુધી નથી પહોંચતા. સાથે કામ કરતા હોઈએ, સર્જનાત્મક ક્ષેત્રમાં સાથે જોડાયેલા હોઈએ એટલે સ્વાભાવિક રીતે વૈચારિક મતભેદ સર્જાય. લતેશભાઈ સાથે હું લાંબા સમયથી જોડાયેલો હતો એટલે અમારી વચ્ચે પણ આ પ્રકારના વૈચારિક મતભેદ શરૂ થઈ ગયા હતા, પણ ‘લોરી’એ અમારા બેઉના સંબંધોની ઊંઘ ઉડાડી દીધી. કેવી રીતે એની અને એ સિવાયની બાકીની વાતો કરીશું આવતા અઠવાડિયે.

ફૂડ ટિપ્સ

મિત્રો, મારા નવા નાટક ‘બૈરાઓનો બાહુબલી’નો પ્રીમિયર શો અમે વલસાડમાં કર્યો, પણ એ શો હતો ત્યારે તો અમારી પાસે મરવાનો પણ સમય નહોતો એટલે એ સમયે વલસાડથી હું ફૂડ-ટિપ લીધા વિના જ પાછો આવી ગયો, પણ મેં એ સમયે જ નક્કી કરી લીધું હતું કે વલસાડની વાનગીનો રસાસ્વાદ તમને કરાવવો, કારણ કે મેં તમને વલસાડની કોઈ આઇટમનો સ્વાદ ચખાડ્યો નથી. આ અગાઉ આપણે વલસાડના ઊંબાડિયાની વાત કરી છે, પણ આ ઊંબાડિયું તો છેક સુરત સુધી બધે જ મળતું હોય છે એટલે એને વલસાડનું ઊંબાડિયું તો ન જ કહેવાય.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

પ્રીમિયર શો પછી મારે ફરીથી વલસાડ ત્રીજો શો કરવા જવાનું બન્યું એટલે વલસાડ પહોંચતાની સાથે જ અમારા પ્રમોટર કલ્પેશ દેસાઈ મને વલસાડની ફેમસ જગ્યાએ ફૂડ-ટિપ માટે લઈ ગયા. પહેલાં અમે ગયા ગમનભાઈ ઘારી અને પૅટીસવાળાને ત્યાં. આ દુકાન વલસાડમાં લગભગ ૯૦ વર્ષથી છે અને અદ્ભુત પૅટીસ બનાવે છે. કરકરી અને ગરમાગરમ પૅટીસ લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બન્નેનો સ્વાદ અદ્ભુત છે પણ સાચું કહું પૅટીસથી મારું પેટ ભરાયું નહીં એટલે ત્યાંથી અમે ગયા કોહિનૂરની કચોરી ખાવા, પણ એનો સ્વાદ આવતા અઠવાડિયે.

columnists Sanjay Goradia