બ્રૉડવે માત્ર થિયેટર નહીં, પ્રેરણા છે

26 March, 2023 03:29 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

અમેરિકાના બ્રૉડવેની શરૂઆત ઑપેરાથી થઈ, પણ પછી એમાં શેક્સપિયરનાં નાટકો પણ થયાં અને એ નાટકોમાં કોરિયોગ્રાફી પણ ખાસ ડિઝાઇન કરવામાં આવી, જે બહુ મોટી વાત છે

અમેરિકાના બ્રૉડવે થિયેટર

આપણી વાત ચાલતી હતી બ્રૉડવે થિયેટરની, જેની શરૂઆત થઈ આવતા સોમવારથી શરૂ થનારા અમારા ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ શો’ની વાતથી. એક વખત એ શો શરૂ થઈ જાય પછી તમને એ શોના મેકિંગની ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું, પણ અત્યારે તમને એ શોની નાનકડી રૂપરેખા આપી દઈએ. સિવિલાઇઝેશન ટુ નેશન થીમ પર તૈયાર થયેલો આ શો ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને ડિરેક્ટ કર્યો છે અને શો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે. જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ૩ એપ્રિલથી શરૂ થનારો આ શો ૨૩ એપ્રિલ સુધી ચાલશે. શોની કોરિયોગ્રાફી-ટીમમાં અમે છીએ જ, પણ અમારી સાથે ગેસ્ટ કોરિયોગ્રાફર તરીકે વૈભવી મર્ચન્ટ છે. મ્યુઝિક અજય-અતુલનું છે.  

આપણે ત્યાં બ્રૉડવે થિયેટરનું ખાસ ચલણ નહોતું, પણ એની શરૂઆત હવે થઈ છે એ વાત બહુ સારી છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ’ પહેલાં ફિરોઝ અબ્બાસ ખાને જ જાયન્ટ લેવલ પર ‘મોગલ-એ-આઝમ’ શો તૈયાર કર્યો હતો. આપણે આશા રાખીએ કે આ પ્રકારના શો આપણે ત્યાં બનતા રહે અને વધુમાં વધુ લોકો એ જોવા જાય, જેથી તેમના મનમાં રહેલી થિયેટર માટેની પેલી ટિપિકલ માનસિકતા દૂર થાય. થિયેટર બહુ મોટો શબ્દ છે અને એ તમારે જોવો-જાણવો હોય તો તમારે બ્રૉડવેની હિસ્ટરી જાણવી પડે.

આપણે ત્યાં જેની શરૂઆત હવે છેક થઈ છે એ બ્રૉડવે થિયેટર અમેરિકા અને યુરોપમાં તો સદીઓ પહેલાંથી ચાલે છે. જો હિસ્ટરી જોવા જઈએ તો આ પ્રકારના જાયન્ટ લાઇવ શોની શરૂઆત અઢારમી સદીમાં અમેરિકામાં થઈ હતી. શરૂઆતમાં આ થિયેટરમાં ઑપેરા અને સિમ્ફની શોઝ થતા, પણ પછી એમાં મ્યુઝિકલ નાટકોની શરૂઆત થઈ અને ત્યાર પછી એ બ્રૉડવે તરીકે પૉપ્યુલર થતાં યુરોપમાં પણ એની શરૂઆત થઈ. 

તમને જાણીને નવાઈ લાગશે, પણ એ હકીકત છે કે બ્રૉડવે પર શેક્સપિયરનાં નાટકો લઈ આવવાનું કામ સૌથી પહેલાં અમેરિકાએ કર્યું હતું. બ્રિટનમાં શેક્સપિયરનાં નાટકો થતાં પણ એ નાટકમાં મ્યુઝિક ઍડ કરીને એને જાયન્ટ બનાવવાનું કામ અમેરિકનોએ કર્યું અને એ પછી અગાથા ક્રિસ્ટીની પણ અનેક વાર્તાઓ બ્રૉડવે પર ગઈ. એ નાટકોમાં ક્યાંય કોરિયોગ્રાફીનો યોગ નહોતો, પણ એને લખવામાં જ એ રીતે આવ્યું કે એ બ્રૉડવે લેવલ પર પહોંચે અને આખી વાત કોરિયોગ્રાફી સાથે કહેવાતી રહે.

