રશિયા-યુક્રેન વૉર : હવે સમય આવી ગયો છે કે આ મામલે મધ્યસ્થી કરવા કોઈક આગળ આવે

19 June, 2022 11:12 AM IST  |  Mumbai | Manoj Joshi

આજે પણ યુક્રેનમાં શાંતિ નથી અને આજે પણ રશિયામાં નિરાંત નથી

ફાઇલ તસવીર

આમ તો હવે ટીવીએ પણ સમાચાર દર્શાવવાનું બંધ કરી દીધું છે. છૂટાછવાયા ન્યુઝ આવ્યા કરે છે અને એમાં રશિયા-યુક્રેન વૉર વિશે દર્શાવવામાં આવતું રહે છે, પણ એક વાત કહેવાની કે વૉરને ભલે સમાચારમાં સ્થાન નથી, પણ એ ત્યાં ચાલી તો રહ્યું જ છે. આજે પણ યુક્રેનમાં શાંતિ નથી અને આજે પણ રશિયામાં નિરાંત નથી. રશિયા એક ઘા કરે છે તો યુક્રેન બે ઘા કરે છે. આ નિરંતર ચાલતી પ્રક્રિયા બની ગઈ છે અને એની સીધી અસર તમારા દેશથી માંડીને દુનિયાભરના દેશોમાં જોવા મળે છે. સમય આવી ગયો છે કે રશિયા-યુક્રેનના મામલે હવે મધ્યસ્થી કરવા કોઈ આગળ આવે અને એ ચર્ચાનો અંત લાવવામાં આવે.

એકધારા ચાલી રહેલા આ યુદ્ધને કારણે ક્રૂડમાં પણ અછત જોવા મળશે એવી અફવાઓને કારણે લોકો પેટ્રોલ પમ્પ પર લાંબી લાઇન લગાવે એવા વિડિયો આપણે બહુ જોઈ લીધા. પેપરનો ભાવ વધી ગયો એવી ફરિયાદો પણ સાંભળી લીધી. આગળ જતાં ઈંધણ-ગૅસના મામલે પણ આ જ મુદ્દો આવી શકે છે અને બીજી તકલીફોની બાબતમાં પણ આવું જ કહી શકાય. કહેવાનો અર્થ એટલો જ કે હવે સમય છે કે સમાધાનની દિશામાં વાર્તાલાપ થાય. જો એ વાર્તાલાપ નહીં થાય તો તકલીફ ઘર-ઘર સુધી પહોંચશે અને ઘર-ઘર સુધી પહોંચેલી તકલીફ સૌકોઈના જીવનને વધારે કષ્ટદાયી બનાવશે અને અત્યારે એ કષ્ટની કોઈ આવશ્યકતા નથી.

પૅન્ડેમિક પછી શરૂ થયેલી આ નવી ઉપાધિ મોટી થવા ન દેવી એમાં જ શાણપણ છે. ભારત હોય કે અમેરિકા કે પછી દુનિયાની બીજી કોઈ સત્તા, સમય આવ્યો છે કે વહેલી તકે, તાત્કાલિક ધોરણે અને તત્કાળ અસરથી આ બાબતમાં નિવેડો લાવવાની દિશામાં કામ કરે. કામ કરે અને નિવેડો લાવે. હવે ફોન-ટૉકનો અર્થ નથી સરવાનો. હવે નિર્ણાયક સ્તરે પહોંચવું જરૂરી છે.

યુક્રેન-રશિયાના વૉરે અત્યારે જે પરિસ્થિતિ ઊભી કરી છે એ સ્લો-પૉઇઝન જેવી ઊભી કરી છે. ધીમી આંચે તપતી ખીચડી જેવી હાલત ઊભી કરી છે. સ્લો-પૉઇઝન તરત જ પરિણામ નથી આપતું, એ હંમેશાં ધીમે-ધીમે મારવાનું કામ કરે છે અને ધીમે-ધીમે આવતું મોત હંમેશાં વધારે પીડા આપવાનું કામ કરી જાય છે. ધીમી આંચે તપતી ખીચડીનું પણ એવું જ છે. એ તરત જ પાકતી નથી અને એ તરત પાકતી નથી એટલે ભૂખ પણ ધીમે-ધીમે મોટું રૂપ લેતી જાય છે. બહેતર છે કે અત્યારની તાતી જરૂરિયાતને જોવામાં આવે અને એનું નિરાકરણ લાવવામાં આવે.

અમેરિકા અને ભારત બે એવા દેશ છે જે રશિયા-યુક્રેનના કેસમાં આગળ પડતો ભાગ ભજવી શકે છે અને નિર્ણાયક પરિણામ પર બન્ને દેશોને લાવી શકે છે. ભારતે રશિયાના પક્ષે બેસવાની અને અમેરિકાએ યુક્રેનના પક્ષે બેઠક કરવાની જરૂર છે અને આ જરૂરિયાત પારકા પ્રશ્ને જમાદાર થવાના હેતુથી નહીં, પણ ઘરમાં આવનારા પ્રશ્નને અત્યારથી ડામી દેવાના ભાવથી કરવાની છે. યુદ્ધ હવે લાંબો સમય ખેંચાશે તો ચોક્કસ તકલીફનાં વાદળો દુનિયાભરમાં પ્રસરશે. રશિયા અને યુક્રેન જઈને મેડિકલનો અભ્યાસ કરવા માગતા સ્ટુડન્ટ્સનો બધો ભાર તમારા દેશ પર આવવાનો છે અને એ ભાર અત્યારે સહન થઈ શકે એમ નથી એ સૌ જાણે છે.

columnists manoj joshi