વાત જ ન્યારી છે આ વડીલ યોગશિક્ષકની

15 June, 2022 10:30 AM IST  |  Mumbai | Ruchita Shah

આખી દુનિયામાં યોગ શિબિર લઈ ચૂકેલા ૮૦ વર્ષના યોગગુરુ તનુભાઈ ખટાઉ કર્મયોગને એક જુદા જ સ્તર પર જીવી રહ્યા છે. તેઓ યોગ સાથે કેવી રીતે જોડાયાથી લઈને યોગને તેઓ કઈ રીતે મૂલવે છે એ જાણીએ તેમની જ પાસેથી

વાત જ ન્યારી છે આ વડીલ યોગશિક્ષકની

છેલ્લાં પંચાવન વર્ષથી યોગનો ઊંડો અભ્યાસ કરનારા, પ્રેમપુરી આશ્રમથી લઈને મેડિકલ ઇન્સ્ટિટ્યુશનમાં અને આખી દુનિયામાં યોગ શિબિર લઈ ચૂકેલા ૮૦ વર્ષના યોગગુરુ તનુભાઈ ખટાઉ કર્મયોગને એક જુદા જ સ્તર પર જીવી રહ્યા છે. તેઓ યોગ સાથે કેવી રીતે જોડાયાથી લઈને યોગને તેઓ કઈ રીતે મૂલવે છે એ જાણીએ તેમની જ પાસેથી