આ બ્રૉડવે થિયેટર જે છે એ નામ પણ સાવ અનાયાસ જ પડ્યું છે અને એની વાત પણ જાણવા જેવી છે.

જાયન્ટ સ્તર પર પહેલું થિયેટર જે બન્યું એ થિયેટર ન્યુ યૉર્કના મૅનહટન વિસ્તારના બ્રૉડવે વિસ્તારમાં બન્યું. એ થિયેટરનું નામ બોલવામાં થોડું અટપટું હતું એટલે સરળતાથી યાદ નહીં રહેતાં લોકોએ એને બ્રૉડવે થિયેટરનું હુલામણું નામ આપી દીધું અને એ નામ સાથે જ પછી લોકોએ એ થિયેટરને યાદ રાખ્યું. અનાયાસ એવું બન્યું કે બ્રૉડવે પર જ બીજાં થિયેટરો બન્યાં એટલે નૅચરલી બ્રૉડવે નામ બધા માટે તો વાપરી શકાતું નહીં, પણ લોકોએ તરત જ એનો પણ રસ્તો કાઢી લીધો. સરળ કહેવાય એવા ઑડિટોરિયમને બદલે આ પ્રકારના થિયેટરમાં થતા પર્ફોર્મન્સને તેમણે બ્રૉડવે નામ આપી દીધું અને પછી એ જ નામ પૉપ્યુલર થયું. અત્યારે આ વિસ્તારમાં ૪૫ જેટલાં બ્રૉડવે થિયેટર છે અને આ જ કારણે હવે આ આખા વિસ્તારને થિયેટર ડિસ્ટ્રિક્ટ નામ આપી દેવામાં આવ્યું છે. થિયેટર ડિસ્ટ્રિક્ટ આજે એ સ્તરે દુનિયાભરમાં પૉપ્યુલર છે કે અમેરિકા ફરવા જનારાના એ વિશ-લિસ્ટમાં કે પછી ટ્રાવેલ-પ્લાનમાં હોય છે.

આ જે થિયેટર ડિસ્ટ્રિક્ટ છે ત્યાં તમે જુઓ તો તમને અનેક એવા દિગ્ગજ અને ખ્યાતનામ કલાકારો જોવા મળી જાય જે ત્યાંના બ્રૉડવે થિયેટરની મજા માણવા આવ્યા હોય. તમને જાણીને નવાઈ લાગશે કે બ્રૉડવે પર કામ કરતા ઍક્ટર-ડિરેક્ટર અને કોરિયોગ્રાફર્સમાંથી અનેક લોકોને બહુ મોટી તક ફિલ્મોમાંથી આપવામાં આવી હોવા છતાં તેમણે એ દિશામાં જવાનું પસંદ કર્યું નથી અને પોતાની આખી લાઇફ સ્ટેજને આપી દીધી છે. આ જે ડેડિકેશન છે એ ખરા અર્થમાં અદ્ભુત છે અને કદાચ એટલે જ આજે, અહીં, ન્યુ યૉર્કથી હજારો કકિલોમીટર દૂર આપણે એ બ્રૉડવેની વાત કરીએ છીએ.

થિયેટર ડિસ્ટ્રિક્ટમાં તમને હૉલીવુડના અનેક એવા દિગ્ગજ અને ખ્યાતનામ કલાકારો જોવા મળે જે બ્રૉડવે થિયેટરની મજા માણવા આવ્યા હોય. બ્રૉડવે પર કામ કરતા ઍક્ટર-ડિરેક્ટર અને કોરિયોગ્રાફર્સમાંથી અનેકોને બહુ મોટી તક ફિલ્મોમાં મળી હોય છતાં તેમણે એ દિશામાં જવાનું પસંદ કર્યું નથી અને પોતાની આખી લાઇફ સ્ટેજને આપી દીધી છે.

columnists