યોગને ઑથેન્ટિકલી પ્રસ્તુત કરી શકે અને ગુરુશિષ્ય પરંપરા મુજબ આત્મજ્ઞાની ગુરુઓ પાસે યોગની ગહનતા સમજ્યા હોય અને એ પછી પણ ખૂબ જ સાદું જીવન જીવી રહ્યા હોય એવી વ્યક્તિઓ જૂજ કહી શકાય એટલી છે. કાલબાદેવીમાં પત્ની માલતીબહેન સાથે રહેતા ૮૦ વર્ષના તનકકુમાર ખટાઉ ઉર્ફ તનુભાઈ તરીકે જાણીતા એવું જ એક વિરલ વ્યક્તિત્વ છે. તનુભાઈએ અત્યાર સુધીમાં દુનિયાભરના અઢળક દેશોમાં યોગ પાછળ રહેલા વિજ્ઞાન, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનને સાંકળતી શિબિરો કરી છે. થેરપી યોગ અંતર્ગત ડાયાબિટીઝ, આર્થ્રાઇટિસ, સાઇટિકા, હૃદયરોગ જેવી સમસ્યાઓમાં પણ લોકોને યોગાભ્યાસથી ભરપૂર લાભ પહોંચાડ્યો છે. છેલ્લાં ૩૮ વર્ષથી પ્રેમપુરી આશ્રમમાં તેઓ યોગના ક્લાસ લે છે. સાઉથ મુંબઈની મિત્તલ કૉલેજમાં તેઓ મેડિકલ સ્ટુડન્ટ્સને યોગ શીખવે છે અને યોગની થેરપી વિશે જ્ઞાન પીરસે છે. સાયન્સમાં ડબલ ગ્રૅજયુએટ થયેલા તનુભાઈએ એક વર્ષનો રેસિડેન્શિયલ યોગ ડિપ્લોમા કર્યો છે. એ પછીથી ભણવાની, શીખવાની અને શીખવવાની તેમની યાત્રામાં ક્યારેય બ્રેક નથી લાગી. નાની ઉંમરમા સાવ અનાયાસ યોગ સાથે પરિચય કેળવનારા પ્રેરણાનું પાવરહાઉસ ગણી શકાય એવા તનુભાઈએ યોગને પોતાના જીવનનું લક્ષ્ય શું કામ બનાવ્યું અને કઈ રીતે તેઓ પોતાની સાધનામાં આગળ વધી રહ્યા છે એની રસપ્રદ વાતો જાણીએ. 
દરિયામાં મળ્યો માર્ગ
‘લાંબા સમય માટે કોઈ મશીન ચલાવો તો એની બૅટરી ડાઉન થતી હોય છે એ જ રીતે ઉંમર વધે એમ શરીરની પણ બૅટરી ડાઉન થાય, પરંતુ હું મારા ગુરુજી પાસે એવી ટેક્નિક શીખ્યો છું જેમાં યોગના માધ્યમથી ઉંમર વધે એ પછી પણ તમારા શરીરની બૅટરી ડાઉન ન થાય. મારા ગુરુજી ૯૪ વર્ષે પણ એટલા ઍક્ટિવ અને ઊર્જાવાન હતા અને આજે હું પણ છું.’ 
૬૮ વર્ષે યોગમાં ૭૦ ટકા સાથે માસ્ટર્સની ડિગ્રી મેળવનારા તનુભાઈ વાતની શરૂઆત કરે છે. તેઓ કહે છે, ‘૨૬ વર્ષનો હતો ત્યારે મેં યોગાભ્યાસ શરૂ કરેલો. બહુ જ અનાયાસ યોગનો મારા જીવનમાં પ્રવેશ થયો. હું સિલ્વર જ્વેલરીનું ‌ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતો. સાઉથ આફ્રિકાથી શિપમાં રિટર્ન થઈ રહ્યો હતો એ સમયની વાત છે. શિપમાં મેં એક સાધુ મહાત્માને જોયા. દસ દિવસનો પ્રવાસ હતો એટલે થયું કે તેમની સાથે થોડીક વાત કરું. તેમની પર્સનલ કૅબિનમાં તેમની બાજુમાં પંદરેક મિનિટ બેઠો પણ તેઓ કંઈ બોલ્યા નહીં એટલે મેં જ મારા મનમાં રહેલા ત્રણ પ્રશ્નો તેમને પૂછ્યા. એ પ્રશ્નો પણ આજે યાદ છે, પહેલો પ્રશ્ન હતો કે બધા ભગવાન પાછળ આટલા દોડાદોડ કરે છે તો પણ ભગવાન કેમ મળતા નથી? બીજો પ્રશ્ન હતો કે જનોઈમાં ત્રણ ધાગા કેમ હોય છે અને ત્રીજો પ્રશ્ન હતો કે એકાદશીના‌ દિવસે સાબુદાણાનાં વડાં અને રાજગરાનો શીરો ખાવાથી ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય. મારા સવાલોને તેમણે એક-એક કરીને જવાબ આપ્યા જેમાં ત્રણ કલાક નીકળી ગયા. એ પછી મેં તેમને તેમનું નામ જાણી શકું એવું પૂછ્યું તો કહે કે યોગીરાજ યા‌િજ્ઞક. ગુજરાતી જ હતા તેઓ અને છતાં મારા પ્રશ્નોના જવાબ ફાંકડું અંગ્રેજી બોલીને આપ્યા હતા. મેં પૂછ્યું પણ ખરું કે ગુજરાતી છો તો શું કામ અંગ્રેજીમાં જવાબ આપ્યા તો તેઓ કહે કે તારો ફાંકો દૂર કરવા. ડબલ ગ્રૅજ્યુએટ હોવાને નાતે મને મારી ભાષા માટે એ ગુમાન યોગીરાજજીએ તોડી પાડ્યું હતું. અધ્યાત્મ, યોગની દુનિયામાં તેમના જ માર્ગદર્શન હેઠળ આ રીતે મારી યાત્રા શરૂ થયેલી. એ વખતે શિપના દસ દિવસના પ્રવાસમાં લગભગ પચાસથી સાઠ કલાક મેં તેમની સાથે આવા પ્રશ્નોત્તરમાં પસાર કર્યા હશે.’
પોતાના પહેલા ગુરુ યોગીરાજ યા‌િજ્ઞકજીના કહેવા મુજબ જ તેમણે એક વર્ષ માટે રોજનો એક કલાક યોગ કરવાનું શરૂ કર્યું. એમાંથી ધીમે ધીમે પતંજલી યોગસૂત્રનો અભ્યાસ એ પછી યોગ, અધ્યાત્મ, વિજ્ઞાન, મેડિકલ સાયન્સ વગેરેની ડેપ્થ જાણવા માટે એક વર્ષનો રેસિડેન્શિયલ ડિપ્લોમા કોર્સ કૈવલ્યધામમાં કર્યો. એક સમયે તેમને ઘરબાર છોડીને સંન્યાસ લેવાનું મન પણ થઈ ગયું હતું. જોકે યોગીરાજજીએ જ તેમને ઘરના સૌથી મોટા અર્નિંગ મેમ્બર તરીકે એમ કરતા અટકાવ્યા હતા અને સાધક જીવનમાં ધીમે-ધીમે તેઓ આગળ વધ્યા. 
યોગ કસરત નહીં પણ ધર્મ
ગુરુજીની પદ્ધતિસર ટ્રેઇનિંગની વાત કરતાં તનુભાઈ કહે છે, ‘પહેલાં એક વર્ષ મેં આસન-પ્રાણાયામના ક્લાસ ભર્યા અને બધાં આસનો અને પ્રાણાયામને જ્યારે કડકડાટ બોલી શકતો હતો ત્યારે ગુરુજીએ કહ્યું કે આ તો તું પહેલી ચોપડી પાસ થયો. હજી આગળ ઘણું છે અને એ રીતે પાતંજલ યોગસૂત્રની નાની પુસ્તિકાનું વાંચન કરવાનું કહ્યું હતું. ત્યારે ગુરુજી પાસે અને આગળ જતા ડિપ્લોમા કોર્સ દરમ્યાન પણ મળેલા અફલાતૂન શિક્ષકો પાસે અષ્ટાંગ યોગ, હઠયોગ ભણ્યો અને એની પાછળની મહત્તાને પણ સમજ્યો. બહુ જ ગહન અભ્યાસ કર્યો છે અને એવા ગુરુઓ પણ મળ્યા જેને કારણે ફિલોસૉફી પાછળનું વિજ્ઞાન સમજાવી શકતો થયો. એ પછી પ્રેમપુરી આશ્રમમાં ગુરુજીના જ કહેવાથી હું સત્સંગમાં જતો જ્યાં એક કલાક પદ્માસનમાં બેસતો. એ જોઈને ત્યાંના ટ્રસ્ટી મગનલાલ ડ્રેસવાળાએ મને બોલાવ્યો અને પ્રેમપુરીમાં ક્લાસ શરૂ કરવાનું કહ્યું. ત્યારથી લઈને આજ સુધી એ ક્લાસ ચાલુ છે. એક જ વાત હું કહું છું કે યોગ કસરત નથી પણ એક ધર્મ છે. હિન્દુસ્તાનમાં બાર ધર્મ છે. યોગ ધર્મ છે, કારણ કે આત્માથી પરમાત્મા સુધી પહોંચાડે છે. આસનો કરો એટલે શરીર સ્વસ્થ રહે, પછી પ્રાણની સ્થિરતા આવે, પછી મનની સ્થિરતા અને પછી આત્માની સ્થિરતા આવે. આ એક સીડી થઈ ગઈ.’
સાયન્સ અને ફિલોસૉફીનું કૉમ્બિનેશન કરીએ તો નેવું ટકા રોગો મટાડી શકાય એવું માનતા તનુભાઈએ લોકોને ડાયાબિટીઝ, સાઇટિકા, સ્લ‌િપ્ડ ડ‌િસ્ક, ફ્રોઝન શોલ્ડર જેવા અઢળક રોગોમાં ચમત્કારરિક લાભ લોકોને મેળવી આપ્યા છે. બ્રાઝિલનો કૉન્સ્યુલેટને પણ તેમણે સૂચવેલા અભ્યાસ પછી લાભ થયો એટલે તેણે જ તેમને તમામ ખર્ચ ઉઠાવીને પુસ્તક લખવાનું સૂચન આપ્યું જે પછી તેમણે ‘મિરૅકલ ઑફ યોગ’ પુસ્તક લખ્યું છે. એ જ રીતે તેમણે જપાન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુ ઝીલૅન્ડ જેવા વિશ્વના ઘણા દેશોમાં જઈને લગભગ ૨૦૦થી વધુ શિબિરો કરીને લોકોને યોગમાં રહેલા સત્ત્વને દુનિયા સુધી પહોંચતું કર્યું છે. વર્ષો સુધી તેમણે ઓમ સાધના નામના મૅગેઝિનનું સંપાદન અને પ્રકાશન પણ કર્યું છે. 
આટલું સમજી લો
જો યોગને સમજો તો શરીરને ટૅકલ કરવું બહુ જ સરળ છે. સરળ ભાષામાં એમ જણાવીને તનુભાઈ કહે છે, ‘જેમ તમારા ઘરમાં છ લાઇટ હોય તો છએ લાઇટનાં છ જુદાં-જુદાં બટન્સ હોય છે એમ આપણા શરીરમાં પણ છ ચક્ર છે. એ પણ જે-તે અવયવો માટે બટન્સનું કામ કરે છે. જો તમે શરીર સ્થિર કરો એટલે તમારા પ્રાણ સ્થિર થાય અને પ્રાણ સ્થિર થાય એટલે મન પણ સ્થિર થાય અને એ રીતે ધીમે-ધીમે શરીરની અંદર રહેલી શક્તિઓને કામ કરવાની મોકળાશ મળતી હોય છે. સ્વામી ઓમાનંદ સરસ્વતીજી, યોગરાજ યા‌િજ્ઞકજી અને ડૉ. પ્રકાશ ગજ્જર આ મારા ગુરુજીઓ છે જેમનો મારા પર ખૂબ જ ઉપકાર રહ્યો છે. છેલ્લા શ્વાસ સુધી યોગસાધના કરવી અને જે પણ સમજણ છે એને લોકો સુધી સાચી રીતે પહોંચાડવી એ લક્ષ્ય સાથે જીવું છું અને આત્મજ્ઞાનની એ ક્ષણની રાહ જોઉં છું.’

આ ટિપથી માઇન્ડને સ્થિર કરો

જપાનમાં જઈને માઇન્ડને સ્થિર કેમ કરવું એની વર્કશૉપ લેનારા તનુભાઈ ખટાઉ મનને સ્થિર કરવાની એક મહત્ત્વપૂર્ણ ટેક્નિક શૅર કરતાં કહે છે, ‘શ્વાસને ખેંચો ત્યારે એટલે કે ઇન્હેલ કરો ત્યારે પરમાત્માની શક્તિ તમારી અંદર આવે છે એવા ભાવ મનમાં લાવો. એ પછી જ્યારે શ્વાસને રોકો ત્યારે મનમાં ભાવ લાવો કે મારું મન સ્થિર થાય છે અને શ્વાસ છોડતી વખતે મનમાં ભાવ લાવો કે વાસના, વિકારો મારામાંથી બહાર જઈ રહ્યા છે. આ ભાવ સાથે શ્વસન કરશો તો સો ટકા એનો લાભ થશે. તમે જો મનમાં એમ રાખો કે મારામાંથી ક્રોધ બહાર જઈ રહ્યો છે, સતત આ ભાવ સાથે રોજનું ત્રણ ટાઇમ દસ-દસ વાર શ્વસન કરો તો એકાદ-બે મહિનામાં જ તમારા ક્રોધની તીવ્રતા બહુ જ ઘટી જશે.’

યોગશાસ્ત્ર શીખવું છે? 
તનુભાઈ ખટાઉ રોજ રાતે આઠથી નવ દરમ્યાન યોગશાસ્ત્ર પર નિઃશુલ્ક ક્લાસ લે છે. તમે પણ આ ક્લાસમાં જોડાવા માગતા હો તો ઝૂમ પર Meeting ID: 545 415 2646 અને 
Passcode: yoga 
દ્વારા જોડાઈ શકો છો.

columnists ruchita shah yoga